IPL દરમિયાન શરૂ થઈ હતી ચર્ચાઓ
બ્રેટ લીને તેમના સમયના વિશ્વના સૌથી ઝડપી અને ઘાતક બોલરોમાં સ્થાન મળ્યું હતું. IPLની પ્રથમ સિઝનમાં તેઓ કિંગ્સ XI પંજાબ (Kings XI Punjab), જે હવે પંજાબ કિંગ્સ (Punjab Kings) તરીકે ઓળખાય છે, તરફથી રમ્યા હતા. ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા ઘણીવાર ખેલાડીઓને પ્રોત્સાહન આપવા મેદાનમાં હાજર રહેતી હતી. આ દરમિયાન બ્રેટ લી અને પ્રીતિ ઝિન્ટા અનેક પ્રસંગોએ સાથે જોવા મળતા હતા, જેના કારણે સોશિયલ મીડિયા અને મનોરંજન જગતમાં તેમના સંબંધોને લઈને અનેક અટકળો શરૂ થઈ હતી.
બ્રેટ લીએ અફવાઓ પર આપી સ્પષ્ટતા
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં બ્રેટ લીએ આ મુદ્દે ખુલાસો કરતાં કહ્યું કે તેમણે ક્યારેય કોઈ બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress)ને ડેટ કરી નથી. તેમણે જણાવ્યું કે લોકો પોતાની રીતે વાતો કરતા રહ્યા, પરંતુ તેમને હકીકતની જાણ હતી, તેથી આવી અફવાઓએ તેમના જીવન પર ક્યારેય અસર કરી નહોતી. બ્રેટ લીએ વધુમાં કહ્યું કે, "લોકો ગમે તેટલી અટકળો લગાવે, પરંતુ મેં ક્યારેય તેમને મારા પર પ્રભાવ પાડવા દીધો નથી."
પ્રીતિ ઝિન્ટા માટે વ્યક્ત કર્યો આદર
બ્રેટ લીએ પ્રીતિ ઝિન્ટાની પ્રશંસા કરતાં જણાવ્યું કે કિંગ્સ XI પંજાબ માટે રમતા સમયે બંને વચ્ચે ખૂબ સારી મિત્રતા ડેવલોપ થઇ હતી. તેમણે કહ્યું કે, પ્રીતિ ભારતમાં તેમના સૌથી નજીકના મિત્રોમાંની એક છે. સાથે જ તેમણે પ્રીતિને બુદ્ધિશાળી, સમજદાર અને સન્માનને પાત્ર વ્યક્તિ ગણાવી હતી. નોંધનીય છે કે બ્રેટ લીએ વર્ષ 2011માં મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન પણ આ જ વાત કહી હતી. તે સમયે પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બંને વચ્ચે માત્ર મિત્રતાનો સંબંધ છે.
પ્રીતિ ઝિન્ટાએ પણ આપી હતી તીખી પ્રતિક્રિયા
જ્યારે બ્રેટ લી અને પ્રીતિ ઝિન્ટાના સંબંધોની અફવાઓ સતત વધી રહી હતી, ત્યારે વર્ષ 2010માં પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે Twitter) પર આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું હતું કે, તેઓ પોતાના કોઈપણ સાથી ખેલાડી અથવા કોઈ ક્રિકેટરને ડેટ કરી રહ્યા નથી. પ્રીતિએ કહ્યું હતું કે તેઓ વારંવાર પોતાના સહ-ખેલાડીઓ સાથે જોડાતી અફવાઓથી કંટાળી ગયા છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે જ્યારે તેઓ ખરેખર કોઈને ડેટ કરશે, ત્યારે દુનિયાને તેની જાણ થઈ જશે.
હાલમાં બંને પોતાના જીવનમાં વ્યસ્ત
પ્રીતિ ઝિન્ટાએ વર્ષ 2016માં લોસ એન્જલસ (Los Angeles)માં પોતાના લાંબા સમયના મિત્ર જીન ગુડઈનફ (Gene Goodenough) સાથે ખાનગી હિંદુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2021માં સરોગસી (Surrogacy) દ્વારા તેઓ જોડિયા બાળકોના માતા-પિતા બન્યા હતા. ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં 'બંટવારા 1947' (Batwara 1947) ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેનું નિર્માણ આમિર ખાન (Aamir Khan) કરી રહ્યા છે. બીજી તરફ બ્રેટ લીએ વર્ષ 2015માં પોતાની 20 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી હતી. તેમણે ઓસ્ટ્રેલિયા (Australia) માટે 76 ટેસ્ટ મેચમાં 310 વિકેટ અને 221 વન-ડે મેચમાં 380 વિકેટ ઝડપી હતી. આજે પણ તેઓ વિશ્વ ક્રિકેટના સૌથી સફળ અને ઝડપી ફાસ્ટ બોલરોમાંના એક તરીકે યાદ કરવામાં આવે છે.
આ પણ વાંચો : Mukesh Khanna : આ અસલી વિદ્યાર્થીઓ નહોતા... CJP પ્રદર્શન પર મુકેશ ખન્ના જબરદસ્ત ગુસ્સામાં!