Prashant Tamang Death : ગાયક પ્રશાંત તમાંગનું નિધન, દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ
- ઇન્ડિયન આઇડલ 3 વિનર પ્રશાંત તમાંગનું નિધન (Prashant Tamang Death)
- રિયાલિટી શોના વિજેતા પ્રશાંત તમાંગનું દિલ્હીમાં અવસાન
- કાર્ડિયાક અરેસ્ટ આવતા ગાયકે અકાળે ગુમાવ્યો જીવ
- કોલકાતા પોલીસમાં કોન્સ્ટેબલમાંથી બન્યા હતા દેશના સ્ટાર
- સિંગર મહેશ સેવા અને ફિલ્મમેકરે કરી મૃત્યુની પુષ્ટિ
Prashant Tamang Death : મનોરંજન અને સંગીત જગતમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ સીઝન 3' ના વિજેતા અને જાણીતા ગાયક-અભિનેતા પ્રશાંત તમાંગ હવે આપણી વચ્ચે રહ્યા નથી. પ્રશાંતના અચાનક નિધનના સમાચારથી તેમના લાખો ચાહકો અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ થઈ ગઈ છે. ફિલ્મમેકર રાજેશ ઘટાનીએ આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે, જેના પગલે સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલિબ્રિટીઝ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
Prashant Tamang Death : કાર્ડિયાક અરેસ્ટ બન્યું કારણ
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રશાંત તમાંગ છેલ્લા કેટલાક સમયથી નવી દિલ્હીમાં રહેતા હતા, જ્યાં આજે તેમના નિવાસસ્થાને જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સિંગર મહેશ સેવાના જણાવ્યા મુજબ, પ્રશાંતના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ (હૃદયરોગનો હુમલો) છે. અચાનક આવેલા આ હુમલાએ એક સુરીલા અવાજને હંમેશ માટે શાંત કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, 2007માં ઇન્ડિયન આઇડલ જીત્યા બાદ પ્રશાંત રાતોરાત સ્ટાર બની ગયા હતા અને ભારતીય મૂળના નેપાળી સિંગર તરીકે તેમણે મોટી નામના મેળવી હતી.
View this post on Instagram
Prashant Tamang Death : ઇન્ડિયન આઇડલથી ફિલ્મો સુધીની સફર
ઇન્ડિયન આઇડલની ટ્રોફી જીત્યા બાદ પ્રશાંતની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળમાં પણ ખૂબ વધી ગઈ હતી. તેમણે અનેક સુપરહિટ નેપાળી ગીતો ગાયા છે જે આજે પણ ચાહકોના પ્લેલિસ્ટમાં ટોપ પર રહે છે. ગાયકી ઉપરાંત પ્રશાંતે અભિનય ક્ષેત્રે પણ પોતાની પ્રતિભા સાબિત કરી હતી. તેમણે 'ગોરખા પલટન', 'પરદેશી' અને 'પરદેશી 2' જેવી સફળ નેપાળી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમનો અવાજ અને અભિનય બંને દર્શકોને ખૂબ પસંદ આવતા હતા.
કોલકાતા પોલીસથી સિંગર બનવાની કહાણી
પ્રશાંત તમાંગનો જન્મ 4 જાન્યુઆરી 1983ના રોજ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થયો હતો. તેમનું જીવન સંઘર્ષ અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. સેન્ટ રોબર્ટ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન જ એક દુર્ઘટનામાં તેમના પિતાનું અવસાન થયું હતું. પરિવારની જવાબદારી સંભાળવા માટે તેમણે નાની ઉંમરે સ્કૂલ છોડી દીધી હતી અને પિતાની જગ્યાએ કોલકાતા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. જોકે, પોલીસની વર્દીમાં પણ તેમનો સંગીત પ્રેમ જીવંત રહ્યો હતો અને તેઓ પોલીસ ઓર્કેસ્ટ્રા માટે ગાતા હતા. આ શોખ જ તેમને ઇન્ડિયન આઇડલના મંચ સુધી લઈ ગયો હતો.
અંગત જીવન અને પરિવાર
પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા અને સિંગિંગ કરિયર બનાવતા પ્રશાંતે વર્ષ 2011માં લગ્નજીવનની શરૂઆત કરી હતી. તેમણે 16 ફેબ્રુઆરી 2011ના રોજ નાગાલેન્ડમાં ફ્લાઈટ એટેન્ડન્ટ ગીતા થાપા (માર્થા એલી) સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. પ્રશાંત આજે ભલે શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો સુરીલો અવાજ અને તેમની સંઘર્ષયાત્રા હંમેશા લોકોના દિલોમાં જીવંત રહેશે.
આ પણ વાંચો : Yuzvendra-Dhanashree controversy: ધનશ્રી સાથે છૂટાછેડા પછી યુઝવેન્દ્રએ તૌડ્યું મૌન, કહ્યું અટવાયેલો રહેવા નથી માંગતો


