Kashtbhanjan Dev Salangpur : સાળંગપુર દાદાને સુખડી જ કેમ ચડે?
Kashtbhanjan Dev Salangpur : સાળંગપુર હનુમાનજીને સુખડીનો પ્રસાદ કેમ ચઢાવાય છે? જાણો ગામના ‘ભૂખડી’ના મેણાને ભાંગીને સદા માટે ‘સુખડી’ (સમૃદ્ધિ) લાવનારા ગોપાળાનંદ સ્વામીના વચનોની રોચક કથા
ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં શ્રી હનુમાનજી મહારાજ અપ્રતિમ શક્તિ, અખંડ ભક્તિ અને પરમ દાસત્વના સર્વોચ્ચ પ્રતીક છે. વાલ્મીકિ રામાયણથી લઈને ગોસ્વામી તુલસીદાસ રચિત શ્રી રામચરિતમાનસ સુધી, હનુમાનજીના મહિમાનું ગાન પ્રત્યેક પૃષ્ઠ પર જોવા મળે છે. રામચરિતમાનસના સુંદરેકાંડમાં હનુમાનજીને 'અતુલિતબલધામં' એટલે કે અતુલનીય બળના સ્વામી અને સંકટોને હરનારા કહ્યા છે. તુલસીદાસજી લખે છે:
कवन सो काज कठिन जग माहीं। जो नहिं होइ तात तुम पाहीं॥
જગતમાં એવું કયું કઠિન કાર્ય છે જે હનુમાનજી માટે અશક્ય હોય? તેઓ માત્ર પ્રભુ શ્રી રામના પરમ દૂત નથી, પરંતુ શરણાગત વત્સલ દેવ છે, જે પોતાના ભક્તોના તમામ આર્થિક, શારીરિક અને માનસિક કષ્ટો પલભરમાં કાપી નાખે છે.
પરમ પવિત્ર, દિવ્ય અને ચમત્કારિક ધામ એટલે સાળંગપુર
પવનપૂત્ર હનુમાનજી(Hanumanji )નું પરમ પવિત્ર, દિવ્ય અને ચમત્કારિક ધામ એટલે સાળંગપુર, જ્યાં હનુમાનજી દાદા 'કષ્ટભંજન દેવ' (Kastabhanjandev) તરીકે બિરાજમાન છે. આપણે સૌ જાણીએ છીએ કે સાળંગપુરમાં હનુમાનજીને 'સુખડી'નો થાળ ધરાવવામાં આવે છે, પરંતુ તેની પાછળ એક અનેરો મહિમા અને રોચક ઈતિહાસ સંકળાયેલો છે.
Kashtbhanjan Dev Salangpur :સંતોનો અનાદર અને સાળંગપુર પર આવેલી વિપત્તિ
વર્ષો પૂર્વે સાળંગપુરના પટેલો વ્યાપાર અર્થે ગાડાઓ લઈને ધોલેરા ગયા હતા. એ સમયે ધોલેરા એક બંદર હતું. ત્યાંના સ્વામિનારાયણ મંદિરે આ પટેલોએ રાતવાસો કર્યો હતો. મંદિરના સંતોને સાળંગપુર આવવાની ઈચ્છા થઈ, પરંતુ એક ઈર્ષાળુ વ્યક્તિની કાન ભંભેરણીને લીધે આ હરિભક્તો સંતોને લીધા વગર જ સાળંગપુર ચાલ્યા ગયા. પરિણામે, સંતોના અનાદરનો ભોગ સાળંગપુર ગામ બન્યું અને ગામમાં ભારે દુષ્કાળ પડ્યો.
ગોપાળાનંદ સ્વામીનો સંકલ્પ અને અદ્ભુત મૂર્તિની સ્થાપના
ગામમાં જ્યારે આ કફોડી સ્થિતિ હતી, તે સમયે સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામી સત્સંગ-પ્રચારાર્થે વિચરણ કરતાં કરતાં બોટાદ પધાર્યા હતા. ગામના દરબાર વાઘા ખાચરે સ્વામીજીને આ પરિસ્થિતિથી વાકેફ કર્યા અને કહ્યું કે અમારે ત્યાં બે પ્રકારના કાળ પડ્યા છે. તેમણે જણાવ્યું કે ગામમાં ૩ વર્ષથી વરસાદ નથી અને બીજી બાજુ ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે કોઈ સંતો પણ અહીં આવતા નથી.
દરબાર વાઘા ખાચરની આ મનોવ્યથા જાણીને આર્ષદ્રષ્ટા સ્વામીજીએ આશ્વાસન આપતા કહ્યું કે, "તમારા આર્થિક દુઃખ ટાળવા અમે દેવ આપીશું". આ વચન આપતાની સાથે જ તેમણે તુરંત અનંત જીવોના દુઃખ દૂર કરે તેવા કષ્ટભંજન હનુમાનજીને પધારવાનો તત્કાળ શુભ સંકલ્પ કર્યો. સ્વામીજી ખુદ એક સારા એવા ચિત્રકાર હતા. સમગ્ર જગતમાં એકમાત્ર હસતા અને દંતદર્શન કરાવતા કષ્ટભંજન હનુમાનજીની જે મૂર્તિ આજે મંદિરમાં બિરાજમાન છે, તેને પથ્થર પર ખુદ સ્વામીજીએ જ દોરી આપી હતી અને ત્યારબાદ કાના કડિયાએ તેને મૂર્તિમાં કંડારી હતી.
'ભૂખડી'માંથી 'સુખડી' સુધીની દિવ્ય સફર
મૂર્તિની સ્થાપના સમયે હરિભક્તોએ સ્વામીજીને વ્યથા ઠાલવતા કહ્યું કે, ધોલેરાના સંતોએ અમને ‘ભૂખડી’ (ભૂખથી પીડાતા) હોવાનું મેણું માર્યું હતું. જોકે હકીકતમાં તે વાત પેલા ઈર્ષાળુ વ્યક્તિએ જ ઉપજાવી કાઢી હોવાની હરિભક્તોને બાદમાં જાણ થઈ હતી. તેમ છતાં સાળંગપુરમાં જ્યારે આ ભૂખમરા જેવી સ્થિતિ આવી ત્યારે સ્વામીજીએ ગામના ભવિષ્યને આશીર્વાદ આપતા કહ્યું કે, સાળંગપુરમાં હવે ક્યારેય ‘ભૂખડી’ (ભૂખમરો) નહીં આવે, પરંતુ હંમેશા ‘સુખડી’ (સુખ-સમૃદ્ધિ) આવશે.
સ્વામીજીના આ દિવ્ય મુખના વેણ સાથે જ એ દિવસથી હનુમાનજીના થાળમાં સુખડીનો પ્રસાદ ધરાવવાનું શરૂ થઈ ગયું, જે પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધાભેર યથાવત છે. સ્વામીજીની આ વાત અક્ષરશઃ સાચી પડી છે, કારણ કે એ ઐતિહાસિક ઘટના બાદ ક્યારેય પણ સાળંગપુરમાં ભૂખમરો આવ્યો નથી.
આ પણ વાંચો : Power of Prayer : હજાર અપેક્ષાઓની ભીડમાં ઈશ્વર તમારી કઈ પ્રાર્થના સાંભળે?

