Film Promotion-હીરા મુખ સે ન કહે લાખ ટકા મેરા મોલ
Film Promotion. માર્કેટિંગના આ જમાનામાં જ્યારે પથ્થરો પણ પોતાને ડાયમન્ડમાં ખપાવીને હાઈપ ઊભો કરતા હોય ત્યારે શું હીરાએ પણ હવે પોતાનો મોલ પોતાના જ મોઢે બોલવાની નોબત આવી ગઈ છે?
અત્યારે કેવું બની રહ્યું છે કે દસ પિક્ચરોનું પ્રમોશન થતું હોય તો આ દસમાંની નવ ફિલ્મો તો પ્રમોશનને શું, પ્રોડક્શનને જ લાયક ન હોય. જે ડિઝર્વિંગ એક ફિલ્મ હોય તે જો પોતાને પ્રમોટ નહીં કરે તો પાછળ રહી જશે એવી ઈન્સિક્યુરિટી હોય એટલે એણે પણ આ બૅન્ડવેગનમાં જોડાઈ જવું પડે.
વર્ડ ઑફ માઉથ-ફિલ્મ પ્રમોશનનો ગુરુ મંત્ર
ફિલ્મ કે કોઈ પણ પ્રોડક્ટ બજારમાં આવી રહી છે કે આવી ગઈ છે એની માહિતી લોકો સુધી પહોંચાડવી એક વાત છે. અને એ ફિલ્મ કે પ્રોડક્ટને ધક્કા મારીને, પુશ કરીને, એવું માર્કેટિંગ કરવું કે Film Promotion દ્વારા એની આસપાસ હાઈ્પ ઊભો કરવો એ બીજી વાત છે. લોકો સુધી માહિતી પહોંચાડ્યા પછી જો એ પ્રોડક્ટ ડિઝર્વિંગ હશે તો આપોઆપ એના વિશે વર્ડ ઑફ માઉથ ફેલાવવાનો જ છે. ગયા વર્ષે ત્રણેક સાવ ફાલતુ પણ મોટા ગજાના પ્રોડક્શન હાઉસની ફિલ્મોનું પ્રમોશન કેટલા મોટા પાયે થયું હતું ? કેટલો મોટો હાઈ્પ આ ફિલ્મો માટે સર્જવામાં આવ્યો હતો તેની સૌને ખબર છે.
માર્કેટિંગ નિષ્ણાત હાઈ્પ ઊભો કરવા માટે ગતકડાં તો કરવાના
નાના પાટેકરવાળી મરાઠી ફિલ્મ ‘નટસમ્રાટ’ની રિલીઝ વિશે માત્ર માહિતી જ રિલીઝ કરવામાં આવી હતી, એનાં ટ્રેલર્સ વગેરે દ્વારા. એ ફિલ્મ માટે એવું કોઈ તોતિંગ માર્કેટિંગ બજેટ કે એવી કોઈ Film Promotion કે લાંબીચૌડી માર્કેટિંગ સ્ટ્રેટેજિ નહોતાં. પણ પ્રેક્ષકોને ઉત્કંઠા હતી. નાના જેવા ગજાદાર અભિનેતા જેમાં હોય એના માટે સૌને ઉત્કંઠા હતી. અને આ ઉત્કંઠા સંતોષવા માટે ફિલ્મ વિશેની થોડીક માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી.
ફિલ્મ રિલીઝ થયા પછી એની વર્ડ ઑફ માઉથ પબ્લિસિટી એવી થઈ, એવી થઈ કે કોઈ પણ માર્કેટિંગ નિષ્ણાતે હાઈ્પ ઊભો કરવા માટેની સ્ટ્રેટેજિ પણ એની સામે ભૂ પીએ.
આવું જ આજકાલ ‘સી’ ગ્રેડ ગુજરાતી ફિલ્મોની અને ‘ડી’ ગ્રેડ પુસ્તકોની માર્કેટમાં થતું હોય છે.
હીરા મુખ સે ન કહે લાખ ટકા મેરા મોલ
આજના માર્કેટિંગના જમાનામાં પણ કબીરનો આ દોહો સો ટકા રિલેવન્ટ છે એવું લાગી રહ્યું છે: બડે બડાઈ ન કરે, બડે ન બોલે બોલ; હીરા મુખ સે ન કહે લાખ ટકા મેરા મોલ.
એક વખત પંડિત જસરાજે માર્કેટિંગનાં હથકાંડાની પોલ ખોલેલી.
પંડિત જસરાજ ૯૦ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા હતા. છેક ૧૯૪૫થી કંઠ્ય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે તપશ્ર્ચર્યા કરી. એ જે સ્ટેજ પર પહોંચ્યા ત્યાં સુધી પહોંચીને બીજું કોઈ હોત તો ક્યારનું છકી ગયું હોત. પણ અવસાનના ૪ વર્ષ પહેલાં એક સંગીત સમારંભમાં પંડિતજીએ કહેલું કે : ‘એ ક્યારેય ખબર પડવી ન જોઈએ કે તમે શું છો. મારી આ વાત બધાએ ધ્યાનથી સમજવી જોઈએ, જો આગળ આવવું હોય અને ઊંચાઈ જોવી હોય તો… આ મારો જાત અનુભવ છે અને એ જ અનુભવ મેં બીજી અનેક વિભૂતિઓમાં જોયો છે. એ ક્યારેય ખબર ન પડવી જોઈએ કે કલાના ક્ષેત્રમાં તમે શું છો અને કઈ ઊંચાઈ પર છો.’
જસરાજજી કહેલું કે, ‘કલાનું જ્ઞાન મેળવવું હોય તો એની કોઈ ઉંમર નથી અને એની કોઈ મર્યાદા નથી. આજે પણ મને કોઈ વધુ સારું શીખવી જાય એવું બની શકે અને એવું પણ બને કે આજે પણ મને કંઈ ન આવડતું હોય. ન આવડે એ વાતને શીખવાનો પ્રયત્ન નમ્રતાપૂર્વક કરવો જોઈએ અને વધુ સારું શીખવા મળે તો એ સ્વીકારવાની તૈયારી પણ વાજબી રીતે રાખવી જોઈએ.’
પંડિત જસરાજે આ બે વાત તો સો ટચના સોના જેવી કહી કે:
૧. તમે શું છો, કઈ ઊંચાઈએ કામ કરી રહ્યા છો, ક્યાં પહોંચ્યા છો, ક્યાં પહોંચી શકો એમ છો એની ખબર કોઈને ન પડવી જોઈએ.
૨. સતત નવું નવું શીખવું જોઈએ, પોતાના અજ્ઞાન પ્રત્યે સભાન રહેવું જોઈએ.
પણ આવું ક્યારે શક્ય બને? એનો ઈલાજ પણ એમની પાસે છે:
માટે જ કોઈનાં વખાણ સાંભળવાં નહીં. (અર્થાત્ કોઈએ કરેલાં આપણાં વખાણ સાંભળવા નહીં). આ નિયમથી ઘમંડ નથી આવતો. આ નિયમ મનમાં મોટાઈ સર્જાતાં રોકે છે.’
પ્રશંસા કે વખાણ કોને ન ગમે?
પંડિત જસરાજની આ વાત બધાને ગળે નહીં ઉતરે. પણ ધીમે ધીમે જેમ સમજાતી જશે એમ એનું મહત્ત્વ જિંદગીમાં કેટલું મોટું છે એનો ખ્યાલ આવતો જશે. પ્રશંસા કે વખાણ કોને ન ગમે. કલાકાર તો તાળીઓનો તરસ્યો હોવાનો. પણ આ તાળીઓ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાની. એની ગૂંજ જો તમને તમારા અભ્યાસ દરમિયાન, રિયાઝ દરમિયાન, રિસર્ચ દરમિયાન સંભળાતી રહેશે તો તમે તાળીઓ ઉઘરાવવા માટેનું જ સર્જન કરતા રહેશો અને ક્યારેય એ ઊંચાઈએ નહીં પહોંચો જે ઊંચાઈએ કળાના સાચા સાધકો પહોંચ્યા છે.
તાળીઓ તવાયફ્ના કોઠા પર ઉછાળવામાં આવતી નોટો
એક નાનકડો દાખલો- રજનીશજી કે જે. કૃષ્ણમૂર્તિનાં પ્રવચનોનાં રેકૉર્ડિંગ્સ જેમણે સતત સાંભળ્યાં છે એમને ખ્યાલ હશે કે એમના પ્રવચનો દરમિયાન શ્રોતાઓ ક્યારેય વારંવાર તાળીઓ પાડતા નથી. ઈવન ઘણી વખત તો પ્રવચન પૂરું થયા પછી પણ નહીં. હા, કોઈ રમૂજ આવી તો હસી લે. પણ બાકી શાંતચિત્તે મન ભરીને એમની વાતોને પોણો કલાક, એક કલાક સુધી સાંભળ્યા કરે અને હૃદયમાં ઉતારી લે.
આજકાલના સ્ટેન્ડઅપ તત્વચિંતકો ઉર્ફે મોટિવેશનલ સ્પીકરોને સાંભળીને ક્યારેક લાગે કે તાળીઓ તવાયફ્ના કોઠા પર ઉછાળવામાં આવતી નોટો છે.