Dev Diwali: કેમ ઉજવાય છે દેવદિવાળી? દિવાળીએ ભગવાન રામ આવ્યાં, દેવદિવાળીએ શિવજીએ બચાવ્યાં...
- Dev Diwali: કાશી, વારાણસીમાં ગંગાના ઘાટ જાણે ઝગમગતા સિતારાઓનું ઘર બની જાય છે
- દિપમાળાઓ પ્રગટાવી પ્રભુનું સ્મરણ કરવામાં આવે છે
- કાર્તિકી પૂનમ ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે
Dev Diwali: કારતક માસની શુક્લ પક્ષની પુનમ એટલે કે, દેવ દિવાળી. જ્યારે દેવો પણ કાશીમાં આવી આનંદ ઉલ્લાસથી દિપોત્સવની ઉજવણી કરે. જેમ આપણે આનંદમય થઇ દિવાળી ઉજવીએ છીએ તેમ જ દેવોનો આનંદ પર્વ એટલે દેવદિવાળી. સામાન્ય રીતે કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠી અગિયારસથી પુનમ સુધી દેવદિવાળીની ઉજવણી થાય છે. આ ઉજવણી અંતરના આનંદની હોય છે, જ્યા મનમાં ભક્તિનું ઝરણુ વહે છે, પ્રભુમાં લીન થવા અંતર થનગને છે.
દિપમાળાઓ પ્રગટાવી પ્રભુનું સ્મરણ કરવામાં આવે છે
દિપમાળાઓ પ્રગટાવી પ્રભુનું સ્મરણ કરવામાં આવે છે. ખાસ કરીને કાશી, વારાણસીમાં ગંગાના ઘાટ જાણે ઝગમગતા સિતારાઓનું ઘર બની જાય છે. પણ શું તમને ખબર છે કે દેવદિવાળી કેમ ઉજવવામાં આવે છે. દિવાળી સાથે અયોધ્યામા ભગવાન રામની વાપસીની ગાથા છે. તો દેવદિવાળી સાથે પણ પુરાણ પ્રસંગ જોડાયેલો છે. આપણે સૌ તારકાસુરને જાણીએ જ છીએ. કાર્તિકેય સ્વામીએ જેનો વધ કર્યો હતો. આ તારકાસુરના 3 પુત્ર હતા. તારકાક્ષ, વિદ્યુન્માલી અને કમલાક્ષ. જેઓ કહેવાતા ત્રિપુરાસુર. કારણ કે તેમણે ઘોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી વરદાન રૂપે 3 અજય નગર મેળવ્યા હતા. આ નગર આકાશમાં ફર્યા કરતા. દેવો સાથે બદલો લેવા માટે ત્રિપુરાસુરે વરદાન મેળવ્યું હતુ, કે જ્યાં સુધી કોઇ આ ત્રણેય નગરને એક જ તીરે એક જ વારમાં નહીં વીંધે ત્યાં સુધી ત્રણેય અસુરને કોઇ મારી નહીં શકે.
View this post on Instagram
Dev Diwali: કાર્તિકી પૂનમ ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે
હવે આ ત્રણેય નગર એટલે કે ત્રિપુર હજાર વર્ષે એક જ વાર સીધી રેખમાં આવે ત્યારે કોઇ એક જ બાણે તેને વીંધે તો આ અસુરોના ત્રાસથી મુક્તિ મળી શકે. કાર્ય કપરું હતું અને દૈત્ય મદમાં હતા. એટલે ત્રિપુરાસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. દેવોને પણ પરાજિત કરી દીધા. ત્યારે દેવો શિવજી પાસે ગયા અને પોતાને તથા સૃષ્ટિને બચાવવા પ્રાર્થના કરી. શિવજી ત્રિપુરાસુરનો વધ કરવા તૈયાર થઇ ગયા. આ યુદ્ધ માટે વિશેષ રથ બનાવાયો. જેમાં બધા દેવોએ પોતાની શક્તિ આપી. તો વિષ્ણુ ભગવાન સ્વંય બાણ બન્યા.
ભગવાને એક જ દિવ્ય બાણથી ત્રણેય નગર વીંધી નાંખ્યા
શિવજીએ પોતાનું પિનાક ઉપાડ્યુ. કહેવાય છે કે, કાર્તિક પૂર્ણિમાએ હજારો વર્ષ બાદ એ ક્ષણ આવી જ્યારે ત્રણેય નગર આકાશમાં એક સીધી રેખામાં આવ્યા. તે સમયે ભગવાને એક જ દિવ્ય બાણથી ત્રણેય નગર વીંધી નાંખ્યા. મહાદેવે ત્રણ નગરની સાથે ત્રિપુરાસુરનો વધ કર્યો. આ જ મહાવિજયની ઉજવણી માટે દેવો કાશી વારાણસીમાં એકત્ર થયા અને દીપોની હારમાળા પ્રગટાવી ઉત્સવ ઉજવ્યો. જે આજે ઉજવાય છે દેવદિવાળી તરીકે. આ જ પુરાણ પ્રસંગને કારણે શિવજી ત્રિપુરારી કહેવાયા. અને એટલે જ કાર્તિકી પૂનમ ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે.
અહેવાલ: અમિતા જરીવાલા - અમદાવાદ
આ પણ વાંચો: PM Modi ફરી ગુજરાત આવશે, જાણો શું છે કાર્યક્રમની સંપૂર્ણ વિગત


