બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ને લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi Gang)ના નામે ધમકી આપવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. અજાણ્યા વ્યક્તિએ અભિનેતાને ઓડિયો મેસેજ મોકલી કરોડો રૂપિયાની ખંડણી માગી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, પ્રાથમિક માહિતી મુજબ આ ધમકી નકલી હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઓડિયો મેસેજ મોકલી કરોડોની ખંડણી માગી
મીડિયા રિપોર્ટ અનુસાર, આયુષ્માન ખુરાનાને એક ધમકીભર્યો ઓડિયો મેસેજ મળ્યો છે. મેસેજ મોકલનારી વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલી હોવાનું જણાવ્યું હતું. અજાણ્યા વ્યક્તિએ અભિનેતા પાસેથી કરોડો રૂપિયાની ખંડણી (Extortion Demand) માગી હોવાનો આરોપ છે. જોકે, ધમકી આપનાર વ્યક્તિ ખરેખર બિશ્નોઈ ગેંગનો સભ્ય છે કે કોઈ અન્ય વ્યક્તિ ગેંગના નામનો દુરુપયોગ કરી રહી છે, તેની હજી પુષ્ટિ થઈ નથી.
મુંબઈ પોલીસ તપાસમાં જોતરાઈ
મુંબઈ પોલીસ (Mumbai Police)એ ધમકીના મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ પાસે ઉપલબ્ધ શંકાસ્પદ આરોપીના જૂના વોઇસ સેમ્પલ સાથે નવા ઓડિયો મેસેજની સરખામણી કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં ઓડિયો મોકલનાર વ્યક્તિની ઓળખ અને ધમકી પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં મેસેજ નકલી હોવાની શંકા છે, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
તુષાર કપૂરને પણ મળી હતી ધમકી
આયુષ્માન ખુરાના પહેલાં અભિનેતા તુષાર કપૂર (Tusshar Kapoor)ને પણ ધમકીભર્યો ઓડિયો મેસેજ મળ્યો હતો. તેમાં મોકલનારે પોતાને બિશ્નોઈ ગેંગનો સભ્ય હેરી બોક્સર (Harry Boxer) ગણાવ્યો હતો અને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગી હોવાના અહેવાલ છે. જોકે, પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ઓડિયો મેસેજનો અવાજ હેરી બોક્સરના ઉપલબ્ધ વોઇસ સેમ્પલ સાથે મળતો આવ્યો નહોતો. તેથી કોઈ અન્ય વ્યક્તિ ગેંગના નામે ધમકી આપતી હોવાની આશંકા ઊભી થઈ છે.
ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ બાદ ફરી ચિંતા
ઉલ્લેખનીય છે કે, 18 ઓક્ટોબર 2026ના રોજ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની કાર પર ફાયરિંગ થયાનો અહેવાલ સામે આવ્યો હતો. આ ઘટના બાદ તુષાર કપૂર અને હવે આયુષ્માન ખુરાનાને ધમકી મળ્યાના સમાચાર સામે આવતાં ફિલ્મજગતમાં સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. પોલીસ હાલ ધમકીના ઓડિયો અને તેના સ્ત્રોત અંગે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Cinema Record : 60 વર્ષના વ્યક્તિએ એક વર્ષમાં જોઈ 1,207 ફિલ્મો! સિનેમાઘરને જ બનાવી દીધું બીજું ઘર