Geet Goshti : 'ખુમારી' થી 'ખાનદાની' સુધીની એક અનોખી સફર- ગીતકાર શૈલેન્દ્ર
Geet Goshti : ભારતીય સિનેમાના ઇતિહાસમાં જો કોઈ જોડીએ સંગીત અને શબ્દો દ્વારા સામાન્ય માણસના હૃદયને સ્પર્શ કર્યો હોય, તો તે રાજ કપૂર અને ગીતકાર શૈલેન્દ્રની જોડી છે. તેમની મિત્રતા પાછળના કિસ્સાઓ આજે પણ એટલા જ જીવંત છે.
મૂંબઈમાં માટુંગા રેલ્વે યાર્ડમાં રેલવેમાં એપ્રેન્ટિસ તરીકે કામ કરતા શૈલેન્દ્રજી જ્યારે પ્રગ્રેસિવ રાઈટર્સ એસોસિએશનમાં પોતાની કવિતા "જલતા હૈ પંજાબ" વાંચતા હતા, ત્યારે ત્યાં હાજર યુવાન રાજ કપૂર તેમના શબ્દોની તાકાત પારખી ગયા હતા. રાજ કપૂરે જ્યારે તેમની ફિલ્મ 'આગ' માટે તે કવિતા માંગી, ત્યારે શૈલેન્દ્રએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ એ સમય હતો જ્યારે એક કવિનું સ્વાભિમાન તેની ગરીબી કરતા મોટું હતું.
Geet Goshti : પાંચસો રૂપિયાની ઉધારી અને અતૂટ વિશ્વાસ
જ્યારે શૈલેન્દ્રજીને આર્થિક મુશ્કેલી પડી અને તેઓ રાજ કપૂર પાસે મદદ માંગવા ગયા, ત્યારે રાજ કપૂરે કોઈ પણ આનાકાની વગર ₹ 500 ની વ્યવસ્થા કરી આપી.
પૈસાની સગવડ થઈ તો રાજકપુરે આપેલા 500 રૂપિયા પરત આપવા ગયા.
"કવિરાજ, હું પૈસાની ધીરધાર કરનારો નથી.ફરજ હતી તો નિભાવી."
શૈલેન્દ્રના આગ્રહ છ્તાં રાજસાહેબે પૈસા ન જ લીધા.
થોડા મહિના પછી એમણે જાણ્યું કે રાજકપુર ફિલ્મ 'બારસાત' બનાવે છે. ફિલ્મની થીમ તો એ જાણતા નહોતા તો ય એક ગીત લખ્યું અને રાજકપૂરને આપી આવ્યા. દીકરીની નોટબુકના પાના પર લખેલી કવિતા રાજકપૂરે લીધી અને ખાનામાં મૂકી અને ચા પીવડાવી શૈલેન્દ્રને રવાના કર્યા.
ફિલ્મ બારસાતનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયેલું. શૈલેન્દ્રના ગયા પછી શંકર અને જયકિશન આવ્યા તો પેલું ગીત યાદ આવ્યું .એ એમને વાંચવા આપ્યું.થોડી વારમાં તો એ બે ય 'તાક ધીના ધીન..' કરવા લાગ્યા અને એ ગીત તાબડતોબ રેકોર્ડ કરાયું અને સ્ટુડિયોમાં સેટ ઊભો કરી ફિલમાવી દીધું અને એના Rushes જોવા શૈલેન્દ્રને બોલાવ્યા. બસ, એ ઘડીથી શૈલેન્દ્ર આર.કે.ફિલ્મસનું અવિભાજ્ય અંગ બની ગયા-
એ ગીત હતું-
"બરસાત મેં હમસે મિલે તુમ સજન..." (જે ભારતીય સિનેમાનું પ્રથમ ટાઈટલ સોન્ગ માનવામાં આવે છે)
Geet Goshti : "કિસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર..."
આ ગીત માત્ર એક ફિલ્મી ગીત નથી, પણ શૈલેન્દ્રની કલમમાંથી નીકળેલી જીવન જીવવાની એક આખી ફિલોસોફી છે.
શૈલેન્દ્ર પોતે રેલવેમાં સામાન્ય નોકરી કરતા અને ગરીબી જોઈ હતી, જ્યારે રાજ કપૂર 'ચાર્લી ચેપ્લિન' જેવું પાત્ર ભજવી રહ્યા હતા જે ગરીબ હોવા છતાં દિલનો અમીર હતો.
"કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર, જીના ઇસી કા નામ હૈ..."
સાચું જીવન એ જ છે જેમાં તમે બીજા માટે જીવો છો. જો તમારી પાસે કોઈને આપવા માટે પૈસા ન હોય, તો તમારી એક મુસ્કાન કે સહાનુભૂતિ પણ પૂરતી છે.
"માના અપની જેબ સે ફકીર હૈં, ફિર ભી યારો દિલ કે હમ અમીર હૈં..."
બોલિવુડમાં શૈલેન્દ્ર પ્રથમ ગીતકાર હતો જે વાર્તાને અને સમાજના છેવાડાના માનવીની વ્યથા વ્યક્ત ગીતમાં કહી દેતો હતો. આ પંક્તિ શૈલેન્દ્ર અને રાજ કપૂર બંનેના વાસ્તવિક જીવનને પણ લાગુ પડે છે. શૈલેન્દ્રએ ક્યારેય પૈસા પાછળ ભાગ્યા વગર પોતાના સ્વાભિમાનને જાળવી રાખ્યું હતું.
કહેવાય છે કે જ્યારે શૈલેન્દ્ર આ ગીત લખી રહ્યા હતા, ત્યારે રાજ કપૂર તેને સાંભળીને એટલા ભાવુક થઈ ગયા હતા કે તેમણે શૈલેન્દ્રને ગળે લગાવી લીધા હતા. રાજ કપૂર હંમેશા કહેતા કે, "શૈલેન્દ્ર મારા 'પુષ્કિન' (રશિયન કવિ) છે." રાજ કપૂર માનતા હતા કે જે વાત તેઓ હજારો ફૂટ ફિલ્મ શૂટ કરીને નહોતા કહી શકતા, તે શૈલેન્દ્ર માત્ર ચાર લીટીમાં કહી દેતા. આ ગીતની લોકપ્રિયતા એવી હતી કે રશિયામાં પણ લોકો આના શબ્દો મોઢે ગાતા હતા.
બીજો એક ખાસ કિસ્સો: "મેરા જૂતા હૈ જાપાની..."
આ ગીત દ્વારા શૈલેન્દ્રએ આઝાદ ભારતની નવી ઓળખ આપી હતી. ભલે કપડાં પરદેશી હોય, પણ "દિલ હૈ હિન્દુસ્તાની" કહીને તેમણે કરોડો ભારતીયોના આત્મસન્માનને જગાડ્યું હતું.
રાજ કપૂર અને શૈલેન્દ્ર વચ્ચે એક એવો માનસિક નાતો હતો કે રાજ કપૂર માત્ર સીન સમજાવતા અને શૈલેન્દ્રના મનમાં શબ્દો આપોઆપ આવી જતા. આ ગીતો આજે પણ આપણને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલી હોય, પણ ચહેરા પર સ્મિત અને દિલમાં માનવતા હોવી જોઈએ.
હિન્દી સિનેમાને આપેલો અમૂલ્ય ફાળો
આ જોડીએ હિન્દી ફિલ્મોને જે આપ્યું છે તે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. શૈલેન્દ્રના સરળ છતાં ઊંડા અર્થવાળા શબ્દો અને રાજ કપૂરની વિઝ્યુઅલ માસ્ટરીએ મળીને અનેક માઇલસ્ટોન સર્જ્યા.
સામાજિક ચેતના: 'આવારા', 'શ્રી 420' અને 'જાગતે રહો' જેવી ફિલ્મો દ્વારા તેમણે સામાન્ય માણસની પીડા અને આશાને વાચા આપી.
કાળજયી ગીતો: "મેરા જૂતા હૈ જાપાની", "દમ ભર જો ઉધર મુહ ફેરે", અને "કિસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર" જેવા ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે.
અતૂટ સાથ: 1949 થી 1970 સુધી, 'મેરા નામ જોકર' સુધી શૈલેન્દ્રજીએ રાજ કપૂર સાથે માત્ર ₹ 500 ના માસિક પગાર પર કામ કર્યું, જે તેમની વચ્ચેના અતૂટ પ્રેમ અને નિષ્ઠાનું પ્રતીક છે.
'તીસરી કસમ': એક કવિનું ફિલ્મ નિર્માણનું સ્વપ્ન અને અંતિમ વિદાય
રાજ કપૂર અને શૈલેન્દ્રની અતૂટ મૈત્રીનું સૌથી ભાવુક પ્રકરણ એટલે ફિલ્મ 'તીસરી કસમ' (1966). એક ગીતકાર તરીકે સફળતાના શિખરે પહોંચેલા શૈલેન્દ્રએ જ્યારે ફણીશ્વરનાથ રેણુની વાર્તા 'મારે ગયે ગુલફામ' પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, ત્યારે તેમનો ઉદ્દેશ્ય પૈસા કમાવવાનો નહીં પણ સાહિત્યિક મૂલ્યો ધરાવતી શ્રેષ્ઠ ફિલ્મ બનાવવાનો હતો.
જ્યારે શૈલેન્દ્રએ આ ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે રાજ કપૂરે માત્ર એક રૂપિયાની સાંકેતિક ફી લઈને તેમાં કામ કરવાનું સ્વીકાર્યું હતું.
ફિલ્મનું નિર્માણ લાંબુ ચાલ્યું અને શૈલેન્દ્રજી આર્થિક તેમજ માનસિક દબાણ હેઠળ આવી ગયા. જે દુનિયાદારી અને વ્યવહારિકતાથી તેઓ હંમેશા દૂર ભાગતા હતા, ફિલ્મ નિર્માતા તરીકે એ જ મુશ્કેલીઓએ તેમને ઘેરી લીધા.
ફિલ્મ રજૂ થાય તે પહેલાં જ, માત્ર 43 વર્ષની વયે, 14 ડિસેમ્બર 1966ના રોજ શૈલેન્દ્રજીએ આ ફાની દુનિયાને વિદાય આપી. યોગાનુયોગ એ જ દિવસે તેમના મિત્ર રાજ કપૂરનો જન્મદિવસ હતો.
'તીસરી કસમ'ને ભારત સરકારનો સર્વોચ્ચ 'રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર' (સુવર્ણ કમળ) મળ્યો, પણ આ સફળતા જોવા માટે તેના સર્જક શૈલેન્દ્ર હયાત નહોતા.
આ પણ વાંચો: Geet Goshti : સંગીતની દુનિયાના 'અનભિષિક્ત સમ્રાટ'-કલ્યાણજી-આણંદજી


