જ્યારે 'મુઘલ-એ-આઝમ' ની યાદ તાજી થઈ... ભારતીય સિનેમાના ઇતિહાસના પાનાં પલટાવીએ તો ભવ્યતાનો પર્યાય એટલે 'મુઘલ-એ-આઝમ'. આ ફિલ્મના અમર ગીત "પ્યાર કિયા તો ડરના ક્યા" માટે બનાવવામાં આવેલો 'શીશ મહેલ'નો સેટ આજે પણ એક અજાયબી છે. એ જમાનામાં આ કલ્ટ ગીત પાછળ પાણીની જેમ પૈસા વહાવવામાં આવ્યા હતા અને તેણે એક એવો ઇતિહાસ રચ્યો જેની બરાબરી કરવી અશક્ય લાગતી હતી. પરંતુ, આજના જમાનામાં આ ઐતિહાસિક ભવ્યતાને ફરી પડદા પર જીવંત કરવાનું બીડું જો કોઈએ ઝડપ્યું હોય, તો તે છે સંજય લીલા ભણસાલી(Sanjay Leela Bhansali).
Film Padmaavat : માત્ર એક ગીત પાછળ ૧૨ કરોડનો ખર્ચ?
જી હા, વાત છે ફિલ્મ 'પદ્માવત' ના સુપ્રસિદ્ધ ગીત 'ઘૂમર' (Ghoomar) ની. આ માત્ર એક ગીત નહોતું, પરંતુ રજવાડી વૈભવ અને રાજપૂતાના શાનનું એક વિરાટ પ્રદર્શન હતું.
બજેટ અને ભવ્યતા: આ ગીતનું બજેટ અધધ... 12 કરોડ રૂપિયા હતું.
સોનાનો શણગાર: સેટની રજવાડી ઝળહળાટ માટે પૂરા 400 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શૂટિંગ લોકેશન: આ આખા ગીતને રાજસ્થાનના અડીખમ અને ઐતિહાસિક 'જયગઢ કિલ્લા'માં ફિલ્માવવામાં આવ્યું હતું.
૩૦ કિલોનો લહેંગો અને દીપિકાના 60 ચક્કર
પડદા પર અત્યંત સહજતાથી નૃત્ય કરતી દીપિકા પાદુકોણની અદાઓ પાછળ અથાંગ મહેનત છુપાયેલી હતી.
પ્રખ્યાત ડિઝાઇનર રિમ્પલ નરુલાએ તૈયાર કરેલા આ શાહી લહેંગાનું વજન ૩૦ કિલો હતું અને તેની કિંમત ૩૦ લાખ રૂપિયા હતી!
આટલા ભારેખમ વસ્ત્રો અને ઘરેણાં પહેરીને દીપિકાએ ગીતમાં 60 કરતાં પણ વધુ વખત ગોળ ચક્કર (Twirls) લગાવ્યા હતા, જે કોઈ સામાન્ય અભિનેત્રી માટે લોઢાના ચણા ચાવવા સમાન છે.
વિવાદોની આંધી અને 'ઘૂમર 2.0' નો જન્મ
ભવ્યતા હંમેશાં સરળતાથી સ્વીકારાતી નથી. ગીત રિલીઝ થતાં જ 'કરણી સેના'એ ભારે વિરોધ નોંધાવ્યો. તેમનો તર્ક હતો કે:
રાજપૂત મહારાણીઓ ક્યારેય આ રીતે અન્ય પુરુષો સામે કે જાહેરમાં નૃત્ય કરતી નહોતી.
ગીતમાં દીપિકાના પહેરવેશમાં પેટનો ભાગ દેખાતો હતો, જે ઇતિહાસ સાથે ચેડાં સમાન ગણાવાયું.
વિવાદ એટલો વકર્યો કે છેવટે મેકર્સે ઝૂકવું પડ્યું. દીપિકાના પોશાકને ગ્રાફિક્સ (VFX) ની મદદથી કવર કરવામાં આવ્યો અને ગીતને 'ઘૂમર ૨.૦' તરીકે ફરી રજૂ કરવામાં આવ્યું.
વિરોધ છતાં વ્યુઝનો વરસાદ વિવાદો ભલે થયા, પરંતુ કળાને કોઈ સીમાડા નડી શકે નહીં. રિલીઝ થયા પછી આ ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી. આજે યુટ્યુબ પર તેને ૨૫૩ મિલિયન (૨૫ કરોડથી વધુ) વ્યુઝ મળી ચૂક્યા છે.
શાહિદ કપૂર (મહારાવલ રતન સિંહ) અને રણવીર સિંહ (અલાઉદ્દીન ખિલજી) જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મે સાબિત કરી દીધું કે, ભણસાલીના સેટ પર જ્યારે કરોડો રૂપિયા ખર્ચાય છે, ત્યારે 'મુઘલ-એ-આઝમ' જેવો જ કોઈ નવો 'કલ્ટ' ઇતિહાસ રચાય છે.
આ પણ વાંચો : Dhurandhar માટે રણવીર સિંહને મળવો જોઈએ નેશનલ એવોર્ડ! મધુર ભંડારકરે કર્યો મોટો દાવો