Shabar Mantra: કટોકટીમાં ('ઓ.ટી.પી.')-શાબર મંત્ર
Shabar Mantra - મહાદેવે એ ઉદ્દેશ્ય સાથે જ મનુષ્યને શાબર મંત્રો આપ્યા હતા કે જેથી આપાતકાલીન સ્થિતિમાં એ પોતાની જિંદગીનો ઉદ્ધાર કરી શકે!
ઘણા બધા લોકોના મનમાં એ ભ્રમણા છે કે શાબર (જેને 'સાબર' પણ કહે છે એ) મંત્રો (Shabar Mantra) ની ઉત્ત્પત્તિ નાથ સંપ્રદાય - ગુરુ મત્સ્યેન્દ્રનાથ, ગુરુ ગોરખનાથ વગેરે - દ્વારા થઈ અને ત્યારથી એ મંત્રો પ્રયોગમાં આવ્યાં. વાસ્તવિકતા એ છે કે ભગવાન દેવાધિદેવ મહાદેવે શાબર મંત્રો મનુષ્યજગતને પ્રદાન કર્યા હતા. જ્યારે એમણે જોયું કે વૈદિક અને તાંત્રિક મંત્રોને જાગૃત કરવાનું ધૈર્ય તથા સામર્થ્ય કળિયુગમાં દરેક મનુષ્ય પાસે નહીં હોય, ત્યારે એમણે પોતાના સંતાનોનું કલ્યાણ કરવા માટે શાબર મંત્રોને બ્રહ્માંડમાં વહેતાં કર્યા.
વર્ષો સુધી આ શાબર મંત્રો લુપ્ત રહેલા. નાથ સંપ્રદાયે આ મંત્રોને પુનઃસજીવન કરવાનું કામ કર્યુ. શાબર મંત્રોને એક પ્રકારે 'ઓ.ટી.પી.' (વન ટાઈમ પાસવર્ડ/પિન)ની ઉપમા આપી શકાય. શા માટે? કારણ સાથે સમજીએ.
મંત્રોના પ્રકાર
મંત્રોના કુલ ત્રણ પ્રકાર: (૧) વૈદિક મંત્ર (૨) તાંત્રિક મંત્ર (૩) શાબર મંત્ર.
સર્વપ્રથમ જો વૈદિક મંત્રોની વાત કરીએ તો, તેને જાગૃત કરવા માટે સૌથી વધુ સમય લાગી જાય. દાખલા તરીકે, પૌરાણિક કથાઓમાં વર્ણવાયેલાં પાંચ વર્ષના ધ્રુવની કથા. ભગવાન વિષ્ણુએ ધ્રુવને દર્શન આપ્યા અને એ પણ જ્યારે તેઓ માત્ર પાંચ વર્ષના હતા ત્યારે ! પરંતુ પાછલાં અનેક જન્મોથી એમણે ભગવાન વિષ્ણુની વૈદિક સાધના કરી હતી અને એમના સાક્ષાત્કાર માટે તપ કર્યુ હતું. પુરાણકથાઓમાં જ્યારે એવું વર્ણન વાંચવામાં આવે કે જે-તે ઋષિ-મુનિએ હજારો વર્ષ સુધી તપસ્યા કરી, ત્યારે ખરેખર તો એમણે અનેક જન્મો સુધી સાધના કરી હોવાનું સમજવું જોઈએ.
વૈદિક મંત્રોની વિશેષતા એ છે કે એક વખત જાગૃત થઈ ગયા પછી તેનો પ્રભાવ ચિરકાળ સુધી રહે છે. દાખલા તરીકે ગાયત્રીમંત્ર, મહામૃત્યુંજય મંત્ર, શિવ પંચાક્ષરી મંત્ર વગેરે. જેવી રીતે દૂધમાંથી દહીં બન્યા પછી તેને ફરી દૂધ બનાવવું શક્ય નથી, એવી જ રીતે આત્મા એક વખત પરમાત્મા સાથે જોડાઈ જાય ત્યારપછી તેનું વિખૂટું પડવું સંભવ નથી.
તાંત્રિક મંત્રો જ્યારે અસ્તિત્વમાં આવ્યા, ત્યારે એમાં બીજમંત્રો ઉમેરાયાં. ઋષિ-મુનિઓએ વિચાર કર્યો કે જેવી રીતે એક બીજને જમીનમાં રોપી દેવામાં આવે અને એને વ્યવસ્થિત પોષણ મળતું રહે તો તે ખીલી ઊઠે છે; એવી જ રીતે મંત્રરૂપી બીજને સાધકના ચિત્તમાં રોપી દેવામાં આવે તો, તેનો શું પ્રભાવ આવી શકે?
બીજમંત્ર
બસ, ત્યારથી 'હ્રી', 'ક્લીં', 'હું', 'ઐં', 'સ્ત્રીં', 'શ્રીં', 'બ્લૂં' વગેરે જેવા બીજમંત્રો સાથે સંકળાયેલાં તાંત્રિક મંત્રો મનુષ્યજગતને પ્રાપ્ત થયાં. મહત્ત્વની વાત એ પણ છે કે શાબર મંત્રોને જાગૃત કરવા માટે ઝાઝા વિધિ-વિધાનોની જરૂરિયાત નથી રહેતી. એમાં પણ ખાસ તો જો ગુરુ-શિષ્ય પરંપરા થકી આ મંત્રો પ્રાપ્ત થયા હોય, તો ગુરુનું વચન જ સર્વોચ્ચ બની જાય છે.
ગુરુના વેણ જ અંતિમ સત્ય
ઘણાં શાબર મંત્રોમાં એક વિધાનનો વારંવાર ઉપયોગ થાય છેઃ 'ફુરો મંત્ર, ઈશ્વરો વાચા!' સરળ ભાષામાં કહેવું હોય તો, શાબર મંત્ર ગુરુ-શિષ્ય પરંપરામાં ઉતરવાને કારણે તેમાં ગુરુના વેણ જ અંતિમ સત્ય બની જાય છે. આથી, 'ફુરો મંત્ર' અર્થાત્ મંત્રનું ઉચ્ચારણમાત્ર જ 'ઈશ્વરો વાચા' અર્થાત્' ઈશ્વરની વાણી બની જાય છે! ઘણી વખત તેમાં ભગવાનની દુહાઈ એટલે કે સોગંદ પણ આપવામાં આવે છે, જેમકે 'દુહાઈ વીર મસાન કી'!
બજરંગ બાણમાં પણ જ્યારે દુહાઈ આપવામાં આવે છે, ત્યારે લોકોને એવું લાગે છે કે સોગંદ આપવામાં અમે ક્યાંક ભગવાનને બંધનમાં બાંધી તો નથી રહ્યાં ને? ના. પહેલી વાત તો એ કે દેવતા જરૂરથી મંત્રને આધીન હોય છે, પરંતુ એનો અર્થ એમ નથી કે એક જિદ્દી બાળક તેના મા-બાપને કોઈ અયોગ્ય ચીજ-વસ્તુની માંગણી કરે અને માતા-પિતા તેને આપી દે! આમ પણ, એક મનુષ્ય તરીકે દેવતાને બાંધી શકવાની કોઈ વિસાત છે ખરી? આ પ્રશ્ન પૂછવો જરૂરી બની જાય છે.
હનુમાન ચાલીસા પણ શાબર પ્રયોગ
હનુમાન ચાલીસા પણ શાબર પ્રયોગ છે અને એટલે ત્વરિત ફળ પણ આપે છે. 'એન્સાયક્લોપીડિયા'ની માફક બજરંગ બાણ અને હનુમાન ચાલીસા એ 'ઓપન સૉર્સ' એટલે કે સર્વસ્વીકાર્ય અને સર્વવિદિત શાબર પ્રયોગો છે, જેનો ઉપયોગ કરવા માટે તેને ગુરુ પાસેથી પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી.
શાબર મંત્રો એ ક્ષણભંગુર ફળ આપનારા પ્રયોગો છે. અહીં ક્ષણભંગુરતાનો અર્થ 'જીવનપર્યંત' એવો સમજવો! એક બાજુ જ્યાં વૈદિક અને તાંત્રિક મંત્રોની સાધના જન્મ-જન્માંતરો સુધી આત્માની સાથે 'આધ્યાત્મિક સંપત્તિ' તરીકે રહે છે, ત્યાં બીજી બાજુ શાબર મંત્રો એ માત્ર એક જન્મ પૂરતું ફળ આપીને પોતાનો પ્રભાવ પૂરો કરી દે છે.
આધ્યાત્મિક સંપત્તિમાં વધારો કરી શકવા સક્ષમ નથી!
મહાદેવે એ ઉદ્દેશ્ય સાથે જ મનુષ્યને શાબર મંત્રો આપ્યા હતા કે જેથી આપાતકાલીન સ્થિતિમાં એ પોતાની જિંદગીનો ઉદ્ધાર કરી શકે! પરંતુ સમયની સાથે તેનો દુરુપયોગ શરૂ થઈ ગયો. જો સાધક આધ્યાત્મિક ઉન્નતિ અને ભૌતિક સમૃદ્ધિ બંને એકસાથે ઈચ્છતો હોય, તો વૈદિક અને તાંત્રિક મંત્રોની સાધના હિતાવહ છે.
શાબર મંત્રોની સાધના વાસ્તવમાં આત્માની મૂળ આધ્યાત્મિક સંપત્તિમાં વધારો કરી શકવા સક્ષમ નથી! એ માત્ર કામચલાઉ ઉપયોગમાં લઈ શકાય, ભવોભવના ફેરા સુધારવા માટે નહીં!
આ પણ વાંચો-Satsang : પરસ્પર પ્રીતિ પ્રસારાવે એ ધર્મ