બોલીવુડના હી-મેન ધર્મેન્દ્ર જોડેનો સંવાદ યાદ કરતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ
- તાજેતરમાં બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું
- આજે ધર્મેન્દ્રના માનમાં તેમના પત્ની અને સાંસદ હેમા માલિનીએ પ્રાર્થના સભા યોજી
- સભામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા
- અમિતભાઇ શાહે એક્ટર સાથે થયેલા સંવાદને યાદ કર્યો
Home Minister Amit Shah Remembers Veteran Actor Dharmendra : બોલીવુડના હી-મેન ગણાતા અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. તેમના દેહાંતના અઠવાડિયા પછી તેમના પત્ની અને ભાજપના સાંસદ હેમા માલિનીએ ગુરુવારે નવી દિલ્હીમાં તેમની સ્મૃતિમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે. પ્રાર્થના સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિતના અગ્રણીઓએ હાજરી આપી છે. દરમિયાન અમિતભાઇ શાહે ધર્મેન્દ્ર સાથે થટયેલા ટેલિફોનિક સંવાદને યાદ કર્યો હતો.
પત્રમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી
અમિતભાઇ શાહે કહ્યું કે, "હું ક્યારેય ધર્મેન્દ્રજીને રૂબરૂ મળ્યો ન હતો. હેમા માલિની સાંસદ બન્યા ત્યારે મને એક વાર તેમનો ફોન આવ્યો હતો. તેમણે એક પત્ર પણ લખ્યો હતો. તેઓ ચિંતિત હતા કે, હેમાજી તેમના મતવિસ્તારમાં સારી બહુમતીથી ચૂંટાઇને આવે. તેમણે પત્રમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી, અને તે પ્રમાણે જ થયું, હેમાજી ખૂબ જ સારી બહુમતીથી ચૂંટણી જીત્યા હતા."
ખૂબ મહેનત કરીને સ્થાન પ્રાપ્ત કર્યું
અમિતભાઇ શાહે વધુમાં કહ્યું કે, "ધર્મેન્દ્રજી ખૂબ જ શુદ્ધ હૃદયના વ્યક્તિ હતા. હું આજે ગૃહમંત્રી તરીકે નહીં, પણ ધર્મેન્દ્રજીના ચાહક તરીકે અહીં આવ્યો છું. ધર્મેન્દ્રજી ફિલ્મ ઉદ્યોગમાં ત્યારે પ્રવેશ્યા જ્યારે બહુ પૈસા નહોતા કે લક્ઝરી નહોતી. તેમણે ખૂબ મહેનત કરીને આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું."
અનોખા અભિનેતાને હંમેશા માટે યાદ રહેશે
તેમણે ટ્વિટર 'X' પર લખ્યું, "ધર્મેન્દ્રજીએ પોતાની અભિનય કુશળતાથી દેશવાસીઓના હૃદયમાં સ્થાન બનાવ્યું છે, અને તેમના અભિનયથી ભાષા અને ક્ષેત્રની સીમાઓ પાર કરીને દરેક વ્યક્તિના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ આ અનોખા અભિનેતાને હંમેશા માટે યાદ રહેશે. આજે, મેં તેમને યાદ કર્યા છે અને દિલ્હીમાં આયોજિત તેમની શ્રદ્ધાંજલિ સભામાં તેમની સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપી છે."
તેઓ એક સાચા દેશભક્ત હતા
સ્વર્ગસ્થ અભિનેતાને યાદ કરતા અમિત શાહે કહ્યું, "જે માણસ શોલે ફિલ્મમાં આટલી સારી ભૂમિકા ભજવી શકે છે, તેમણે ચુપકે ચુપકેમાં સંપૂર્ણપણે અલગ ભૂમિકા ભજવી હતી. મેં ધર્મેન્દ્રજીની ઘણી દેશભક્તિપૂર્ણ ફિલ્મો જોઈ છે. મેં તેમની ફિલ્મ 'આંખે' ઘણી વખત જોઈ છે. તે સમયે પણ, મને લાગ્યું કે તેઓ એક સાચા દેશભક્ત હતા... આ ફક્ત અભિનય નહોતો. આખી દુનિયા જાણે છે કે, ધર્મેન્દ્રજી એક ખેડૂત પુત્ર હતા, અને દેશને ખૂબ પ્રેમ કરતા હતા. 90 વર્ષની ઉંમરે પણ ધર્મેન્દ્રજીનું અવસાન એક ખોટ હશે. તેમના મહાન આત્માને શાંતિ મળે!"
આ પણ વાંચો ------ શું કરિશ્મા કપૂર સાથે થવાના હતા લગ્ન? અક્ષય ખન્નાની અધૂરી પ્રેમ કહાણીના ખુલાસા