Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Spirituality vs rituals : આપણે પરમાત્માને પામવા નીકળ્યા છીએ કે ગણિતના દાખલા ગણવા?

ઈશ્વર કોઈ વિધિ-વિધાન કે ગણતરીથી મળી જતો હોય તો એ ઈશ્વર શાનો? ધર્મના તત્વ ચિંતનમાં અટવાયેલ શ્રધ્ધાળુઓએ કરવું શું?
spirituality vs rituals   આપણે પરમાત્માને પામવા નીકળ્યા છીએ કે ગણિતના દાખલા ગણવા
Advertisement

Spirituality vs rituals : ઈશ્વર કોઈ વિધિ-વિધાન(Rituals) કે ગણતરીથી મળી જતો હોય તો એ ઈશ્વર શાનો? ધર્મના તત્વ ચિંતનમાં અટવાયેલ શ્રધ્ધાળુઓએ કરવું શું?   

ધર્મનો રસ્તો ઈશ્વર તરફ જતો નથી! આ વિધાન વાંચતાં જ કદાચ પહેલી નજરે તમને આ નાસ્તિકતાની પરાકાષ્ઠા લાગશે. મનમાં સવાલ થશે કે જો સદીઓથી ચાલ્યા આવતા ધર્મ-સંપ્રદાયો જ ઈશ્વર સુધી ન પહોંચાડતા હોય, તો પછી પરમાત્મા તરફ જવાનો કોઈ ચોક્કસ રસ્તો ખરો?

Advertisement

આ પ્રશ્નનો સચોટ, સીધો અને સ્પષ્ટ જવાબ છે: 'ના'.

Advertisement

ઈશ્વર તરફ જતો કોઈ બંધાયેલો રસ્તો નથી અને પરંપરાગત ધર્મનો રસ્તો તો ત્યાં બિલકુલ જતો નથી. આ સત્ય ભલે આઘાતજનક લાગે, પણ તે તાર્કિક અને પરમ સત્ય છે.

Spirituality vs rituals : ગણિત અને પરબ્રહ્મનો વિરોધાભાસ

જો ઈશ્વર(Ishwar) તરફ જવાનો કોઈ ચોક્કસ માર્ગ હોય, તો સ્વાભાવિક છે કે એ માર્ગનું કોઈ ચોક્કસ માપ પણ હોવાનું. એની મર્યાદાઓ હોવાની. રસ્તો કેટલો લાંબો છે, કેટલો ટૂંકો છે, સહેલો છે કે મુશ્કેલ—આવા કોઈ ને કોઈ પરિમાણમાં એ રસ્તો બંધાશે. અને જ્યાં માપ આવી ગયું, ત્યાં એ અંતર કાપવા માટેની મહેનત, શક્તિ અને સમયની ગણતરી આપોઆપ આવી જાય.

આપણને બાળપણના ગણિતના દાખલા યાદ છે?

"એક ખેતર વાવતા બે માણસોને ૨૦ કલાક લાગે, તો છ માણસોને કેટલો સમય લાગે?"

આપણે ઈશ્વરના દરબારને પણ આવા જ કોઈ ગણિતથી માપવા નીકળ્યા છીએ! બે મણ પુણ્ય કરો,  ચારધામની યાત્રા કરો, ત્રેસઠ ઉપવાસ ખેંચી નાખો, ત્રેવીસ લાખનું દાન આપો, સવા કિલો કરુણા અને સો ગ્રામ સમતા રાખો; અથવા રોજની દસ મિનિટ લેખે સાડા સત્તર વર્ષ સુધી ધ્યાન ધરો, ધર્મગ્રંથના ૧૮૦૦ પાનાં તેંત્રીસ વખત વાંચી જાઓ, મંદિરના પગથિયે ૭૭૭ વખત માથું ટેકવો, હજાર દંડવત પ્રણામ કરો, પૂજારીને દક્ષિણા આપો અને પાંચ યજ્ઞ-પચીસ હવન કરો એટલે ઈશ્વર મળી જ જાય!

Spirituality vs rituals : જો આવી કોઈ લાલચ કે વિધિ-વિધાનની ગણતરીથી એ મળી જતો હોય, તો એ ઈશ્વર શાનો?

આ તો સીધો જ વ્યાપાર થયો, કર્મવાદનું ગણિત થયું. 'આટલું કરો એટલે આટલું વળતર મળે'—જો આ જ નિયમ પરમાત્માને લાગુ કરીએ તો તે ઈશ્વરના અસ્તિત્વનો જ છેદ ઉડાડી દે છે. શુદ્ધ કર્મવાદ એ રૂઢિચુસ્ત પરમાત્માની વિભાવનાનો એક્ઝેક્ટ વિરોધી છે.

સદીઓ પહેલાં નરસિંહ મહેતાએ આ જ વાત બહુ સચોટ રીતે કહી હતી:

"ગ્રંથ ગડબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે;

મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે."

વિધિઓનું બજાર અને આસ્થાનો આભાસ

આજના સંપ્રદાયોના રસ્તાઓ માત્ર ને માત્ર ગણતરીના છે. એ ચોક્કસ વિધિઓ, નિયમો અને માળખાઓથી ચાલતી સંસ્થાઓ છે. સમાજ વ્યવસ્થાને જાળવી રાખવા, માણસને સારો માણસ બનાવવા અને તેને અનૈતિકતાથી રોકી રાખવા માટે સંપ્રદાયો ચોક્કસપણે જરૂરી અને ઉપયોગી છે; પરંતુ શુદ્ધ પરબ્રહ્મ સુધી પહોંચાડવાની ક્ષમતા આ બાહ્ય માળખાઓમાં નથી.

ઈશ્વર શું છે અને તેને કેમ પામવો, એ જિજ્ઞાસા પરમાત્માએ મનુષ્યના ભીતરમાં 'ડિફોલ્ટ સેટિંગ' તરીકે, એટલે કે જન્મજાત મૂકેલી છે. જગતમાં આવનાર દરેક જાગૃત માણસને આ સવાલ થાય જ છે. પણ મુશ્કેલી એ છે કે દુનિયામાં એન્જિનિયર, ડોક્ટર કે વકીલ બનવા માટેની શૈક્ષણિક વ્યવસ્થાઓ છે, પણ ઈશ્વરને પામવા માટેનું શિક્ષણ આપે તેવી કોઈ સાર્વત્રિક વ્યવસ્થા નથી.

તમે તરત જ દલીલ કરશો કે, "કેમ, આપણી પાસે આટઆટલા ધર્મો(Religions) છે ને?" પણ જરા થોભો. સંપ્રદાયો જેને આપણે ધર્મ માની બેઠા છીએ, એ આવી વ્યવસ્થાનો માત્ર આભાસ (Illusion) ઊભો કરે છે, વાસ્તવિક વ્યવસ્થા નથી. સંત કબીરે-Saint Kabirઆ બાહ્ય વ્યવસ્થાઓ અને તીર્થ-ધામોની ગણતરીઓ પર આકરો પ્રહાર કરતાં ગાયું છે:

"મોકો કહાં ઢૂંઢે રે બંદે, મૈં તો તેરે પાસ મેં।

ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાંત નિવાસ મેં।

ના મૈં કોનો ક્રિયા-કર્મ મેં, ના હી જોગ સંન્યાસ મેં..."

પ્રશ્ન થાય તે પહેલાં ગોખાવી દેવાયેલા જવાબો

સંપ્રદાયો માણસને 'આસ્થાળુ' કે અંધશ્રદ્ધાળુ બનાવે છે, સાચા અર્થમાં 'ધાર્મિક' નહીં. એ વિધિ-વિધાનો ગોખાવે છે, ઈશ્વરની અનુભૂતિ કરાવતા નથી. આ વ્યવસ્થા એટલી જડબેસલાક ગોઠવાયેલી છે કે માણસનો જન્મ જ કોઈ એક સંપ્રદાયના ચોકઠામાં થાય છે. એટલે કે તે બંધાયેલો જ જન્મે છે.

જેવો માણસ સહેજ સમજણો થાય અને અંદર ઈશ્વર વિશેનો સવાલ જાગે, એટલે તેની સામે આ સંપ્રદાયોના વાડાઓ આવી જાય છે, જ્યાં દરેક પ્રશ્નના તૈયાર જવાબો અને ક્રિયાકાંડોનું લિસ્ટ પહેલેથી જ હાજર હોય છે. માણસ પ્રશ્ન પૂછે એ પહેલાં જ એના મગજમાં પરમાત્મા વિશેની એક સજ્જડ, પૂર્વગ્રહયુક્ત માન્યતા ઠાંસી દેવામાં આવે છે.

ઇતિહાસ સાક્ષી છે કે સ્વામી(Swami Vivekananda))કોઈ વીરલો જ પાકે, જે 'મેં ઈશ્વરને જોયો છે?' એ સાચા જવાબની શોધમાં એક ગુરુથી બીજા ગુરુના દ્વારે ભટકવાની હિંમત કરી શકે.

બાકી સામાન્ય માનવી તો પોતાના સંપ્રદાયે આપેલા તૈયાર જવાબોને જ અંતિમ સત્ય માની ત્યાં જ અટકી જાય છે. તે આખી જિંદગી એ ભ્રમમાં જીવે છે કે આટલી માળા ફેરવવાથી કે આટલી આહુતિ આપવાથી ઈશ્વર રાજી થઈ જશે. તેનો વિશ્વાસ કદાચ સાચો હોઈ શકે, પણ તેનો રસ્તો ખોટો હોય છે.

અનંત આશાનું મૃગજળ

આ સંપ્રદાયો માણસને શું આપે છે? માત્ર આશા. અને એ આશા પણ કેવી? અનંત, લાંબી અને છેતરામણી. માત્ર આ જન્મની જ નહીં, પણ જન્મજન્માંતરના ફેરા અને મોક્ષ સુધીની ગેરંટીઓ આપી દેવામાં આવે છે! આશાના આ તાંતણે માણસ મૃત્યુની છેલ્લી ઘડી સુધી ભ્રમમાં જીવતો રહે છે.

એવું નથી કે આ સંપ્રદાયો ઈશ્વરને જાણવાનો પ્રયત્ન નથી કરતા. કરે છે, પણ તેમની પાસે માત્ર કોરી કલ્પનાઓનું ભાથું છે. મૂળ સ્થાપક મહાપુરુષો કે પયગંબરોએ જે પરમ તત્ત્વને અનુભવ્યું અને સમજાવ્યું, તેમાં સમય જતાં અનુયાયીઓએ પોતાની કલ્પનાઓ અને ચમત્કારોનો એટલો બધો ઉમેરો કરી દીધો કે મૂળ સત્ત્વ કે તત્ત્વ ક્યાંક અદ્રશ્ય થઈ ગયું.

ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પણ આવા વેદિયા અને ગણતરીબાજ ધર્મોના કરનારાઓ માટે કહે છે:

यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः।

वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः॥

(હે પાર્થ! જેઓ ગણતરીઓ અને અલ્પોક્ત ક્રિયાકાંડોમાં જ રચ્યાપચ્યા રહે છે, તેઓ એવી ભપકાદાર વાણી બોલે છે કે આનાથી વિશેષ બીજું કંઈ સત્ય છે જ નહીં.)

જગતના મહાન પ્રબુદ્ધ પુરુષોએ પોતાનું પરમ સત્ય સમજાવવા અથાક પ્રયત્નો કર્યા, પણ એમાં સફળતાનો રેશિયો અત્યંત અલ્પ રહ્યો છે. ભગવાન બુદ્ધ પછી થોડા બોધિસત્ત્વો થયા, અને પછી પરંપરા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.

પરમાત્મા કોઈ ગણિતના સમીકરણથી ઉકેલાતો પ્રશ્ન નથી, કે નથી એ કોઈ બાહ્ય વિધિઓનું પરિણામ. એ તો ભીતરની સભાનતા, અહંકારનું ઓગળવું અને શૂન્ય થવાની પ્રક્રિયા છે.

કવિ મકરંદ દવેના શબ્દોમાં કહીએ તો—

"ગમતા નો કરીએ ગુલાલ, ભાઈ રે! ગમતા નો કરીએ ગુલાલ

એની ચોપડે કાંઈ નોંધ નથી, એનો વણલખ્યો ઈતિહાસ..."

જ્યાં સુધી આપણે ગણતરીઓ માંડતા રહીશું, ત્યાં સુધી એ અગણિત પરમ તત્ત્વ આપણાથી વેંત છેટું જ રહેશે!

આ પણ વાંચો : Sadhana and Samarpan : સાધના જ્યારે આત્માનું બંધાણ બને!

Tags :
Advertisement

.

×