Bigg Boss 19: કેપ્ટન ફરહાના-અશનૂર વચ્ચે ધક્કામુક્કી; સલમાન ખાન કરશે કાર્યવાહી?
- બિગબોસમાં ફરહાના ભટ્ટ અને અશનૂર કૌર વચ્ચે ઉગ્ર ઝઘડો (Farhana Ashnoor Fight)
- વાસણ ખાલી કરવાના મુદ્દે બંને વચ્ચે થઈ બબાલ
- બંને વચ્ચેની બબાલ હાથાપાઈ સુધી પહોંચી ગઈ
- બિગબોસ દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમોમાં સમગ્ર ઘટના
Farhana Ashnoor Fight : સલમાન ખાનનો રિયાલિટી શો 'બિગ બોસ 19'નું ઘર હવે ધીમે ધીમે યુદ્ધના મેદાનમાં પરિવર્તિત થઈ રહ્યું છે, જેનાથી દર્શકોમાં ઉત્તેજના વધી છે. છઠ્ઠા અઠવાડિયામાં પ્રવેશતાની સાથે જ, ઘરની અંદર ટાસ્ક અને ખાસ કરીને રસોડાના કામોને લઈને સ્પર્ધકો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
હાલમાં જ ઘરનું વાતાવરણ ફરી ગરમાયું છે, અને આ વખતે બે મહિલા સ્પર્ધકો વચ્ચેનો ઝઘડો એટલો વધી ગયો કે વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ. આ વિવાદ ઘરની વર્તમાન કેપ્ટન ફરહાના ભટ્ટ અને અશનૂર કૌર વચ્ચે થયો છે.
વાસણ ખાલી કરવાના મુદ્દે વિવાદ વકર્યો( Farhana Ashnoor Fight)
શોના મેકર્સે સોશિયલ મીડિયા પર 'બિગ બોસ 19'નો એક નવો પ્રોમો વીડિયો શેર કર્યો છે, જેમાં આ સમગ્ર ઘટના જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં અશનૂર કૌર અને અભિષેક બજાજ વાતચીત કરતા હોય છે. ત્યારે કેપ્ટન ફરહાના ભટ્ટ ત્યાં આવીને અશનૂર અને અભિષેકને વાસણ (બર્તન) ખાલી કરવા માટે કહે છે. આના જવાબમાં અશનૂરે સણસણતો જવાબ આપતા કહ્યું, "અરે ફરહાના, મારે વાત નથી કરવી, જાઓ." આ સાંભળીને ફરહાના ગુસ્સે થઈ જાય છે અને ઉશ્કેરાઈને કહે છે, "કામ કરીને બતાવ અને તે ગધેડા (અભિષેક બજાજ)ને પણ કામ કરવાનું કહે."
અભિષેકે ફરહાનાને નોકર કહ્યું
આ સાંભળીને અભિષેકે પણ ગુસ્સામાં કહ્યું, "હું કામ નહીં કરું, જે કરવું હોય તે તું કરી લે." ત્યારબાદ ફરહાના પણ પાછી હટતી નથી અને કહે છે, "હું તારી નોકર નથી, ન કર કામ." વાત વણસે છે જ્યારે અભિષેક ફરહાનાને નોકર કહે છે અને તેના જવાબમાં ફરહાના પણ કહે છે, "તારા જેવા નોકર તો હું રાખું છું."
'છિપકલી' શબ્દથી મામલો વધુ બગડ્યો
માહોલ ત્યારે વધુ તંગ બની ગયો જ્યારે ફરહાનાએ અશનૂરને 'છિપકલી' (ગરોળી) કહીને ચીડવી. આ પછી, બંને મહિલા સ્પર્ધકો વચ્ચે જોરદાર ધક્કામુક્કી અને હાથાપાઈ શરૂ થઈ ગઈ. અન્ય ઘરના સભ્યો વચ્ચે પડીને બંનેને શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.વાયરલ થયેલા આ પ્રોમો વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "વાસણને લઈને ફરહાના અને અશનૂર વચ્ચે માહોલ ગરમ થઈ ગયો છે!" આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ ફરહાનાને ઠપકો આપી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સલમાન ખાન પાસે આ મામલે સખત કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ઈલોન મસ્કે Netflixને કહ્યું 'બાય બાય': કયા શોને કારણે સબ્સ્ક્રિપ્શન રદ કરવું પડ્યું?