Amitabh Bachchan-ગો ઇસ્ટ ઓર વેસ્ટ, બચ્ચન ઇઝ ધ બેસ્ટ
Amitabh Bachchan ના પિતા મહાકવિ હરિવંશરાય બચ્ચનેએક મજાની વાત કરી હતી કે શેક્સપિયર પામી ગયો હતો કે પોતાનામાં નાટકકાર બનવાની પ્રતિભા છે, એ નાટકો લખતો ગયો અને દુનિયાનો સર્વશ્રેષ્ઠ નાટકકાર બન્યો. નેપોલિયન સમજી ગયો હતો કે પોતે એક ઉમદા સૈનિક તેજસ્વી સેનાપતિ બની શકે એમ છે અને એ જ દિશામાં એણે પોતાની સમગ્ર શક્તિ દાવ પર લગાડી દીધી. વિશ્વના સૌથી કુશળ, સૌથી સાહસિક સેનાનાયકમાંનો એક એ બની શક્યો. આની સામે જો શેક્સપિયર સૈનિક બનવા ગયો હોત તો પહેલી જ લડાઈમાં માર્યો ગયો હોત અને નેપોલિયન જો નાટ્યકાર બનવા ગયો હોત તો એના પહેલા જ નાટકનો પ્રેક્ષકોએ હુરિયો બોલાવ્યો હોત.
અંગ્રેજીમાં જેમ કહેવાય છે એમ, ગોળ કાણામાં ચોરસ ભેરવવાની કે ચોકઠામાં વર્તુળ ભેરવાની પ્રવૃત્તિમાં લોકો પોતાનું આખું આયખું વિતાવી દે છે. પોતાની સીમાઓને તેમ જ પોતાના વિસ્તારને ઓળખી લેવાનું કામ બહુ મુશ્કેલ છે. એટલે જ પ્રતિભાવંત માણસો વિરલ હોય છે.
ખોટી દિશામાં કૃત્રિમ પ્રયત્નોથી આગળ વધાય તો ય જીવનમાં પાછલી ઉંમરે એક સવાલ કોરી ખાય છે : મેં જિંદગી વેડફી તો નથી નાખી ? આવો સવાલ પોતાનું વિકરાળ મોં ફાડીને સામે આવીને ઊભો રહે એ માટે પાછલી ઉંમર સુધી રાહ જોવી જરૂરી છે? એ વખતે જવાબ હાથવગો હશે અને જિંદગી દરેક રીતે સાધન સંપન્ન હશે તો પણ એક વાતની જીવનમાં ઓછપ હશે – સમય.
ગો ઇસ્ટ ઓર વેસ્ટ, બચ્ચન ઇઝ ધ બેસ્ટ
દેશમાં નરેન્દ્ર મોદી અને મહાત્મા ગાંધી પછી ત્રીજો કોઈ એવો મહામાનવ તમે જોયો ? જેને આખો દેશ બસ...પ્રેમ જ પ્રેમ કરતો હોય? ત્રણેની સરખામણી ન જ થાય અને કરવાની ય જરૂર નથી. પણ તો પછી તમારી સમજ મુજબના કોઇ એવી ત્રીજાનું નામ આપો, જે પ્રેમ,નફરત અને લોકચાહનામાં એમની બરોબરીમાં ઊભો રહી શકે.
મિસ્ટર અમિતાભ બચ્ચન? હા,અલબત્ત, Of course.
Amitabh Bachchan-બધા આ વાત સાથે સહમત થાય એ જરૂરી નથી. કેટલાક બુધ્ધિજીવીમાં ખપવા માટે સહમત ન ય થાય.. એમ તો કૃષ્ણ અને ગાંધીને કેટલા બધા લોકો નથી ગમાડતા.બધા સહમત થાય એની કોઇ જરૂરત નથી.
જો તમારી પાસે એવું બીજું કોઇ તંદુરસ્ત નામ પડ્યું હોય તો ! શ્રીકૃષ્ણ અને મહાત્મા ગાંધી સિવાય કોઇ ત્રીજી હસ્તિ છે, જેની સામે તમે સર ઝૂકાવો છો ?
એક નામ સચિન તેંડુલકર
સચિન તેન્ડુલકર. હા, વિશ્વભરમાં એણે ભારતનું નામ રોશન કર્યું છે, પણ ક્રિકેટ સિવાયની દુનિયાનું શું ? તમે તો એમની સામે સર ઝૂકાવવાના છો, જેમનો સીધો પ્રભાવ તમારી રોજબરોજની જીંદગી પર હોય અને એમાં એકમાત્ર મહામાનવ અમિતાભ બચ્ચન જ આવે. મહામાનવ એટલે ‘સુપરમૅન’ નહીં. કારણ? આજકાલ સુપરમૅનનો એક જ અર્થ નીકળે છે... મારફાડ કરીને જગતને બચાવનારો.
બચ્ચનબાબુ જગતને બચાવવા નથી નીકળ્યા, પણ પર્સનલી એવી જીંદગી જીવી રહ્યા છીએ કે, આપણને એમનામાંથી ઘણું શીખવા મળે...એમની અનેક ક્વૉલિટીઓ પાસે આપણે સાચ્ચે જ વામણા સાબિત થઇએ.
કેમ અમિતાભ બચ્ચન ભારત દેશનો આજ સુધીનો ત્રીજા નંબરનો સૌથી વઘુ આદરપાત્ર મહામાનવ?
કોઇ તમારા વખાણ કરે, એ તમે ય સમજો છો કે ભાગ્યે જ બનતી ઘટના છે. તમે ય કબુલ કરશો કે, તમને જ ઓળખતા યારદોસ્તો કે સગાસંબંધીઓ તમારા વખાણ ઓછા ને પીઠ પાછળ ટીકાઓ વધારે કરે છે અને તેમ છતાં ય કોઈ રડ્યોખડ્યો વખાણ કરવા આવી ચઢ્યો, તો તમે સહન કરી શકતા નથી. ‘‘વાહ.... તમારૂં શર્ટ ખૂબ સરસ છે ?’’ અહીં ખુશ થવાને બદલે તમારે ડઘાઈ જવાનું વધારે હોય છે, એટલે કાંઇ ન સૂઝે એટલે એનો એ જ દકિયાનૂસી જવાબ બોલી નાંખો છો, ‘‘જાઓ ને જાઓ ને...આજે સવારથી કોઇ બીજું મળ્યું નથી લાગતું....!’’
અથવા તો ઘણો મૅગ્નિફાઇડ જવાબ આપીને, ‘‘ઓહ.... આ તો ફક્ત ૪-હજારનું જ છે... ઘરમાં આવા બીજાં પચ્ચા પડ્યા છે, પણ આપણને એમ કે કોણ કાઢે ?’’ લોકો પોતાનો સો-કૉલ્ડ વૈભવ બતાવવાની કોઇ તક ચૂકતા નથી. વસ્તુ ગમે તે પહેરી-ઓઢી હોય, એની કિંમત ના હોય, ત્યાં સુધી પોતાના તો ઠીક, બીજાના ઘરમાં ય ઊંઘો ન આવે !
આપણને રીઍક્ટ કરતા પણ નથી આવડતું
હવે Amitabh Bachchan નું વર્તન જૂઓ. ‘‘કૌન બનેગા કરોડપતિ’’માં એમની પાછળ લોકો કેવા અભિભૂત છે કે, હાથમાં આવેલ રૂા. એક કરોડ ગૂમાવ્યા પછી ય એ કહી શકે છે કે, ‘રૂપિયા ગયા એનો કોઇ અફસોસ નથી... આપની સાથે બેસવા મળ્યું, આપને જોવા મળ્યા, એ અમારા માટે કરોડ કરતાં ય વધારે છે.’
આટલા ઊંચા સ્થાને પહોંચ્યા પછી પચાવવું સહેલું છે ?
આખો દેશ જે દ્રષ્યો જોઇ રહ્યો હોય (ને ખાસ કરીને તો પોતાની જ ફિલ્મનગરીના અનેક હરિફો, દોસ્તો, ચાહકો...) ત્યારે બચ્ચન સાહેબ કેવા અપ્રતિમ ભાવોથી રીઍક્ટ કરે છે જેમાં આપણી જેમ, ‘‘અરે...હું તો બહુ સામાન્ય માણસ છું...’’ એવા ખોટા નખરાં ય નહિ. એ પોતે જાણે છે કે, એ સામાન્ય માણસ નથી, છતાં એનો પ્રભાવ છાંટવાનો તો દૂર રહ્યો.... જે વિનય-વિવેકથી એ સ્માઈલ સાથે આખી વાત આગળ જવા દે છે, તે હું નથી માનતો કે, આટલા ઊંચા સ્થાને પહોંચ્યા પછી પચાવવું સહેલું છે !
અમિતાભ પાસેથી કંઈક શીખો, ગુરૂદેવો....!
પોતે અમિતાભ બચ્ચન/ Amitabh Bachchan છે, પણ સામેની વ્યક્તિ એના ફીલ્ડની એવી જ મોટી હસ્તિ છે, એ વાત બચ્ચન ભૂલતા નથી. તમે જુઓ, આ માણસ બીજાઓને કેટલું ગરિમાપૂર્વકનું માન આપે છે ! એની સામે કોઈ ટાટા-બિરલા બેઠા હોતા નથી, સાવ ઝોંપડપટ્ટીમાંથી આવેલી કોક વિધવા કે સાયકલ-પંક્ચર બનાવનારો ગરીબ બેઠો હોય, એને માન તો સામે મૂકેશ અંબાણી કે રતન તાતા બેઠા હોય, એટલું જ મળે.
પ્રોબ્લેમ, મહિને પચ્ચી-પચ્ચા હજાર કમાનાર આપણા મિડલ-કલાસના નોકરિયાતોનો હોય છે કે, કોઇ મ્યુનિ. કે સરકારી કચેરીમાં, બીજાને ધક્કા ખવડાવી શકે, એવો હોદ્દો શું મળી ગયો કે, ચાર વ્હેંત ઊંચા ચાલવા માંડે. ગઇ કાલ સુધી ભિખારીની જેમ ફરતા ને આજે જેમના હાથમાં પૈસો આવી ગયો છે, એ ‘નિઓ-રિચ’ લોકો ય પૈસો પચાવી શકતા નથી. અન્ય પણ માનના એટલા જ હક્કદાર છે, એવું આ બધા શીખી શકતા નથી, ત્યારે સલાહ અપાઇ જાય કે, અમિતાભ પાસેથી કંઈક શીખો, ગુરૂદેવો....!
મજાક ગળી જવી, કોઇ નાની વાત નથી.
Amitabh Bachchan સામે કે.બી.સી.ની હૉટસીટ પર બેઠેલા સાથે વાતચીતમાં હાસ્ય ઉપજાવવાના સેંકડો મોકા ઊભા થાય છે. શક્ય છે, ક્યાંક અજાણતામાં પેલાની ફિલમે ય ઉતરે. હજી સુધી તો એકે ય વાર બન્યું નથી કે, અમિતાભ બચ્ચને થોડી છુટ લઈને પેલાને વેતરી નાંખ્યો હોય કે, જસ્ટ... હાસ્ય ઊભું કરવા પેલાને ભોગે કોઇ મજાક કરી હોય. ગળે આવેલી મજાક ગળી જવી, કોઇ નાની વાત નથી.
આ ઉંમરે ય (82 વર્ષ) એ કેટલો હૅન્ડસમ અને સૌજન્યપૂર્ણ લાગી શકે છે ! કપડાં કેવા અદ્ભુત સ્યૂટ થાય છે !
‘વિજય દીનાનાથ ચૌહાણ’વાળો ઍન્ગ્રી ઑલ્ડમૅન બચ્ચન અને કેબીસીની સીટ પર બેઠેલ સન્માન્નીય શ્રી અમિતાભ બચ્ચન સાહેબ વચ્ચે ઍક્ટિંગ અને વાસ્તવિકતાનો તફાવત આ માણસ કેટલી સાહજીકતાથી પેશ કરી શકે છે....!
ભારત દેશની યુવાપેઢીને ગંદકી તરફ લઇ જવા આમાદા બનેલા હિંદી ફિલ્મોના સૅન્સર-બૉર્ડે કલ્પી પણ ન શકાય, એવી નઠારી ગાળો અને બિભત્સ જ નહિ, વિકૃત દ્રષ્યો બતાવવાની છુટ આપી દીધા પછી, નિર્માતાઓએ બચ્ચન પાસે પણ ગાળો બોલાવવાનો કારસો રચી નાંખ્યો. એક એ શરૂ કરે, પછી તો તમામ હીરોલોગ કે હીરોઇનો માટે છુટ થઇ જાય, પણ પ્રણામ આ મહામાનવને કે, પોતાની કોઇ ફિલ્મમાં ગાળ નહિ બોલવાની કે સુરૂચિ નહિ છોડવાની એમની હઠ એમના પરિવારની પણ ગરિમા બતાવે છે.
સૌજન્યતાનું બીજું નામ-અમિતાભ
બચ્ચનની એ લોકપ્રિયતા છે કે, બિગ બીના એક વાક્ય ઉપર ચૂંટણીઓમાં કોંગ્રેસ ભિખારી થઇ જાય, છતાં જ્યારે સોનિયા ગાંધીની છાવણી તરફથી બચ્ચન માટે અનાફશનાફ બોલવા માંડ્યું, તે પછી પત્રકારોએ અમિતાભને પ્રતિભાવ આપવાનું કહ્યું, તો ૨૭-જન્મો સુધી ગાંધી-ફૅમિલીને યાદ રહી જાય એવો સૌજન્યશીલ જવાબ બચ્ચને આપ્યો કે, ‘‘વો તો રાજા હૈ... હમ પ્રજા... હમ તો ઉનકે સામને કુછ ભી નહિ હૈ’’ કેટલી નમ્રતા અને વેરભાવ વગરનો પ્રતિભાવ ? સહેજ વિચારી જુઓ કે, આ માણસ એક જ શબ્દમાં કોંગ્રેસને સીધી કરી શક્યો હોત કે નહિ ?
હિંદી ફિલ્મોની શરૂઆત ઇ.સ. ૧૯૩૧-માં ગણીએ ત્યાંથી આજદિન સુધી એકપણ ઍક્ટર અભિનયમાં પણ અમિતાભ બચ્ચનની બરોબરીએ આવે, એવું તમે માનતા હો તો તમારે તમારી પોતાની સાથે જ ઝગડવાનું આવશે. કોઈ દિલીપકુમાર, અશોક કુમાર, સંજીવ કુમાર, નસીરૂદ્દીન શાહ કે શાહરૂખખાનો બચ્ચનબાબુની નજીકે ય ઊભા રહી શકે એમ નથી. અલબત્ત,એ બધા અભિનયના મહારથીઓ છે. પણ કોણ જાણે કેમ ‘શોલે’, ‘બ્લૅક’, ‘ચીની-કમ’, ‘અમર-અકબર-ઍન્થની’, ‘બેમિસાલ’, ‘આલાપ’, ‘જંઝીર’... ઉફ... લિસ્ટ તો પૂરૂં જ નહિ થાય, પણ આ બધી ફિલ્મોમાં જેટલી પ્રેક્ષક પ્રિયતા બચ્ચનને મળી છે એટલી આમાંના કોઇને નથી મળી અને મળી હોય તો ક્યાં કોઇને એમની કોઇ ફિલ્મ યાદ રહી છે ?
અમિતાભે રેખા સાથેના સંબંધને બજારૂ નથી બનવા દીધો
ટીકા કરવા ખાતર, પરિણિત હોવા છતાં અમિતાભના રેખા સાથેના સંબંધોનો મુદ્દો વચમાં લાવી શકાય, પણ આ માણસની ગરિમા ફરીથી જુઓ. ‘સિલસિલા’ દ્વારા એણે એ પણ સાબિત કરી આપ્યું કે, અન્ય સ્ત્રી સાથેના સંબંધો પણ ગરિમાપૂર્ણ હોઇ શકે છે... આવો દરેક સંબંધ લફરૂં નથી હોતો !
જરૂરી નથી કે, આવો લગ્નેતર સંબંધ ફક્ત ‘પ્લૅટોનિક’ જ હોય.. કમ-સે-કમ, રેખા-અમિતાભે આ સંબંધને બજારૂ નથી બનવા દીધો. અન્ય ફિલ્મસ્ટારોમાં આવો એક સંબંધ પૂરો થયા પછી અઠવાડીયામાં બીજો શરૂ થઇ ગયો હોય, Justice delayed is justice denied....! પણ અમિતાભ બચ્ચને રેખા સિવાય અન્ય કોઈ સાથે પોતાનું નામ જોડાવા દીઘું નથી.
બ્રિટનની પાર્લામૅન્ટ ધ્રૂજાવનાર ભારતની સૅક્સી ફોટોગ્રાફર-કમ-મોડેલ ‘પામેલા બૉર્ડીસ’ ઈન્ડિયા કેટલાક ફિલ્મ હીરોના ઇન્ટરવ્યૂઝ-કમ-ફોટોગ્રાફ્સ લેવા આવી, ત્યારે એકે ય અપવાદ Amitabh Bachchan ને બાદ કરતા મોટા ભાગના હીરો એને મળવા પાગલ (... ‘ચીપ’!) થઇ ગયા હતા.
શોભા ડે સાથેના ઇન્ટરવ્યૂમાં પામેલાએ ગૌરવપૂર્વક એક વાત કરી હતી કે, ‘એકમાત્ર અમિતાભ બચ્ચન અત્યંત નૉર્મલ વર્ત્યા હતા... મને મળવા કોઇ બેતાબી બતાવી નહોતી.... મળ્યા પછી ક્યાંય સ્માર્ટ બનવાની વાત તો દૂર રહી, પણ ફોટો-સૅશન પછી ય (જે બીજા હીરોએ ઉઘાડેછોડ કરી હતી, તેવી કોઇ) ઑફરે ય નહોતી કરી. મને ભારતમાં કોઇ એક વ્યક્તિના ચરણ સ્પર્શ કરવાનું મન થયું હોય તો એકમાત્ર અમિતાભ બચ્ચન સાહેબના.’
‘ગો ઇસ્ટ ઓર વેસ્ટ, બચ્ચન ઇઝ ધ બેસ્ટ.’
આ પણ વાંચો- Simi Garewal-રતન ટાટા સાથે લગ્ન બંધનમાં બંધાવાની હતી પણ..