Housefull 5 : 2 ક્લાઈમેક્સ અને દોઢ ડઝન એક્ટર્સ ધરાવતી ફિલ્મને દર્શકોએ આપ્યો મોળો પ્રતિસાદ
- આ ફિલ્મમાં હાઉસફુલ 5A અને હાઉસફુલ 5B એમ 2 ક્લાયમેક્સ દર્શાવાયા છે
- ફિલ્મના કોમિક જોકમાં તાજગી નથી, ઘસાયેલા જોકને લીધે દર્શકો બોર થાય છે
- Housefull ફ્રેન્ચાઈઝની અગાઉની 4 ફિલ્મો જેવો જાદૂ આ 5મી ફિલ્મ માટે હજૂ સુધી સર્જાયો નથી
Housefull 5 : બોલિવૂડની સકસેસફુલ કોમેડી ફ્રેન્ચાઈઝ Housefull ની 5મી ફિલ્મ આજે રિલીઝ થઈ છે. જેમાં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, જેકી શ્રોફ, સંજય દત્ત, નાના પાટેકર, રિતેશ દેશમુખ, જેકલીન ફર્નાન્ડીઝ, સોનમ બાજવા, નરગીસ ફખરી, સૌંદર્ય શર્મા, ચિત્રાંગદા સિંહ વગેરેએ એક્ટિંગ કરી છે. જો કે બોલિવૂડના દોઢ ડઝનથી વધુની સ્ટાર કાસ્ટ ધરાવતી આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ ગઈ હોવાના એંધાણ છે. દર્શકોએ Housefull ફ્રેન્ચાઈઝની અગાઉની 4 ફિલ્મોને દર્શકોએ જે રીતે હોંશભેર વધાવી લીધી હતી, તેવો માહોલ હજૂ સુધી Housefull 5 ને લઈને સર્જાયો નથી.
સ્ટોરી લાઈન
Housefull 5 ની સ્ટોરી લાઈનની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં એક અબજોપતિ ઉદ્યોગપતિ રણજીત ડોબરિયાલ (રણજીત) એક વૈભવી જહાજ પર પોતાનો 100મો જન્મદિવસ એક ક્રુઝલાઈનર પર ઉજવી રહ્યો છે. આ અબજોપતિ તેની સઘળી મિલકતની વિલ તેના પુત્ર જોલીના નામે કરીને મૃત્યુ પામે છે. હવે ક્રુઝ પર એક પછી એક ત્રણ જોલી, જલાબુદ્દીન ઉર્ફે જોલી (રિતેશ દેશમુખ), જલભૂષણ ઉર્ફે જોલી (અભિષેક બચ્ચન) અને જુલિયસ ઉર્ફે જોલી (અક્ષય કુમાર) આ મિલકતનો દાવો કરવા પહોંચી જાય છે. આ સ્થિતિમાં રણજીતની બીજી પત્નીનો પુત્ર દેવ (ફરદીન ખાન) વાસ્તવિક જોલી શોધવા માટે ડોક્ટરને આ ત્રણેયનો DNA ટેસ્ટ કરાવવાનું કહે છે, પરંતુ રિપોર્ટ આવે તે પહેલાં જ ડોક્ટરની હત્યા થઈ જાય છે. ડોક્ટરની હત્યા કરનાર ખૂની આ ક્રુઝલાઈનર પર જ હાજર છે. બસ તેને શોધવાનો છે અને તેમાં સર્જાતી મુંઝવણ અને સાચા જોલીને સાબિત કરવા માટેના હવાતિયાંની આસપાસ આ ફિલ્મની સ્ટોરી ગૂંથાયેલ છે.
આ પણ વાંચોઃ Tom Cruise ને ફળી MI-8, ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં મળ્યું સ્થાન
2 ક્લાયમેક્સનો કોન્સેપ્ટ
Housefull 5 ના મેકર્સ આ વખતે 2 ક્લાયમેક્સનો કોન્સેપ્ટ લાવ્યા છે. જેમાં હાઉસફુલ 5A અને હાઉસફુલ 5B ના ટાઈટલ હેઠળ 2 ક્લાયમેક્સ દર્શાવાયા છે. જો કે આ કોન્સેપ્ટ ભારતીય દર્શકોને કોઠે પડ્યો નથી. અગાઉ અનિલ કપૂર સ્ટારર માય વાઈફ્સ મર્ડર અને વિપૂલ અમૃતલાલ શાહની અમિતાભ બચ્ચન સ્ટારર આંખે ફિલ્મના પણ 2 ક્લાયમેક્સ સાથે રિલીઝ કરવાની જાહેરાત થઈ હતી. જો કે પાછળથી બંને ફિલ્મો માત્ર એક જ કલાયમેક્સ સાથે રિલીઝ થઈ હતી. તેથી કહી શકાય કે 2 કલાયમેક્સ કોન્સેપ્ટને લીધે ભારતીય દર્શકોએ ફિલ્મનો મોળો પ્રતિસાદ આપ્યો હોઈ શકે છે.
ફિલ્મના માઈનસ પોઈન્ટ્સ
Housefull 5 માં 2 કલાયમેક્સ ઉપરાંત નાના-મોટા માઈનસ પોઈન્ટ્સ ફિલ્મને નબળી બનાવે છે. જેમાં સૌથી પહેલા તો સ્ટારકાસ્ટનો વધુ પડતો જમાવડો. વધુ સ્ટારકાસ્ટવાળી ફિલ્મો બોક્ષઓફિસ પર ધમાલ મચાવે તે જરુરી નથી. નહિતર રાજકુમાર સંતોષીની ચાયનાગેટ, લજ્જા, જે. પી. દત્તાની રેફ્યુઝી, આશુતોષ ગોવારીકરની ખેલેંગે હમ જી જાન સે, પાનીપત, પ્રિયદર્શનની હંગામા-2 વગેરે જેવી સ્ટારકાસ્ટની ભરમારવાળી ફિલ્મો ડિઝાસ્ટર સાબિત ના થઈ હોત. આ ઉપરાંત ફિલ્મની સ્ટોરીલાઈન બહુ નબળી સાબિત થઈ છે. ખૂનીને શોધવા પર બોલિવૂડમાં ઢગલાબંધ ફિલ્મો છે. આ ઉપરાંત Housefull એક સ્લેપસ્ટિક કોમેડી ફ્રેન્ચાઈઝ છે તેથી તેમાં સમયાંતરે કોમિક જોક હોવા સ્વાભાવિક છે. જેમાં તાજગી હોવી બહુ આવશ્યક હોય છે. આ ફિલ્મમાં કોમિક જોક તાજગી સભર નથી એટલે કે નવા નથી. એના એ ઘસાયેલ કોમિક જોકને લીધે ફિલ્મ રસપ્રદ રહેતી નથી. આ ફિલ્મનું અન્ય એક નબળું પાસું છે આડેધડ આવી જતા સોન્ગ્સ. ગમે તે સીચ્યૂએશનમાં આડેધડ સોન્ગ આવી જવાથી દર્શકો રીલેક્સ થવાને બદલે બોર થઈ જાય છે. હવે જોઈએ આગામી સમયમાં આ ફિલ્મ કેવું અને કેટલું બોક્ષઓફિસ કલેક્શન કરે છે.
આ પણ વાંચોઃ Sharmistha Panoli :ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને મોટી રાહત,કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન