Sanatan Heritage :નૈતિકતા અને ચારિત્ર્યનું અજેય સામ્રાજ્ય
Sanatan Heritage : કોઈ પણ પ્રજાની મહાનતાનો માપદંડ કયો હોઈ શકે ? સત્તા ? સંપત્તિ ? શૌર્ય ? સૌંદર્ય ? સુખ-સગવડો ? વૈજ્ઞાનિક સંશોધનો ? ના. નૈતિક ઘડતર ! અને શું એક ભારતીય તરીકે કલ્પના કરી શકો છો કે આક્રમણ કર્યા વિના, યુગો સુધી આપણા પૂર્વજોએ જગતનાં હૈયાં પર પોતાનો પ્રભાવ કેવી રીતે જમાવ્યો હતો ? જવાબ છે-પોતાની અજોડ નૈતિકતા અને આધ્યાત્મિકતાથી.
Sanatan Heritage : વિસરાયેલો ગૌરવશાળી ઇતિહાસ
સેંકડો વર્ષોની ગુલામીનો કલંકિત અને રક્તરંજિત ઇતિહાસ, આજે ભારતની નવી પેઢીને શિક્ષણના નામે ભણાવાય છે, ગોખાવાય છે, પરીક્ષાઓમાં પુછાય છે, પરંતુ દુર્ભાગ્યે જગત પર હિન્દુઓના નૈતિક પ્રભાવનો ઇતિહાસ સાવ વિસારી દેવાયો છે ! ક્યારેક મનમાં મંથન થાય છે, હિન્દુઓની માનસિકતાને નિર્માલ્ય બનાવતો ગુલામીનો ઇતિહાસ તેમના માથે થોપાય છે, પરંતુ હિન્દુઓના રોમરોમને ગૌરવથી ભરી દેતી અને યુગોથી જગતનાં હૈયાં પર સામ્રાજ્ય ભોગવનારી હિન્દુઓની નૈતિક તાકાતનો પરિચય કેમ ભણાવાતો નથી ? નૈતિકતાનું શિક્ષણ જ સાધારણ મનુષ્યને મહાન બનાવે છે, એ સત્ય આપણા સત્તાધીશો ક્યારે સમજશે ?
Sanatan Heritage : વર્તમાન સામાજિક ચિત્ર અને પ્રાચીન આદર્શો
નૈતિકતાના શિક્ષણ વિના આજના સમાજનું ચિત્ર કેવું વરવું બન્યું છે !? જે ધરતી પર હજારો વર્ષો પહેલાં ઈશાવાસ્ય ઉપનિષદ્નો ‘મા ગૃધઃ કસ્યસ્વિદ્ ધનમ્’નો મંત્ર ગુંજ્યો હતો, જે ધરતી પર રંતિદેવ જેવા સમ્રાટો બીજાના સુખને કાજે સુખ-સમૃદ્ધિ-સત્તાનો ત્યાગ કરીને સૂકા રોટલા પર પણ પોતાનો અધિકાર જતો કરતા હતા, જે ભૂમિ પર સત્ય-પ્રામાણિકતાને ખાતર પોતાની જાતને વેચી નાખનારા હરિશ્ચંદ્ર જેવા રાજવીઓ અવતરતા હતા, જે ધરતી પર ‘પરધન પથ્થર જાણીએ, પરસ્ત્રી માત સમાન’ની ચોપાઈઓ ઘરોઘરમાં જિવાતી હતી, એ ધરતી પર આજે કેટલા ટકા નવી પેઢીને નૈતિકતાનો સાચો મતલબ ખબર હશે ?
‘સૌથી વધુ ભ્રષ્ટાચાર કરતા દેશોમાં અગ્રેસર’નું બિરુદ ભારત પર થોપવામાં આવી રહ્યું છે ત્યારે, લાગે છે કે આપણા નૈતિક ઘડતરના અમૂલ્ય વારસાને પુનઃ યાદ કરવાની કે કરાવવાની વેળા આવી ગઈ છે.
પ્રાચીન વિશ્વની નજરમાં હિન્દુઓની પ્રતિભા
એક સમયે આ દેશની હિન્દુ પ્રજાને જગતના લોકો કેવી દૃષ્ટિએ નીરખતા હતા ! કેવી હતી હિન્દુઓની ઈમેજ ? ઇતિહાસનાં પૃષ્ઠો ઉથલાવશો તો, ઠેર ઠેર હિન્દુઓની સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, વચન-પ્રતિબદ્ધતા માટે જગતની અનેક પ્રજાઓના અહોભાવ અને આદર પથરાઈને પડ્યા છે. ઓછાંમાં ઓછાં બે-અઢી હજાર વર્ષોના રેકોડ્ર્સ તેની ગવાહી પૂરે છે.
ઈ. સ. પૂર્વે 404માં ગ્રીક ફિઝીશ્યન ક્ટેસિયસ-Greek physician Ctesias ઇતિહાસમાં નોંધાયેલો સૌથી પહેલા વિદેશી લેખક છે, જેણે હિન્દુઓ વિશે દસ્તાવેજી વિગતો લખી હોય. તેણે પર્શિયન કોર્ટમાં હિન્દુઓના ગુણગાન સાંભળ્યા હતા. ’On the justice of the Indians‘ પર એક પ્રકરણ લખીને હિન્દુઓના ચારિત્ર્યની ભરપૂર પ્રશંસા કરનાર વિદેશીઓમાં તે પ્રથમ હતો.
મેગસ્થનીસ અને એપોલોનિયસના સાક્ષીપુરાવા
ઈ.સ. પૂર્વે 326માં પાટલીપુત્રમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ભારત આવેલ ગ્રીક એલચી મેગસ્થનીસે-Megasthenes ભારતમાં ક્યાંય ચોરી ન દીઠી, સત્ય તેમજ સદ્ગુણો પ્રત્યે હિન્દુઓનો પ્રખર પ્રેમ જોયો, તેનાથી તે ભારે પ્રભાવિત થઈ ગયો હતો. તે લખે છે : In Palibhotra thefts were extremely rare and that they honoured truth and virtue. મેગસ્થનીસ હોય કે બે હજાર વર્ષ પહેલાં ભારત આવેલ ગ્રીક વિદ્વાન એપોલોનિયસ-Apollonius હોય, સૌ કોઈએ હિન્દુ પ્રજાને સંસ્કારોની અમીર પ્રજા તરીકે વર્ણવી છે. એપોલોનિયસે તો હિન્દુઓના ચારિત્ર્યથી પ્રભાવિત થઈને હિન્દુઓની તુલના દેવતાઓ સાથે કરી હતી.
બારણાં વિનાના ઘર અને અતૂટ વિશ્વાસ
પહેલી સદીના ભારતયાત્રી ગ્રીક વિદ્વાન સ્ટ્રેબો ‘Geography’માં હિન્દુઓ માટે લખે છે : ‘They are so honest that neither require locks to their doors nor writings to bind their agreements.’ અર્થાત્ હિન્દુઓ એટલા પ્રામાણિક છે કે અહીં લોકોને ઘરના બારણાંને તાળાં મારવાની જરૂર પડતી નથી. એકબીજા સાથેના વ્યવહારોમાં ક્યારેય લેખિત કરારો કરવા પડતા નથી ! બોલેલા બોલનું અહીં કેટલું મહત્ત્વ હતું ! પરસ્પર વિશ્વાસનું ધોરણ કેટલું ઊંચું હતું !
ચીની અને યુરોપિયન મુસાફરોનો અનુભવ
આજથી 1600 વર્ષ પહેલાં ભારત આવેલા ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સંગ-Hiu-n-tsang ના આ જાત-અનુભવના શબ્દો વાંચો : ‘હિન્દુઓ તેમના ચારિત્ર્યની પ્રામાણિકતા અને તેમની સરળતાને કારણે એકદમ જુદા તરી આવે છે. અન્યાય કે અણહક્કનું ધન તેઓ ક્યારેય પણ લે નહીં અને ન્યાયની બાબતે તો તેઓ અત્યંત સંવેદનશીલ છે.’
13મી સદીમાં સમુદ્ર-મુસાફરી કરીને ભારત પહોંચેલા યુરોપિયન પ્રવાસી માર્કો પોલોએ ભારતીય હિન્દુ વેપારીઓની પ્રામાણિકતાના બે મુખે વખાણ કર્યાં છે. તે લખે છે : ‘આ બ્રાહ્મણો-હિન્દુઓ સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ વેપારીઓ છે. અત્યંત સત્યનિષ્ઠ ! પૃથ્વીની કોઈ પણ વસ્તુ માટે તેઓ ક્યારેય અસત્ય નહીં બોલે !’
વચનપાલન અને જેલવાસની આશ્ચર્યજનક ઘટના
ભારતમાં પોર્ચુગીઝોનું શાસન ક્રૂરતા અને અમાનવીયતા માટે કુખ્યાત છે. આમ છતાં, એવા અમાનુષી શાસન વચ્ચે પણ હિન્દુઓની વચન-પ્રતિબદ્ધતા કેવી હતી ? પોર્ચુગીઝ લેખકોએ તેને ઝૂકી ઝૂકીને સલામ કરતાં લખ્યું છે : ‘હિન્દુઓ પોતાના વચનના પાલનમાં અસામાન્ય હતા. આશ્ચર્યની વાત તો તે હતી કે જ્યારે યુદ્ધ કેદી તરીકે પકડાયેલા હિન્દુઓને છ મહિના માટે મુક્ત કરવામાં આવતા ત્યારે તેઓ (પોતે આપેલા વચન મુજબ) બરાબર છ મહિને તેમની જાતે જ જેલમાં આવી જતા હતા !’
બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતીય નૈતિકતાની ગુંજ
ગ્રીક, હૂણ, કુષાણ, મોગલ, પોર્ચુગીઝ, ફ્રેન્ચ, ડચ - આ વિદેશી પ્રજાઓની જેમ બ્રિટિશ પ્રજાએ પણ અહીં પગ મૂક્યો અને હિન્દુઓને ગુલામ બનાવ્યા, પરંતુ એ ગુલામ હિંદુઓના નૈતિક પ્રભાવે બ્રિટિશરોને કેવા કેદ કર્યા હતા! એક સમય એવો હતો કે બ્રિટિશ પાર્લામેન્ટમાં હિન્દુઓની નૈતિકતા-પ્રામાણિકતા-સચ્ચાઈ માટે બ્રિટિશ અધિકારીઓ ઘાંટો પાડીને, છાતી ઠોકીને પડકારો ઝીલતા હતા. માર્ચ, સને 1813ની પાર્લામેન્ટરી ડિબેટ્સ તેનું એક ઉદાહરણ છે.
સન 1813માં ઇંગ્લૅન્ડની પાર્લામેન્ટમાં ‘હાઉસ ઑફ કોમન્સ’ અને ‘હાઉસ ઑફ લૉડ્ર્સ’નાં સત્રોમાં હિન્દુઓની પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા, સૌજન્યશીલતા અને ચારિત્ર્યની ચર્ચા કરતાં બ્રિટિશ અફસરો સોગંદપૂર્વક ગૌરવ અનુભવતા હતા ! વોરન હેસ્ટિંગ્સ, એલ્ફિન્સ્ટન, જ્હૉન માલ્કમ જેવા કેટકેટલા સુપ્રતિષ્ઠિત અધિકારીઓ તેમાં શામેલ હતા.
લૉર્ડ વોરન હેસ્ટિંગ્સની સોગંદનામું
હિન્દુઓ ‘અપ્રામાણિક છે’, ‘અનૈતિક છે’ – એવા એક બ્રિટીશ લેખકના એક વિધાન સામે, પાર્લામેન્ટના ‘હાઉસ ઑફ લૉડ્ર્સ’-House of Lords માં ભારતના સર્વપ્રથમ બ્રિટિશ ગવર્નર જનરલ લૉર્ડ વોરન હેસ્ટિંગ્સે ઉચ્ચારેલા આ શબ્દો વાંચો : ‘હું સોગંદપૂર્વક સત્ય કહું છું કે હિન્દુઓની અનૈતિકતા-અપ્રામાણિકતા માટે કહેવાયેલાં વિધાનો તદ્દન ખોટાં અને બિલકુલ બિનપાયેદાર છે... હિન્દુઓ ખૂબ જ સૌજન્યશીલ, હંમેશાં બીજાનું હિત ઇચ્છનારા, ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવામાં ખૂબ જ સંવેદનશીલ, જગતના લોકોમાં સ્વાભાવિક દેખાતી માનવસહજ વિકૃતિઓથી તદ્દન મુક્ત, વફાદાર, નોકરી-સેવામાં મમતાળુ તેમજ આજ્ઞાંકિત લોકો છે.’
આ પણ વાંચો : Sanat Sujatiya: આત્મવિસ્મૃતિના અંધકારથી અમરત્વના પ્રકાશ સુધીની યાત્રા


