ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gulzar - 'કિનારા' (૧૯૭૭): સ્વયં સાથેના ગજગ્રાહની વધુ એક હૃદયસ્પર્શી કથા

નાજુક સંબંધોની સંકુલતા આટલા સહજપણે અભિવ્યક્ત કરતા ગુલઝાર
11:42 AM Dec 24, 2024 IST | Kanu Jani
નાજુક સંબંધોની સંકુલતા આટલા સહજપણે અભિવ્યક્ત કરતા ગુલઝાર

Gulzar સ્વયં સાથેના ગજગ્રાહની વધુ એક હૃદયસ્પર્શી કથા લઈ 1977માં ફિલ્મ  'કિનારા' લઈને આવ્યા. ગુલઝાર એમની ફિલ્મમાં માનવમનનું આંતરદ્વંદ અદભૂત રીતે કંડારે છે અને એનાં કારણે ય આજે ય ગુલઝાર નો એક ખાસ પ્રશંસક વર્ગ છે. 

મૃત પ્રિયજન ચંદન (ધર્મેન્દ્ર) અને વર્તમાનમાં તેને પ્રેમ કરતા, તેને માટે બધું કરી છૂટવા તત્પર એવા યુવાન ઈન્દર (જિતેન્દ્ર)ની લાગણીઓ વચ્ચે તીવ્ર દુવિધા અનુભવતી શાસ્ત્રીય નૃત્યાંગના આરતી (હેમા માલીની)ની આસપાસ કથા વણાયેલી છે.

ઘટના અને ભાવનાઓના સમાંતર વળાંકો

અહીં સંવેદનાના તાણાવાળા અત્યંત જટિલ રીતે ગૂંચવાયેલા જોવા મળે છે. ચંદનનું એક ગોઝારા માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં આરતી ભારે વેદના અને એકલતા અનુભવે છે. આરતી અને ઈન્દર એકમેકના પરિચયમાં આવે છે. ઈન્દર તેને હૈયું દઈ બેસે છે, પણ આરતી ચંદનને ભૂલી નથી શકતી. સમય જતાં ઈન્દરને જાણ થાય છે કે જે માર્ગ અકસ્માતમાં ચંદનનું મૃત્યુ થયું હતું, તે અકસ્માત માટે જવાબદાર એ સ્વયં હતો. એ વાત તે આરતીથી છુપાવી નથી શકતો. આરતી હકીકત જીરવી નથી શકતી. બેભાન થઈને તે દાદરા પરથી ગબડતી નીચે પડે છે અને દૃષ્ટિ ખોઈ બેસે છે. તે ઈન્દરને ધિક્કારવા માંડે છે. આમ ઘટના અને ભાવનાઓના સમાંતર વળાંકો સાથે કથા આગળ વધે છે.

સંવાદો ઓછા, આંખોમાં વેદના વધુ મૂકે એ ગુલઝાર

ઈન્દરનું પાત્ર ગુલઝારે ખૂબ લાક્ષણિક ઢબે વિક્સાવ્યું છે. તેના શાસ્ત્રીય સંગીત પ્રત્યેના તીવ્ર અણગમા સાથે આરંભ થતી ફિલ્મમાં, અંધત્ત્વ ભોગવી રહેલી આરતી ફરી પાછું નૃત્ય શરૂ કરી શકે તે માટે શાસ્ત્રીય સંગીત તે શીખે છે. અજાણતાં જ પોતાનાથી થયેલા અકસ્માત અને પછીથી પસ્તાવો તેમ જ પોતે કરેલા અપરાધ અને ભૂલને સુધારવાની પ્રક્રિયાના ઉતારચઢાવમાંથી પસાર થતું ઈન્દરનું પાત્ર જેટલું જટિલ છે, તેટલું જ પ્રત્યાયક (convincing) છે.

આરતીની વેદના તો ઘેરી છે જ, પણ પ્રેક્ષકો જેના પ્રત્યે વધુ સહાનુભૂતિ અનુભવે છે, તે છે ઈન્દરનું પાત્ર ! તેની પીડા એવી છે, કે એક પાપનું પ્રાયશ્ચિત કરવા જતાં તે બીજા પાપમાં પડે છે. બંને અકસ્માતો માટે તે પોતાને જવાબદાર સમજીને અપરાધભાવ અનુભવે છે. આ ફિલ્મમાં પણ Gulzar એ  તેના મુખમાં સંવાદો ઓછા, આંખોમાં વેદના વધુ મૂકી છે.

પ્રગતિશીલ, આધુનિક અને સકારાત્મક વિચારો

શ્રીરામ લાગુ ઈન્દરના કાકાનું પાત્ર ભજવે છે. તેઓ ઈન્દર માટે એક ધરખમ,  બળકટ અને ભરોસાપાત્ર આધારસ્તંભ બની રહે છે. એક પક્ષે તેઓના મુખે સૂક્ષ્મ રમૂજસભર સંવાદ ગુલઝારે મૂક્યા છે ; તો બીજી તરફ ગહન અને અર્થપૂર્ણ સંવાદો પણ મુક્યા છે. ગુલઝારના ખરા અર્થમાં પ્રગતિશીલ, આધુનિક અને સકારાત્મક વિચારોના આ સંવાદોમાં પડઘા પડે છે.

જ્યારે ઈન્દર અવઢવ અનુભવતો હોય છે કે આરતીને પોતાની સાચી ઓળખ કેવી રીતે આપવી? ત્યારે શ્રીરામ લાગુ એક અત્યંત વ્યવહારુ અને સંવેદનશીલ વાત કહે છે. તેઓ કહે છે : "અગર જાઓ ઉસે મિલને તો ઈસ લિયે મત જાના કિ વહ અંધી હૈ ; ઔર અગર ઉસસે પ્યાર કરતે હો તો ઈસ લિયે રુકના ભી મત કિ વહ અંધી હૈ...!" સહાનુભૂતિવશ કે અપરાધભાવથી ગ્રસ્ત થઈ કોઈ પણ નિર્ણય ન લેવા તેઓ ઈન્દરને સમજાવે છે.

નામ ગુમ જાયેગા,  ચહેરા યે બદલ જાયેગા

આરતીનું પાત્ર પણ પ્રેમ અને સમર્પણ દ્વારા પોષાયેલું છે. આરતી અને ચંદનના પ્રેમ પ્રસંગો અત્યંત હળવી શૈલી અને હૃદયસ્પર્શી રીતે ગુલઝારે ફિલ્માવ્યાં છે. મધ્યપ્રદેશમાં નર્મદા તટે આવેલા માંડૂના ખંડેરોમાં ફિલ્મનો પ્રારંભ થાય છે. સોળમી સદીના લોકકથાના અમર પાત્રો રાણી રૂપમતી અને બાઝ બહાદુરની પ્રેમકથાનો વારંવાર ઉલ્લેખ થાય છે. કહેવાય છે, આ મહેલોમાં જ તેમનો પ્રેમ આકાર પામ્યો હતો.

ઉભય સંગીતના અતૂટ તાંતણે બંધાયેલા હતા. બાઝ બહાદુરનો પ્રિય રાગ 'દીપક' તથા રાણી રૂપમતીનો પ્રિય રાગ 'મલ્હાર' એક કાળે આ સ્થળે ગુંજતો હતો. તેના સંદર્ભમાં જ ગુલઝાર લખે છે : "નામ ગુમ જાયેગા,  ચહેરા યે બદલ જાયેગા, મેરી આવાઝ હી પહેચાન હૈ, 'ગર યાદ રહે..."! અહીં ખંડેરોની પાર્શ્વભૂમિ ખૂબ પ્રતીકાત્મક છે. આ ખંડેરો ભૂતકાળના અવશેષો છે. આરતી પોતાના ભૂતકાળના અવશેષો વચ્ચે જ જીવતી હોય છે. ચંદનને ભૂલવા એ તૈયાર નથી હોતી. આરતી અને ઈન્દર વચ્ચેના  નાજુક સંબંધોની સંકુલતા આટલા સહજપણે Gulzar-ગુલઝાર જેવા અનુભવી અને સંવેદનશીલ દિગ્દર્શક જ દર્શાવી શકે!

ફિલ્મના લેખક અને દિગ્દર્શક બંને ગુલઝાર

'મેઘના મુવીઝ'ના પરચમ હેઠળ બનેલી આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક બંને Gulzar ગુલઝાર છે. રાહુલ દેવ બર્મને સ્વરબદ્ધ કરેલું "નામ ગુમ જાયેગા..." ગીત આજે પણ‌ સંગીતરસિકોને મદહોશ કરી દે છે.  ગીતના પ્રારંભમાં કોઈ પણ સાજ વગર લતા મંગેશકર તેમ જ ભુપેન્દરસિંઘના કંઠે મુખડું ગવાય છે, ત્યારે સહેજ પ્રતિઘોષની અસર મુકીને પંચમદાએ આ ગીતનું નાદસૌંદર્ય અનેકગણું વધારી દીધું છે. આ જ બંને ગાયકોએ ગાયેલું, રાગ ભૈરવી પર આધારિત "મીઠે બોલ બોલે, બોલે કોયલિયા..." સુદ્ધાં અત્યંત મધુર ગીત છે.

ઘટનાઓનો વેગ વધુ જોવા મળે 

"એક હી ખ્વાબ કઈ બાર દેખા હે મૈંને..." ગીત ખૂબ વેગળો પ્રયોગ છે. આવા પ્રયોગો ભૂતકાળમાં પણ થયા છે. Gulzar-ગુલઝાર અને પંચમદા  ચીલો ચાતરીને કંઈ અવનવું રજૂ કરવાની હિંમત અને ધગશ - બંને રાખતા હતા. આ ગીતમાં પાર્શ્વભૂમિમાં કોઈ તાલવાદ્યનો ઉપયોગ નથી થયો, જેને લીધે શબ્દો અધિક મુખર થયા છે. વિલંબિત રૂપે ગવાયેલું આ ગીત ગુલઝાર રચિત એક ઉત્કૃષ્ટ પ્રણય ગીત છે. ધર્મેન્દ્ર અને હેમા માલીની પર ફિલ્માવાયેલા આ ગીતનું ચિત્રિકરણ પણ ઉત્તમ છે. દુર્ભાગ્યે, આ ગીત ખાસ લોકપ્રિય ના થયું. "જાને કયા સોચકર નહીં ગુઝરા..." ગુલઝાર, પંચમદા અને કિશોરકુમારની રચેલી વધુ એક સુમધુર અને યાદગાર કૃતિ છે. "કોઈ નહીં હૈ કહીં...." પણ ભુપેન્દરસિંઘે ગાયેલું એક ખૂબ ખૂબ મધુર ગીત છે. ફિલ્મના બધાં જ ગીતો થોડેઘણે અંશે વિવિધ શાસ્ત્રીય રાગો પર આધારિત છે.

હેમા માલીની  ભરતનાટ્યમના એક સિદ્ધહસ્ત નૃત્યાંગના છે. તેમનું આભિજાત્ય, લાલિત્ય, તેઓની મુદ્રાઓ, અંગભંગિમાઓ - બધું જ અલૌકિક છે! તેઓની આ કળાને ફિલ્મમાં વણી લઈ તેને અમર કરવા બદલ હેમા માલીનીના પ્રશંસકો ગુલઝારના સદાય ઋણી રહેશે!

ગુલઝારની અગાઉની ફિલ્મો કરતાં આ ફિલ્મ થોડી જુદી પડે છે. ભાવનાઓની પ્રબળતા થોડી ઝાંખી પડે છે અને ઘટનાઓનો વેગ વધુ જોવા મળે છે. દૃષ્ટિ ગુમાવ્યા બાદ આરતી ઈન્દરને ઓળખી નથી શકતી, એ વાત પણ સહેજ ખટકે છે. જોકે, શાસ્ત્રીય સંગીતના ચાહકો માટે પંચમદાએ એકથી એક ચડિયાતા ગીતોની લ્હાણી કરી, બધા રંજ સરભર કરી દીધા છે...

આ પણ વાંચો- નાના પાટેકરની ક્લાસ ફિલ્મ Vanvaas ને બોક્સ ઓફીસ પર મળ્યો વનવાસ, શરૂઆત રહી ખુબ જ ખરાબ

Next Article