Ramcharitmanas : 'હું' કરું, 'હું' કરું એ જ અજ્ઞાનતા !
Ramcharitmanas : શું તમને પણ એવો ભ્રમ છે કે "જો હું ન હોત તો શું થાત?".. રામચરિતમાનસના સુંદરકાંડમાં હનુમાનજી અને અશોક વાટિકાનો આ પ્રેરણાદાયક પ્રસંગ તમારો અહંકાર ઓગાળી દેશે.
મનુષ્યનો સ્વભાવ છે કે તેને પોતાની ક્ષમતા અને હાજરી પર બહુ જલ્દી ગર્વ થઈ જાય છે. આપણા સૌના મનમાં ક્યાંક ને ક્યાંક એક સૂક્ષ્મ અહંકાર છુપાયેલો હોય છે કે, "જો હું ન હોત તો આ કામ કોણ કરત?" અથવા "મારા વિના આ ઘર, આ વ્યવસાય કે આ સંસ્થા કેવી રીતે ચાલત?" માણસ જ્યારે સફળતાના શિખરે હોય ત્યારે તેને પોતાની જાત અનિવાર્ય (Indispensable) લાગવા માંડે છે.
પરંતુ, શું ખરેખર આ સૃષ્ટિ કોઈ એક વ્યક્તિના હોવા કે ન હોવા પર નિર્ભર છે? જો તમને પણ ક્યારેક આવો વિચાર આવતો હોય, તો શ્રી રામચરિતમાનસ(Ramcharitmanas)ના 'સુંદરકાંડ' (Sundarkand prasang) નો આ અદભુત, આંખ ઉઘાડનારો અને મનોવૈજ્ઞાનિક પ્રસંગ તમારે ચોક્કસ વાંચવો જ રહ્યો. આ પ્રસંગ આપણને શીખવે છે કે ઈશ્વરના દરબારમાં આપણી ભૂમિકા માત્ર એક પાત્રની છે, અને કર્તાપણાનો અહંકાર કેટલો વ્યર્થ છે!
Ramcharitmanas : અશોક વાટિકાનો એ શ્વાસ થંભાવી દેતો પ્રસંગ
વાત અશોક વાટિકાની છે. જ્યારે લંકાપતિ રાવણ અત્યંત ક્રોધિત થઈને, હાથમાં ખુલ્લી તલવાર લઈને સીતા માતાનો શિરચ્છેદ કરવા માટે દોડ્યો, ત્યારે વૃક્ષ પર છુપાયેલા ચોંકી ઉઠ્યા. તેમને ક્ષણભર માટે વિચાર આવ્યો કે, "મારે આનું માથું ધડથી અલગ કરી દેવું પડશે !"
પરંતુ, હનુમાનજી કંઈ કરે તે પહેલાં જ, બીજું કંઈક બન્યું. રાવણની પત્ની મંદોદરીએ આગળ આવીને રાવણનો હાથ પકડી લીધો અને તેને રોકી લીધો.
આ દ્રશ્ય જોઈને હનુમાનજી ગદ્ગદ થઈ ગયા.કોઈ બળિયો તો એમ વિચારે કે: "તારી ભળી થાય,મારો શિકાર હાથથી ગયો" તેઓ વિચારવા લાગ્યા કે, "સારું થયું કે હું આગળ ન વધ્યો, નહીંતર મને એવો ભ્રમ થઈ જાત કે - જો હું ન હોત તો સીતાજીને કોણ બચાવત? પણ આ તો જુઓ, પ્રભુની લીલા કેવી છે! સીતાજીને બચાવવાનું કાર્ય પ્રભુએ રાવણની પત્નીને જ સોંપી દીધું!"
તે જ ક્ષણે હનુમાનજી સમજી ગયા કે, પ્રભુ જેને નિમિત્ત બનાવવા માંગે છે અને જેની પાસે જે કાર્ય કરાવવા માંગે છે, તે તેની પાસે કરાવી જ લે છે.
ત્રિજટાનું સ્વપ્ન અને હનુમાનજીની મૂંઝવણ
આગળ જતાં જ્યારે 'ત્રિજટા' નામની રાક્ષસીએ અન્ય રાક્ષસીઓને કહ્યું કે, "મેં સ્વપ્ન જોયું છે કે લંકામાં એક વાનર આવ્યો છે અને તેણે આખી લંકા સળગાવી દીધી છે!"
આ સાંભળીને હનુમાનજી મોટી ચિંતામાં પડી ગયા. તેઓ વિચારવા લાગ્યા, "પ્રભુ શ્રી રામે તો મને લંકા સળગાવવાનો કોઈ આદેશ આપ્યો જ નથી! અને આ ત્રિજટા કહી રહી છે કે તેણે આવું સ્વપ્ન જોયું છે. તો હવે મારે શું કરવું? ખેર, જેવી પ્રભુની ઈચ્છા!"
જ્યારે પ્રભુ શત્રુઓ પાસે પણ પોતાનું કામ કરાવે!
જ્યારે હનુમાનજી રાવણની સભામાં પકડાઈ ગયા અને રાવણના સૈનિકો તલવાર લઈને હનુમાનજીને મારવા દોડ્યા, ત્યારે પણ હનુમાનજીએ પોતાનો બચાવ કરવાનો કોઈ જ પ્રયાસ ન કર્યો. ત્યાં જ અચાનક વિભીષણ આવી પહોંચ્યા અને કહ્યું કે, "દૂતને મારવો એ નીતિ વિરુદ્ધ છે."
હનુમાનજી મનોમન હસી પડ્યા અને સમજી ગયા કે પ્રભુએ મને બચાવવા માટે આ વિભીષણને પહેલેથી જ મોકલી દીધો છે!
પરંતુ આશ્ચર્યની પરાકાષ્ઠા તો ત્યારે સર્જાઈ જ્યારે રાવણે આદેશ આપ્યો કે, "આ વાનરને મારીશું નહીં, પરંતુ તેના પર જેને સૌથી વધુ ગર્વ છે તેવી તેની પૂંછડી પર કપડું લપેટી, ઘી નાખીને આગ લગાવી દો!"
રાવણના આ શબ્દો સાંભળતા જ હનુમાનજીના મનમાં ઝબકારો થયો! તેઓ વિચારવા લાગ્યા કે, "અરે વાહ! પેલી ત્રિજટાની વાત તો સાવ સાચી હતી. હું તો વિચારતો હતો કે શત્રુની આ લંકામાં તેને સળગાવવા માટે હું ઘી, તેલ, કપડું ક્યાંથી લાવીશ અને આગ ક્યાં શોધવા જઈશ? પણ પ્રભુ, આપે તો એ બધો જ પ્રબંધ રાવણ પાસે જ કરાવી દીધો!"
હનુમાનજી સમજી ગયા કે, "હે પ્રભુ! જ્યારે તમે તમારા શત્રુ રાવણ પાસે પણ તમારું કામ કરાવી શકો છો, તો પછી મારી પાસે કામ કરાવવામાં આશ્ચર્ય જ શું છે!"
રામચરિતમાનસનો સચોટ સંદર્ભ
ગોસ્વામી તુલસીદાસજી રચિત Ramcharitmanas (રામચરિતમાનસ)માં આ જ ભાવને પુષ્ટિ આપતી અદભુત ચોપાઈઓ છે. લંકા દહન બાદ જ્યારે હનુમાનજી શ્રી રામ પાસે પહોંચે છે, ત્યારે લેશમાત્ર પણ અહંકાર રાખ્યા વિના બધો જ જશ પ્રભુને આપે છે:
साखा मृग कै बड़ि मनुसाई। साखा तें साखा पर जाई॥
नाघि सिंधु हाटकपुर जारा। निसिचर गन बिधि बिपिन उजारा॥
सो सब तव प्रताप रघुराई। नाथ न कछू मोरि प्रभुताई॥ (સુંદરકાંડ, દોહા 32)
એક વાનરની સૌથી મોટી તાકાત તો માત્ર એક ડાળીએથી બીજી ડાળી પર કૂદવાની હોય છે. પરંતુ મેં જે સમુદ્ર ઓળંગ્યો અને સોનાની લંકા સળગાવી - હે રઘુનાથ! આ બધો જ માત્ર આપનો પ્રતાપ છે. હે નાથ! આમાં મારી કોઈ જ મોટાઈ નથી.
કર્તા અને ધર્તા માત્ર પરમાત્મા છે, આપણે તો માત્ર તેમના હાથની કઠપૂતળી
આ ઉપરાંત કિષ્કિંધાકાંડમાં ભગવાન શિવ પાર્વતીજીને કહે છે:
उमा दारु जोषित की नाईं। सबहि नचावत रामु गोसाईं॥ (કિષ્કિંધાકાંડ, દોહા ૧૧)
જેમ લાકડાની કઠપૂતળીઓને સૂત્રધાર પોતાની દોરીથી નચાવે છે, તેવી જ રીતે પ્રભુ શ્રી રામ આખા સંસારના જીવોને પોતાની ઈચ્છા અનુસાર નચાવે છે.
આ અદભુત પ્રસંગ અને તુલસીદાસજી રચિત રામચરિતમાનસ(Ramcharitmanas) ની ચોપાઈઓ આપણને જીવનનો સૌથી કિંમતી પાઠ ભણાવે છે કે - આ સંસારમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, તે બધું જ 'ઈશ્વરીય વિધાન' છે. કર્તા અને ધર્તા માત્ર પરમાત્મા છે, આપણે તો માત્ર તેમના હાથની કઠપૂતળી અને એક નિમિત્ત માત્ર છીએ.
-
જો હનુમાનજી જેવું અફાટ પરાક્રમ અને બળ ધરાવતો મહાન યોદ્ધો એમ માનતો હોય કે "મારું કોઈ જ કર્તૃત્વ નથી, બધું રામજીની કૃપા છે", તો પછી આપણા જેવા સામાન્ય માણસોનો અહંકાર કેટલો પામર છે! જીવનમાં ગમે તેટલી મોટી સફળતા મળે, સંપત્તિ મળે કે કોઈ મહાન કાર્ય તમારા હાથે સંપન્ન થાય, તો ક્યારેય એવો ભ્રમ ન પાળવો કે, "હું ન હોત તો શું થાત?"
તમારી જાતને હળવી ફૂલ જેવી રાખવા અને નિરહંકારી જીવન જીવવા માટે, બજરંગબલીના ચરિત્રમાંથી જન્મેલી આ પંક્તિઓને હૃદયમાં કોતરી રાખવા જેવી છે:
ના હું શ્રેષ્ઠ છું, ના હું કોઈ ખાસ છું, હું તો બસ એક નાનો એવો, પ્રભુ શ્રી રામનો દાસ છું!
આ પણ વાંચો : Art of living : લોકો તમને ચાહે છે—તમે જેવા છો, તેવા જ!

