સૈફ અલી ખાન પર જીવલેણ હુમલા બાદ અભિનેતાના ઘરે જોવા મળ્યા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક, જાણો કોણ છે તેઓ
- સૈફ અલી ખાન કેસ પર હુમલાની તપાસ કરશે દયા નાયક
- એન્કાઉન્ટર સ્પેશ્યિાલિસ્ટ તરીકે જાણીતા છે દયા નાયક
- દયા નાયક છે મુંબઈ ક્રાઈમ બ્રાંચના સિનિયર ઓફીસર
- સૈફના ઘરથી બહાર નીકળતા દેખાયા દયા નાયક
- હુમલા કેસની તપાસ ટીમનું નેતૃત્વ કરશે દયા નાયક
- અંડરવર્લ્ડ નેટવર્કને ખતમ કરવામાં મહત્વની છે ભૂમિકા
Saif Ali Khan : મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરે એક ચોંકાવનારી ઘટના બની. બુધવારે સવારે લગભગ 2:30 વાગ્યે, ઘુસણખોરોએ તેમના ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેણે સૈફ અલી ખાન (Saif Ali Khan) પર હુમલો કર્યો જેમાં તેને ઘણી ઈજાઓ થઈ. હુમલા બાદ, સૈફ અલી ખાનને બપોરે 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલમાં સૈફ હોસ્પિટલમાં છે અને તેની સર્જરી ચાલી રહી છે. તેમની પત્ની કરીના કપૂર ખાન અને બાળકો તૈમૂર અને જેહ સુરક્ષિત છે.
અભિનેતાના ઘરે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક દેખાયા
સૈફ અલી ખાન પર હુમલા બાદ તેમને સારવાર અર્થે લીલીવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યા ડોક્ટરની ખાસ ટીમ તેમની સારવાર કરી રહી છે. તેમની સર્જરી ચાલી રહી છે. તેમણે ન્યુરો સર્જરી કરાવી છે અને કોસ્મેટિક સર્જરી કરાવી રહ્યા છે. ઘટના સમયે સૈફના બંને દીકરા તૈમૂર અને જેહ ઘરમાં હાજર હતા. તે સમયે તેમની પત્ની કરીના કપૂર ખાન ઘરે નહોતી. સૈફનો પરિવાર સુરક્ષિત છે, જોકે માહિતી અનુસાર, તેની નોકરાણીને સામાન્ય ઈજાઓ થઈ છે. જણાવી દઇએ કે, મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક અને આખી ક્રાઈમ બ્રાન્ચ ટીમ હુમલાની તપાસ માટે સૈફ અલી ખાનના ઘરે પહોંચી હતી. દયા નાયકે આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
દયા નાયક કોણ છે?
દયા નાયક તેમની બહાદુરી અને એન્કાઉન્ટર રેકોર્ડ માટે પ્રખ્યાત છે. કર્ણાટકના આર્થિક રીતે નબળા પરિવારમાં જન્મેલા આ હીરોએ બાળપણમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. કન્નડ-માધ્યમ શાળામાં સાતમા ધોરણનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેઓ 1979માં મુંબઈ ગયા, જ્યાં તેમણે શરૂઆતમાં એક હોટલમાં ટેબલ ક્લીનર તરીકે કામ કર્યું. દયાની ક્ષમતાને ઓળખીને, હોટલ માલિકે તેમના શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડ્યું અને દયા સ્નાતક થઈ ગયા. અગાઉ, તે પ્લમ્બર તરીકે પણ કામ કરી ચુક્યા છે, જ્યાં તેમને ₹3,000 નો નજીવો પગાર મળતો હતો.
આ પણ વાંચો : Attack On Saif ali Khan: સૈફની કરોડરજ્જુમાંથી તુટી ગયેલો ચાકુનો ટુકડો કઢાયો, ICU માં દાખલ
જણાવી દઇએ કે, તેઓ એવા પોલીસ અધિકારીઓમાંના એક છે જેમનું નામ ઘણી વખત હેડલાઇન્સમાં આવ્યું છે. તેમને મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. 1995 બેચના દયા નાયકે ઘણા ખતરનાક ગુનેગારોને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. તેમના રેકોર્ડમાં અત્યાર સુધીમાં 80 થી વધુ એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે. હાલમાં તેઓ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચમાં કાર્યરત છે.
સૈફ અલી ખાન પર હુમલાની સંપૂર્ણ વિગત
આ ઘટના 14 જાન્યુઆરી, 2025 ના રોજ રાત્રે લગભગ 2 વાગ્યે બની હતી, જ્યારે સૈફ અલી ખાન તેના ઘરમાં આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા હુમલાખોરે તેમના ઘરમાં ઘૂસીને તેમના પર છરી વડે હુમલો કર્યો. સૈફ પર હુમલો કર્યા પછી હુમલાખોર ભાગી જવામાં સફળ રહ્યો. સૈફને તાત્કાલિક તેમના ઘરની નજીક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે સૈફની હાલત હવે સ્થિર છે અને તે ખતરાથી બહાર છે. ત્યાં હાજર પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હુમલાખોરનો ઈરાદો કદાચ લૂંટનો હતો, પરંતુ તેણે અચાનક સૈફ પર હુમલો કરી દીધો.
આ હુમલો કેમ થયો?
આ પ્રશ્ન હજુ પણ બધાના મનમાં છે કે સૈફ અલી ખાન પર હુમલો કેમ થયો. શું આ ફક્ત લૂંટનો પ્રયાસ હતો કે પછી તેની પાછળ કોઈ બીજું મોટું કારણ હતું? હાલમાં પોલીસ તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હુમલાખોરનો ઈરાદો માત્ર લૂંટનો હતો. જોકે, સૈફ અલી ખાન પર થયેલા આ હુમલા પછી, લોકોએ આ મામલાને વધુ ઊંડાણપૂર્વક જોવાનું શરૂ કર્યું છે. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના વડા દયા નાયક આ કેસ ઉકેલવા માટે કામ કરી રહ્યા છે અને એવી આશા છે કે હુમલાખોરની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ઘરમાં ઘૂસીને હુમલો