Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Omnipotent : પ્રભુને જાે કંઈ આપી શકાય તેમ હોય તો તે પ્રેમ માત્ર

લેતીદેતીના ચોપડે ઈશ્વરને કોઈ પણ પ્રકારનું અસંતુલન માન્ય નથી
omnipotent   પ્રભુને જાે કંઈ આપી શકાય તેમ હોય તો તે પ્રેમ માત્ર
Advertisement

Omnipotent જે છે એ ભગવાન જેને કશું મેળવવાનું નથી, જેને કશું પ્રાપ્ત કરવાનું નથી, જેની માટે કંઈ પ્રયોજન નથી, જેની માટે માત્ર હોવાપણું છે, તેને કોઈ શું આપી શકે? છતાં પણ ભાવથી કોઈ તેને પત્રમ્‌ પુષ્પમ્‌ ફલમ્‌ તોયમ્‌ અર્પણ કરે તો તે તેમાં કંઈ ઉમેરીને ઈશ્વર પરત કરે. ઈશ્વર કોઈનું ઋણ ન રાખે -મુરારી કોઈનો ભાર ન રાખે.

Advertisement

ઈશ્વરને કશાની અપેક્ષા નથી. જે કંઈ અર્પણ કરવામાં આવે છે તેને પોતાની પાસે રાખવાનું તેનું કોઈ પ્રયોજન પણ નથી. ઈશ્વરને નથી સંપત્તિની કે નથી શક્તિની જરૂર. ભગવાન હોવાથી તેને ભગવતપણાની પણ જરૂર નથી રહેતી. તે સ્વયં ભગવાન છે, ઐશ્વર્યવાન છે, સંપૂર્ણ છે, સનાતન છે, અજન્મા છે અને દાતા છે. તે તો આપનાર છે, લેનાર નથી.

Advertisement

તે જ લાભાર્થી છે અને તે જ દાન

બધું જેનામાં સમાયેલું હોય તો તેને શું આપી શકાય. એક રીતે જોવા જઈએ તો તે જ દાતા છે, તે જ લાભાર્થી છે અને તે જ દાન છે. તો પછી આ Omnipotent સર્વશક્તિમાનને આપવા-લેવાની પ્રક્રિયા ક્યાંથી સંભવી શકે. શરીરને એકત્વમાં જાેતાં બંને હાથેથી જાે તાલી પાડવામાં આવે તો કોણે તાલી આપી છે અને કોણે તાલી લીધી.

Advertisement

જે બધાને આપે છે તેને કશું આપવાની ચેષ્ટા આમ તો રમુજ સમાન ગણાય. છતાં પણ ભક્ત આપે છે અને ભગવાન તે સ્વીકારે છે.છતાં પણ ભક્ત આગ્રહથી જમાડે છે અને ભગવાન જમે પણ છે. છતાં પણ ભજનિક ભજન ગાય છે અને ઈશ્વર સાંભળે છે. જે સદાય સર્વત્ર હોય છે તેને પણ ક્યારેક સાક્ષી બનવા વિનંતી કરવામાં આવે છે અને તે પરમશક્તિ સાક્ષી બને પણ છે. છતાં પણ ભક્ત પ્રેમથી ભગવાનને શૈયા પર શયન કરાવે છે અને ભગવાન શયન કરે પણ છે. જે પોતે જ શૈયા છે, જે પોતે જ શયનની પ્રક્રિયા છે, જે પોતે જ શયન કરનાર છે, જે પોતે જ નિંદર છે તેની આવી ભક્તની લાગણીને માન આપીને શયન કરવાની - સુવાની લીલા ખરેખર રોમાંચિત કરી દેનારી ઘટના છે.

મુઠ્ઠીભર માખણ માટે તે નાચ પણ કરે

સમગ્ર સૃષ્ટિમાં કીડીને કણ તથા હાથીને મણ પહોંચાડનાર તે ઈશ્વર શબરીના બોર અને ગોપીના માખણની અપેક્ષા પણ રાખે છે - મુઠ્ઠીભર માખણ માટે તે નાચ પણ કરે છે. સર્વજ્ઞ હોવા છતાં મા સીતાની શોધ માટે સુગ્રીવ તથા હનુમાનની સહાય પણ લે છે. ભૃકુટીના લટકામાત્રથી સમગ્ર દાનવ કુળનો નાશ કરી શકવા સમર્થ જે તે સામર્થ્યની મહત્તા બતાવવા રણ છોડીને ભાગી પણ જાય છે.

કામદેવને ભસ્મ કરી પવિત્ર પ્રેમને સ્થાપિત કરવા કોઈ ભીલડી પ્રત્યે ઈશ્વર આકર્ષાય પણ ખરા. જેને કશાની અપેક્ષા નથી, જેને કોઈ પણ કર્મ કરવા પાછળ કોઈ હેતુ નથી, જે વાસ્તવમાં સંપૂર્ણ છે, જેને સંપૂર્ણતા પામવા માટે અન્ય કશાની જરૂર નથી, તે ઈશ્વર પણ શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયેલી ચીજ વસ્તુઓનો સ્વીકાર કરતા હોય છે. એમ જણાય છે કે આની પાછળ સૃષ્ટિના દરેક તત્વોનું મહત્વ સ્થાપવાના હેતુસર કરાયેલી લીલા હોઈ શકે. જાેકે આવો દાવો કરવો પણ ઇચ્છનીય નથી, ઈશ્વરની વાત તો ઈશ્વર જ જાણે.

બંન્ને પલડાને સમ-ભાર કરવા ઉત્સુક

જ્યારે કશું પણ અર્પણ કરવામાં આવે ત્યારે તેનો ભાર અનુભવાય. વ્યવહારમાં પણ કોઈ વ્યક્તિએ કરેલો ઉપકાર સંવેદનશીલ વ્યક્તિને બોજારૂપ જણાય. જ્યાં સુધી આ ભાર ઉતારવામાં ન આવે ત્યાં સુધી એ વ્યક્તિ એક પ્રકારની ગ્રંથિથી પીડિત રહે. જ્યારે હિસાબ સરભર થાય ત્યારે જ અંતરમાં શાંતિ ઉદભવે. પછી તે માતા-પિતા હોય કે શિક્ષકો, ગુરુજન હોય કે સંત મહાત્મા, સ્વયંમ ઈશ્વર હોય કે સૃષ્ટિનું જે તે તત્વ, આ બધા સાથે એના વ્યવહારમાં જ્યાં સુધી બંને પલડામાં સમાન ભાર ન સ્થપાય ત્યાં સુધી ગ્લાનિ અનુભવવાની સંભાવના રહે. જ્યાં સંવેદનશીલ માનવી બંન્ને પલડાને સમ-ભાર કરવા ઉત્સુક રહેતો હોય ત્યાં સર્વશક્તિમાન Omnipotent ઈશ્વરની વાત તો ક્યાંથી થઈ શકે? આમ પણ ઈશ્વરને કોઈ પણ પ્રકારનું અસંતુલન માન્ય નથી.

ચોખ્ખો હિસાબ રાખનાર શાહુકાર

Omnipotent એ જે ગ્રહણ કરે છે તે બધું પરત ચૂકતે કરે છે. તેના જેવો કોઈ ચોખ્ખો હિસાબ રાખનાર શાહુકાર નથી. તેના ચોપડામાં જમા-ઉધારનો હિસાબ બરાબર હોય છે. તેણે વ્યવસ્થા જ એવી ગોઠવી છે કે બધાનો હિસાબ ચૂકતે થઈ જાય, આપવા-લેવાનું કંઈ બાકી ન રહે. લેવડ-દેવડમાં સંતુલન રાખવું એ ભગવાનના ન્યાયનો એક ભાગ છે. પરત કરવું તે તેની પ્રકૃતિ છે. સાથે સાથે એમ પણ કહી શકાય કે સૃષ્ટિમાં “પરત” થવું એ સૃષ્ટિનો આદર્શ છે. સૃષ્ટિને કે ઈશ્વરને કોઈ પણ પ્રકારના ગ્રહણનો ભાર મંજૂર નથી. પરત કરવાથી પ્રભુ પણ નરમાશ અનુભવતા હશે. આમ પણ ઈશ્વર જેવું હલકું ફુલકુ અન્ય અસ્તિત્વ સમગ્ર બ્રહ્માંડમાં ક્યાંય નથી.

જે ભેદ વર્તાય છે તે અજ્ઞાનનું પરિણામ

વિશ્વના સમીકરણમાં તો પદાર્થોનું સ્થાનાંતરણ જ થાય છે. સૃષ્ટિનું ઐક્ય જાેતા સમજાશે કે અહીં કોઈ કોઈને આપતું નથી કે કોઈ કોઈની પાસેથી લેતું નથી. જે છે તે વ્યવહારનો પ્રપંચ છે, જે ભેદ વર્તાય છે તે અજ્ઞાનનું પરિણામ છે, જે ભિન્નતાને આધારે આપ-લે થાય છે તે ભિન્નતા તો મનની ધારણાનું સ્થાપન છે. જ્યાં બધું બ્રહ્મસ્વરૂપ હોય, જ્યાં બધું બ્રહ્મ જ હોય, જ્યાં કોઈ પણ પ્રકારનો ભેદ ન હોય ત્યાં કોઈ શું આપી શકે અને કોઈ શું લઈ શકે. છતાં પણ જાે ઈશ્વર - પુરુષ - પ્રકૃતિ - સૃષ્ટિનો ભેદ સ્વીકારવામાં આવે તો સંતુલન જાળવવાનો કાયદો તો પ્રવર્તમાન રહે જ.

હકીકતમાં જાેતા પ્રભુને જાે કંઈ આપી શકાય તેમ હોય તો તે પ્રેમ માત્ર છે, અને તે ભક્તિ સ્વરૂપે જ વ્યક્ત થઈ શકે. પ્રભુ ભાવનાનો ભૂખ્યો છે. પ્રભુને સાત્વિક સમર્પણની કામના હોઈ શકે. પ્રભુની એમ

ઈચ્છા હોય કે સૃષ્ટિનું દરેક તત્વ સંવાદિતતાથી પરસ્પરના તાલમેલ સાથે રહે. જાે પ્રભુને કંઈક અર્પણ કરવું હોય તો આ પ્રમાણેનો વ્યવહાર હોવો જાેઈએ. અહીં અહંકાર, ક્રોધ, રાગ-દ્વેષ, કામ કે મોહને સ્થાન ન મળે. જાે ઈશ્વરને આ આપવામાં આવે તો ચારે તરફ “સ્વર્ગ”ની સ્થાપના કરી ઈશ્વર પોતાના તરફથી પરત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરે. ઈશ્વર કોઈનો “ભાર’ ના રાખે.

આ પણ વાંચો-Difference Between Sadhu And Sant : અહીં જાણો સાધુ અને સંત વચ્ચે કેટલો તફાવત છે?

Tags :
Advertisement

.

×