Tolerance Award to BAPS Mandir : અબુ ધાબી BAPS મંદિરને 'ટોલરન્સ એવોર્ડ'
Tolerance Award to BAPS Mandir : "વસુધૈવ કુટુંબકમ્" ના મંત્રને સાર્થક કરતા અબુ ધાબી BAPS હિંદુ મંદિરને આંતરરાષ્ટ્રીય 'ટોલરન્સ એવોર્ડ 2026' મળ્યો. જાણો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ AI અને ઘરસભા વિશે પ્રેરક વાતો કરી.
Tolerance Award to BAPS Mandir : વર્તમાન સમયમાં જ્યારે આખી દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક ટેકનોલોજીની પાછળ દોડી રહી છે, ત્યારે માનવીય મૂલ્યો, પારિવારિક બંધનો અને પરસ્પર સૌહાર્દનું જતન કરવું એ વૈશ્વિક સ્તરે સૌથી મોટો પડકાર બની ગયો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા વર્ષ ૨૦૨૬ ને 'પરિવારના વર્ષ' (Year of the Family) તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અબુ ધાબીમાં યોજાયેલી ત્રીજી 'આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ સંવાદ અને સહિષ્ણુતા પરિષદ' (IDCT 2026) એ વૈશ્વિક શાંતિ માટે એક નવો રાહ ચીંધ્યો છે. આ ઐતિહાસિક મંચ પરથી અબુ ધાબી સ્થિત BAPS હિંદુ મંદિરને વૈશ્વિક સહિષ્ણુતા અને ભાઈચારા માટે સન્માનિત કરવામાં આવ્યું છે, જે ભારતીય સંસ્કૃતિના ઉદાર વિચારોની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે.
Tolerance Award to BAPS Mandir :BAPS હિંદુ મંદિરને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત 'ટોલરન્સ એવોર્ડ'
વૈશ્વિક સહિષ્ણુતા, પરસ્પર આદર અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા બદલ BAPS હિંદુ મંદિરને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત 'ટોલરન્સ એવોર્ડ' (Tolerance Award) થી સન્માનિત કરવામાં આવ્યું છે. કોન્ફરન્સની વૈજ્ઞાનિક સમિતિ દ્વારા મંદિરના આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા સકારાત્મક પ્રભાવને આધારે આ પસંદગી કરવામાં આવી હતી.
એમિરેટ્સ સ્કોલર સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સ્ટડીઝના ચાન્સેલર મહામહિમ ડો. અબ્દુલ્લા બલ્હૈફ અલ નુઆઈમી અને મોહમ્મદ બિન ઝાયેદ યુનિવર્સિટી ફોર હ્યુમેનિટીઝના ચાન્સેલર મહામહિમ ડો. ખલીફા અલ ધાહેરીના હસ્તે BAPS હિંદુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ આ ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકાર્યો હતો.
Tolerance Award to BAPS Mandir : ભવિષ્યના પરિવાર, શ્રદ્ધા અને ટેકનોલોજી પર વિચારપ્રેરક વક્તવ્ય
એવોર્ડ સ્વીકાર્યા બાદ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ભવિષ્યના પરિવાર, શ્રદ્ધા અને ટેકનોલોજી પર એક વિચારપ્રેરક વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, "જ્યારે સમગ્ર વિશ્વ એ વિચારવામાં વ્યસ્ત છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શું કરી શકે છે, ત્યારે આપણે એ ઊંડો વિચાર કરવાની જરૂર છે કે તેના કારણે આપણે કેવા પ્રકારના માનવી બની રહ્યા છીએ?"
તેમણે વૈશ્વિક સંસ્કૃતિઓ અને ભારતીય આદર્શો જેવા કે 'માતૃદેવો ભવ', 'પિતૃદેવો ભવ' અને 'વસુધૈવ કુટુંબકમ્' (સમગ્ર વિશ્વ એક પરિવાર છે) નો સંદર્ભ આપીને જણાવ્યું કે મજબૂત સમાજનો પાયો મજબૂત પરિવારો છે. તેમણે આજના ડિજિટલ યુગમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત 'ઘરસભા' ના વિચારને વૈશ્વિક મંચ પર રજૂ કર્યો, જેમાં પરિવારો દરરોજ 20 મિનિટ કોઈપણ સ્ક્રીન, નોટિફિકેશન કે અલ્ગોરિધમ વિના એકબીજા સાથે વિતાવે છે. સ્વામીજીએ આહવાન કર્યું કે, "આપણને માત્ર AI થી ચાલતા (AI Powered) પરિવારો નહીં, પરંતુ માનવીય મૂલ્યો અને AI દ્વારા સશક્ત (AI Empowered) પરિવારોની જરૂર છે."
BAPS સંસ્થાની સામાજિક અભિમુખતા (Social Responsiveness)
BAPS સ્વામિનારાયણ સંસ્થાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે માત્ર આધ્યાત્મિક ઉત્કર્ષ પૂરતી સીમિત નથી, પરંતુ તેની સામાજિક અભિમુખતા તેના દરેક કાર્યમાં ઝળકે છે. સંસ્થા માટે મંદિર એ માત્ર પૂજા કરવાનું સ્થળ નથી, પરંતુ માનવ સેવા અને સામાજિક ચેતનાનું જીવંત કેન્દ્ર છે.
આ પુરસ્કાર મળવા પાછળ સંસ્થાની આ જ સામાજિક જવાબદારીની ભાવના રહેલી છે:
આપત્તિ વ્યવસ્થાપન (Care in Crisis): કોવિડ-૧૯ મહામારી હોય કે વર્તમાન વૈશ્વિક સંકટો અને યુદ્ધની સ્થિતિ, સંસ્થાના હજારો સ્વયંસેવકોએ પોતાના જીવના જોખમે, જાતિ, ધર્મ કે દેશના ભેદભાવ વિના નિઃસ્વાર્થ ભાવે પીડિતોની સેવા કરી છે.
આંતરધાર્મિક સંવાદિતા (Omsiyyat): રમઝાન માસ દરમિયાન મંદિર પરિસરમાં યોજાતો 'ઓમસિય્યાત' જેવો વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ મુસ્લિમ, ખ્રિસ્તી, યહૂદી અને હિંદુ સમુદાયના લોકોને એક મંચ પર લાવીને પરસ્પર આદર અને ભાઈચારો દ્રઢ કરે છે.
સામૂહિક યોગદાન: આ મંદિર માત્ર પથ્થરોનું નથી, પરંતુ હજારો સ્વયંસેવકોના ત્યાગ, અગણિત મુલાકાતીઓના પ્રેમ અને વિવિધ સંસ્કૃતિઓના સમન્વયનું સામાજિક પ્રતીક છે.
‘બીજાના ભલામાં આપણું ભલું છે’ – સેવાનો પરમ મંત્ર
BAPS સંસ્થાની આ વ્યાપક સામાજિક પ્રવૃત્તિઓના મૂળમાં તેના પૂર્વ આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સમગ્ર જગતને અપાયેલું વૈશ્વિક જીવનસૂત્ર છે:
"બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે."
આ માત્ર એક સ્લોગન નથી, પરંતુ નિઃસ્વાર્થ માનવસેવાનો સર્વોચ્ચ મંત્ર છે. જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પોતાના સ્વાર્થ અને સીમાઓથી ઉપર ઊઠીને અન્યોના કલ્યાણનો વિચાર કરે છે, ત્યારે જ સાચા અર્થમાં 'સહિષ્ણુતા' (Tolerance) અને 'સહઅસ્તિત્વ' નો જન્મ થાય છે.
ઉદારચરિતાનાં તુ વસુધૈવ કુટુમ્બકમ્
અબુ ધાબીના આ મંદિરના નિર્માણથી લઈને તેની પ્રત્યેક પ્રવૃત્તિઓમાં આ સૂત્ર વણાયેલું છે. હજારો સ્વયંસેવકો પોતાનો સમય, વેપાર-ધંધો અને શક્તિ અન્યોના સુખ અને માનવતાના ઉત્થાન માટે હોમી દે છે, કારણ કે તેઓ માને છે કે સમષ્ટિનું ભલું એ જ વ્યક્તિગત ભલું છે. આ જ ભાવના મહાઉપનિષદના પેલા અમર શ્લોકને સાર્થક કરે છે:
અયં નિજઃ પરો વેતિ ગણના લઘુચેતસામ્ । ઉદારચરિતાનાં તુ વસુધૈવ કુટુમ્બકમ્ ॥ (આ મારું છે ને આ પારકું છે એવી ગણતરી સંકુચિત મનની છે, ઉદાર ચરિત્રવાળા માટે તો સમગ્ર વસુધા જ એક પરિવાર છે.)
અબુ ધાબી BAPS હિંદુ મંદિરને મળેલો 'ટોલરન્સ એવોર્ડ ૨૦૨૬' એ વાસ્તવમાં સનાતન માનવીય મૂલ્યો, સામાજિક ચેતના અને નિઃસ્વાર્થ સેવાની વૈશ્વિક જીત છે. વર્તમાન આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પાવન માર્ગદર્શન હેઠળ સેવા અને ભક્તિનો આ વારસો આજે વિશ્વભરમાં વધુ વેગવંતો બન્યો છે.
આ પુરસ્કાર એ વાતની જીવંત સાબિતી છે કે આધ્યાત્મિકતા જ્યારે સામાજિક જવાબદારી અને પ્રમુખસ્વામી મહારાજના 'બીજાના ભલામાં આપણું ભલું છે' ના મંત્ર સાથે જોડાય છે, ત્યારે તે સરહદો અને ધર્મોની સીમાઓ ઓળંગીને વૈશ્વિક શાંતિ અને માનવ કલ્યાણનું સર્વોત્તમ માધ્યમ બની જાય છે.
આ પણ વાંચો : Power of Prayer : હજાર અપેક્ષાઓની ભીડમાં ઈશ્વર તમારી કઈ પ્રાર્થના સાંભળે?

