Eko Movie : બોલિવૂડ કરતા સાઉથ કેમ આગળ? 'Eko' ફિલ્મ જૂઓ-તમે પણ માની જશો!
Eko Movie : વર્તમાન સમયમાં ભારતીય સિનેમાનો ચહેરો બદલાઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે પ્રાદેશિક ફિલ્મો માત્ર ચોક્કસ વર્ગ સુધી સીમિત હતી, પરંતુ આજે સાઉથની ફિલ્મોએ સાબિત કરી દીધું છે કે મેકિંગ અને સ્ટોરીટેલિંગની બાબતમાં તેઓ બોલિવૂડ કરતાં ક્યાંય આગળ અને વધુ પ્રોફેશનલ છે. જ્યાં બોલિવૂડ હજુ પણ મોટા સ્ટાર્સ, ગ્લેમર અને ઘસીપીટી ફોર્મ્યુલા ફિલ્મોની જાળમાં ફસાયેલું છે, ત્યાં સાઉથની ફિલ્મો—ખાસ કરીને મલયાલમ સિનેમા—વાર્તા કહેવાની કળામાં (Screenwriting) ઘણી એડવાન્સ અને પ્રયોગશીલ બની છે.
દક્ષિણ ભારતના ફિલ્મમેકર્સ માત્ર ટેકનિકલી જ સાઉન્ડ નથી, પણ તેમનું વિઝન વૈશ્વિક કક્ષાનું છે. તેઓ ઓછા બજેટમાં પણ અત્યંત સંવેદનશીલ અને ગહન વિષયોને એવી પ્રોફેશનલ રીતે રજૂ કરે છે કે જે દર્શકોને વિચારવા મજબૂર કરી દે છે. આ જ શ્રેણીમાં વધુ એક સિનેમેટિક માસ્ટરપીસ ઉમેરાઈ છે—'Eko'. દિનજીથ અય્યાથન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સાઉથના તેજસ્વી મેકિંગ અને ઊંડા વાર્તાકથનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
Eko:ભારતીય સિનેમાનું નવું સરનામું – સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી
દિનજીથ અય્યાથનની Eko એક દુરસુદુરનાં, હરિયાળા અને ધુમ્મસભરી કેરળની પહાડીઓમાં આવેલા કાટુકુન્નુ વિસ્તારમાં વસતા એક પરિવારની આસપાસ ગૂંથાયેલી છે. અહીં એક નાનકડા ઘરમાં વૃદ્ધ મલાથી ચેટ્ટાથી (બિયાના મોમિન) અને તેમનો કેરટેકર પીયુસ (સંદીપ પ્રદીપ) કૂતરાઓના ઝૂંડ સાથે રહે છે. આ ઘર જેટલું શાંત દેખાય છે, એટલું જ અંદરથી અશાંત છે.
મલાથીનો પતિ કુરિયાચન (સૌરભ સચદેવા) એક કુખ્યાત ડોગ બ્રીડર છે, જે વર્ષોથી ફરાર છે. પોલીસ, માઓવાદીઓ અને તેના ભૂતકાળના દુશ્મનો—બધા તેની શોધમાં છે. પરંતુ તેની ગેરહાજરી માત્ર એક ખાલી જગ્યા નથી; તે ફિલ્મનું સૌથી સશક્ત હાજર તત્વ બની જાય છે. તેની ગેરહાજરીમાં જ લોકો, સંબંધો અને સત્તાના ખેલ એકત્ર થવા લાગે છે.
Eko Movie : માનવીય સંબંધો, વફાદારી, નિયંત્રણ અને બદલાની ઊંડાઈ
Ekoની વાર્તા મિસ્ટરી છે, પણ એ મિસ્ટરી માત્ર “કોણે શું કર્યું”ની નથી. આ ફિલ્મ માનવીય સંબંધો, વફાદારી, નિયંત્રણ અને બદલાની ઊંડાઈમાં ઉતરે છે. શરૂઆત ધીમી છે—ઓછા સંવાદ, લાંબા મૌન અને શાંત દૃશ્યો—પણ જેમ જેમ ફિલ્મ આગળ વધે છે, તેમ તેમ તે પ્રેક્ષકના મન પર પોતાની પકડ મજબૂત કરતી જાય છે.
વાર્તા એક જાળ જેવી છે—દરેક થ્રેડ બીજાથી જોડાયેલ છે, પરંતુ તેનું પૂરું ચિત્ર તમને ત્યારે જ સમજાય છે જ્યારે ફિલ્મ પૂરી થાય છે. નોન-લિનિયર નેરેટિવ અહીં ‘સ્માર્ટ’ લાગવા માટે નથી; તે વાર્તાના સ્તરો ખોલવા માટે જરૂરી છે. દરેક ફ્લેશબેક અને નાનકડી હિન્ટ અંતે પઝલના ટુકડાની જેમ ફિટ થઈ જાય છે. અહીં કોઈ સ્પષ્ટીકરણ નથી—દર્શકને જાતે જ સત્ય સુધી પહોંચવું પડે છે.
ફિલ્મની શરૂઆત જ અજીબ અને અસ્વસ્થ છે. અહીં ઘણું બોલાતું નથી, પણ ઘણું કહેવામાં આવે છે—અને એ કહેવાનું મુખ્ય માધ્યમ છે મલાથીની આંખો. બિયાના મોમિનની આંખોમાં દુઃખ, ક્રોધ, સ્થિરતા, શાંતિ અને ક્યારેક અચાનક ઊભરી આવતી નિર્દોષતા એકસાથે રહે છે. બિયાના એવી અભિનેત્રી છે જે ચહેરાથી નહીં, આંખોથી એક્ટિંગ કરે છે. The Handmaidenમાં કિમ તાએ-હીની આંખોની ભાષા યાદ આવે એવી ઊંડાઈ બિયાના અહીં લાવે છે.
લાંબા શોટ્સ, ધીમે ફરતો કેમેરા અને ત્યાંથી જન્મતું ટેન્શન ફિલ્મનું મુખ્ય હથિયાર
સંદીપ પ્રદીપનો પીયુસ બહારથી રફ અને અસભ્ય લાગે છે, પણ અંદરથી તેની આંખોમાં એક બાળક જેવી વફાદારી અને પીડા છે. તેની બોડી લેંગ્વેજ, તેની ચાલ અને હાવભાવ એવી લાગણી આપે છે કે આ માણસ ક્યારેય શાંત થઈ શકતો નથી. તેની એક્ટિંગમાં એક રો, પ્રાઇમલ એનર્જી છે—જાણે કોઈ ડરાવનુ, પણ દુઃખી પાત્ર જીવંત થઈ ઊભું હોય.
સૌરભ સચદેવા ફિલ્મમાં સતત હાજર ન હોવા છતાં એક ઘેરું વજન ઉમેરે છે. તેમની એક નજર, ચહેરાના સ્નાયુઓની નાની હલચલથી જટિલ લાગણીઓ વ્યક્ત થાય છે. તેઓ ક્યાંય ‘ઓવર-ધ-ટોપ’ નથી જતા. એક અનુભવી એક્ટિંગ કોચ તરીકે તેઓ જાણે છે કે ક્યાં મૌન વધુ અસરકારક છે. સંદીપની રો એનર્જી અને બિયાનાની આંખો વચ્ચે સૌરભનું પાત્ર એક સંતુલન ઊભું કરે છે, જે ફિલ્મને વધુ મજબૂત બનાવે છે.
દિનજીથ અય્યાથનનું ડિરેક્શન અત્યંત રિસ્ટ્રેઇન્ડ અને પ્રિસાઇઝ છે. લાંબા શોટ્સ, ધીમે ફરતો કેમેરા અને ત્યાંથી જન્મતું ટેન્શન ફિલ્મનું મુખ્ય હથિયાર છે.
બહુલ રમેશની સિનેમેટોગ્રાફીમાં કેરળની લીલીછમ પ્રકૃતિ, વરસાદ, જંગલ, ગુફાઓ અને પ્રકાશ-અંધકારના રમતા છાયા પોતે જ એક પાત્ર બની જાય છે. ગ્રીન-બ્લુ ટોન સતત એક અજાણી અસ્વસ્થતા પેદા કરે છે.
બેકગ્રાઉન્ડ સ્કોર મિનિમલિસ્ટ
બેકગ્રાઉન્ડ સ્કોર મિનિમલિસ્ટ-Minimalist છે—ઘણીવાર માત્ર પ્રકૃતિના અવાજો, કૂતરાઓના ભસવાના અવાજ અને ક્યારેક એક નર્વસ ડ્રોન. જ્યારે સંગીત ઊભરાય છે, ત્યારે તે અત્યંત ધીમું, ડાર્ક અને ટેન્શન ભરેલું હોય છે—હાંસ ઝિમર(Hans Zimmer)ના Dune જેવા ડ્રોન-બેઝડ ટેક્સ્ચર્સ, પણ અહીં વધુ ઇન્ટિમેટ અને સાઇકોલોજિકલ અસર માટે.
Eko એક સ્લો-બર્ન થ્રિલર છે, જ્યાં ડર બતાવવામાં નથી આવતો—અનુભવવામાં આવે છે. થ્રિલર અહીં ગંતવ્ય નથી, પરંતુ એક શીલ્ડ છે. તેની અંદર એકોફેમિનિઝમ, માનવીય સત્તા અને હિંસાના સૂક્ષ્મ તંત્રો પર ઊંડો વિચાર છે.
“Sometimes protection and restriction look the same” જેવી લાઈન ફિલ્મની આત્મા બની જાય છે.
કૂતરાઓ અહીં માત્ર ભય પેદા કરવા માટે નથી, પરંતુ માનવીની અંદર દબાયેલી હિંસા અને ક્રૂરતાનું રૂપક છે. “Feeding the dogs is like claiming ownership” સંવાદ સત્તા અને આશ્રિત વચ્ચેના જટિલ સંબંધોને ઉઘાડે છે.
Eko એટલે પ્રતિધ્વનિ
Eko એટલે પ્રતિધ્વનિ—માનવી જે કરે છે, જે હિંસા વાવે છે, એ કોઈ ને કોઈ રૂપે તેની પાસે પાછી આવે છે.
દિનજીથ અય્યાથનની આ ફિલ્મ તેમની વિશિષ્ટ સિનેમેટિક શ્રેણી (Trilogy) નો ત્રીજો અને મહત્વનો ભાગ છે પણ તેને અલગથી પણ સંપૂર્ણ રીતે સમજી શકાય છે. આ અગાઉ તેમણે 'Kakshi: Amminippilla' અને 'Kishkindha Kaandam' જેવી ફિલ્મો દ્વારા પોતાની કથાશૈલીનો પરિચય આપ્યો હતો, પરંતુ Eko દ્વારા તેમણે પોતાની કળાને એક અલગ જ શિખર પર પહોંચાડી છે.
આ ફિલ્મ મલયાલમ સિનેમાની એક નવી ઊંચાઈ છે – એક એવી કૃતિ જે થ્રિલરના શીલ્ડ હેઠળ ફિલોસોફિકલ ડેપ્થ, એકોફેમિનિઝમ અને માનવીય અંધકારનું અદ્ભુત વિશ્લેષણ કરે છે.ખાસ કરીને રાત્રે, અંધારામાં, એકાંતમાં આ ફિલ્મ જોવાની કંઈક ઓર મજા આવશે. એકવાર જોયા પછી બીજી વાર જુઓ, કારણ કે આ ફિલ્મ એક વાર જોવાથી પૂરી થતી નથી, દરેક વખતે નવું કંઈક મળશે.
આ પણ વાંચો :Actor Anupam Kher ની દરિયાદીલી, ધર્મેન્દ્રને ગિફ્ટ કર્યો સ્માર્ટ ફોન


