નામ પાછળનું રહસ્ય અને સરસ્વતી આરાધના
મૂળ શાસ્ત્રોક્ત શબ્દ 'વાક્' પરથી આ પર્વનું નામ પડ્યું છે. શાસ્ત્રોમાં 'વાક્'નો અર્થ વાણી અથવા ભાષા થાય છે. સમય જતાં લોકબોલીમાં અપભ્રંશ થઈને લોકો આ દિવસને 'વાઘ બારસ' તરીકે ઓળખવા લાગ્યા. આ દિવસે વાણીની અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતીની આરાધના કરવાનો ખાસ મહિમા છે. લોકો મા સરસ્વતી સામે ઘીનો દીવો પ્રગટાવી પ્રાર્થના કરે છે. આ પૂજનથી વાણી શુદ્ધ બને છે અને જીવનમાં અજાણતા થયેલા વાણીના દોષો દૂર થાય છે.
ગૌવત્સ દ્વાદશી અને વસુ બારસનો મહિમા
આ પર્વને લોકભાષામાં વસુ બારસ કે ગૌવત્સ દ્વાદશી પણ કહે છે. અહીં વસુ એટલે ગાય અને વત્સ એટલે વાછરડું થાય છે. પૌરાણિક માન્યતા મુજબ સમુદ્ર મંથન વખતે ક્ષીર સાગરમાંથી દૈવી કામધેનુ ગાય નંદિની પ્રગટ થયા હતા. મહિલાઓ પોતાના સંતાનોના દીર્ઘાયુષ્ય, ઉત્તમ આરોગ્ય અને સુખ-સમૃદ્ધિ માટે આ દિવસે 'નંદિની વ્રત' રાખે છે. આ દિવસે ગુજરાતના પૂર્વ પટ્ટીના જંગલ વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજના લોકો પોતાના પશુધનની રક્ષા કાજે પરંપરાગત શ્રદ્ધાથી 'વાઘદેવ'ની પૂજા કરે છે.
પૂજાના શુભ મુહૂર્ત અને તિથિની વિગતો
ગોવત્સ દ્વાદશીની પૂજા માટે સાંજના સમયનો પ્રદોષ કાળ સૌથી ઉત્તમ ગણાય છે. વર્ષ 2026માં વાકબારસનો પર્વ 5 નવેમ્બર 2026ના ગુરુવારે ઉજવાઈ રહ્યો છે. દ્વાદશી તિથિની શરૂઆત 5 નવેમ્બર 2026ના રોજ સવારે 10:35 વાગ્યે થઈ છે. આ તિથિ 6 નવેમ્બર 2026ના રોજ સવારે 10:30 વાગ્યે પૂર્ણ થશે. પૂજા માટેનો પ્રદોષ કાળ સાંજે 06:05 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 08:30 વાગ્યા સુધી રહેશે. ભક્તોને પૂજા-અર્ચના માટે કુલ 2 કલાક અને 25 મિનિટનો ઉત્તમ સમય મળશે.
ગૌ-પૂજનની પાવન વિધિ
સાંજે પ્રદોષ કાળ દરમિયાન ગાય અને વાછરડાને સ્વચ્છ જળથી સ્નાન કરાવી સજાવવામાં આવે છે. ત્યારબાદ તેમના કપાળ પર કંકુ અને ચંદનનું તિલક લગાવી ચોખા ચોંટાડવામાં આવે છે. ગાય માતાને સુંદર ફૂલોનો હાર પહેરાવીને નવું વસ્ત્ર કે ચુંદડી ઓઢાડવામાં આવે છે. ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવી ગાય-વાછરડાની ભાવપૂર્વક આરતી કરી પ્રદક્ષિણા કરવામાં આવે છે. નૈવેદ્ય તરીકે ગાયને મગ, ચણાની દાળ, બાજરીના રોટલા કે ગોળ અર્પણ કરાય છે. શહેરી વિસ્તારમાં પ્રત્યક્ષ ગાય ન મળે તો સોના, ચાંદી કે માટીના ગાય-વાછરડાની મૂર્તિનું પૂજન કરી શકાય છે.
ઘરના ઉંબરા પૂજનની પવિત્ર પરંપરા
ગુજરાતી સંસ્કૃતિમાં વાકબારસના દિવસથી ઘરના મુખ્ય ઉંબરા પૂજવાની પરંપરા આરંભાય છે. સાંજના સમયે ઘરના મુખ્ય પ્રવેશદ્વારને સાફ કરીને કંકુથી શુભ-લાભ અને સાથિયા આલેખવામાં આવે છે. ઉંબરા પર અક્ષત તેમજ તાજા ફૂલ ચઢાવવામાં આવે છે. લક્ષ્મીજીના આગમન માટે આંગણામાં રંગબેરંગી રંગોળી પૂરીને ઉંબરાની બંને બાજુએ દીવા પ્રગટાવવામાં આવે છે.
વેપારીઓ માટે ચોપડા સરભર કરવાનો દિવસ
આર્થિક દ્રષ્ટિએ વેપારી વર્ગ માટે આ દિવસ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. વેપારીઓ લક્ષ્મીજી અને સરસ્વતી માતાનું સ્મરણ કરીને પોતાના જૂના હિસાબો પૂર્ણ કરે છે. વર્ષ દરમિયાન બાકી રહેલા હિસાબી ચોપડા સરભર કરીને ખાતા ચોખ્ખા કરવામાં આવે છે. ત્યારબાદ લાભ પાંચમના શુભ દિવસે નવા ચોપડાના નાણાકીય વ્યવહારો વિધિવત શરૂ થાય છે.
વ્રતના ખાસ નિયમો
આ પર્વે રસોઈ બનાવતી વખતે વિશેષ નિયમો પાળવામાં આવે છે. ઘરમાં શાકભાજી કે ફળ કાપવા માટે છરી, ચપ્પુ અથવા કાતર જેવી ધારદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવામાં આવે છે. રાંધવા માટે વસ્તુઓને હાથથી જ તોડીને તૈયાર કરવામાં આવે છે. વાછરડાનો પોતાની માતાના દૂધ પર પ્રથમ અધિકાર રહે તે ભાવનાથી શ્રદ્ધાળુઓ ગાયનું દૂધ, દહીં કે ઘી આરોગતા નથી. વ્રત રાખનારા લોકો ઘઉંની બનાવટોથી દૂર રહે છે અને માત્ર મગ, ચણા કે અડદની દાળની વાનગીઓ જ જમે છે.
આ પણ વાંચો---- Rama Ekadashi 2026: 5 નવેમ્બરે રમા એકાદશી અને વાઘ બારસનો દુર્લભ સંયોગ, જાણો શાસ્ત્રોક્ત રહસ્ય