Krushna : ભગવાન હોય તો કૃષ્ણ જેવો
- Krushna : જ્યારે ભગવાન ભક્તના સખા બને છે, ત્યારે તે તેના માટે કાયદા પણ તોડે છે. સુભદ્રા હરણ પ્રસંગ દ્વારા સમજો શ્રીકૃષ્ણની અધિકારવાણી અને અર્જુન સાથેના તેમના અજોડ સંબંધનું આધ્યાત્મિક રહસ્ય.
Krushna : ભગવાન આપણા સંબંધો પહેલાથી જ બાંધી દે છે. આ પૃથ્વી પર આપણને મળતા દરેક સંબંધો કાં તો શ્રેયસ્કર હોય છે અથવા તો આપણા જીવનમાં મોટો વળાંક લાવનારા 'ટર્નીંગ પોઈન્ટ' હોય છે. આપણે એ સંબંધોને નામ આપવા મથીએ છીએ, પણ અનિવાર્યતા એ નથી કે દરેક સંબંધને એક ચોક્કસ નામ મળે. નામ વગરના સંબંધો ક્યારેક વધુ ગાઢ હોય છે, કારણ કે તેને કોઈ સામાજિક મર્યાદા નથી નડતી.
Krushna : નરસૈયો અને કૃષ્ણ: માયાનું બંધન
નરસિંહ મહેતા-Narsinh Mehta જેવા પરમ ભક્તને ભગવાને જો માયામાં ન બાંધ્યો હોત તો ન ચાલત? ચોક્કસ ચાલત, પણ એમાં એક ગુઢ સંકેત હતો. નરસૈયાના મામેરા વખતે શામળિયો બનીને કૃષ્ણ જ્યારે દોડે છે, ત્યારે તે સાબિત કરે છે કે, “હું હજી ય હું એ જ કૃષ્ણ છું જે અર્જુન માટે હતો.”
નરસૈયો મામેરામાં ભક્તિના નશામાં ચૂર થઈ કરતાલ વગાડતો રહે અને ભગવાન મામેરું ભરી પણ જાય! ભક્ત ભલે એ દર્શનથી વંચિત રહી જાય, પણ કૃપા એવી વરસે કે દુનિયા જોતી રહી જાય.
Krushna : અર્જુન માટેનું ઈશ્વરીય કાવતરું
મહાભારતના અનેક પ્રસંગોમાં 'સુભદ્રા હરણ' એક અનોખો પ્રસંગ છે. હકીકતમાં એ હરણ નહોતું, પણ કૃષ્ણ દ્વારા રચાયેલું એક સ્નેહ-ષડયંત્ર હતું. આ નિર્ણય સુભદ્રાના પોતાના કે યાદવોના હિત માટે નહોતો, પણ માત્ર અને માત્ર અર્જુન-Arjun ના હિતને લક્ષ્યમાં રાખીને કરાયો હતો. ભક્તિમાં જ્યારે ભક્ત એક હદ પાર કરે ત્યારે ભગવાન તેનો સખા બની જાય છે. અને મિત્ર માટે ભગવાન કાયદા તોડવા કે સ્વજનોનો વિરોધ વહોરવા પણ તૈયાર થઈ જાય છે.
જ્યારે અર્જુન સુભદ્રાને લઈને રથ પર હસ્તિનાપુર તરફ ભાગ્યો, ત્યારે દ્વારિકામાં હાહાકાર મચી ગયો. મહારથી અને 'પુરુષવ્યાઘ્ર' જેવા વૃષ્ણી અને અંધક વંશના રાજવીઓ ક્રોધથી લાલપીળા થઈ ગયા. બલરામજીએ તો અત્યંત ક્રોધિત થઈને જે શબ્દો ઉચ્ચાર્યા તે વ્યાસજીએ સુંદર રીતે નોંધ્યા છે:
कथं हि शिरसो मध्ये पदं तेन कृतं मम | मर्षयिष्यामि गोविन्द पादस्पर्शमिवोरग: ||
"હે ગોવિંદ! એણે મારા મસ્તક પર લાત મારી છે. જેમ સર્પ બીજાના પગનો સ્પર્શ સહન નથી કરી શકતો, તેમ હું પણ આ સહન નહીં કરી શકું."
કૃષ્ણની અધિકારવાણી અને રથનું રહસ્ય
ત્યાર સુધી શાંત બેઠેલા કૃષ્ણ હવે અર્જુનની ઢાલ બનીને ઊભા રહે છે. કૃષ્ણ કહે છે કે અર્જુને કુળનું અપમાન નથી કર્યું, પણ સુભદ્રા જેવી યશસ્વિની છે એવો જ અર્જુન ગુણીયલ છે. અને પછી કૃષ્ણ જે અધિકારવાણી ઉચ્ચારે છે તે સમજવા જેવી છે:
स च नाम रथस्तादृङ् मदीयास्ते च वाजिन: | स च योद्धा जगन्नाथ: को नु तं प्रतिबाधते ||
"એક તો એવો (દિવ્ય) રથ છે અને ઉપરથી મારા (શ્રીકૃષ્ણના) અશ્વો છે; વળી, યોદ્ધો પણ સાક્ષાત જગન્નાથ (અર્જુન જે નર-નારાયણનો અંશ છે) પોતે છે, તો પછી ત્રિલોકમાં એવો કોણ છે જે તેને રોકી શકે અથવા તેની સામે ટકી શકે?"
એટલે કે, એક તો એવો રથ અને ઉપરથી મારા અશ્વો! આ એક ચરણ પર આખો ગ્રંથ લખી શકાય. કૃષ્ણ અહીં સમજાવે છે કે અર્જુનનો રથ ત્યારે જ 'દુર્જેય' બને છે જ્યારે એમાં કૃષ્ણના અશ્વો જોડવામાં આવે.
આ પ્રસંગમાં એક ગહન ફિલોસોફી છુપાયેલી છે. આપણો આ દેહ એ રથ છે અને ઈશ્વર એ ચાલક બળ છે. જ્યારે આપણે આપણા જીવનરથના અશ્વો ઈશ્વરને સોંપી દઈએ છીએ, ત્યારે એ રથ અજેય બની જાય છે. કેવી સિફતથી પ્રસંગ ઉભો કરી કૃષ્ણ આ વાત સમજાવે છે! કહેવું પડે કે ભગવાન હોય તો કૃષ્ણ જેવો. બીજા કોઈ દેવની ન્યૂનતા નથી, પણ કૃષ્ણ જે કરે છે તે હંમેશા અંતિમ(Extreme) છેડો જ હોય છે. ભક્ત હક્કથી કૃષ્ણ સાથે ઝઘડો પણ કરી શકે અને કૃષ્ણ હસીને તે સ્વીકારી પણ લે, કારણ કે આ સંબંધ 'પ્રેમ' ના તાંતણે બંધાયેલો છે.
આ પણ વાંચો : Bhagavad Gita-The Krishnalogy : સ્થિતપ્રજ્ઞ મેનેજમેન્ટ


