Rukmini : સ્નેહ, સંસ્કાર અને સંપ્રત્યજ્ઞાતાનો ત્રિવેણી સંગમ
Rukmini : કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ.. પણ જિંદગીની એક પણ ક્ષણ એ શાંતિથી જીવ્યા નથી. આમ જુઓ તો કૃષ્ણ એટલે સતત સંઘર્ષ.. પ્રીત વછોયા.. જન્મતાંની સાથે જન્મદાતા માંથી વિયોગ..સમાજના થાય ત્યાં પાલક મોટા યશોદાથી વિયોગ.. રાધાનો વિયોગ..
કૃષ્ણ એટલે રસપ્રદ વ્યક્તિત્વ
ઇતિહાસના પાનાં ફેરવતા જાણવા મળે કે નારદજીની ઇચ્છા લક્ષ્મીજી સાથે વિવાહ કરવાની હતી. પરંતુ શ્રીવિષ્ણુ ભગવાને નારદજી સાથે છળકપટ કર્યું. તેમણે નારદજીને પોતાનું સ્વરૂપ આપવાના બદલે વાનરનું સ્વરૂપ આપી દીધું. જેના લીધે લક્ષ્મીજીના સ્વયંવરમાં તેઓ હાંસીના પાત્ર બન્યા હતા અને તેમના મનમાં લક્ષ્મીજી સાથે લગ્ન કરવાના અભરખા મનમાં ને મનમાં જ રહી ગયા હતા. પછી નારદજી કોપાયમાન થઈને સીધા વૈકુંઠ પહોંચી ગયા અને વિષ્ણુજીને શ્રાપ આપી દીધોે કે, 'પત્ની વિયોગ સહન કરવો પડશે' નારદજીના આ શ્રાપના કારણે જ રામાવતારમાં ભગવાન રામચંદ્રને સીતાનો વિયોગ અને કૃષ્ણાવતારમાં રાધાનો વિયોગ સહન કરવો પડયો હતો એવી માન્યતા છે. આથી રાધા અને રુક્મણિ બંને લક્ષ્મીજીના જ અંશ છે એવું પણ કહેવાય છે.
રાધાનું અલગ કોઈ અસ્તિત્વ નથી
અમુક વિદ્વાનોનું માનવું એવું પણ છે કે રાધાનું કોઈ અસ્તિત્વ ધ જ નહોતું. કૃષ્ણ કરતાં રાધા અને રુક્મણિ Rukmini બંને ઉંમરમાં મોટાં હતાં. એટલે રુકમણી અને રાધા એક જ હતા. શ્રીકૃષ્ણનાં લગ્ન રુક્મણિ સાથે થયાં એટલે માનો કે રાધા સાથે જ થયાં હતા. રાધાનું અલગ કોઈ અસ્તિત્વ નથી. રાધાજીને નારદજીના શ્રાપના કારણે વિરહ સહન કરવો પડયો અને રુક્મણિ સાથે કૃષ્ણએ લગ્ન કર્યાં.
વિદર્ભની રાજકુમારી દેવી રૂક્મણીના વિવાહ સાથે જોડાયેલી કથા ખરેખર રોચક છે. કૃષ્ણની લીલાઓ તો અપરંપાર છે. એ બાળલીલા હોય કે રાસલીલા. કૃષ્ણ ભલે રાધાને પ્રેમ કરતા હતા પરંતુ પતિ તો તે રુકમણી Rukmini ના જ કહેવાયા. શ્રીમદ્ ભાગવત્ કથાનાં દશમસ્કંધ(ઉત્તરાર્ધ)માં 'રુકમણી હરણ' પ્રસંગ આવે છે જે 'રુકમણી વિવાહ' તરીકે પણ ઉજવાય છે. રુકમણી હરણનું તાત્પર્ય એ ફલિત કરવાનું છે કે 'મહાલક્ષ્મી નારાયણને મળે, શિશુપાળ જેવા દુરાચારીને નહીં.' શુકદેવજી રુકમણી લગ્નની જે કથા કહે છે તેનો ટૂંકસાર આ પ્રમાણે છે.
'હું પરણીશ તો શ્રીકૃષ્ણ સાથે જ'
વિદર્ભદેશના રાજા ભીષ્મકને પાંચ પુત્રો અને એક કન્યા હતી. રાજાનાં મોટા પુત્રનું નામ 'રુકમી' અને કન્યાનું નામ 'રુકમણી' Rukmini હતું. રુકમણીના માતાનું નામ શુદ્ધમતિ હતું. રુકમણી સાક્ષાત મહાલક્ષ્મીનો અવતાર હતાં. રુકમણી પાસે જે લોકો આવતા જતાં હતા. તેઓ કૃષ્ણની પ્રશંસા કરતા હતા. એટલે રુકમણી કૃષ્ણને મનોમન ચાહવા લાગ્યા. રુકમણી ઉંમરલાયક થયાં. તેની ઇચ્છા શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાની હતી પણ તેનો મોટો ભાઈ રુકમી પોતાની બહેનને શિશુપાળ જેવા દુરાચારી રાજા સાથે પરણાવવા માગતો હતો. સ્વાર્થ, લોભ અને મોહની વેદી પર સૌ તેનું બલિદાન આપે એ રુકમણીને મંજુર ન હતું.
'હું પરણીશ તો શ્રીકૃષ્ણ સાથે જ' તેવા દ્રઢ નિશ્ચય સાથે ખૂબ વિચાર કર્યા બાદ રુકમણીજી Rukminiએ શ્રીકૃષ્ણને પ્રેમપત્ર લખ્યો અને સુદેવ નામના બ્રાહ્મણને દ્વારિકા મોકલ્યો. સાથે પેલો પત્ર પણ આપ્યો. જગતના ઇતિહાસમાં આ પહેલો જ પ્રેમપત્ર હશે અને એ પણ કેટલી ગરિમાથી સુંદર રીતે લખાયેલો..!
રુકમણીનું ચરિત્ર ખૂબ ઉદાત્ત હતું. એક આધુનિક નારીની માફક તેમનામાં વિચારશીલતા અને દ્રઢ નિર્ણયશક્તિ હતા. તેમણે સ્વસ્થચિત્તે સ્વનિર્ણયથી પોતાના જીવન સાથીની પસંદગી કરી. તેનામાં તે માટેની મક્કમતા, નીડરતા અને હિંમત પણ હતી. શ્રીકૃષ્ણને લખેલી ચિઠ્ઠીમાં તેમનું ગુણીયલ ચરિત્ર ઉપસીને સામે આવે છે.
રુકમણીનું ચરિત્ર ખૂબ ઉદાત્ત
રુકમણી Rukmini શ્રીકૃષ્ણને લખે છે કે, 'ગૌરવપૂર્ણ અદ્ભુત શૌર્ય, અલૌકિક નિષ્ઠા અને તમારું તેજસ્વી વ્યકતિત્વ જોઈને કોઈપણ છોકરી મુગ્ધ થઇ જાય એ સાવ સ્વાભાવિક છે અને હું પણ મુગ્ધ થઇ છું તેથી આ પત્ર લખવાનું સાહસ કરું છું. અહીં મારા વડીલો મારો હાથ એક પશુના હાથમાં સોંપી દેવાની પેરવીમાં પડયા છે, પોતાના સ્વાર્થ ખાતર તેઓ મારું બલિદાન આપવા તૈયાર થયા છે. પણ હું તો તમારા ગુણ, શીલ અને બુદ્ધિમત્તા પાછળ પાગલ બની છું. મારે તો જેની પાસે મારું મસ્તક નમે એવો પતિ જોઈએ છે. જેની આગળ મસ્તક નમે તેવી અલૌકિક વ્યક્તિ એક તમે જ છો. તમારો જન્મ પરિત્રાયાણસાધૂનામ છે. શિશુપાલ પાસે મારું મસ્તક કદાપિ નમવાનું નથી. ડરથી પત્નીનું મસ્તક નમાવે એવા અનેક પતિઓ હોય છે પણ તેમાં એમની વિશેષતા શું ? તમને મળવાનો પહેલો માર્ગ એ છે કે હું અહીંથી નાસીને તમારી પાસે આવી જાઉં, પરંતુ તમારા જેવા વીરને આવી રીતે નાસી આવેલી બીકણ યુવતી ગમશે નહિ.
બીજો માર્ગ અંતથપુરમાંથી તમે મને લઇ જાઓ તે છે પરંતુ એ માર્ગ તમને શૂરવીરને એ શોભે નહિ, તો તમે અહીં ભેગા થયેલા પશુઓનો સંહાર કરીને જ મને લઇ જાઓ એ જ ઈચ્છવા યોગ્ય છે, વળી રાતોરાત મને ઉપાડી લઇ જાઓ એ પણ ઠીક નથી, આથી તમારે તો મને ખુલ્લેખુલ્લા બધાના દેખતા ઉપાડી જવી પડશે. લગ્ન પહેલા ગિરિજાને મંદિર દર્શન કરવા જવાનો અમારા ઘરનો રિવાજ છે. હું ત્યાં દર્શન કરવા આવીશ અને તમે મને ત્યાંથી સૌ શિયાળોના દેખતા જ ઉપાડી જાઓ એ મારી અભિલાષા છે.'
રાજનીતિ ભર્યોે પ્રેમપત્ર
ચાતુર્યસભર આ પ્રેમપત્રમાં રુકિમણી Rukmini જણાવે છે પોતે કેવા પતિની અપેક્ષા રાખે છે. એ ભાગીને વિવાહ કરવાનું પસંદ કરતી નથી તેમાં તેની ડીપ્લોમસી દેખાઈ આવે છે કે કારણકે કદાચ શ્રીકૃષ્ણ જો તેનો અસ્વીકાર કરે તો પોતે ક્યાંયના ન રહે અને નાલેશી થાય. વળી શ્રીકૃષ્ણના પૌરૂષની પણ એ પ્રતીતિ કરવા માગતા હતા. આમ આ રાજનીતિ ભર્યોે પ્રેમપત્ર કહી શકાય. પ્રતિભાવાન વ્યક્તિ જ આવી કક્ષાના પ્રેમપત્રો લખી શકે..! ભાગવતમાં આલેખાયેલ શ્રીકૃષ્ણ અને રુકિમણીના પ્રેમપત્રની કથા સાચે જ અદ્ભુત છે ..!! રુકમણીની ચિઠ્ઠી લઈને આવેલા બ્રાહ્મણ સુદેવની વાત માન્ય રાખીને તેની સાથે જવા તૈયાર શ્રીકૃષ્ણનો દૃષ્ટિકોણ ત્રણ બાબતને લક્ષ્યમાં રાખે છે. જેમ કે ડરી ગયેલા લોકોને નિર્ભય બનાવવા, ધર્મ સંસ્થાપનાના પોતાના ભગીરથ કાર્યને પાર પાડવા રાજકુટુંબ સાથે નાજુક સંબંધ બાંધવો અને સ્વયંવરમાં આવેલા શિશુપાલનો વધકરવો. સારથી દારૂકે રથ તૈયાર કર્યોે. બ્રાહ્મણ સુદેવને સાથે લઈ લગ્નના શુભ દિવસે શ્રીકૃષ્ણ રુકમણીના નગરમાં પહોંચ્યા. બ્રાહ્મણ સુદેવે રુકમણી પાસે જઈ કહ્યું,' બેટા, દ્વારિકાનાથને લઈને આવ્યો છું.'
દ્વારિકામાં ધામધૂમથી શ્રીકૃષ્ણ-રુકમણીના લગ્ન થયા
શિશુપાલ અને અન્ય રાજાઓ સભામાં આવી ગયા હતા. દેવી રુકમણી સહેલીઓની સાથે પાર્વતીજીની પૂજા કરવા મંદિરમાં ગયા. પૂજા કર્યા પછી એ મંદિર બહાર નીકળ્યા. શ્રીકૃષ્ણનો રથ તૈયાર જ ઊભો હતો. રુકમણીને લઈ રથ દ્વારિકા તરફ જવા લાગ્યો. શિશુપાળ અને બીજા રાજાઓએ શ્રીકૃષ્ણને રોકી તેની સાથે યુદ્ધ કર્યું. પણ તે હારી થાકીને વિલા મોંએ પાછા ફર્યા. રુકમણીનો ભાઈ રુકમી પણ શ્રીકૃષ્ણની સામે પડયો પણ શ્રીકૃષ્ણે તેને પણ હરાવ્યો અને બંદી બનાવ્યો. આ સમયે શ્રીકૃષ્ણના મોટાભાઈ બળદેવજી પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે રુકમીને છોડાવ્યો. શ્રીકૃષ્ણ, રુકમણી અને બળદેવજી દ્વારિકા પહોંચ્યા. ત્યારબાદ દ્વારિકામાં ધામધૂમથી શ્રીકૃષ્ણ-રુકમણી Rukmini ના લગ્ન થયા. મહિલાઓ માધવપુરમાં ડર વર્ષે ઉજવાતા ભગવાનના લગ્ન પૂર્વે સત્સંગમાં લગ્ન ગીત ગાય છે કે 'રુકમણી લખે કાગળ દ્વારકા, હું નહીં રે પરણુ શિશુપાલને રે, તેમજ લગ્ન દરમિયાન માધવપુરનો માંડવો, આવી જાદવકુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી, વર વાંછીત શ્રી ભગવાન'.
રુકિમણીના પ્રેમપત્રની કથા ભાગવતમાં જે રીતે આલેખાઈ છે તે સાચે જ અદ્ભુત છે !
શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓમાં રુકમણીજી મોખરે હતા. કૃષ્ણએ રુક્મિણીને પટ્ટરાણી બનાવ્યા હતા. શ્રીકૃષ્ણ અને રુકિમણીના પ્રેમપત્રની કથા ભાગવતમાં જે રીતે આલેખાઈ છે તે સાચે જ અદ્ભુત છે ! તેનામાં સતીત્વ, શીલ, સંયમ, પવિત્રતા, દૃઢ આત્મવિશ્વાસ, પ્રભુશ્રદ્ધા અને એકનિષ્ઠતાનું તેજ છે. કામાંધ બનેલા રાજવીઓ રુકમણીના ચારિત્રના તેજથી બેભાન બની ગયા હતા. નારી સામર્થ્યને બળ આપવા માટે આજે જ્યારે દુનિયામાં અવાજ ઉઠયો છે. ત્યારે રુકમણીનું ચરિત્ર ઉદાહરણ રૂપ બને છે.
રુકમણી વિવાહ એ જીવ સાથે શિવનું મિલન છે. રુકમણીએ શ્રીકૃષ્ણને લખેલ પત્રમાં 'ભુવનસુંદર' એવું સંબોધન કર્યું છે. જેનામાં ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાાન, વૈરાગ્ય અને ધર્મ સઘળું છે એવા ભગવાનનું શરણું સ્વીકારવામાં પણ મર્મ છે. રુકમણીએ નિથશ્ચય કર્યોે કે ભલે સેંકડો જન્મ કેમ ન લેવા પડે, પરંતુ વરીશ તો શ્રીકૃષ્ણને. શિવ પાસે જવા માટે જીવનો આવો દૃઢસંક્લ્પ હોવો જોઈએ.
રાધા કૃષ્ણના રોમ રોમમાં
શ્રીકૃષ્ણના પત્ની રુકમણી Rukmini હતા પરંતુ રાધા કૃષ્ણના રોમ રોમમાં હતા. એકવાર રુકમણીએ ભોજન પછી કૃષ્ણને દૂધ આપ્યું. દૂધ ગરમ હતું. પણ કૃષ્ણને દૂધ અતિ પ્રિય તો ઝડપથી પીવા ગયા ને દૂધ છલકાયું. કૃષ્ણ દાઝી ગયા. એ પીડાથી બોલી ઉઠયા 'હે રાધે'. તેના પતિના મોઢાથી રાધાનું નામ સાંભળીને, રુકમણીએ કહ્યું, 'હું પણ તમને ખૂબ જ પ્રેમ કરું છું, પણ હંમેશાં રાધાનું નામ તમારા મોંમાંથી બહાર આવે છે. રાધામાં એવું તે શું છે, તમે મારું નામ કદી લેતા નથી ? શ્રીકૃષ્ણ આ પ્રશ્ન સાંભળીને આછા સ્મિત સાથે એટલું જ બોલ્યા 'તમે રાધાને મળ્યા છો?'
એ પછી રુક્મણીથી રહેવાયું નહી. અને એ રાધાને મળવા રાધાના મહેલ પહોંચ્યા. રાધાજી પાસે પહોચીને રુકમણી જુએ છે કે તેઓ અત્યંત સુંદર અને તેજસ્વી હતા. રુકમણી તરત રાધાજીના પગમાં પડી જાય છે. એ જ સમયે રુકમણીનું ધ્યાન તેના શરીર પર પડેલા છાલા પર જાય છે ને એ રાધાજીને કારણ પૂછે છે. રાધાજી કહે છે કે 'ગઇકાલે તમે કાન્હાને ગરમ દૂધપીવા આપેલું અને કાનજી દાઝી ગયા હતા. હું તો એમના હૃદયમાં વાસ કરું છુ. એટલે મને પણ છાલા પડે જ ને !' કૃષ્ણ-રાધાનું આવું તાદાત્મ્ય અને નિસ્વાર્થ એકત્વ જોઇને રુકમણી નતમસ્તક બન્યા.
રુક્મિણી કૃષ્ણ સાથે પૂજાય છે
શ્રીકૃષ્ણના પટરાણી એવા રુકમણી Rukmini ને ૧૧ સંતાન થયાં જેમાં પ્રદ્યુમ્ન સૌથી બળવાન પુત્ર હતો જે સમય જતા દ્વારકાનો રાજા બન્યો. પ્રભાસ ક્ષેત્રમાં જ્યારે કૃષ્ણએ દેહત્યાગ કર્યોે ત્યારે રુક્મિણી આ આઘાત સહન ન કરી શક્યા અને કૃષ્ણના વિયોગમાં, કૃષ્ણના મૃતદેહને સાથે લઈને તેમણે અગ્નિપ્રવેશ કરી વૈકુંઠગમન કર્યું. આખા ભારતમાં રુક્મિણી કૃષ્ણ સાથે પૂજાય છે. દ્વારકાના દ્વારકાધીશ મંદિરથી બે કિલોમીટર દૂર રુકમણી મંદિર આવેલ છે.
ઘણા સંપ્રદાયોમાં રુક્મિણીને સર્વોેચ્ય દેવી તરીકે પૂજવામાં આવે છે. દક્ષિણ ભારતમાં રુક્મિણીને અનુલક્ષીને અમુક સંપ્રદાય પણ અસ્તિત્વ ધરાવે છે જે રુક્મિણી સંપ્રદાય તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રમાં તેમની ભગવાન વિઠ્ઠલ સાથે પૂજા કરવામાં આવે છે.
આ પણ વાંચો- Chaitri Navratri : દુર્ગાનાં નવ સ્વરૂપોનું વિજ્ઞાન અને રહસ્ય