Asha Bhosle-The Legend : લતા સરસ્વતી છે તો આશા તેમની વીણા
- Asha Bhosle-The Legend : સૂરની એ મલ્લિકા જે હવે કથાઓમાં જીવંત છે. જાણો શા માટે તેમણે હીરોઈન બનવાને બદલે ગાયિકા બનવાનું પસંદ કર્યું અને એસ.ડી. બર્મનથી પંચમદા સુધીની તેમની અવિસ્મરણીય સંગીત સફરના અજાણ્યા કિસ્સાઓ
Asha Bhosle-The Legend : સંગીત જગતના માંધાતા એવા આશા ભોસલે(Asha Bhosle) ભલે આપણી વચ્ચેથી શારીરિક વિદાય લઈ ગયા હોય, પણ તેઓ જતાં-જતાં સ્વરોનું એવું વિરાટ સામ્રાજ્ય અને એવી અગણિત સ્મૃતિઓની કથાઓ છોડતા ગયા છે, જે આવનારી પેઢીઓ માટે માર્ગદર્શન બની રહેશે. આશાજી માત્ર એક ગાયિકા નહોતાં, પણ સંઘર્ષ અને સ્વીકારની એક જીવંત પાઠશાળા હતાં.
Asha Bhosle-The Legend : હીરોઈન નહીં, જીવનની નાયિકા: ગાયિકા
તાજેતરમાં એક વીડિયોમાં આશાજીનો એક સુંદર પ્રસંગ જાણવા મળ્યો. મરાઠી સાહિત્યના ગજાવર વ્યક્તિત્વ શાંતાબાઈ શેળકેએ જ્યારે આશાજીને પૂછ્યું, “તમે આટલા સુંદર છો, તો સિનેમામાં હીરોઈન કેમ ન બન્યા?” ત્યારે આશાજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં જે જવાબ આપ્યો તે તેમના 'સ્વીકારભાવ' Acceptance નું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે કહ્યું, “શાંતાબાઈ, હું રોજ સવારે અરીસામાં ચહેરો જોઈ જાતને ટપારું છું કે આશા, આ તારું કામ નથી. અને વળી, કોઈ હીરોઈન 80 વર્ષ ટકી શકે ખરી?” શ્રોતાઓના ગડગડાટ વચ્ચે સંચાલકે સાચું જ કહ્યું હતું કે, “અમારા આયુષ્યની નાયિકા તો એક ગાયિકા જ છે.” ભલું થજો તેમના આ નિર્ણયનું કે છ દાયકા સુધી આપણને ‘દર્પણ ઝૂઠ ના બોલે’ જેવો સચ્ચાઈભર્યો અવાજ મળતો રહ્યો.
Asha Bhosle-The Legend : સંઘર્ષમાંથી સર્જાયેલ સુવર્ણયુગ
આશાજીને સફળતાના શિખરે બેસાડવામાં ઓ.પી. નૈયરનો ફાળો મોટો ગણાય છે, પણ સચિન દેવ બર્મન (S.D. Burman) સાથેની તેમની જોડીએ ઈતિહાસ રચ્યો હતો.1952 ની ‘લાલ કુંવર’થી શરૂ થયેલી સફર 1957.58 માં જ્યારે લતા દીદી અને બર્મનદા વચ્ચે અણબનાવ થયો ત્યારે નવી ઊંચાઈએ પહોંચી.
કહેવાય છે કે એસ.ડી. બર્મન ગીતા દત્ત પાસે ગવરાવવા માંગતા હતા, પણ ગીતાજીએ પોતાની અંગત સમસ્યાઓને કારણે આશાજીનું નામ સૂચવ્યું. આમ, આશાજી ‘હીરોઈનનો અવાજ’ બની ગયા. ‘નૌ દો ગ્યારહ’ થી લઈને ‘બમ્બઈ કા બાબુ’ સુધી, આશાજીએ નૂતન, મધુબાલા, વહિદા રહેમાન અને નરગીસ જેવી દિગ્ગજ અભિનેત્રીઓને પોતાનો સ્વર આપ્યો. ખુદ આશાજી કહેતા કે બર્મનદા પાસે જે શીખવા મળ્યું, એ જ તેમની કારકિર્દીનો અસલી પાયો હતો.
સી. રામચંદ્ર અને આશાજીની જુગલબંધી
સી. રામચંદ્ર પણ શરૂઆતમાં લતાજીના જ આગ્રહી હતા. ‘આશા’ ફિલ્મમાં જ્યારે ‘ઈના મીના ડીકા’ જેવા રોક એન્ડ રોલ ગીત માટે અલગ અવાજની જરૂર પડી, ત્યારે આશાજી મેદાનમાં આવ્યા. બાદમાં રામચંદ્રજી અને લતાજી વચ્ચેના ખટરાગને કારણે ‘તલાક’ (1958) ફિલ્મના તમામ ગીતો આશાજીના સ્વરે રેકોર્ડ થયા અને બે વર્ષ સુધી આ જોડીએ સંગીત જગત પર રાજ કર્યું.
વીણા અને વીજળી: વ.પુ. કાળેનું અદભૂત ચિંતન
મરાઠી સર્જક વ.પુ. કાળેએ મંગેશકર બહેનોની સુંદર સરખામણી કરી છે. તેઓ કહેતા કે, “જો લતા સરસ્વતી છે, તો આશા સરસ્વતીના હાથની વીણા છે.” લતાજીનો સૂર આદરણીય અને દૂરથી નમસ્કાર કરવા જેવો છે, જ્યારે આશાજીનો અવાજ ઘરની હૂંફ જેવો, હાથવેંતમાં હોય તેવો લાગે છે. તેમના અવાજમાં વીજળીનો પ્રભાવ છે, જે વૃક્ષને બાળવાને બદલે ઉજ્જવળ કરે છે. અલ્લડ બાલિકાથી લઈને તટસ્થ યોગિની સુધીના તમામ ભાવો તેમના અવાજમાં સહજતાથી વહે છે.
સુરના સીમાડા ઓળંગી: બિનફિલ્મી પ્રદાન
આશાજી માત્ર ફિલ્મી ગીતો પૂરતા મર્યાદિત નહોતા. ગુલામ અલી સાથે ‘મેરાજ-એ-ગઝલ’ હોય કે હરિહરન સાથે ‘અબશાર-એ-ગઝલ’, આશાજીએ ગઝલના ક્ષેત્રમાં પણ પોતાની મહારથ સાબિત કરી. ખય્યામ-Khayyam સાહેબ સાથેના આલ્બમ્સ અને અદનાન સામી સાથેનું ‘કભી તો નઝર મિલાઓ’ આજે પણ લોકપ્રિય છે. એટલું જ નહીં, તેમણે બોય જ્યોર્જ અને ક્રિકેટર બ્રેટ લી જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે અંગ્રેજી ગીતો ગાઈને સાબિત કર્યું કે સંગીતને કોઈ સરહદ નડતી નથી.
બોલિવુડમાં આઠ આઠ દાયકા સુધી ટકી રહેવું અને એ પણ શીર્ષ સ્થાને એ અઘરું છે. આશા તાઈ ટક્યાં એનું કારણ એમનું સમર્પણ અને મહેનત છે. ફિલ્મ 'તીસરી મંજિલ'ના એક ગીતનું રેકોર્ડિંગ ચાલે.
ઓ હસીના ઝુલ્ફોંવાલી જાને જહાં..."
આ ગીતનું સંગીતR. D. Burman (પંચમદા) એ આપ્યું હતું. આ ગીત તેના હાઈ-પીચ (ઉંચા સૂર), ઝડપી લય અને પંચમદાની લાક્ષણિક 'રોક એન્ડ રોલ' શૈલીના કારણે ગાવું અત્યંત કઠિન હતું. આશાજીએ આ ગીત માટે એટલી મહેનત કરી હતી કે રેકોર્ડિંગ દરમિયાન પંચમદા પોતે ચિંતિત થઈ ગયા હતા.
જ્યારે આશાજી વારંવાર ટેક આપી રહ્યા હતા, ત્યારે પંચમદાએ પૂછ્યું હતું, "તાઈ, તમે થાક્યા નથી? આપણે થોડો આરામ કરીએ?" ત્યારે આશાજીએ જવાબ આપ્યો હતો કે, "જ્યાં સુધી આ ગીત પરફેક્ટ નહીં થાય, ત્યાં સુધી મારો થાક ઉતરવાનો નથી."
આ ગીતની પ્રેક્ટિસ માટે આશાજીએ આખું અઠવાડિયું મહેનત કરી હતી. ગીતમાં જે શ્વાસ રોકીને ગાવાના ટુકડા છે, તેના માટે તેમણે શ્વાસના વ્યાયામ પણ કર્યા હતા. આ પ્રસંગ સાબિત કરે છે કે આશાજી માટે સંગીત એ માત્ર વ્યવસાય નહોતો, પણ એક તપસ્યા હતી.
એકવાર રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આશાજી ખૂબ જ અઘરું ગીત ગાઈ રહ્યા હતા. ટેક પર ટેક થઈ રહ્યા હતા. સંગીતકારે પૂછ્યું, "તાઈ, તમે થાક્યા નથી?" ત્યારે આશાજીએ સ્મિત સાથે જવાબ આપ્યો હતો, "જ્યાં સુધી સૂર બરાબર ન લાગે, ત્યાં સુધી ગળું થાકતું નથી, પણ મન જાગતું રહે છે." આ જ જીજીવિષા અને સમર્પણ તેમને અન્યોથી અલગ પાડે છે.
આશા ભોસલે એ માત્ર એક નામ નથી, પણ અવાજની એક સદી છે. તેમના ગીતો આજે પણ આપણા ઘરમાં ગુંજે છે અને ભવિષ્યમાં પણ ગુંજતા રહેશે. લતાજીનો સૂર જો અજ્ઞાત પ્રવાસે લઈ જાય છે, તો આશાજીનો સૂર આપણને આપણા પોતાના અસ્તિત્વની હૂંફ આપે છે.
આ પણ વાંચો : Jacqueline Fernandez માટે ફરી જેલમાંથી લવ લેટર મોકલાયો, જાણો શું લખ્યું !


