Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Self-Realization : પ્રકૃતિનો પ્રચંડ અરીસો: આપણે કેટલા વામણા?

કુદરતના ખોળે આત્મસાક્ષાત્કાર અને અહંકારના વિસર્જનની એક ગહન યાત્રાનો અનુભવ કરતાં શિખીએ. નર્મદાના તટથી લઈને ગીરના ગહન હૃદય સુધી, જાણો કે કેવી રીતે 'હું' (અહંકાર) નું સમર્પણ સાચી આધ્યાત્મિક જાગૃતિ અને દૈવી જોડાણ તરફ દોરી જાય છે.
self realization   પ્રકૃતિનો પ્રચંડ અરીસો  આપણે કેટલા વામણા
Advertisement
  • Self-Realization : કુદરતના ખોળે આત્મસાક્ષાત્કાર અને અહંકારના વિસર્જનની એક ગહન યાત્રાનો અનુભવ કરતાં શિખીએ. નર્મદાના તટથી લઈને ગીરના ગહન હૃદય સુધી, જાણો કે કેવી રીતે 'હું' (અહંકાર) નું સમર્પણ સાચી આધ્યાત્મિક જાગૃતિ અને દૈવી જોડાણ તરફ દોરી જાય છે.

Self-Realization : મા પછી જેણે મને જીવતા શીખવ્યું એ કુદરત છે... નદીના વહેણમાં મેં મારો અહંકાર વહેતો મૂક્યો અને પહાડોની ઊંચાઈએ મને મારી લઘુતાનું ભાન કરાવ્યું. 'હું' કોણ છું એના કરતાં 'હું' કાંઈ નથી, એ જાણવું વધુ જરૂરી છે.

નરસિંહ મહેતાએ સદીઓ પહેલા ગાયું હતું: "જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી." આ પંક્તિ માત્ર આધ્યાત્મિક બોધ નથી, પણ અસ્તિત્વનો એક મનોવૈજ્ઞાનિક સત્ય છે. માણસ જન્મે છે ત્યારે 'મા' ના ખોળે હોય છે, પણ એ મા જ્યારે પંચભૂતમાં વિલીન થાય છે, ત્યારે પ્રકૃતિ એની બીજી 'મા' બનીને એને સંભાળી લે છે. નર્મદાના કિનારે બેસીને કે ગીરની ગુફાઓમાં ભમતા જ્યારે આપણને એવું લાગે કે આપણે સાવ એકલા છીએ, ત્યારે જ હકીકતમાં આપણને 'આત્મતત્વ'નો અહેસાસ થાય છે.

Advertisement

પ્રકૃતિ એ અરીસો છે જેમાં આપણો અહંકાર ઓગળીને શૂન્ય થઈ જાય છે. જ્યારે નદી આપણને ખોળે લે છે, ત્યારે તે આપણું નામ, જ્ઞાતિ કે પદ નથી પૂછતી; તે માત્ર આપણા ભીતરના એકલવાયાપણુંને વહાવી જાય છે. 'હું' નું તર્પણ કરવાની શરૂઆત ત્યાંથી જ થાય છે જ્યાં આપણી બુદ્ધિની સીમા પૂરી થાય છે અને અનુભૂતિની સીમા શરૂ થાય છે.

Advertisement

Self-Realization : 'હું' નું તર્પણ: શૂન્યતાનો ઉત્સવ

પ્રકૃતિ એ ઈશ્વરનું પ્રગટ સ્વરૂપ છે. જ્યારે માણસ નદીના નીર સામે, પહાડની ગરિમા સામે કે ગીરની ઘટા સામે ઊભો રહે છે, ત્યારે તેને પહેલીવાર સમજાય છે કે પોતે કેટલો લઘુ છે! જે 'હું' આખી દુનિયા જીતવા નીકળ્યો હતો, તે હિમાલયની એક નાનકડી શીલા કે નર્મદાના એક કાંકરા સામે સાવ વામણો ભાસે છે. આ 'વામણા' હોવાનો સ્વીકાર એ જ સાચા અર્થમાં 'હું' નું તર્પણ છે.

Self-Realization : અહંકારનો અસ્ત અને હરિનો ઉદય

નરસિંહ મહેતાએ કહ્યું છે તેમ, "જ્યાં સુધી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી." પણ આ આત્મતત્વને ચીનવા માટે સૌથી મોટું નડતર આપણો 'અહંકાર' છે. 'હું' એટલે એક એવી દીવાલ જે આપણને પરમાત્માથી અલગ રાખે છે.

"હું ટળે તો હરિ ઢૂંકડા, પણ હું ટળવો બહુ કાઠો છે,"

જ્યારે રખડપટ્ટીમાં કે પ્રકૃતિના સાંનિધ્યમાં આપણને આપણી હસ્તી શૂન્ય લાગે, ત્યારે સમજવું કે હરિ હવે નજીક છે. પરમાત્મા ક્યાંય આકાશમાં નથી, એ તો અહંકાર ઓગળ્યા પછી જે અવકાશ (Space) વધે છે, તેમાં બિરાજમાન છે.

નદી કે જંગલ ભીતરમાં પણ છે. બહારની પ્રકૃતિ તો માત્ર નિમિત્ત છે ભીતરની પ્રકૃતિને જગાડવા માટે. જ્યારે આપણે પહાડ ચઢીએ છીએ ત્યારે પહાડ નથી જીતતા, આપણે આપણા થાક અને અહંકારને જીતીએ છીએ.

જે માણસ 'ભોળપણ'માં જીવે છે, જેને દુનિયા 'ગમાર' કહે છે, તે હકીકતમાં કુદરતની સૌથી નજીક છે. કારણ કે તેની પાસે બૌદ્ધિક અહંકારનું ભારણ નથી. તે ગ્લાસ જેવો ખાલી છે, એટલે જ તેમાં ઈશ્વરીય તત્વ ભરાઈ શકે છે.

માનવમાંથી દેવ બનવાની પ્રક્રિયા

જ્યારે 'હું' નું તર્પણ થાય છે, ત્યારે માત્ર 'સ્વીકાર' વધે છે. પછી સુખ-દુઃખ, માન-અપમાન બધું જ પ્રકૃતિના પ્રસાદ જેવું લાગે છે. રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં કહીએ તો, જેની પાસે ઈશ્વર સિવાય કંઈ નથી, તે ખરેખર સમૃદ્ધ છે.

'હું' કાર ટળે તો માનવ દેવ બની શકે - આ કોઈ અતિશયોક્તિ નથી. દેવત્વ એટલે બીજું કંઈ નહીં, પણ પૂર્ણ નિરહંકારિતા. જે ક્ષણે તમે કહેતા બંધ થાઓ કે "આ મેં કર્યું", તે ક્ષણે પરમાત્મા તમારા દ્વારા કામ કરવાનું શરૂ કરે છે.

કબીર સાહેબનો એક સુંદર દુહો આ સ્થિતિને બરાબર સમજાવે છે:

જબ મૈં થા તબ હરિ નહીં, અબ હરિ હૈ મૈં નાહીં | પ્રેમ ગલી અતિ સાંકરી, જા મેં દો ન સમાહીં ||

જ્યાં સુધી મારામાં 'હું' (અહંકાર) હતો, ત્યાં સુધી હરિ નહોતા. હવે હરિ છે, તો 'હું' નથી. પ્રેમની ગલી એટલી સાંકડી છે કે તેમાં 'હું' અને 'હરિ' બંને એકસાથે સમાઈ શકતા નથી.

આપણો  પીડા કે આપણા  પ્રશ્નોનો અંત કુદરતના શરણમાં જ છે. 'હું' ને ગાળી નાખવો એ જ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. જ્યારે આપણે નદીમાં પથ્થર બનીને નહીં, પણ પાણી બનીને વહેતા શીખી જઈએ, ત્યારે આખું જગત આપણું લાગે છે. પ્રકૃતિ સામે નતમસ્તક થવું એ હકીકતમાં વિજયની શરૂઆત છે—પોતાની જાત પરનો વિજય

શૂન્યતામાંથી દેવત્વ તરફનું પ્રયાણ

'હું' કોણ છું? એનો જવાબ જો પુસ્તકોમાં શોધશો તો માત્ર શબ્દો મળશે, પણ જો પહાડો અને જંગલોમાં અને પ્રકૃતિમાં શોધશો તો મૌન મળશે. અને એ મૌન જ સાચો જવાબ છે. 'હું ટળે તો હરિ ઢૂકડા'—એનો અર્થ જ એ છે કે જ્યારે ભીતરનો 'હું' નામનો ઘોંઘાટ શાંત થાય, ત્યારે જ પરમાત્માનો મધુર સૂર સંભળાય.

જે લોકો દુનિયાની નજરે 'ગાંડા' કે 'ગમાર' છે, તે કદાચ પ્રકૃતિના દરબારમાં સૌથી વધુ સ્વીકૃત છે, કારણ કે તેમણે પોતાની જાતને કુદરતના હવાલે કરી દીધી છે. આપણે જેને 'રખડપટ્ટી' કહીએ છીએ, તે હકીકતમાં તો 'હું' ને ખંખેરવાની પ્રક્રિયા છે. આ માનવ મેળામાં જ્યારે આપણે અન્યની પીડાને પોતાની પીડા સમજીએ અને કુદરત સામે નતમસ્તક થઈએ, ત્યારે જ આપણે માનવ મટીને દેવત્વના માર્ગે ડગ માંડીએ છીએ.

અંતે તો, આ રણકાર જ સત્ય છે: "હું કાંઈ નથી, હું તો કઈં જ નથી... બસ, જે છે તે આ વહેતી નદી, આ સ્થિર પહાડ અને એમાં શ્વાસ લેતો આપણા 'હું'નો જ  અંશ છે."

ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् ।

तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ॥

અર્થ: આ જગતમાં જે કંઈ પણ જડ-ચેતન છે, તે બધું જ ઈશ્વરથી વ્યાપ્ત છે. તેથી તેને ત્યાગપૂર્વક ભોગવો (એટલે કે 'મારું છે' એવો અહંકાર છોડીને ભોગવો) અને કોઈના ધન કે સંપત્તિની લાલસા ન કરો.

આ પણ વાંચો : Shani Sade Sati 2026: શનિદેવ મચાવશે ધમાલ! આ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન

Advertisement

.

×