Fate and Karma : શું ખરેખર નસીબમાં લખ્યું હોય એટલું જ મળે?
Fate and Karma : શ્રીમદ્ ભગવદ્ ગીતા-Bhagavad Gita માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર માનવજાતને જીવનનો સૌથી મોટો મંત્ર આપે છે:
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન | મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙ્ગોઽસ્ત્વકર્મણિ ||
(અધ્યાય ૨, શ્લોક ૪૭)
તારો અધિકાર માત્ર 'કર્મ' કરવા પર છે, તેના 'ફળ' પર ક્યારેય નહીં. આ આધ્યાત્મિક સત્ય જ આપણને સમજાવે છે કે આપણે ભલે ગમે તેટલો પુરુષાર્થ કરીએ, પણ તેનું પરિણામ આપણા 'પ્રારબ્ધ' (ભાગ્ય) અને 'ઈશ્વરીય સ્વીકાર' પર નિર્ભર કરે છે.
ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે જો બધું નસીબથી જ મળવાનું હોય, તો મહેનત શા માટે? અને જો મહેનતથી જ બધું મળતું હોય, તો ભગવાનની પૂજા શા માટે? આ દ્રષ્ટાંત આપણને સમજાવે છે કે કર્મ એ આપણું સામર્થ્ય છે, પણ ભાગ્ય એ આપણું પાત્ર છે.
એક વ્યક્તિ એક દિવસ લોટો લઈને પાણી ભરવા નીકળ્યો. તે કૂવા પાસે પહોંચ્યો, પણ તેને લાગ્યું કે તળાવ કૂવા કરતાં મોટું હોય છે. તે તળાવ પાસે ગયો, પછી વિચાર આવ્યો કે નદી તો તળાવ કરતાં પણ મોટી હોય છે. નદીએ પહોંચ્યો ત્યારે વિચાર્યું કે સમુદ્રમાં તો અનંત પાણી છે – ચાલો ત્યાં જ જઈએ જ્યાં સૌથી વધુ જળ હોય.
તે સમુદ્ર કિનારે પહોંચ્યો. ત્યાં ખરેખર જળ જ જળ હતું, પરંતુ જ્યારે લોટો ભરવાનો વારો આવ્યો ત્યારે તેને સમજાયું કે સમુદ્ર ભલે ગમે તેટલો વિશાળ હોય, પણ તેના લોટામાં તો એટલું જ પાણી આવશે જેટલી તેની ક્ષમતા છે.
Fate and Karma - લોટો એ આપણા ભાગ્યનું પ્રતીક
આપણે ગમે તેટલી મોટી જગ્યાએ પહોંચીએ, પણ આપણા ભાગ્યનું પાત્ર એટલું જ ગ્રહણ કરી શકે છે જેટલું તેમાં સમાઈ શકે. ભગવાન તો અનરાધાર આપવા બેઠા ચ્હે પણ આપણે હાથમાં ચમચી લઈને ઊભા છીએ.
તુલસીદાસજી પણ કહે છે: જહાં-જહાં જાએ તુલસી, સરિતા, કૂપ, સમુદ્ર. જલ બૂંદ ન અધિક સમાય, મિલિ હી રહૈ દુર્બુદ્ધ.
Fate and Karma : જો ભાગ્ય મુજબ જ મળતું હોય, તો ભગવાનની જરૂર શું છે?
તર્ક એમ કહે છે કે જો કર્મથી ભાગ્ય બને છે અને ભાગ્યથી ફળ મળે છે, તો પછી ભગવાનને શા માટે માનવા?
મહાપુરુષોએ આનો બહુ સુંદર ઉત્તર આપ્યો છે: કર્મનું ફળ ચોક્કસ મળે છે, પણ કર્મ પોતે ફળ આપવા માટે સક્ષમ નથી.
ઉદાહરણ: એક વિદ્યાર્થીએ ખૂબ મહેનત કરી ડિગ્રી મેળવી. શું માત્ર ડિગ્રી હોવાથી નોકરી મળી જાય છે? ના. જ્યારે કોઈ સંસ્થા તેની યોગ્યતાનો સ્વીકાર કરે છે, ત્યારે જ તેને નોકરી મળે છે. એટલે કે, ભણવું એ 'કર્મ' છે, પણ ફળ ત્યારે જ મળે છે જ્યારે કોઈ તેનું મૂલ્ય સ્વીકારે. તેવી જ રીતે, ભગવાન આપણા કર્મોનો સ્વીકાર કરીને જ આપણને તેનું ફળ આપે છે.
વિચાર કરો – આ સૃષ્ટિનો માલિક, જેને આપણા કોઈ કર્મની જરૂર નથી, તે છતાં તે આપણા નાના-નાના કર્મોને સ્વીકારીને આપણને ફળ આપે છે. આ જ તેની અનંત કરુણા અને કૃપા છે. એટલે જ આપણે ભગવાનને માનવા જોઈએ.
સંત તુકારામજીના જીવનના પ્રેરક પ્રસંગો
૧. ખાલી ખેતરમાં પાકનો અંબાર: એક વ્યક્તિએ સંત તુકારામજીને પોતાના ખેતરની રખેવાળી સોંપી. પણ પાક લણણીના સમયે જોયું તો ખેતરમાં કંઈ બચ્યું જ નહોતું (પક્ષીઓ ચણી ગયા હતા). ગુસ્સે ભરાયેલી તે વ્યક્તિ નુકસાનની ભરપાઈ માંગવા લાગી. તુકારામજીએ શાંતિથી કહ્યું – "ખેતર કપાવો." લોકો હસવા લાગ્યા કે જ્યાં તણખલું નથી ત્યાંથી શું નીકળશે? પણ જ્યારે ખેતર લણવામાં આવ્યું ત્યારે ચમત્કાર થયો! જમીનમાંથી પુષ્કળ અનાજ નીકળ્યું – પૂરા ૨૫ મણ! જ્યાં કંઈ નહોતું ત્યાં ભગવાનની કૃપા વરસી.
૨. પ્રતિકૂળતામાં પણ પ્રસન્નતા: એકવાર તુકારામજી શેરડી વેચવા નીકળ્યા. રસ્તામાં ગરીબ બાળકો (ગોપાલ)ને જોઈ બધી શેરડી ખવડાવી દીધી. ઘરે પહોંચ્યા ત્યારે માત્ર એક શેરડી વધી હતી. પત્ની ક્રોધિત થઈ અને તે શેરડી તુકારામજીની પીઠ પર મારી. શેરડીના બે ટુકડા થઈ ગયા. તુકારામજી હસીને બોલ્યા – "હવે આપણી પાસે બે શેરડી છે, એક તું ખા અને એક હું."
કોઈએ પૂછ્યું – "તમને ગુસ્સો કેમ ન આવ્યો?" તુકારામજીએ કહ્યું: "જો પત્ની અનુકૂળ હોત તો મારું મન સંસારમાં લાગી જાત. પ્રતિકૂળ મળી છે એટલે જ મારું મન હંમેશા ભગવાનમાં પરોવાયેલું રહે છે."
નરસિંહ મહેતાની પત્નીનું અવસાન થયું ત્યારે તેઓ પણ બોલ્યા હતા – "ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાલ."
જીવનનો સાર: કૃપાને ઓળખો
આ તમામ સંતોએ વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભગવાનની કૃપા જોઈ. આપણે કેમ નથી જોઈ શકતા? દરરોજ આટલું વિચારો:
મને શું મળ્યું છે?
જે મળ્યું છે તે કોણે આપ્યું છે?
પરિવાર, શરીર, સંપત્તિ, સ્વાસ્થ્ય – આ બધું આપણું નથી, પણ ઈશ્વરની દેણ છે.
કર્મ કરવું એ મનુષ્યનો ધર્મ છે, પણ તે કર્મને ફળમાં પરિવર્તિત કરવું એ ઈશ્વરનું વિધાન છે. સંત તુકારામ કે નરસિંહ મહેતા જેવા મહાપુરુષો આપણને શીખવે છે કે જ્યારે આપણે કર્મના ફળની ચિંતા છોડીને 'કર્તા' તરીકે ભગવાનનો સ્વીકાર કરીએ છીએ, ત્યારે પ્રતિકૂળતા પણ અનુકૂળ બની જાય છે.
જીવનમાં જ્યારે આપણી ઈચ્છા મુજબ થાય ત્યારે તેને 'ભગવાનની કૃપા' માનો, અને જ્યારે આપણી ઈચ્છા મુજબ ન થાય ત્યારે તેને 'ભગવાનની ઈચ્છા' માનો. ભાગ્યના લોટામાં કેટલું પાણી આવશે એ આપણા હાથમાં નથી, પણ તે લોટાને લઈને સમુદ્ર (પરમાત્મા) સુધી પહોંચવું એ જ સાચું જીવન છે. જે વ્યક્તિ ઈશ્વરને ફળ આપનાર માનીને તેનું શરણ સ્વીકારે છે, તેને ક્યારેય કોઈ અભાવ નડતો નથી.
આ પણ વાંચો: Somnath Swabhiman Parv: "3000 જેટલા ઋષિકુમારો દ્વારા 72 કલાક અખંડ ઓમકાર જાપ"


