ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bollywood : સામા પુરે તરેલી દેવિકા રાનીથી લઈને ઉષા ખન્ના સુધી…

Bollywood: વર્ષો પૂર્વે ‘ગાઈડ’ જેવી ફિલ્મમાં થોડા નેગેટિવ શેડ્સ ધરાવતા રોલ માટે વહીદા રહેમાનને યાદ કરવા જોઈએ. આજકાલ તો ફિલ્મમાં અભિનેત્રીઓ નકારાત્મક ભૂમિકાઓ ભજવવામાં શ્રેષ્ઠ અભિનય કરે છે,પણ ‘ગાઈડ’ને વહીદાજીની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે લોકો આજે પણ યાદ કરે છે.
02:50 PM May 08, 2025 IST | Hardik Shah
Bollywood: વર્ષો પૂર્વે ‘ગાઈડ’ જેવી ફિલ્મમાં થોડા નેગેટિવ શેડ્સ ધરાવતા રોલ માટે વહીદા રહેમાનને યાદ કરવા જોઈએ. આજકાલ તો ફિલ્મમાં અભિનેત્રીઓ નકારાત્મક ભૂમિકાઓ ભજવવામાં શ્રેષ્ઠ અભિનય કરે છે,પણ ‘ગાઈડ’ને વહીદાજીની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે લોકો આજે પણ યાદ કરે છે.
Bollywood Heroine

Bollywood: વર્ષો પૂર્વે ‘ગાઈડ’ જેવી ફિલ્મમાં થોડા નેગેટિવ શેડ્સ ધરાવતા રોલ માટે વહીદા રહેમાનને યાદ કરવા જોઈએ. આજકાલ તો ફિલ્મમાં અભિનેત્રીઓ નકારાત્મક ભૂમિકાઓ ભજવવામાં શ્રેષ્ઠ અભિનય કરે છે,પણ ‘ગાઈડ’ને વહીદાજીની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે લોકો આજે પણ યાદ કરે છે.

આ વાત આજે એટલા માટે યાદ આવે છે કે એ જમાનામાં આવો નવો ચીલો પડવો સહેલો નહોતો. વહીદાજીની ‘ પ્યાસા’ ધારવા કરતાં વધુ ગંભીર ફિલ્મ બની ગઈ છે એવું ગુરુદત્ત અને એસ. ડી. બર્મન માનતા હતાં. આટલી ગંભીર ફિલ્મ નિષ્ફળ જશે એટલે થોડી રિ-શૂટ કરીને એને હળવી બનાવવી જોઈએ એવું એ મહારથીઓ માનતા હતા. આ ફિલ્મની કથામાં દુ:ખદ અંત છે સાથોસાથ તેના ગીતોમાં પણ સાહિરની ભારોભાર વેદના છે. એ માટે દક્ષિણમાંથી નવાસવા આવેલાં ફિલ્મના અભિનેત્રી વહીદા રહેમાનનો અભિપ્રાય લેવામાં આવ્યો. વાંચનનો શોખ ધરાવતા વહીદાજીનો અભિપ્રાય લેવા પાછળનું એક કારણ હતુ કે આ પ્રકારની ગંભીર ફિલ્મ માટે યુવાનોનો મત શું હોઈ શકે એ જાણવા મળે.

વહીદાએ કહ્યું કે ‘ક્લાસિક ફિલ્મ છે, જેવી બની છે એ જ રીતે રજૂ કરો’ અને એ ફિલ્મ ઇતિહાસ સર્જી ગઈ. ભારતની નારીશક્તિને સાહસિક અને વિકસિત રાખવી હોય તો વાંચનનું મહત્ત્વ સમજવાની જરૂર છે.
મહિલાઓ માટે સખ્ત સંઘર્ષ હતો

મનોરંજનની દુનિયામાં પ્રારંભમાં મહિલાઓ માટે સખ્ત સંઘર્ષ હતો. સામાન્ય રીતે ઉદાર અને અભ્યાસુ ગણાતી પારસી સમાજની મહિલા સંગીતકાર સરસ્વતીદેવીને એમનાં સમાજમાંથી હિંસક વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
સમાજના વિરોધને કારણે ખુર્શીદ મીનોચાર હોમજી નામ બદલીને ‘બોમ્બે ટોકિજ’ ના સ્થાપક હિમાંશુ રાયની સલાહથી ‘સરસ્વતીદેવી’ કરવું પડ્યું હતું.

સરસ્વતીદેવી શાસ્ત્રીય સંગીતમાં પારંગત
પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે પાસેથી સંગીત શીખ્યા પછી સરસ્વતીદેવી શાસ્ત્રીય સંગીત રજૂ કરતાં હતાં. લખનઊમાં મોરિસ કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યાં જ ભણાવવાનું શરૂ કર્યું. એ સમય દરમિયાન નાના- મોટા કાર્યક્રમોમાં ગાવાનું શરૂ કર્યું. મુંબઈમાં રેડિયો સ્ટેશન શરૂ થતાં સરસ્વતીદેવી તથા એમની બંને બહેનોએ વાજિંત્ર વગાડવા શરૂ કર્યા અને ‘હોમજી સિસ્ટર્સ’ નામથી એમની સંગીત પાર્ટીએ લોકચાહના મેળવી.

સમાજના વિરોધે સરસ્વતીદેવી-‘ દેવિકા રાની’ બન્યાં

થિયોસોફિકલ સોસાઈટીના એક કાર્યક્રમમાં હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે એક કાર્યક્રમમાં હિમાંશુ રાય સાથે પરિચય કરાવ્યો અને હિમાંશુ રાયે એમને ‘બોમ્બે ટોકિજ’માં જોડાવા આમંત્રણ આપ્યું. ફિલ્મ સંગીતથી લગભગ અજાણ એવા સરસ્વતીદેવીએ એમનાં બહેન માણિક સાથે ‘બોમ્બે ટોકિજ’(Bombay Talkies) માં જોડાયાં . એમના પરિવાર તથા પારસી સમાજે ફિલ્મોમાં જોડાવાનો વિરોધ કર્યો અને હિમાંશુ રાયની કારમાંથી બહાર ખેંચીને હુમલો કરવામાં આવ્યો. હિમાંશુ રાયને કોઈ વિચાર સૂઝતાં એમનો ‘ દેવિકા રાની’ તરીકે પરિચય આપીને બચાવ્યા. પારસી સમાજના વિરોધને કારણે બંને બહેનોના નામ બદલવામાં આવ્યા.
એ જમાનામાં પાર્શ્વગાયક હતા નહિ, કલાકારોએ જાતે જ ગાવું પડતું

બંને બહેનોએ ‘જવાની કી હવા’ નામની ફિલ્મમાં ભજવેલી ભૂમિકાને ધ્યાનમાં રાખીને પારસી સમાજે વિરોધ સરઘસ પણ કાઢ્યાં હતાં. સરસ્વતીદેવીની ઓળખ ‘અછૂત કન્યા’ નામની ફિલ્મના સંગીતથી થઇ, જે ફિલ્મના વખાણ મહાત્મા ગાંધીએ કર્યા હતાં. એ જમાનામાં પાર્શ્વગાયક હતાં નહિ, કલાકારોએ જાતે જ ગાવું પડતું. દેવિકા રાની માટે સરળ તર્જ બનાવવાનું કામ સરસ્વતીદેવીએ કર્યું. ‘જવાની કી હવા’ નામની ફિલ્મમાં એમની અભિનેત્રી બહેનનું ગળું ખરાબ થતા એમણે સેટ પર ગાયું હતું અને બહેને ફક્ત હોઠ હલાવ્યા હતાં. બીજા શબ્દોમાં કહીએ તો એ પ્લેબેક ગાયકીની શરૂઆત કહી શકાય.

એ સમયગાળામાં રાજકુમારી, સુલોચના અને સવિતા દેવી જેવાં અભિનેત્રીઓએ અનેક લોકપ્રિય ગીતો ગાયાં હતાં જેણે ભારતીય મનોરંજનને વિશ્વભરમાં લોકપ્રિય કર્યું હતું. ત્રીસીના દાયકામાં સુલોચનાએ ‘આંખે ખોલ અબ નીંદ સે સો લી.’ જેવાં ગીતમાં વિધવા વિવાહ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. આપણા શાંતા આપ્ટેજીએ તો એ સમયે અંગ્રેજીમાં લખાયેલી ક્રાંતિકારી કવિતાઓને સિનેમાના માધ્યમથી પ્રસ્તુત કરીને પ્રગતિશીલ સમાજ માટે પહેલ કરી હતી.

નરગિસના માતા જદ્દનબાઈ કોઠા પરથી સીધા બૉલીવુડ સંગીતકાર

ભારતીય મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં પહેલી સંગીતકાર તરીકે અભિનેત્રી નરગિસના માતા જદ્દનબાઈનું નામ આવે છે. જદ્દનબાઈએ ગીત ગાવા સાથે ‘તલાશ એ હક’ નામની ફિલ્મમાં સંગીત આપ્યું હતું. જદ્દનબાઈએ હૃદય મંથન, મેડમ ફેશન અને જીવન સ્વપ્ન જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. આ યાત્રા યાદ કરવાનો હેતુ એટલો જ છે કે મનોરંજનની દુનિયામાં પુરૂષોનું આધિપત્ય રહ્યું છે ત્યાં પ્રારંભથી ઓછી તકો વચ્ચે મહિલાઓએ ઉદાત્ત કહી શકાય એવો ફાળો આપ્યો છે.

સરસ્વતીદેવી પછી સફળ સંગીતકાર તરીકે ઉષા ખન્નાનું નામ

પુરુષોના આધિપત્ય ધરાવતા સંગીતકારોની દુનિયામાં ઉષા ખન્નાનું આગવું નામ રહ્યું છે. આજે પણ લગ્ન માટે પરિવાર સાથે મુલાકાત કરવાની હોય ત્યારે ‘ શાયદ મેરી શાદી કા ખયાલ આયા હે’ એ ચિરંજીવી ગીત છે. ઉષા ખન્નાના પિતાજી સરકારી કહી શકાય એવી નોકરી છોડીને મુંબઈ ફિલ્મોમાં ગીત લખવા આવ્યા. ઉષા ખન્નાએ સિંગર બનવા કરતાં સંગીતકાર બનવું જોઈએ એવી ઇન્દીવરે સલાહ આપી. એસ મુખર્જી અને સંગીતકાર ઓ. પી. નૈયર વચ્ચે કોઈક બાબતે મનદુ:ખ થયું હતું. મુખર્જીને નૈયર સાહેબની જેમ સંગીત આપી શકે એવા સંગીતકાર જોઈતા હતા. મુખર્જી સાહેબને ઉષા ખન્નામાં એ પ્રતિભાના દર્શન થયા. ટીનએજમાં ઉષા ખન્નાએ એસ મુખર્જીની સુપર હિટ ફિલ્મ ‘દિલ દે કે દેખો’ માં સંગીત આપવા ગયા ત્યારે વાદકો એમની વાત માને એ માટે સાડી પહેરીને જવું પડ્યું હતું. પહેલી ફિલ્મમાં સંગીત અત્યંત સફળ થયું હોય એવા શંકર જયકિશન કે લક્ષ્મીકાંત પ્યારેલાલ જોડે એ સમયે ટીનએજર ઉષા ખન્નાના યોગદાનને ભૂલી શકાય નહીં.

થોડા સમય પહેલાં ગુજરાતી રંગભૂમિનાં કલાકાર એવાં ગાયત્રી રાવલને મળ્યો હતો, એમણે અભિનેત્રીઓ માટે સરસ વાત કરી હતી. એ કહે : ‘સ્ત્રી પાત્રો પાસે સમાજની હકારાત્મક અપેક્ષાઓ હોય છે. આ કારણે નકારાત્મક કે એન્ટી હીરો જેવાં પાત્રો ભજવવા મુશ્કેલ રહ્યા છે. હું જ્યારે આવા રોલ કરું છું તો પછી અભિપ્રાયની પરવા કરતી નથી. જો અમે એ ચર્ચા અને સલાહ લેવાનું શરૂ કરીએ તો ક્યારેય એ પ્રકારના બોલ્ડ રોલ કરી શકીએ નહિ. પાત્રની જરુરીયાત મુજબ બોલ્ડ એન્ડ બિન્દાસ એક્ટિંગ કરવા મજબૂત જિગર જોઈએ. મનોરંજનમાં સ્ત્રીઓની સફળતામાં ફક્ત હિમ્મતની જરૂર છે, બાકી નારીશક્તિને કોઈ રોકી શકે તેમ નથી.!’

અહેવાલ : કનુ જાની

Tags :
BollywoodClassic Hindi CinemaDevika Rani ActressFemale Music Composers IndiaGurudutt Waheeda RehmanJaddanbai Female ComposerNegative Roles in BollywoodOld Bollywood Female RolesPyaasa Classic FilmSahir Ludhianvi LyricsSaraswati Devi Music ComposerUsha Khanna Bollywood ComposerWaheeda Rehman Guide MovieWomen in Bollywood HistoryWomen in Early Indian Cinema
Next Article