Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kabhi Kabhie movie : પ્રેમ એટલે માત્ર સ્મૃતિ નહીં, સ્વીકાર: 50 વર્ષ પછી પણ કેમ પ્રાસંગિક છે ‘કભી કભી’નો અમિત?

યશ ચોપરાની ક્લાસિક ફિલ્મ 'કભી કભી'ના 50 વર્ષ. જાણો કેવી રીતે અમિતાભ બચ્ચનનો સંવેદનશીલ કિરદાર 'અમિત' (કવિ), તેમના ગુસ્સેલ 'વિજય' (એન્ગ્રી યંગ મેન) કરતા તદ્દન અલગ અને અમર બન્યો.
kabhi kabhie movie   પ્રેમ એટલે માત્ર સ્મૃતિ નહીં  સ્વીકાર  50 વર્ષ પછી પણ કેમ પ્રાસંગિક છે ‘કભી કભી’નો અમિત
Advertisement

Kabhi Kabhie movie : યશ ચોપરાની ક્લાસિક ફિલ્મ 'કભી કભી'ના ૫૦ વર્ષ. જાણો કેવી રીતે અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)નો સંવેદનશીલ કિરદાર 'અમિત' (કવિ), તેમના ગુસ્સેલ 'વિજય' (એન્ગ્રી યંગ મેન) કરતા તદ્દન અલગ અને અમર બન્યો.

સિનેમા એ માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ તે માનવીય સંવેદનાઓ, બદલાતા સમાજ અને સંબંધોની જટિલતાઓનો એક જીવંત દસ્તાવેજ છે. દર દાયકામાં એવી કેટલીક ફિલ્મો બને છે જે સમયની સીમાઓને ઓળંગીને અમર થઈ જતી હોય છે. હિન્દી સિનેમાના સુવર્ણકાળ સમાન 1970 ના દાયકામાં જ્યાં એકતરફ આક્રોશ, ગુનાખોરી અને એક્શન ફિલ્મોનો દબદબો હતો, ત્યાં કવિ હૃદય નિર્દેશક યશ ચોપરાએ સંબંધોની એક અત્યંત નાજુક, ગહન અને કાવ્યાત્મક વાર્તા વણી હતી. 27 ફેબ્રુઆરી 1976 ના રોજ રિલીઝ થયેલી માસ્ટરપીસ ‘કભી કભી’-Kabhi Kabhie એવું જ એક અદભુત સર્જન છે, જે આજે પચાસ વર્ષ પછી પણ એટલી જ યુવાન અને અર્થસભર લાગે છે. 

Advertisement

Kabhi Kabhie movie :  વિજય વિરુદ્ધ અમિત: એક જ અભિનેતા, બે તદ્દન વિરોધાભાસી છેડા

1970 નો દાયકો ભારતીય સમાજ માટે ભારે ઉથલપાથલનો સમય હતો. બેરોજગારી, રાજનૈતિક અસ્થિરતા અને તૂટતા આદર્શો વચ્ચે યશ ચોપરાની જ ફિલ્મ 'દીવાર'માં સિસ્ટમ સામે લડતા ગુસ્સેલ ગેંગસ્ટર 'વિજય' (એન્ગ્રી યંગ મેન)નો જન્મ થયો હતો. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે એ જ ગાળામાં યશ ચોપરાએ અમિતાભ બચ્ચનને એક તદ્દન વિરોધાભાસી રૂપમાં રજૂ કર્યા—'અમિત', જે અત્યંત સંવેદનશીલ છે, ઘાયલ પ્રેમી છે અને કવિ છે.

Advertisement

બંને કિરદારો વચ્ચેનો તફાવત હિન્દી સિનેમાની બે અલગ ભાવનાત્મક ભાષાઓ સમાન હતો:

  • 'દીવાર'નો વિજય: સામાજિક અન્યાય સામે પોતાના આક્રોશ અને બંદૂકથી લડે છે. તેની ભાષા સડકની અને સીધી છે. તે જીવ આપીને અન્યાય કરનારાઓને ખતમ કરે છે.

  • 'કભી કભી'નો અમિત: જીવનની ક્રૂરતા અને અપૂર્ણતા સામે શબ્દો અને કલમથી લડે છે. તેની ભાષા સ્મૃતિઓ અને અહેસાસની ભાષા છે. તે સમાજ સામે લડવાને બદલે પોતાની જ યાદો સાથે સંઘર્ષ કરે છે.

Kabhi Kabhie movie :  સાહિર લુધિયાનવીના અધૂરા પ્રેમનો પડછાયો

'દીવાર'ના આક્રોશ પાછળ સલીમ-જાવેદની કલમ હતી, તો 'કભી કભી'ના અમિત પાછળ મહાન શાયર સાહિર લુધિયાનવીનું હૃદય હતું. સાહિરે જ્યારે માત્ર 25 વર્ષની ઉંમરે પ્રખ્યાત નઝમ 'કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ' લખી હતી, ત્યારે કદાચ તેમને પણ અંદાજ નહીં હોય કે આ ગીત એક આખી પેઢીનો અવાજ બનશે.

વાસ્તવમાં, આ ગીત સાહિર અને પ્રખ્યાત લેખિકા-કવિયિત્રી અમૃતા પ્રિતમ વચ્ચેના એ અધૂરા અને કમનસીબ રોમાન્સની અભિવ્યક્તિ હતી, જે ક્યારેય મંઝિલ સુધી પહોંચી ન શકી. યશ ચોપરાએ સાહિરના આ જ વાસ્તવિક દર્દ, એકલતા અને નિરાશાના ભાવને ફિલ્મના ટાઈટલ અને અમિતના કિરદારમાં આબેહૂબ ઢાળી દીધા. ફિલ્મની શરૂઆત જ કાશ્મીરના બરફ વચ્ચે ચાલતા અમિત અને બેકગ્રાઉન્ડમાં ગુંજતી આ નઝમથી થાય છે, જે તેની પ્રેમિકા પૂજા (રાખી-Rakhi)ની યાદમાં છે.

આદર્શ નાયક નથી, પણ જીવંત મનુષ્ય છે 'અમિત'

જ્યારે પૂજા અમિતથી વિખૂટી પડી જાય છે, ત્યારે તેની સાથે અમિતની કવિતાઓનો પ્રવાહ પણ ખંડિત થઇ જાય છે. વર્ષો પછી બંને ત્યારે ભેગાં થાય છે, જ્યારે તેઓ અલગ-અલગ જિંદગીમાં સ્થિર થઇ ગયાં છે. આ ફિલ્મની સૌથી સુંદર અને રસપ્રદ બાબત એ છે કે તેનો નાયક 'અમિત' કોઈ પરફેક્ટ કે આદર્શ પુરુષ નથી. તે અત્યંત સંવેદનશીલ હોવા છતાં ઉદાર નથી, અને આ જ વિરોધાભાસ તેને જીવંત બનાવે છે:

વર્ષો સુધી પોતાની છાતીએ પૂજાના અધૂરા પ્રેમને વળગાડીને જીવનારો અમિત, જ્યારે પોતાની પત્ની અંજલિ (વહીદા રહેમાન/Waheeda Rehman)ના અતીત વિશે જાણે છે, ત્યારે તે અચાનક સંકુચિત અને કઠોર બની જાય છે. તેની અંદરનો પરંપરાગત અહમ ધરાવતો પુરુષ જાગી જાય છે. તે પોતાની પત્નીના ભૂતકાળને સહજતાથી સ્વીકારી શકતો નથી.

તેની સામે, પૂજાનો પતિ વિજય ખન્ના (શશી કપૂર/Shashi Kapoor) એક નૈતિક અરીસા તરીકે ઉભો રહે છે. તે તૂટી પડવાને બદલે પરિપક્વતા બતાવે છે અને અમિતને ડહાપણ આપે છે કે—જે સ્ત્રી વીસ વર્ષથી તારી સાથે રહી છે, તેના ભૂતકાળમાં ગૂંચવાઈ જવું માણસને નાનો બનાવે છે. આ સંવાદ અમિતના ચારિત્ર્ય માટે નિર્ણાયક ક્ષણ સાબિત થાય છે, જ્યાં તેને સમજાય છે કે પ્રેમ માત્ર સ્મૃતિઓમાં કેદ રહેવું નથી, પણ વર્તમાનનો સ્વીકાર કરવો તે છે.

મર્દાનગીની નવી વ્યાખ્યા અને આંખોનું એકાંત

અમિતની તકલીફ એ છે કે તે સમયની સાથે ચાલી શકતો નથી. તેનો જીવ અતીતમાં અટકેલો છે- પહેલાં પૂજાના નામે અને પછી અંજલિના નામે. એટલા માટે તેની કવિતાઓ જેટલી સુંદર છે તેનું જીવન એટલું અધૂરું રહ્યું.

'કભી કભી'નો અમિત હિન્દી સિનેમામાં 'મર્દાનગી'ની રૂઢિચુસ્ત વ્યાખ્યાને તોડે છે. તે પોતાની લાગણીઓ છુપાવતો નથી; તે રડે છે, તૂટે છે અને પોતાના દર્દને કવિતામાં વહાવી દે છે. હિન્દી સિનેમામાં બહુ ઓછા એવા કિરદાર છે જેની શક્તિ તેમની શારીરિક તાકાતમાં નહીં, પણ તેમની ભાવુકતા અને સંવેદનશીલતામાં હોય.

અમિતાભ બચ્ચન/Amitabh Bachchan ની કારકિર્દીનો આ કદાચ સૌથી શાંત, સંયમિત અને આંતરિક અભિનય છે. અહીં કોઈ મોટો અવાજ કે નાટકીય વિસ્ફોટ નથી, બસ આંખોમાં જમા થયેલી એક લાંબી એકલતા છે. કદાચ એટલે જ અમિત આજે પણ યાદ રહે છે- વિજયના એક સુંદર વિરોધાભાસ તરીકે.

‘કભી કભી’ એ માત્ર એક પરંપરાગત પ્રેમકથા નથી, પરંતુ તે માનવ મનની જટિલતાઓ, અહમ અને સંબંધોની પરિપક્વતાનો એક સુંદર પાઠ છે. આ ફિલ્મ પ્રેમના કોઈ આસાન જવાબો નથી આપતી. તે બહુ સહજતાથી કહી જાય છે કે પ્રેમ હંમેશાં લગ્નમાં પરિણમતો નથી, અને લગ્નજીવનમાં હંમેશાં પ્રેમ હોતો નથી એ માત્ર સમજૂતી હોય છે.

ક્યારેક પ્રેમ કોઈ મંઝિલ સુધી ન પહોંચે અને માત્ર એક અધૂરી કવિતા બનીને રહી જાય, તો પણ તેની પવિત્રતા ઓછી થતી નથી. અમુક લોકો આપણા જીવનમાંથી ભલે શારીરિક રીતે ચાલ્યા જાય, પણ આપણી અંદર લાગણી બનીને કાયમ જીવંત રહે છે. આજે પચાસ વર્ષ પછી પણ જ્યારે સંબંધો જેટલી ઝડપથી બંધાય છે એટલી જ ઝડપથી તૂટે છે, ત્યારે અમિતનો આ સંયમિત પ્રેમ અને સ્વીકારની ભાવના આજની પેઢીને પણ એટલી જ ઊંડાણપૂર્વક સ્પર્શે છે. વિજયના આક્રોશથી તદ્દન અલગ છતાં પોતાની સંવેદનશીલતાથી અમર બનેલો અમિત એટ્લે કે અમિતાભ બચ્ચન  હંમેશા યાદ રહેશે.

આ પણ વાંચો : Ahmedabad : અભિનેતા પ્રતિક ગાંધીએ 1 જ દિવસમાં ‘હું ચંદ્રકાંત બક્ષી’, ‘મોહનનો મસાલો’ નાટકથી દર્શકોનાં દિલ જીત્યા

Tags :
Advertisement

.

×