Yoga and Spirituality : પશુતામાંથી પશુપતિ બનવાની આંતરિક યાત્રા
Yoga and Spirituality : યોગ એ માત્ર શારીરિક પ્રવૃત્તિ નથી પણ જીવન જીવવાનો સાચો અભિગમ છે. જાણો પંચકોશ, આંતરિક યોગસાધના, ત્રિવેણી સ્નાન અને આજના ધાર્મિક વ્યાપારીકરણ પાછળનું ગૂઢ સત્ય.
યોગ એ માત્ર કોઈ શારીરિક ફિટનેસ પ્રવૃત્તિ (Fitness activity) નથી, પરંતુ જીવન જીવવાનો સાચો અભિગમ છે. આપણો ધર્મ એ જીવમાંથી શિવ(Shiv) થવા સુધીની અને પશુતામાંથી પશુપતિ બનવાની આંતરિક યાત્રા છે. તે નર્સરીથી લઈને યુનિવર્સિટી સુધીના એક સંપૂર્ણ આધ્યાત્મિક અભ્યાસક્રમ જેવો છે, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય મનુષ્યને આ જ જન્મમાં તેના વાસ્તવિક શિવત્વનો સાક્ષાત્કાર કરાવવાનો છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો, જીવનનો સાચો હેતુ આપણી અંદર રહેલી દિવ્યતાને પ્રગટ કરવાનો છે. આપણો ભૌતિક દેહ એ પરમ ચેતનાનો જ એક અંશ છે, જેમ માયાના કારણે મહાસમુદ્રમાંથી પાણીનો એક નાનો છાંટો છૂટો પડી ગયો હોય. પોતાનું મૂળ સમુદ્ર સ્વરૂપ વિસરાઈ જવાને કારણે જ જીવ સંસારના ભૌતિક વિષયો પાછળ દોડીને અધૂરાશ અનુભવે છે, જ્યારે પોતાની સમુદ્રતાનું સ્મરણ થયા પછી આત્મજ્ઞાની ઋષિઓ પૂર્ણ આત્મવિશ્વાસથી अहं ब्रह्मास्मि ની ઘોષણા કરે છે, અને આપણને પણ तत्वमसि કહે છે.
Yoga and Spirituality : પંચકોશ અને આંતરિક જગતની અનભિજ્ઞતા
સામાન્ય મનુષ્ય માત્ર પોતાના સ્થૂળ શરીર એટલે કે અન્નમય કોશને જ પોતાનું સર્વસ્વ માને છે. વાસ્તવમાં તેની ઉપર પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોશ જેવાં સૂક્ષ્મ ઊર્જાત્મક આવરણો આવેલાં છે, જેનાથી ભૌતિકવાદી માણસ તદ્દન અજાણ છે. આપણી ઇન્દ્રિયો માત્ર બાહ્ય જગતને જ ગ્રહણ કરવા સક્ષમ હોવાથી આપણે અસ્તિત્વના ઉચ્ચતર પાસાઓને અવગણીને જીવન પૂરું કરી નાખીએ છીએ. પરિણામે, સંસારની ભાગદોડમાં જો નિષ્ફળતા મળે તો નિરાશા અને સફળતા મળે તો હતાશા સાંપડે છે. આ વિષચક્રમાંથી બહાર નીકળવા માટે郆 આપણા પૂર્વજોએ 'योग' નો માર્ગ શોધ્યો. ભગવાન પતંજલિનો અષ્ટાંગ યોગ પ્રાણના માધ્યમથી ચિત્તશુદ્ધિ કરે છે, જ્યારે તંત્રમાર્ગનો હઠયોગ શરીરની ઊર્જાને નિયંત્રિત કરીને ચિત્તશુદ્ધિ ભણી લઈ જાય છે. અંતે તો બંને માર્ગોનું ધ્યેય એક જ છે.
કથાઓ અને ઉત્સવો પાછળનું આધ્યાત્મિક રહસ્ય
આપણા મનીષીઓએ આધ્યાત્મિક ગૂઢ રહસ્યોને પૌરાણિક કથાઓ અને ઉત્સવોના માધ્યમથી સંતાડીને પેઢી દર પેઢી સુરક્ષિત રાખ્યા છે, જેથી પાત્રતા અને સમય પાકે ત્યારે સાધક તેનો સાચો મર્મ જાતે ડિકોડ કરી શકે. દાખલા તરીકે, 'ત્રિવેણી સ્નાન' એ કોઈ બાહ્ય પ્રક્રિયા નથી, પરંતુ પ્રાણ શરીરના મુખ્ય ત્રણ ઊર્જા પ્રવાહો એટલે કે ઈડા, પિંગલા અને સુષુમ્ણા નાડીઓનો ભ્રૂકુટિ (આજ્ઞાચક્ર) પર થતો આંતરિક સંગમ છે, જેના વિશે કહેવાયું છે કે:
इडा भगवती गङ्गा, पिङ्गला यमुनानदी ।
तयोमध्यगता या तु, सुषुम्णा सा सरस्वती ॥
જ્યારે ઈડા અને પિંગલાનો પ્રવાહ સંતુલિત થાય ત્યારે સુષુમ્ણા જાગૃત થાય છે, અને સ્વયં ભગવાને ગીતામાં શીખવ્યું છે કે:
स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवोः ।
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ ॥ (ગીતા - 5:27)
આ જ સાચું ત્રિવેણી સ્નાન છે. પ્રાર્થના, જાપ કે ધ્યાન કરતી વખતે સુષુમ્ણા જાગૃત હોવી અનિવાર્ય છે. સુષુમ્ણામાં ઉર્ધ્વદિશામાં વહેતી આ ઊર્જાત્મક ધારાને જ સાધકોએ જગદમ્બા કે કુંડલિની કહી છે, જેના માટેનો સુંદર શ્લોક છે:
विद्युद्विलास वपुषः श्रियमावहन्तिम् यान्ति स्ववासभवनात् शिवराजधानीम् ।
सौषुम्णमार्गकमलानि विकासयन्तिम् देवीं भजे परशिवाऽमृतसिक्तगात्रीम्॥
આ ઊર્જા પોતાના મૂલાધાર (સ્વवासभवन) માંથી જાગીને તેત્રીસ મણકા ઓળંગી, સહસ્રાર રૂપી શિવ રાજધાની તરફ ગતિ કરે છે એટલે જ તેને પાર્વતી કહેવાય છે.
વૈષ્ણવ તંત્ર અનુસાર આ ઉર્ધ્વગામી ધારાને જ 'રાધા' કહેવાય છે અને સહસ્રારમાં કૃષ્ણ સાથેના તેના મિલનને 'મહારાસ' કહેવામાં આવે છે. જગન્નાથની રથયાત્રા પણ ઈડા (કૃષ્ણ-Krushna), પિંગલા (બલરામ) અને સુષુમ્ણા (સુભદ્રા) ની આ શરીર રૂપી નગરમાં કરાવવાની સાધના યાત્રાનું પ્રતીક છે.
આધુનિક ધાર્મિકતાનું પતન અને વ્યાપારીકરણ
વર્તમાન સમયમાં હિન્દુ સમાજમાં ધાર્મિક જાગૃતિ તો આવી છે, પરંતુ તેની સાથે ધર્મને માત્ર ભૌતિક મનોરંજન અને આર્થિક પ્રવૃત્તિનું માધ્યમ બનાવી દેવાની મોટી ભૂલ થઈ રહી છે. યજ્ઞો, લગ્ન પ્રસંગો, સીમંત કે અન્ય સંસ્કારો હવે આધ્યાત્મિક ચેતનાના ઉત્થાનને બદલે કેવળ પારિવારિક મનોરંજન અને પ્રદર્શનના અવસરો બની ગયા છે, જેનાથી પ્રજાનું આત્મબળ નબળું પડી રહ્યું છે. પવિત્ર તીર્થક્ષેત્રો પ્રવાસન સ્થળોમાં ફેરવાઈ ગયા છે અને મંદિરોમાં જિમના બોડી બિલ્ડર જેવી કુરૂપ, સ્ટીરોઈડથી ફુલાવેલી ભવ્ય મૂર્તિઓ મૂકવાની અંધાધૂંધ સ્પર્ધા શરૂ થઈ છે. ધાર્મિક વિધિઓ અને પૂજા-અભિષેક કરતી વખતે લોકોમાં વાસ્તવિક ભક્તિભાવનો સદંતર અભાવ વર્તાય છે. ધાર્મિક સંપ્રદાયોના નેતાઓ પણ અનુયાયીઓને નિર્મોહી, નિરાહંકારી કે નિર્ભય બનાવવાને બદલે તેમના અહંકારને પોષીને અન્ય સંપ્રદાયો પ્રત્યે નીચી નજર રાખવાનું શીખવી રહ્યા છે, જે આધ્યાત્મિક વિકાસને રૂંધે છે.
સગુણથી નિર્ગુણ તરફ પ્રયાણ અને યોગી બનવાનું આહ્વાન
સાચી પૂજા અને અર્ચના એ છે જેમાં રામકૃષ્ણ પરમહંસની જેમ મૂર્તિમાં પણ જીવંતતાનો અનુભવ થાય. સાધક ભલે ગમે તે સંપ્રદાય કે પૂજા પદ્ધતિનો આશ્રય લે, પરંતુ ક્રમશઃ તેણે સગુણ-સાકારની ઉપાસનામાંથી પ્રગતિ કરીને ધ્યાનના માધ્યમથી નિર્ગુણ-નિરાકાર તરફ ગતિ કરવી જ પડે. આપણો ધર્મ ભલે કવિઓનો કહેવાતો હોય, પણ વાસ્તવમાં તે યોગીઓનો ધર્મ છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને યોગી બનવાનું આહ્વાન આપતા કહે છે કે:
तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिक: ।
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥ ४६ ॥
ભગવાન અહીં કોઈ તપસ્યા, જ્ઞાન કે કર્મનું અવમૂલ્યન નથી કરતા, પરંતુ અર્જુનને યોગ નામની 'માસ્ટર કી' આપી રહ્યા છે. ॥तस्माद्योगी भवार्जुन॥ ના આ આદેશ પાછળનો સૂર એ જ છે કે એક વાર યોગી થઈ જવાથી તપ માટેની સ્થિરતા, જ્ઞાનની પ્રાપ્તિ અને પ્રત્યેક લૌકિક કર્મ આપોઆપ 'કર્મયોગ' બની જાય છે. તેથી, દરેક મનુષ્યે ધર્મના સાચા મર્મને સમજીને ચિત્તશુદ્ધિના માર્ગે આગળ વધવું અનિવાર્ય છે.
આ પણ વાંચો : Kashtbhanjan Dev Salangpur : સાળંગપુર દાદાને સુખડી જ કેમ ચડે?

