Deewar Hongkong Remake : ટોકીઝ મુંબઈની અને પડઘા હોંગકોંગમાં
Deewar Hongkong Remake : 1975માં આવેલી અમિતાભ બચ્ચનની આઇકોનિક ફિલ્મ ‘દીવાર’ (Deewar) ની વાર્તા અને બિલ્લા નં. 786 ની નકલ કરીને હોંગકોંગના શો બ્રધર્સે ‘ધ બ્રધર્સ’ (1979) બનાવી હતી અને જોન વૂની સિનેમાને પ્રભાવિત કરી હતી.બોલિવૂડની ‘દીવાર’ Deevaar પર ચણાયું હોંગકોંગનું સિનેમા અને ત્યાની ફિલ્મોનું મેકિંગ જ બોલિવુડની ફિલ્મોની નકલ કરી બદલાઈ ગયું.
આપણે અવારનવાર હોલીવૂડ-Hollywood કે કોરિયન ફિલ્મોની ઉઠાંતરી કરતા બોલિવૂડ(Bollywood) ડિરેક્ટરોની મજાક ઉડાવીએ છીએ, ખરું ને? પણ ચાલો આજે વાર્તાને બરાબર ઉલટાવી નાખીએ. આજે વાત કરવી છે એવા સમયની જ્યારે ભારતીય સિનેમાના એક પ્રચંડ ધડાકાએ સાત સમુદ્ર પાર હોંગકોંગ એક્શન ઇન્ડસ્ટ્રીનો ચહેરો અને નકશો કાયમ માટે બદલી નાખ્યો હતો.
વાત વર્ષ1975ની છે, જ્યારે યશ ચોપરાની 'દીવાર' રિલીઝ થઈ. એ માત્ર એક ફિલ્મ નહોતી, પણ ભારતની ગરીબ, લાચાર અને ભ્રષ્ટ સિસ્ટમ સામે સલીમ-જાવેદની કલમમાંથી નીકળેલો એક સળગતો અંગારો હતી. પણ આ અંગારાની તણખ માઇલો દૂર હોંગકોંગ સુધી પહોંચી અને ત્યાં 'હિરોઈક બ્લડશેડ' (Heroic Bloodshed) નામના આખા એક નવા ફિલ્મ જોનરનો જન્મ થયો!
Deewar Hongkong Remake : માર્શલ આર્ટ્સના ગઢમાં હિન્દી મેલોડ્રામાની એન્ટ્રી!
70 ના દાયકામાં હોંગકોંગ સિનેમા એટલે માત્ર બ્રુસ લી(Bruce Lee), જેકી ચેન(Jackie Chan)કે કુંગ-ફૂ અને કરાટેના કરતબો. ત્યાંનો હીરો દુશ્મનોને હવામાં ઉડીને લાતો મારતો. પરંતુ, એ સમયે હોંગકોંગ પણ બરાબર એ જ સામાજિક પીડામાંથી પસાર થઈ રહ્યું હતું જેમાંથી ભારત પસાર થતું હતું—ઝડપી શહેરીકરણ, આર્થિક અસમાનતા, ગરીબી અને કાયદો-વ્યવસ્થા પરથી ઉઠતો જનતાનો વિશ્વાસ.
હોંગકોંગના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયો ‘શો બ્રધર્સ’ (Shaw Brothers) ને આ બદલાતા સમય માટે એક એવી વાર્તા જોઈતી હતી જેમાં હવામાં લાતો મારતો હીરો નહીં, પણ સિસ્ટમથી હારેલો અને ગુસ્સાથી ફાટ-ફાટ થતો કોઈ અસલી માણસ હોય. બરાબર આ જ સમયે તેમનું ધ્યાન ખેંચ્યું બોલિવૂડના ‘એન્ગ્રી યંગ મેન’ અમિતાભ બચ્ચનની ‘દીવાર’ ફિલ્મે!
Deewar Hongkong Remake : સીન-બાય-સીન કોપી: ‘ધ બ્રધર્સ’ (1979)
વર્ષ 1979 માં ડિરેક્ટર હુઆ શાને હોંગકોંગના દર્શકો માટે એક ફિલ્મ બનાવી: ‘ધ બ્રધર્સ’ (The Brothers). આ કોઈ પ્રેરણા નહોતી, આ તો સો ટકા શુદ્ધ બોલિવૂડ મસાલાની ચાઈનીઝ ઉઠાંતરી હતી!
વિશ્વાસ ન આવતો હોય તો આ જુઓ:
એ જ સંઘર્ષ: વિધવા માતાના બે દીકરા. એક કાયદાના રસ્તે ચાલીને પોલીસ બને (ડેની લી) અને બીજો સંજોગોનો માર્યો અંડરવર્લ્ડનો કિંગ બને (ટોની લીઉ).
એ જ શૂઝ પોલિશ: બાળ વિજય (અમિતાભ) ફેંકેલા પૈસા લેવાની ના પાડે છે, એ આખું દ્રશ્ય ચાઈનીઝ બાળ કલાકારો સાથે બેઠું નકલ કરાયું!
786 બની ગયો 838: વિજયના ખિસ્સામાં રહેતો ચમત્કારી 'બિલ્લા નં. 786' અહીં ચાઈનીઝ સંસ્કૃતિ મુજબ નસીબદાર ગણાતા ચાઈનીઝ કેલેન્ડરના નંબર '838' માં ફેરવાઈ ગયો!
બોલિવૂડની175 મિનિટની લાંબી લચક ફિલ્મને હોંગકોંગના દર્શકો માટે 90 મિનિટની ફાસ્ટ એક્શન ફિલ્મમાં ઢાળવામાં આવી હતી. ‘દીવાર’માં ગુનો મુખ્યત્વે ગોલ્ડ સ્મગલિંગ (સોનાની દાણચોરી) નો હતો, જ્યારે ‘ધ બ્રધર્સ’માં તેને હોંગકોંગના કુખ્યાત માફિયા સંગઠન ‘ટ્રાયડ’ (Triad) સાથે જોડી દેવાયો.
‘મેરે પાસ માં હૈ’ વિરુદ્ધ ચાઈનીઝ રિયાલિઝમ
તમામ નકલ કરવા છતાં ચાઈનીઝ ફિલ્મકારો એક જગ્યાએ થાપ ખાઈ ગયા—અને તે હતી લાગણીઓની તીવ્રતા. ‘દીવાર’ની તાકાત તેના એક્શન સીન નહોતા, પણ તેના સંવાદો અને પાત્રો વચ્ચેનો ભીષણ ડ્રામા હતો. જ્યારે શશી કપૂર બોલે છે કે “મેરે પાસ માં હૈ”, ત્યારે થિયેટરમાં બેઠેલા દર્શકની છાતી ફાટી જાય છે.
હોંગકોંગની ‘ધ બ્રધર્સ’માં એ જ દ્રશ્યો હતા, પણ એમાં ભાવનાત્મક ઉષ્મા ગાયબ હતી. તે એક સૂકી અને માત્ર પ્રોફેશનલ ક્રાઈમ ફિલ્મ બનીને રહી ગઈ. કેમ? કારણ કે હોંગકોંગના રાઈટર્સ પાસે કમાલની ટેકનિક તો હતી, પણ સલીમ-જાવેદ જેવી કલમ નહોતી! સલીમ-જાવેદે જે ગરીબી, ફૂટપાથનું અપમાન અને ભૂખ વેઠ્યા હતા, તે આક્રોશ તેમની કલમમાંથી ‘દીવાર’માં ટપકતો હતો, જેની નકલ કોઈ મશીન કે વિદેશી રાઈટર ન કરી શકે.
જોન વૂ અને હોંગકોંગ સિનેમાનું નવસર્જન: ‘અ બેટર ટુમોરો’
જો કે, ‘દીવાર’ની આ સફર અહીં પૂરી ન થઈ. ‘ધ બ્રધર્સ’ (1979) ભલે બહુ મોટી ન ચાલી, પણ તેના પ્લોટે હોંગકોંગના એક યુવાન અને ક્રાંતિકારી ડિરેક્ટરનું મગજ હલાવી દીધું. એ ડિરેક્ટર એટલે જોન વૂ (John Woo).
જોન વૂએ આ જ ‘બે ભાઈઓ’ (એક પોલીસ અને એક ક્રિમિનલ) વાળા પ્લોટને લીધો અને1986 માં એક કલ્ટ ક્લાસિક ફિલ્મ બનાવી: ‘અ બેટર ટુમોરો’ (A Better Tomorrow). આ ફિલ્મે આખી દુનિયામાં ધૂમ મચાવી દીધી. હીરો લાંબો કોટ પહેરીને, બંને હાથમાં ગન લઈને દુશ્મનો પર ગોળીઓનો વરસાદ કરતો. હોલીવૂડના ક્વેન્ટિન ટેરેન્ટિનો જેવા દિગ્ગજ ડિરેક્ટરો પણ જોન વૂની આ સ્ટાઈલના દીવાના બન્યા. પણ આખી દુનિયા જેને જોન વૂની મૌલિકતા માનતી હતી, તેનો અસલી પાયો તો 1975 માં મુંબઈના સ્ટુડિયોમાં સલીમ-જાવેદે નાખ્યો હતો!
પ્રાદેશિક સિનેમામાં પણ ‘દીવાર’નો દબદબો
હોંગકોંગ સુધી ડંકો વગાડનાર ‘દીવાર’નો જાદુ ભારતની પ્રાદેશિક ભાષાઓમાં પણ માથું ઊંચકીને બોલતો હતો. અલગ-અલગ ભાષાના ટોચના સુપરસ્ટાર્સે અમિતાભના આ એન્ગ્રી લુકને પોતપોતાની શૈલીમાં પડદા પર ઉતાર્યો:
તેલુગુ (1976): એન. ટી. રામા રાવ (NTR) સાથે 'માગાડુ'
તમિલ (1981): સુપરસ્ટાર રજનીકાંત(Rajinikanth) સાથે 'થી' (Thee)
મલયાલમ (1983): મેગાસ્ટાર મમૂટી સાથે 'નાથી મુથલ નાથી વરે'
આજે જ્યારે આપણે ‘અ બેટર ટુમોરો’ જેવી હોંગકોંગની ક્લાસિક ફિલ્મો કે વેસ્ટર્ન ગન-ફાઇટ એક્શનના વખાણ કરીએ છીએ, ત્યારે એક ભારતીય તરીકે ગર્વ થવો જોઈએ. કારણ કે, દુનિયા જેને ‘હોંગકોંગ ક્રાઈમ રિયાલિઝમ’ કહીને માથે બેસાડે છે, તેનો આત્મા વર્ષો પહેલાં આપણા બોલિવૂડના તીવ્ર મેલોડ્રામા અને બે ભાઈઓની નૈતિક લડાઈની ‘દીવાર’માંથી જ ચોરાયો હતો!
આ પણ વાંચો : Sanjeev Kumar-The Legend : સંજીવ કુમારના જીવનની એ પરમ વક્રોક્તિ!


