Spirituality- અધ્યાત્મ જીવન માટે આવશ્યક નહીં,અધ્યાત્મ એ જ જીવન
Spirituality એટલે કે આધ્યાત્મિકતા શું છે ? એ ક્યાંથી મળે ? શું આ કેવળ મંદિર સુધી કે જપમાળા સુધી સીમિત છે? આ કેવળ ભજન-ભક્તિ કરતાં ભક્તો માટે જ હોય છે ? વ્યવસાય-નોકરિયાત કે સાંસારિક વ્યક્તિ માટે શું આ ઉપયોગી ખરી?…
આવા અનેક પ્રશ્નો જિજ્ઞાસા કે પછી આક્ષેપો જનમાનસમાં રમતા હોય છે. ગૂગલ પર આંગળીઓ ફરે ને આધ્યાત્મિક મેટર વર્ષા ઋતુનાં વાદળાઓની જેમ સ્ક્રિન પર ચોમેર છવાઈ જાય છે પણ ક્યાં કોઈનું હૃદય અધ્યાત્મથી ભીનું થયું? એ બધું વાચી વાચકની કોડી જેવડી આંખો પકોડી જેટલી થઈને કફોડી થઈ જાય છતાં શું વાંચવું? એ પ્રશ્ર્ન સળવળતો રહે છે ને અંતે ‘આધ્યાત્મિકતા’નો ચહેરો અછૂતો રહી જાય છે.
પરંતુ જીવનની ગહરાઈને જેઓએ માપી છે અને તેની સફળતા-અસફળતાની કડવાશ જેઓએ ચાખી છે, તેવા વિચારશીલ વિરલાઓ પણ આખરે અધ્યાત્મ પાસે જઈને શાંતિ મેળવે છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે Spirituality અધ્યાત્મ જીવન માટે આવશ્યક નહીં, પણ એ જ જીવન છે.
‘સ્ટીવ જોબ્સ’ કે ‘માર્ક ઝુકરબર્ગ’ નો ઊર્જાસ્રોત કયો ?
21મી સદીમાં ‘ઈં-વાંગમય’ એ જાણે કોલર ઊંચી કરાવનારી એક ઓળખ થઈ ગઈ છે ને બુક કરતાં વધારે જ્યારે ‘ફેસબુક’ વાપરનારાઓ વધ્યા છે ત્યારે આપણને જિજ્ઞાસા થાય કે દુનિયાને ઊર્જા આપનારા આ બન્નેનો એટલે કે ‘સ્ટીવ જોબ્સ’ કે ‘માર્ક ઝુકરબર્ગ’ નો ઊર્જાસ્રોત કયો ?
એકવાર સહજ વાર્તાલાપમાં સ્ટીવ જોબ્સે માર્ક ઝુકરબર્ગને કહેલું કે ‘એકવાર હું હતાશ હોવાથી પ્રેરણા ને ઊર્જા પ્રાપ્ત કરવા ભારતમાં ‘નીમ કરોલી’ બાબા પાસે ગયો હતો ને ખરેખર ઊર્જાન્વિત થઈ ગયો. માટે તું પણ ક્યારેક ત્યાં જજે’ અને જ્યારે માર્ક ઝુકરબર્ગને ભારત આવવાનું થયું ત્યારે વિશેષત: તેઓ ઉત્તરાખંડમાં ‘કૈંચી ધામ’ નામે આધ્યાત્મિક આશ્રમે ગયા ને પછી જણાવ્યું કે અહીં જવાથી ખરેખર મને ઊર્જાનો અનુભવ થયો.’
‘અધ્યાત્મ માનવને ઊર્જા આપે છે
મોટા મોટા સ્ટાર, ક્રિકેટર, નેતા કે હીરો પણ વાર-તહેવારે શા માટે અધ્યાત્મસ્થળની મુલાકાત લેતા હશે ? કારણ સ્પષ્ટ છે કે ‘અધ્યાત્મ-Spirituality માનવને ઊર્જા આપે છે. અંદરથી ભરી દે છે.’ એટલે જ ડો. અબ્દુલ કલામ (A. P. J. Abdul Kalam) જેવા વૈજ્ઞાનિક ને રાષ્ટ્રપતિએ પણ પૂજ્ય પ્રમુખસ્વામી પર ‘Transcendence’ નામે પુસ્તક લખ્યું જેમાં એમણે પોતાની ઊર્જા-સફળતાનો શ્રેય આધ્યાત્મિક ગુરુ પૂજ્ય પ્રમુખસ્વામીને આપ્યો છે.
અધ્યાત્મ એટલે શું?
ગીતાનો અધ્યાત્મ આપણને ઊંચી ભૂમિકા પર લઈ જાય છે. જીવનનો અંતિમ ધ્યેય સિદ્ધ કરવા મુમુક્ષુએ સાચા અધ્યાત્મથી યુક્ત થવું પડે. આ અધ્યાત્મ એટલે શું?’ ભગવદ્ગીતાનાં ૮મા અધ્યાયમાં તૃતીય શ્ર્લોકે સ્પષ્ટ લખ્યું છે કે ‘અક્ષરબ્રહ્મનો ભાવ એટલે કે અધ્યાત્મ.’ અક્ષરબ્રહ્મ એટલે અખંડ ભગવાનમાં જોડાયેલા સંત, જેનું નિષ્કલંક જીવન સૌને સહજ પ્રેરણાથી પરિપ્લાવિત કરી દે અને તેમનાં જેવું જીવન બનાવવું એટલે કે એવા ભાવને પામવું એ જ ખરા અર્થમાં સાચી આધ્યાત્મિકતા છે.’
એકવાર 1971માં વિશ્વવન્દનીય સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુ શ્રીયોગીજી મહારાજને ગોંડલમાં સવારે ૭ વાગ્યે હાર્ટ એટેક આવ્યો ને લગભગ ૧૦ વાગ્યે ડો. બક્ષી સાહેબે કાર્ડિયોગ્રામ લઈ રિપોર્ટમાં કહ્યું કે ‘કમ્પલીટ હાર્ટ બ્લોક છે.’ સૌ ચિંતિત હતા પરંતુ સતત ભગવન્મય રહેનાર યોગીજીમહારાજને નિદ્રામાંથી જ્યારે જગાડ્યા ત્યારે તેઓએ સૌપ્રથમ કહ્યું કે ‘મારે ભગવાનનાં દર્શન કરવા જવું છે.’
સત્પુરુષો સદા ભગવાનમાં તન્મય રહેતા હોય છે
જયારે તન, મન, અને આતમ ભગવાન સાથે ભળી જાય ત્યારે આવી નિત્ય આધ્યાત્મિકતા-Spirituality આવે. અખંડ ભજન-ભક્તિ તથા અક્ષરબ્રહ્મસ્વરૂપ આવા સત્પુરુષો સદા ભગવાનમાં તન્મય રહેતા હોય છે. આ જ તેમની નિત્ય આધ્યાત્મિકતા દર્શાવે છે. ગીતા કથિત- સ્થિતપ્રજ્ઞ, યોગી, જ્ઞાની, ભક્ત કે ગુણાતીત… ‘આ બધાનો સરવાળો એટલે ‘નિત્ય આધ્યાત્મિકતા’ને એનું જ નામ અક્ષરબ્રહ્મનો ભાવ.’
ધ્યાન, માળાજાપ, તીર્થયાત્રા એ સૌ ‘અધ્યાત્મ’ માટે સાધન છે પરંતુ અક્ષરબ્રહ્મનો ભાવ પામવો એ સાધનોનું અંતિમ પરિણામ ને ધ્યેય છે. તો ચાલો, સાચા આધ્યાત્મિક પુરુષના સંગે ‘નિત્ય આધ્યાત્મિક’ બનીએ.
આ પણ વાંચો- Ayodhya : આજથી બદલાશે રામ મંદિરમાં દર્શન કરવાના નિયમો