Sadhana and Samarpan : સાધના જ્યારે આત્માનું બંધાણ બને!
Sadhana and Samarpan : આંખો જોઈ શકે પણ બોલી ન શકે, જીભ બોલી શકે પણ જોઈ ન શકે! આદિ શંકરાચાર્યના ગહન ચિંતન અને 'માય લવ' ફિલ્મના ગીત થકી આવો સાધના અને ઈશ્વરીય અનુભૂતિનું અદભુત રહસ્ય જાણીએ.
જીવનની ભાગદોડ અને કોલાહલ વચ્ચે ક્યારેક કોઈક એવો સૂર કે શબ્દ કાને પડી જાય છે, જે સીધો આત્માને જગાડી દે છે. આપણે કલા અને મનોરંજનને માત્ર ક્ષણિક આનંદનું સાધન માનીએ છીએ, પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે એક સામાન્ય લાગતું ફિલ્મી ગીત પણ ઉપનિષદ કે શંકરાચાર્યના વેદાંત જેવો ગહન સંદેશ આપી શકે છે? ભારતીય સિનેમાના સુવર્ણ યુગમાં સર્જકો માત્ર શબ્દો નહોતા ગોઠવતા, તેઓ કવિતાના માધ્યમથી જીવનનું પરમ સત્ય પીરસતા હતા.અહીં જ્યાં શબ્દો ખૂટી પડે છે અને માત્ર શૂન્યતા જ સંવાદ કરે છે, તેવા એક આંતરિક પ્રવાસની આ વાત છે.
Sadhana and Samarpan : ગીતના શબ્દોમાં છુપાયેલું વેદાંત
હિન્દી સિનેમાના સુવર્ણ યુગની એક બહુ મોટી ખાષિયત એ હતી કે તેમાં મનોરંજનની સાથે ક્યાંક અચાનક જ અધ્યાત્મનો એવો ધબકાર સંભળાઈ જતો, જે સાંભળનારને વિચારતા કરી દે. 1970 માં આવેલી ફિલ્મ ‘માય લવ’નું પેલું સદાબહાર ગીત યાદ કરો:
तुझको देखा है मेरी नज़रों ने, तेरी तारीफ़ हो मगर कैसे...
के बने यह नज़र ज़ुबाँ कैसे, के बने यह ज़ुबाँ नज़र कैसे...
न ज़ुबान को दिखाई देता है, न निगाहों से बात होती है।.
પ્રથમ દૃષ્ટિએ આ એક સામાન્ય રોમેન્ટિક ગીત લાગે, પરંતુ તેના શબ્દોમાં ડૂબકી લગાવીએ તો સમજાય છે કે શૈલેન્દ્ર, આનંદ બક્ષી કે હસરત જયપુરી જેવા ગીતકારોએ કેવી અદભુત દાર્શનિક ઊંચાઈઓ આંબી હતી. 1975 પછીના દાયકાઓમાં ગુલઝાર(Gulzar) કે યોગેશ જેવા સર્જકોના અપવાદને બાદ કરતાં, ફિલ્મી ગીતોમાંથી આ આધ્યાત્મિક ઊંડાણ ધીમે-ધીમે લુપ્ત થતું ગયું.
આ ગીતની પંક્તિઓ ખરા અર્થમાં આદિ શંકરાચાર્યના ચિંતનનો જ આધુનિક પડઘો છે. શંકરાચાર્યએ બહુ જ સચોટ રીતે કહ્યું છે: “या पश्यन्ति न सा ब्रूते, या ब्रूते सा न पश्यति” (જે આંખ જુએ છે તે બોલી શકતી નથી, અને જે જીભ બોલે છે તે જોઈ શકતી નથી.)
Sadhana and Samarpan : અનુભૂતિનું અકથ્ય સત્ય
ઈશ્વર, જગદંબા કે પરમ તત્વનો સાક્ષાત્કાર પણ આ ગીત જેવો જ છે. તમે ઈશ્વરની અનુભૂતિ કરો, તમારા રોમ-રોમમાં એ પરમ શાંતિ વ્યાપી જાય, પણ જો કોઈ તમને પૂછે કે, "તમારો ઈશ્વર કેવો છે?" તો તમે નિરુત્તર થઈ જાવ.
આપણી શારીરિક ઇન્દ્રિયોની આ જ તો લાચારી છે! આંખો પાસે દૃષ્ટિ છે પણ શબ્દો નથી, અને જીભ પાસે શબ્દોનો ભંડાર છે પણ દૃષ્ટિ નથી. એટલે જ દુનિયાભરના સંતોએ પરમાત્માના જે વર્ણનો કર્યા છે, તે ક્યાંક ને ક્યાંક અધૂરાં છે. પરમાત્મા એ પ્રદર્શનનો નહીં, પણ માત્ર પરમ અનુભૂતિનો વિષય છે.
રામકૃષ્ણ પરમહંસની 'મીઠાની પૂતળી' આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે બંગાળના મહાન સંત શ્રી રામકૃષ્ણ પરમહંસ(Ramakrishna Paramahansa)નું એક સુંદર દૃષ્ટાંત યાદ આવે છે. તેઓ કહેતા કે, "એક મીઠાની પૂતળી હતી. તેને સમુદ્રની ઊંડાઈ માપવાનો વિચાર આવ્યો. તે ઉત્સાહથી દરિયામાં ઊતરી, પણ જેવી તે અંદર ગઈ કે તરત જ ઓગળવા લાગી. હવે સમુદ્ર કેટલો ઊંડો છે, તે બહાર આવીને કોણ કહે?" ઈશ્વરના દર્શનનું પણ એવું જ છે. જ્યારે જીવ શિવમાં ઓગળી જાય છે, ત્યારે વર્ણન કરવા માટે કોઈ ‘હું’ બચતો જ નથી.
સાધના: એક પવિત્ર 'એડિક્શન'
સાધના એ કોઈ યાંત્રિક ક્રિયા નથી, એ ભીતરના એકાંતનો અને નિજાનંદનો ઉત્સવ છે. તેને ક્યારેય શબ્દોના બીબામાં ઢાળી શકાય નહીં.
જીવન હંમેશાં સીધી રેખામાં નથી ચાલતું. ક્યારેક એવા કારમા ઘા પડે છે, જ્યારે ભીતરમાંથી એક જ ચીસ નીકળે છે—"Why ME?" (મારી સાથે જ આવું કેમ?). આવી વિષમ પરિસ્થિતિઓમાં સાધક હતાશ થઈને ક્યારેક પૂજા-પાઠ કે સાધના છોડી દે છે. પણ અહીં જ ખરી મજા છે! એ ‘પરમ તત્વ’ તમને એમ સહેલાઈથી છોડતું નથી. એ તમારી પાછળ પડે છે, તમારા વિચારો પર કબજો કરે છે અને જેમ કોઈ રબારી પોતાના ઘેટાંને સીધા માર્ગે લાવવા લાકડી પછાડે, તેમ ઈશ્વર તમને પરાણે ખેંચીને ફરી સાધનામાં બેસાડી દે છે.
સાધના એક સમય પછી દિનચર્યા નથી રહેતી.
તે આત્માનું બંધાણ બની જાય છે, એક એવું પવિત્ર એડિક્શન જેના વિના જીવવું અશક્ય બની જાય.
આ માર્ગનો સૌથી સુંદર અનુભવ એ છે કે, વ્યવહારિક જીવનમાં તમે જેમ-જેમ મૌન તરફ વળો છો, તેમ-તેમ તમારા વતી ખુદ ‘મા જગદંબા’ કે ‘ઈશ્વર’ બોલવા લાગે છે. તમારું મૌન એ જ તમારી સૌથી મોટી તાકાત બની જાય છે.
ઈચ્છાપૂર્તિનો અભિશાપ અને ઈશ્વરની કૃપા
આપણે મૂળભૂત રીતે સ્વાર્થી જીવો છીએ. આપણો ભગવાન સાથેનો સંબંધ મોટાભાગે ATM મશીન જેવો હોય છે—માગણીઓ મૂકવાની અને ઈચ્છાઓ પૂરી થવાની અપેક્ષા રાખવાની. જ્યાં સુધી સ્વાર્થ સિદ્ધ થતો રહે, ત્યાં સુધી જ પ્રભુ યાદ આવે છે.
પરંતુ, ઈચ્છાઓ પૂરી ન થવી એમાં જ આપણું સાચું હિત છુપાયેલું હોય છે. જો આપણી દરેક માગણીઓ પૂરી થવા લાગે, તો આપણો અહંકાર એટલો ફૂલી ફાલે કે આપણે ઈશ્વરને જ પૂછવા લાગીએ, "તું કોણ ને હું કોણ?" મનુષ્ય માટે અવિરત ઈચ્છાપૂર્તિ એ વરદાન નહીં, પણ સૌથી મોટો અભિશાપ છે.
આ બાબતને એક અત્યંત માર્મિક ઉદાહરણથી સમજીએ:
ધારો કે એક નાના બાળકને મરડો (Dysentery) થયો છે.
તે પીડામાં રડી-રડીને તેની માતા પાસે ગળ્યા ‘બાસુંદી’ ખાવાની જિદ કરે છે.
શું એક પ્રેમાળ અને સમજુ માતા તેને એ સમયે બાસુંદી આપશે? ક્યારેય નહીં. બાળક ભલે રડે, પણ માતા તેનું હિત જાણે છે.
ઈશ્વરનું વર્તન પણ બિલકુલ આ માતા જેવું જ છે. આપણે અજ્ઞાનતામાં એવી વસ્તુઓનો હઠાગ્રહ રાખીએ છીએ જે આપણા આત્મા માટે નુકસાનકારક હોય છે. માટે જ, જ્યારે કોઈ પ્રાર્થના સ્વીકાર્ય ન બને, ત્યારે સમજવું કે પરમાત્માએ માતા બનીને આપણું રક્ષણ કર્યું છે.
સાધના એ કોઈ હઠાગ્રહ નથી, એ તો સંપૂર્ણ સમર્પણ છે. એ ભીતરનો એવો અવાજ છે જે જીભના કોલાહલ અને આંખોની મર્યાદાથી પર થઈને, માત્ર પરમ શાંતિ અને શૂન્યતામાં જ સંભળાય છે. જ્યારે આ શૂન્યતા પ્રગટે છે, ત્યારે જ જીવન ખરા અર્થમાં 'માય લવ' /My Love (પરમાત્મા સાથેનો પ્રેમ) બની જાય છે.
આ પણ વાંચો : Bhagavad Gita lifestyle : શ્વાસે શ્વાસે રાધા અને રોમ-રોમમાં શ્યામ


