બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી મળી ધમકી
- અભિનેતા સલમાન ખાનને ફરી મળી ધમકી
- સલમાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- ઘરમાં ઘૂસીને મારવાની ધમકી મળતા હડકંપ
- વર્લીમાં પરિવહન વિભાગના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ
- અજાણ્યા શખ્સ વિરૂદ્ધ વર્લી પોલીસમાં ફરિયાદ
- પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી
Actor Salman Khan receives threat : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ફરી એકવાર જીવના ખતરની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, મુંબઈના વર્લી વિસ્તારના પરિવહન વિભાગના વોટ્સએપ ગ્રુપમાં એક અજાણ્યા શખ્સ દ્વારા સંદેશ મોકલાયો હતો, જેમાં સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની તથા ઘરમાં ઘૂસીને મારવાની ધમકી આપવામાં આવી છે. સમગ્ર ઘટનાની ગંભીરતા જોઇને વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
સુરક્ષા વધુ કડક કરવામાં આવી
મુંબઈ પોલીસ હાલ અલર્ટ સ્થિતિમાં છે અને સલમાન ખાનના ઘર તથા આસપાસની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ પણ અભિનેતા સલમાન ખાનને વિવાદાસ્પદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેના સાથીદારો તરફથી અનેક વખત ધમકી મળી ચૂકી છે. પોલીસ તપાસમાં જોવાઈ રહ્યું છે કે આ નવા મેસેજ અને અગાઉની ધમકીઓ વચ્ચે કોઈ કડી છે કે નહીં. મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને સાયબર સેલ પણ આ મામલે જોડાઈ ગઈ છે જેથી શખ્સની ઓળખ કરી શકાય. હાલમાં સલમાન ખાનના ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
પહેલા ક્યારે ધમકીઓ મળી હતી?
સલમાન ખાનને પહેલાથી જ ફોન નંબરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે. જ્યાં આ વખતે આ ધમકી મુંબઈના વર્લીમાં પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર આપવામાં આવી છે. ગયા વર્ષે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, મેસેજમાં અભિનેતા પાસેથી માફી માંગવા અને લોરેન્સ બિશ્નોઈ સાથેના મામલાનું સમાધાન કરવા માટે 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ધમકી આપનાર વ્યક્તિએ પોતાને લોરેન્સનો નજીકનો ગણાવ્યો હતો. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે જો સલમાન ખાન પૈસા નહીં આપે તો તેમની હાલત બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ થશે.
સલમાન ખાનની ફિલ્મ
ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર' ગયા મહિને 30 માર્ચે ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના પહેલી વાર તેમની સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી રહી છે. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહીં. સલમાનની આગામી ફિલ્મોમાં 'કિક 2', 'બજરંગી ભાઈજાન 2' અને 'દબંગ 4'નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં FIR રદ કરવાની માંગ કરી