Manoj Kumarનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય
- Manoj Kumarના અવસાનથી બોલીવૂડના એક અધ્યાયનો અંત આવ્યો
- અંતિમ વિદાયમાં પત્ની શશી ગોસ્વામીના આક્રંદથી વાતાવરણ કરૂણ બન્યું
- અમિતાભ બચ્ચન સહિત દિગ્ગજો સ્મશાન ગૃહ પહોંચ્યા હતા
Mumbai: અભિનેતા મનોજ કુમારના નિધનથી માત્ર બોલીવૂડ જ નહિ પરંતુ સમગ્ર ભારતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સદગતની અંતિમ વિદાયમાં તેમની પત્ની શશી અને પુત્ર કુણાલે તેમને લાગણીશીલ શ્રદ્ધાંજલિ આપી. તેમના પત્નીના આક્રંદથી સમગ્ર વાતાવરણ શોકમગ્ન થઈ ગયું હતું.
બચ્ચન-ધર્મેન્દ્ર સહિત દિગ્ગજોએ આપી અંતિમ વિદાય
મનોજ કુમારે 87 વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કરી દીધું છે. આજે તેમના અંતિમ સંસ્કાર પવન હંસ ખાતે કરાયા હતા. આજે સવારે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે લવાયો હતો. અહીં નાના-મોટા સૌ કોઈએ અંતિમ પ્રાર્થનામાં સદગતને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના અગ્નિ સંસ્કાર સમયે સ્મશાન ગૃહમાં Amitabh Bachchan અને Dharmendra સહિત સુભાષ ઘાઈ બોલીવૂડના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. બચ્ચનની આંખોમાં આંસુ હતા અને ધર્મેન્દ્રએ પોતાના બહુ જૂના અને નિકટના મિત્ર ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ શું તમે Manoj Kumarની ક્રાંતિ ફિલ્મ વિશેની આ બાબતો જાણો છો ???
પત્ની શશી ગોસ્વામીનું કરૂણ આક્રંદ
મનોજ કુમારની પત્ની શશી અને પુત્ર કુણાલ ગોસ્વામીનો અંતિમ વિદાય વખતનું આક્રંદે દરેકના હૃદયને ધ્રુજાવી નાખ્યા હતા. સફેદ સલવાર-સૂટ અને કપાળ પર મોટો કાળો ચાંદલો કરેલ શશી ગોસ્વામી ચોધાર આંસુએ રડી રહી હતી. તેણીના પુત્રએ તેને સહારો આપવાના પ્રયત્નો કર્યા હતા. જો કે શશી ગોસ્વામીએ સદગતના પાર્થિવ શરીર પર માળા પહેરાવી, ગળે લગાવી, ચુંબન કરી આગળ માથું નમાવ્યું હતું. આ જોઈને દીકરો પણ પોતાના આંસુ રોકી શક્યો નહીં.
શત્રુઘન સિંહા અને હેમા માલીનીએ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ
બોલીવૂડના શોટગન શત્રુઘન સિંહાએ સ્વ. મનોજ કુમારને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, હું આ કપરા સમયે તેમના પરિવારજનો અને મિત્રોને પરમેશ્વર આ દુઃખ સહન કરવાની હિંમત આપે તેવી પ્રાર્થના કરું છું. આ ઉપરાંત શત્રુઘન સિંહાએ શહીદ, ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ, રોટી કપડા ઔર મકાન, ક્રાંતિ, શોર અને શિરડી કે સાઈ બાબા જેવી તેમની ફિલ્મોનો પણ ઉલ્લેખ કર્યો હતો. હેમા માલીનીએ મનોજ કુમાર સાથેની પોતાની તસવીરો શેર કરી અને જણાવ્યું કે, મનોજ કુમાર મહાન નિર્માતા અને દિગ્દર્શક હતા.
આ પણ વાંચોઃ મનોજ કુમારના નિધન પર PM મોદીએ કર્યુ ટ્વિટ, જાણો શું કહ્યું?