Film Aandhi :સેલ્યુલોઇડ પર કંડારાયેલ કવિતા-2
Film Aandhi વિષે એક ભાગમાં વાત કરવી શક્ય નથી. આ બીજા ભાગમાં જોઈશું તેનાં દિગ્દર્શન, પટકથા, અભિનય, સંગીત, ચિત્રાંકન - જેવાં કળાકીય પાસાંઓ વિષે!
લાઘવ, ગહનતા અને પરોક્ષતા હંમેશાં ગુલઝારની કલમનાં અમોઘ શસ્ત્રો રહ્યાં છે. માનવ સંબંધો તેમની કથાઓમાં ધબકતા અનુભવાય છે. ઉપરછલ્લી નજર નાંખતાં 'આંધી' રાજકારણકેન્દ્રિત ફિલ્મ લાગે છે ; પરંતુ વાસ્તવમાં તે સંબંધો, સંવેદનાની કથા છે. નાયક-નાયિકા મળ્યા, બંને વચ્ચે પ્રેમ પાંગર્યો, તે પરિણયમાં પરિણમ્યો, અમુક મુદ્દે મતભેદ થતાં બંને વેગળા રસ્તે ચાલી નીકળ્યા. એક તબક્કે તેઓ આકસ્મિક રીતે પાછા મળ્યા. આવી સરળ કથા! પણ 'ગુલઝાર' નામના પારસ નો સ્પર્શ થતાં તે સોનાની જેમ ઝગમગી ઊઠી.
અભિવ્યક્તિનું પણ એક જુદું, વિસ્તૃત આકાશ
ભૂતકાળ અને વર્તમાનની વળાંકદાર કેડીઓ પર ગુલઝાર ફિલ્મને દોરી જાય છે. બંને સમયગાળાના દ્રશ્યોના તંતુ જોડવામાં પણ ગુલઝારની આગવી મહારત છે. નરી આંખે ન દેખાતી કે વણકહી લાગણીઓને તેઓ અચૂક પકડે છે. કેટલીક હળવી ક્ષણો, કેટલીક બોઝલ તો કેટલીક વેદનાસભર - એવી અનેકરંગી ક્ષણો તેમણે હળવેકથી ઝીલી છે. સંવેદનાની જેમ જ, તેઓની અભિવ્યક્તિનું પણ એક જુદું, વિસ્તૃત આકાશ છે.
સમય અને અંતરની ખાઈથી લાગણીઓમાં ઓટ ન આવે, એવા સંવાદ એકાધિક સ્થળે ગુલઝાર મૂકે છે. છુટા પડીને વર્ષો વહી ગયાં પછી પણ નાયિકા સાથેના સંબંધ વિષે નાયક કહે છે : "રિશ્તા, પતા નહીં, કહાં સે ટૂટા હૈ, ઔર કહાં સે જુડા હૈ અબ તક!"
વર્ષોના પછી પહેલીવાર બંને મળે છે, એ ભારેલા (loaded) દ્રશ્યમાં કોઈ નાટકીયતા નથી. બંનેને મુખે ગુલઝારે તોળી - જોખીને સંવાદ મુક્યા છે. પુરુષપ્રધાન અને misogynist સમાજમાં એક અત્યંત મહાત્ત્વાકાંક્ષી યુવતી રાજકારણમાં પોતાની કારકિર્દી અને સમાજસેવા ખાતર પોતાના પારિવારિક જીવનનું બલિદાન આપ્યા બાદ કેવા કાંટાળા તાજ સાથે જીવે છે, એ સુચિત્રા સેન અતિશય ઉત્કટ અને સમર્થ અભિનય દ્વારા વ્યક્ત કરે છે. તો બીજી બાજુ, પત્ની સાથે મતભેદ હોવાં છતાં, છેવટે તેની સાથે પાષાણની જેમ અડગ ઊભા રહેતા સંજીવકુમારનો સંયમિત, ગહન અભિનય, બેશક, બેમિસાલ છે.
ભાવનાત્મક સંઘર્ષ
ક્ષણભરની કટૂતા લાંબા વિરહમાં પરિણમે છે. પણ એ કટૂતા તે જ સ્થળે થીજી જાય છે ; આગળ વધતી નથી. નાયિકા સાથે પોતે વિતાવેલા સમયને યાદ કરતાં સંજીવકુમારના ચહેરા પર ઝળકી જતું ઝીણું સ્મિત દર્શાવી જાય છે, કે તેના મનમાં કોઈ કડવાશ નથી. એ જ લાગણીનો પડઘો નાયિકાની અભિવ્યક્તિમાં પણ પડે છે. લાંબા વિરહ બાદ એકમેક સાથે વધુમાં વધુ સમય સાથે ગાળવા રોજ ખંડેરમાં જવાની વાત કરીને સંજીવકુમાર કહે છે : "કમ સે કમ યહ ઈમારત કુછ દિનોં કે લિયે તો બસ જાયેગી!" ન પાસે આવી શકતા કે ન દૂર જઈ શકતા નાયક નાયિકાનો ભાવનાત્મક સંઘર્ષ ગુલઝારે ખૂબ પ્રભાવક રીતે દર્શાવ્યો છે.
હળવી સુખદ ક્ષણોના દિગ્દર્શનમાં ગુલઝારનો હાથ ભાગ્યે જ કોઈ ઝાલી શકે. સંજીવકુમારને સવારે ઊંઘમાંથી જગાડવા તેનો હાથ ગરમ ચ્હામાં બોળવો, "જબ મૈં બારહ સાલ કા થા..." નું પુનરાવર્તન - જેવા હળવા પ્રસંગો અને સંવાદોમાં ગુલઝારની અભિજાત રમુજવૃતિ સોળે કલાએ ખીલે છે. 'ગુડ્ડી', ' બાવર્ચી', 'ચુપકે ચુપકે', 'ખૂબસુરત' જેવી ગુલઝારના કથા તથા સંવાદો ધરાવતી ફિલ્મોમાં પણ આ પાસું ધ્યાનાર્હ બની રહે છે.
સુચિત્રા સેન 'મહાનાયિકા'
સુચિત્રા સેન, અગાઉ ઉલ્લેખ થયો છે એમ, બંગાળનાં 'મહાનાયિકા' કહેવાતાં. એ વાસ્તવિકતા પર 'આંધી' મહોર મારે છે. 'દેવદાસ' (૧૯૫૫), 'મુસાફિર' (૧૯૫૭), 'સરહદ' (૧૯૬૦), 'બમ્બઇ કા બાબુ' (૧૯૬૦), 'મમતા' (૧૯૬૬) જેવી માતબર હિન્દી ફિલ્મોમાં બેજોડ અભિનયનું પ્રદર્શન કર્યા બાદ લગભગ દાયકાની ગેરહાજરી પછી તેઓએ Film Aandhi દ્વારા હિન્દી પરદે ફરી હાજરી નોંધાવી.
ગુલઝારે જિતેન્દ્ર, વિનોદ ખન્ના, હેમા માલિની, સુનિલ શેટ્ટી જેવા સ્ટાર પાસે પણ સારો અભિનય કરાવ્યો છે. અહીં તો સુચિત્રા સેન અને સંજીવકુમાર જેવા બે ધૂરંધરો હતા. તેમની પ્રતિભાને ગુલઝારે પૂરેપૂરો ન્યાય આપ્યો ; તો સામે પક્ષે, ઉભય કલાકારોએ પણ ગુલઝારના દિગ્દર્શનને એટલી જ નિષ્ઠાથી, એટલો જ ન્યાય આપ્યો.
Film Aandhi માં અનેક સ્થળે શબ્દોનું કામ ફક્ત ચહેરાના હાવભાવ વડે લેવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે : 'તેરે બિના ઝિંદગી સે કોઈ..." ગીત દરમિયાન સંજીવકુમાર સુચિત્રા સેનને પોતાનો કોટ ઓઢાડે છે. કોઈ સંવાદ નથી. પણ બંનેના હાવભાવ ઘણું બધું વણકહ્યું કહી જાય છે. સંગીતનો ફાળો તો કેમ ભુલાય ?
"ઈસ મોડ સે જાતે હૈં,
કુછ સુસ્ત કદમ રસ્તે, કુછ તેઝ કદમ રાહેં!
પત્થર કી હવેલી કો, શીશે કે ઘરોંદોં સે,
તિનકોં કે નશેમન તક ઈસ મોડ સે જાતે હૈં....
ગીત વાંચીને સદાય અથરા, ઉતાવળા રહેતા રાહુલ દેવે ગુલઝારને પુછ્યું : " યાર, યે 'નશેમન' કિસ શહેર કા નામ હૈ ??