Rudrashtadhyayi : नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमः॥
Rudrashtadhyayi : યજુર્વેદની તૈત્તિરીય સંહિતામાં એક પ્રકરણ છે રુદ્રાષ્ટાધ્યાયી. ઈશ્વરના સગુણ સાકાર સ્વરૂપના ઉપાસકોએ એને ભગવાન શિવની ઉપાસનાને સમર્પિત કર્યું છે. એમાં એક અધ્યાય છે શતરુદ્રીય. એનું મૂળ નામ છે વીરપ્રશંસા. એમાં રૌદ્ર સ્વરૂપના વીર યોદ્ધાને ભૂરી ભૂરી નમસ્કાર છે. રુદ્રાભિષેકમાં જે અધ્યાયનું અગિયાર વાર આવર્તન કરવામાં આવે છે તે આ અધ્યાય છે. એમાં યુદ્ધમાં યોગદાન આપનારા પ્રત્યેકને નમસ્કાર કરવામાં આવ્યા છે; ત્યાં સુધી, કે યોદ્ધાઓના ઘોડા અને કુતરાઓને પણ. વીરરસ એ આ અધ્યાયનો મુખ્ય રસ છે. એની અમુક ઋચાઓના અર્થો તો જુઓ!
Rudrashtadhyayi : અમારાં પુત્ર પૌત્રો, ગાયો, અને અશ્વોની રક્ષા કરજો
“દુઃખોને દૂર કરનારા હે રુદ્ર, તારા ક્રોધને નમસ્કાર. તારી ભુજાઓને નમસ્કાર. હે પર્વતોમાં વસનારા વીર યોદ્ધા, અમારા પર મંગલદાયક, પુણ્યપ્રકાશક દૃષ્ટિ કરો અને તમારા સુખદાયી શરીરબળથી અમારી રક્ષા કરો. હે શત્રુઓનો નાશ કરનારાં બાણો હાથમાં ધારણ કરનારા, અમારાં પુત્ર પૌત્રો, ગાયો, અને અશ્વોની રક્ષા કરજો. સર્પો અને વ્યાઘ્રોને ભગાડનારા હે રુદ્ર, અમારું અધઃપતન કરાવે તેવી રાક્ષસી શક્તિઓનો નાશ કરજો. તમારા તુણીરમાં પડેલાં, શત્રુઓને મારવામાં પ્રગલ્ભ એવાં તમારાં બાણોને નમસ્કાર, સોનાવર્ણી ભુજાઓ વાળા સેનાનાયક, હે દિશાઓના સ્વામી તને નમસ્કાર. લીલા કેશ વાળાં વૃક્ષોને નમસ્કાર, પશુઓના સ્વામીને નમસ્કાર. માર્ગોના સ્વામી, યજ્ઞોપવિત ધારણ કરનારા, સુપોષિત જીવોના સ્વામીને નમસ્કાર. ઉત્તમ અશ્વ પર આરૂઢ થઇ શત્રુઓને વીંધી નાંખવા વાળાને નમસ્કાર.”
“વિવિધ પ્રકારનાં અન્ન પૂરાં પાડનારાને નમસ્કાર. સમાજના આયુધરૂપ એવા રૌદ્ર યોદ્ધાને નમસ્કાર, લોકોના સ્વામીને નમસ્કાર. કોઈને ન મારવા વાળા સારથિને નમસ્કાર, વનોના સ્વામીને નમસ્કાર. લોહિત વર્ણ વાળા, સ્થપતિ એવા વૃક્ષોના સ્વામીને નમસ્કાર. ભુવનનો વિસ્તાર કરવા વાળા ઔષધીઓના સ્વામીને નમસ્કાર. મન્ત્રીને નમસ્કાર, વ્યાપારીને નમસ્કાર. [ચતુરંગિણી સેનાની] સર્વ કક્ષાઓના સ્વામીને નમસ્કાર. ઊંચા સાદે ત્રાડ નાંખનારા અને શત્રુઓને રડાવનારા, રૌદ્ર સ્વરૂપ યોદ્ધા તને નમસ્કાર. ધનુષની પ્રત્યંચા પૂરેપૂરી ખેંચીને દોડતા એવા સત્વોના સ્વામી, શરણાગતનું પાલન કરનારા, બધી રીતે પ્રહાર કરનારી સેનાઓના સ્વામીને નમસ્કાર.”
Rudrashtadhyayi :યોદ્ધાઓને વારંવાર નમસ્કાર કર્યા છે ઋષિઓએ
ઉઘાડી તલવાર ધારણ કરી રાત્રિઓમાં વિચરણ કરતા રહી અમારી રક્ષા કરનારા યોદ્ધાઓને નમસ્કાર. માથે પાઘ બાંધનારા, પર્વતોમાં વિચરણ કરનારા...સૂતેલા યોદ્ધાઓને, જાગતા યોદ્ધાઓને, બેસેલા યોદ્ધાઓને, સ્થિર યોદ્ધાઓને, દોડતા યોદ્ધાઓને, સભાને, સભાપતિને, અશ્વોને, અશ્વપતિઓને, સેવકોના સમૂહની સ્વામિનીઓને, શત્રુઓને મારવામાં સમર્થ એવી રૌદ્ર નારીઓને, ગણોને, ગણોના સ્વામીઓને, અનેક જાતિઓના સમૂહોને, તે સમૂહોના સ્વામીઓને, મેધાવીઓને, નિકૃષ્ટ રૂપ વાળા રુદ્રોને, સેનાને, સેનાપતિઓને, રથ પર આરૂઢ, તેમજ રથ વિના લડવા વાળા, વિશાળકાય, તેમજ લઘુકાય યોદ્ધાઓને, રથ નિર્માણ કરનારા સુથારોને, કુમ્ભારોને, લુહારોને, વનવાસીઓને, પક્ષીઓ પકડનારાઓને, , અત્યન્ત ત્વરાથી સેનાઓને સંચાલિત કરી શકનારાઓને, રથોને શીઘ્રતાથી દોડાવનારાઓને, શૂરોને, શિરસ્ત્રાણ ધારણ કરવા વાળાઓને, કવચ ધારણ કરનારાઓને, વર્મ્મ (આખા શરીરને આવરી લેતું કવચ) ધારણ કરનારાઓને, દુન્દુભિનાદ કરનારાઓને, તેના પર તાલ ઠોકતી દાંડીઓને, ઉગ્ર અને ભયંકર એવા પોતાની સામે આવનારને, અને દૂર રહેલાને પણ હણી શકનારા યોદ્ધાઓને, અને સ્વયં પણ હણાવા સજ્જ છે તેવા યોદ્ધાઓને વારંવાર નમસ્કાર કર્યા છે ઋષિઓએ.
શત્રુ સાથે લોહીભીની હોળી રમનારા યોદ્ધાઓને સમર્પિત અધ્યાય
રુદ્રાષ્ટાધ્યાયીનો પાંચમો અધ્યાય ભલે ભગવાન શિવની આરાધનામાં ઉપયોગમાં લેવાય છે, પણ વાસ્તવમાં તે આપણે દિવાળી ઉજવી શકીયે માટે શત્રુ સાથે લોહીભીની હોળી રમનારા યોદ્ધાઓને સમર્પિત અધ્યાય છે. એટલે જ એનું એક નામ છે વીરપ્રશંસા.
વિશેષ ધ્યાન એના એક નાના અંશ પર
नमो निचेरवे परिचरायारण्यानां पतये नमः॥ (સતત ફરતા રહેતા ગુપ્તચરોને નમસ્કાર, વનોના સ્વામીને નમસ્કાર.) અને, नमो वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमः॥ (શત્રુક્ષેત્રમાં લોકોને છેતરનારા, અને છેતરનારાઓને છેતરનારા ચોરોના સ્વામીને નમસ્કાર.
આ ઋચાઓમાં ઋષિ કોની વાત કરી રહ્યા છે?
આમાં ગુપ્તચરોની અને સિક્રેટ એજન્ટોની જ વાત છે, જે શત્રુ ક્ષેત્રમાં રહીને શત્રુનાં આયોજનોને ખોરવવા માટે પોતાના અને પોતાના પરિવારના જીવન પર આવી શકનારી આપત્તિ જાણતા હોવા છતાં પોતે હાથમાં લીધેલા અભિયાનને સમર્પિત થઇ જાય છે.
કયા વ્યવસાયમાં સહુથી સ્માર્ટ માણસો જાય?
જ્યોતિર્મય હજુ સમજણો થઇ રહ્યો હતો ત્યારે એકવાર પૂછ્યું હતું કે પાપા, કયા વ્યવસાયમાં સહુથી સ્માર્ટ માણસો જાય? ત્યારે ક્ષણભરનો વિલમ્બ કર્યા વિના નીકળી આવેલો ઉત્તર હતો ‘ગુપ્તચરોથી વધુ સ્માર્ટ કોઈ ન હોય બેટા.” થોડી વાર રહીને એમાં એક ઉમેરો કર્યો હતો જાદુગરોનો.
વધુ સમજણો થયા પછી એણે ફરી એ ઉત્તર માટેનું મારું કારણ પૂછ્યું હતું. ત્યારે કારણ આપ્યું હતું કે બેટા, પોતાના મન અને વિચારોને સમ્પૂર્ણ વશમાં રાખી શકે એ જ ગુપ્તચર કે જાદુગર બની શકે. એણે માત્ર અને માત્ર સેલ્ફ ઇનીશિયેટીવ એટલે સ્વયં સ્ફૂરણાથી કામ કરવાનું હોય છે.
શું કરવું કે શું ન કરવું એ તેને કહેનાર કોઈ નથી હોતું. સામા માણસના વિચારોને એ વિચાર કરનાર કરતાં પણ વધુ સ્પષ્ટતાથી વાંચી શકે. એ અન્યો પાસે ઇચ્છિત કામ કરાવી શકે, એના મનમાં શું છે તે કઢાવી શકે. પોતાના સાચા અને વિશ્વાસપાત્ર હોવાનો વિશ્વાસ સામેવાળાને અપાવી શકે. એ ભ્રમનું વિશ્વ રચી શકે અને શત્રુને ભ્રમિત કરી શકે. શક્તિ, સ્ફૂર્તિ, સાહસ, વીરતા, નમ્રતા, ચાતુરી, મેધા, અન્તઃસ્ફુરણા આ સહુ ગુણોનો સરવાળો જોઈએ ગુપ્તચર બનવા માટે. એટલે વેદના ઋષિ એમને નમસ્કાર કરે છે તે ઉચિત જ છે.
આ પણ વાંચો : Vadtal: વડતાલ ધામમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૪મા પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી


