Hanumanji : હનુમાનજીને કેમ મળ્યું અમરત્વનું વરદાન?
Hanumanji : હનુમાનજીને સીતા માતાએ આપેલા અષ્ટ સિદ્ધિ અને અમરત્વના વરદાન વિશે જાણો. વાંચો બજરંગબલીની પ્રભુ રામ પ્રત્યેની ભક્તિ અને તેમનો અત્યંત દુર્લભ ધ્યાન મંત્ર.
आंजनेयमतिपाटलाननं कांचनाद्रिकमनीयविग्रहम् ।
पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम् ॥
હનુમાનજીના યુદ્ધવીર કે રૌદ્ર સ્વરૂપને બદલે તેમના પરમ શાંત, ધ્યાની અને ભક્તિમય સ્વરૂપનાં દર્શન કરાવવામાં આવ્યા છે. કવિ કલ્પના કરે છે કે જાણે સોનાના પર્વત જેવો ભવ્ય દેહ ધરાવતા અને રતુમડા મુખવાળા મહાબલી હનુમાન શાંતિથી પારિજાત વૃક્ષની નીચે બિરાજમાન છે. પારિજાત એ સ્વર્ગનું વૃક્ષ છે, જે કલ્પવૃક્ષ સમાન છે. તેની નીચે બેસીને હનુમાનજી પોતાના આરાધ્ય પ્રભુ શ્રીરામનું નિરંતર સ્મરણ કરી રહ્યા છે.
Hanumanji : અષ્ટ ચિરંજીવીઓમાં એક અત્યંત દિવ્ય અને જ્વલંત નામ
ભારતીય સનાતન ધર્મની પુણ્યમયી ધરા પર આઠ મહાન આત્માઓને 'ચિરંજીવી' અર્થાત્ અમરત્વનું અમોઘ વરદાન પ્રાપ્ત છે. આ અષ્ટ ચિરંજીવીઓમાં એક અત્યંત દિવ્ય અને જ્વલંત નામ છે - સંકટમોચન મહાબલી હનુમાન. ત્રેતાયુગમાં જ્યારે રઘુકુળભૂષણ શ્રીરામ-Shri Ram અને શેષાવતાર લક્ષ્મણ-Laxaman રણભૂમિમાં મૂર્છિત અવસ્થામાં હતા, ત્યારે તેમના પ્રાણ બચાવવા કાજે સમગ્ર દ્રોણગિરિ પર્વતને હથેળી પર ઊંચકી લાવીને તેમણે પોતાના 'મહાબલી' હોવાનું અદભુત પ્રમાણ આપ્યું હતું. હનુમાનજી માત્ર શક્તિના જ નહીં, પરંતુ અનન્ય ભક્તિ અને અષ્ટસિદ્ધિ તથા નવનિધિના દાતા પણ છે.
માતા જાનકીના આશીર્વાદ અને અમરત્વની પ્રાપ્તિ
ગોસ્વામી તુલસીદાસ રચિત 'રામચરિતમાનસ'માં એ અદ્ભુત પ્રસંગનું આલેખન છે કે જ્યારે પવનપુત્ર હનુમાન અશોક વાટિકામાં પ્રભુ શ્રીરામનો સંદેશો લઈને પહોંચે છે. પોતાના પ્રાણનાથના સમાચાર સાંભળતા જ વિરહની અગ્નિમાં તપતાં માતા સીતાના હૃદયમાં અસીમ આનંદની હેલી ઊઠે છે. ભક્તિ, પ્રતાપ, તેજ અને અતુલિત બળથી સુશોભિત હનુમાનજીની અમૃતમય વાણી સાંભળીને વૈદેહીના મનના સર્વ સંતાપ અને દુઃખ શમી જાય છે.
ભગવાન શ્રીરામના આ પરમ પ્રિય ભક્ત પર સ્નેહ વરસાવતાં જગતજનની સીતા આશીર્વાદ આપે છે કે, "હે પુત્ર! તું બળ અને શીલનો નિધાન થા. તું અજર, અમર અને સર્વ ગુણોથી સંપન્ન થા. શ્રી રઘુનાથજી તારા પર સદાય પોતાની અવિરત કૃપા વરસાવતા રહે." માતા સીતા, જે સ્વયં સાક્ષાત્ લક્ષ્મીનું સ્વરૂપ છે, તેમણે જ બજરંગબલીને અષ્ટસિદ્ધિઓ અને અમરત્વનું અખૂટ વરદાન આપ્યું હતું.
સમર્પણની પરાકાષ્ઠા અને ભક્તિનો અનોખો રંગ
માતા સીતાને દશાનન રાવણની કેદમાંથી મુક્ત કરાવવા માટે ભવાનીપુત્રે સુવર્ણ લંકાને ભસ્મીભૂત કરી દીધી. વાનરસેનાની સહાયથી અફાટ સાગર પર રામનામના પાષાણોથી સેતુનું નિર્માણ કર્યું. રાવણના વધ પશ્ચાત્ જ્યારે ભગવાન રામ અયોધ્યા-Ayodhya પરત ફરે છે, ત્યારે હનુમાનજી પોતાના પ્રભુની ચરણસેવામાં પૂર્ણતઃ લીન થઈ જાય છે. રામનામનો અજપા જાપ અને રામની સેવા જ તેમના અસ્તિત્વનું પરમ લક્ષ્ય બની જાય છે.
પ્રભુ પ્રત્યેના તેમના અગાધ સ્નેહની પ્રતીતિ એક હૃદયસ્પર્શી પ્રસંગમાં થાય છે. એકદા માતા સીતા પોતાના સેંથામાં સિંદૂર પૂરી રહ્યાં હતાં. જિજ્ઞાસાવશ હનુમાને પૂછ્યું કે, "માતા! આ સિંદૂર શા કાજે લગાવાય છે?" સીતાજીએ મલકાતાં ઉત્તર આપ્યો કે, "પ્રભુ શ્રીરામના દીર્ઘાયુષ્ય અને પ્રસન્નતા માટે." આટલું સાંભળતા જ પોતાના આરાધ્યના આયુષ્યમાં વૃદ્ધિ કરવાની ઘેલછામાં હનુમાનજીએ પોતાના સંપૂર્ણ દેહ પર સિંદૂરનો લેપ કરી દીધો! પ્રભુ શ્રીરામ પ્રત્યેના આવા નિષ્કામ અને નિર્દોષ પ્રેમને કારણે જ તેઓ 'સિંદૂરિયા હનુમાન' તરીકે પૂજાયા.
કળિયુગમાં હનુમાનજીની ચિરંજીવી ઉપસ્થિતિ
જ્યારે ત્રેતાયુગના અંતે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે પોતાની લીલા સંકેલીને સ્વર્ગારોહણની તૈયારી કરી, ત્યારે અયોધ્યાની પ્રજા, વાનરસેના અને સમસ્ત ભક્તજનો પણ તેમની સાથે વૈકુંઠ જવા તત્પર થયા. હનુમાનજીના હૃદયમાં પણ પ્રભુના ચરણોમાં જ રહેવાની ઝંખના હતી. પરંતુ, ભક્તવત્સલ શ્રીરામે તેમને આજ્ઞા કરી કે, "હે મારૂતિ! જ્યાં સુધી આ પૃથ્વી પર રામકથાનું ગાન થાય અને કળિયુગનો અંત ન આવે, ત્યાં સુધી તમે આ ધરા પર જ બિરાજમાન રહી મારા ભક્તોનું રક્ષણ કરજો." પ્રભુની આજ્ઞાને શિરોધાર્ય કરીને હનુમાનજી આજે પણ આ ધરતી પર હાજરાહજૂર છે, અને ભક્તોના આર્તનાદ સાંભળી તેમના સઘળા મનોરથ પૂર્ણ કરે છે.
અષ્ટસિદ્ધિઓનો તાત્પર્ય અને મહાત્મ્ય
માતા સીતા દ્વારા પ્રાપ્ત આઠ સિદ્ધિઓ હનુમાનજીને અસીમ શક્તિઓનો સ્વામી બનાવે છે. આધ્યાત્મિક પરિભાષામાં આ સિદ્ધિઓનું વર્ણન નીચે મુજબ છે:
1.અણિમા: પોતાના દેહને એક સૂક્ષ્મ અણુ સમાન નાનો કરી દેવાની અને અદૃશ્ય થવાની દિવ્ય શક્તિ.
2.મહિમા: અણિમાથી તદ્દન વિપરીત; સાધક પોતાની ઇચ્છાનુસાર પોતાના શરીરને બ્રહ્માંડ જેવો અત્યંત વિશાળ અને વિરાટકાય બનાવી શકે છે.
3.ગરિમા: આ સિદ્ધિ દ્વારા સાધક પોતાના શરીરનું વજન અસીમિત રીતે એટલું બધું વધારી શકે છે કે દુનિયાની કોઈ પણ શક્તિ તેને પોતાના સ્થાનેથી ચલિત ન કરી શકે.
4.લઘિમા: શરીરને અત્યંત હલકું અને ભારવિહીન કરી દેવાની શક્તિ, જેથી પવન કરતાં પણ વધુ તીવ્ર ગતિએ વિહાર કરી શકાય.
5.પ્રાપ્તિ: કોઈપણ ભૌતિક કે અભૌતિક અવરોધ વિના, ઇચ્છિત સ્થળે આંખના પલકારામાં પહોંચી જવાની ક્ષમતા.
6.પ્રાકામ્ય: કોઈપણ વ્યક્તિના મનના અતળ ઊંડાણમાં રહેલી વાતને કે તેના વિચારોને સહજતાથી પામી જવાની સિદ્ધિ.
7.ઇશિત્વ: આ એક પરમ દિવ્ય પદવી છે. આ સિદ્ધિ પ્રાપ્ત થતાં સાધક સ્વયં ઈશ્વરતુલ્ય બની જાય છે.
8.વશિત્વ: જગતના કોઈપણ જીવને પોતાના વશમાં કરવાની અને તેને પોતાનો દાસ બનાવવાની અદ્વિતીય ક્ષમતા.
મહાબલી હનુમાન એ માત્ર એક શક્તિશાળી દેવતા નથી, પરંતુ તે જ્ઞાન, વૈરાગ્ય, સમર્પણ અને પરાકાષ્ઠાએ પહોંચેલી ભક્તિનું જીવંત અને શાશ્વત પ્રતીક છે. જ્યાં જ્યાં પ્રભુ શ્રીરામની કથાનું ગાન થાય છે, ત્યાં ત્યાં અદૃશ્ય રૂપે પવનપુત્ર અશ્રુપૂરિત નેત્રો સાથે ઉપસ્થિત રહે છે. અષ્ટસિદ્ધિ અને નવનિધિના સ્વામી હોવા છતાં, અહંકારશૂન્ય બનીને સદાય પ્રભુના દાસ બની રહેવું, એ જ હનુમાનજીની સર્વોચ્ચ મહાનતા છે. કળિયુગના આ કઠિન કાળમાં માત્ર તેમના સ્મરણથી જ મનુષ્યના સર્વ ભય અને કષ્ટો હરાઈ જાય છે.
આ પણ વાંચો : Mahamrityunjay Mantra : મૃત્યુના ભય પર વિજય અને અસાધ્ય રોગોનો રામબાણ ઈલાજ

