Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehboob Khan : બોલિવૂડની પાંચ શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક ફિલ્મ ‘મધર ઇંડિયા’

કેટલા ગુજરાતીઓને ખબર છે કે મધર ઈન્ડિયા જેવી બેજોડ ફિલ્મ આપનાર મહેબૂબખાન ગુજરાતી હતા?
mehboob khan   બોલિવૂડની પાંચ શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક ફિલ્મ ‘મધર ઇંડિયા’
Advertisement

Mehboob Khan : કેટલા ગુજરાતીઓને ખબર છે કે ઓસ્કાર એવોર્ડમાં અંગ્રેજી સિવાયની એટલે કે ‘બેસ્ટ આંતરરાષ્ટ્રીય ભાષા’ની ફિલ્મ-કેટેગરીની ટોપ પાંચ ફિલ્મોમાં સ્વીકારાયેલી ફિલ્મ ‘મધર ઇંડિયા’  Mother Imdia એક ગુજરાતી નિર્માતા નિર્દેશક લેખકે બનાવેલી? કેટલા ગુજરાતીઓને ખબર છે કે ભારતની પહેલી રંગીન ફિલ્મ ‘આન’ 1952માં એક ગુજરાતી નિર્માતા નિર્દેશકે લખલૂંટ ખર્ચે બનાવેલી?

કેટલા ગુજરાતીઓને ખબર છે કે ગુજરાતનાં બીલીમોરા પાસેનાં નાનકડા ગામ દેસરામાં જન્મેલા મેહબૂબ ખાનની ફિલ્મી સફર ચોંકાવી દે એવી સંઘર્ષમય છે. મેહબૂબ ખાનના પિતા ઘોડાની નાળ લગાવવાનું કામ કરતા એવામાં નૂર મહોમ્મ્દ બસ્તી નામના સજ્જન જે સાઇલંટ ફિલ્મોમાં ઘોડા સપ્લાય કરતા, એ નૂર કિશોર વયના મહેબૂબને મુંબઇ લાવ્યા.

Advertisement

પછી મહેબૂબ (Mehboob Khan)ઘોડાની નાળનું કામ કરતા કરતાં બોલિવૂડના સંપર્કમાં આવ્યા. અરદેશર ઇરાનીની ‘ઇમ્પિરિયલ સિનેમા’ અને બીજી કંપનીમાં સેટ પર પડદા રંગવાનું કે પછી ભીડમાં જુનિયર આર્ટસ્ટિ તરીકે ‘અલીબાબા 40 ચોર’ (1927) જેવી ફિલ્મોમાં કામ કર્યું.

Advertisement

એ પછી (Mehboob Khan) એર્ઝા મિર્ઝાના સહાયક નિર્દેશક બન્યા અને 34મેં વરસે ‘અલ હિલાલ’ (1935) નામની પહેલી સફળ ફિલ્મ બનાવી. ત્યાર બાદ તો શરૂઆતમાં 1930થી 50 સુધી ‘મનમોહન’ (1936), ‘ઓરત’ (1940) જેવી અનેક સામાજિક ફિલ્મો બનાવીને એ જમાનાના મહારથી એવા બંગાળીઓ અને એમના મોટા મોટા સ્ટુડિયો કે કંપની સામે ઝીંક ઝીલેલી.

‘મહેબૂબ પ્રોડક્શન કંપની’ અને મુંબઇના બાંદ્રા ખાતેના ‘મહેબૂબ સ્ટુડિયો’ ના માલિક

સાવ અભણ અને ગામઠી ગુજરાતી ભાષી અને હિંદી ઉર્દૂ અંગ્રેજીની જાણકારી ના હોવા છતાં ત્યારનાં બોલિવૂડમાં સંઘર્ષ કરીને એમણે (Mehboob Khan) પોતાનો સિક્કો જમાવ્યો અને પછી તો 1945માં ‘મહેબૂબ પ્રોડક્શન કંપની’ અને મુંબઇના બાંદ્રા ખાતેના ‘મહેબૂબ સ્ટુડિયો’(1954)ના માલિક બન્યા.

કેટલા જાણે છે કે ‘મધર ઇંડિયા’ અગાઉ એ જ વાર્તા પરથી ‘ઓરત’ નામની ફિલ્મ 1940માં બનાવેલી. મેહબૂબ ખાનને જન્મભૂમિ બીલીમોરા સાથે બહુ લગાવ હતો. ‘મધર ઈન્ડિયા’ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ બીલીમોરામાં એમનાં મિત્ર ધીરુભાઈ નામાણીના ફાર્મ હાઉસમાં અને આસપાસ ધરમપુર, વાંસદા બાજુ થયેલું. ત્યાંના સ્થાનિક લોકોએ એમાં ગ્રામજનોની ભૂમિકાઓ પણ ભજવેલી.

કહેવાય છે કે ‘મધર ઈન્ડિયા’ જ્યારે આખા ઈન્ડિયામાં રિલીઝ થઈ હતી ત્યારે એમણે બીલીમોરા જેવા નાના શહેરમાં પણ એને એ જ દિવસે પ્રદર્શિત કરી હતી.

એ વખતે ત્યાં હિંદી ફિલ્મો 6 મહિનાઓ બાદ આવતી. મેહબૂબ ખાનને બીલીમોરામાંથી કાયમ ફાઇનાન્સનો સપોર્ટ મળતો એટલે જ્યારે ફિલ્મ ‘મધર ઈન્ડિયા’એ ધૂમ કમાણી કરી ત્યારે મેહબૂબજીએ આખા બીલીમોરાનાં લોકો માટે જમણવાર કરેલો! સાવ અભણ અને હા, મેહબૂબ ખાન પોતાની સ્ક્રિપ્ટ ભાંગી- તૂટી ગુજરાતીમાં લખતા!

મેહબૂબ ખાનને નૌશાદનું કામ ગમ્યું

ફિલ્મ ‘અનમોલ ઘડી’ ના સેટ પર એ ફિલ્મનું ખૂબ જ પ્રખ્યાત ગીત ‘જવાન હૈ મોહબ્બત, હંસી હૈ ઝમાના’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. ‘અનમોલ ઘડી’ ફિલ્મ વખતે નૌશાદને મેહબૂબ પહેલીવાર મળ્યા હતા. ત્યારે નવા નવા સફળ સંગીતકાર નૌશાદ ‘કારદાર પ્રોડક્શન્સ’માં સંગીતકાર તરીકે કામ કરતાં. મેહબૂબ ખાન(Mehboob Khan) ને નૌશાદનું કામ ગમ્યું હતું એટલે એમણે ‘કારદાર પ્રોડક્શન’ને એમની ફિલ્મ માટે નૌશાદને સંગીત આપવા માટે વાત કરી. ‘કારદાર પ્રોડક્શન’ સંમત થયા.

નૌશાદે ‘અનમોલ ઘડી’ માટે જે પહેલું ગીત કમ્પોઝ કર્યું- ‘જવાન હૈ મોહબ્બત, હંસી હૈ ઝમાના.’ નૂરજહાંએ ગાયેલા આ ગીત સાંભળ્યા પછી, મેહબૂબ ખાને નૌશાદને કેટલાંક ફેરફાર કરવા કહ્યું , પણ નૌશાદને એ ગમ્યું નહીં. પણ મેહબૂબ એમનાથી ખૂબ જ સિનિયર હતા ને હોદ્દામાં પણ ઘણા ઊંચા એટલે કમને મેહબૂબના કહ્યા મુજબ નૌશાદે સૂરમાં ફેરફારો કર્યા.

‘તું તારી પેટી વગાડ. આ તારું કામ નથી.’

થોડા દિવસો પછી નૌશાદે ફિલ્મનું બીજું ગીત તૈયાર કર્યું. નૌશાદજીએ મેહબૂબને કહ્યું, ‘ફિલ્મનું બીજું ગીત સાંભળી લો ને કોઈ ફેરફાર હોય તો કહો.’

મેહબૂબ ખાને કહ્યું, ‘એક મિનિટ. હું એક શોટ લઈ રહ્યો છું.’ નૌશાદે પૂછયું : ‘મેહબૂબ સાહેબ, હું કેમેરામાં જોઈ શકું?’

‘હા, હા, તમારા જ પહેલા ગીતનું શૂટિંગ ચાલી રહ્યું છે.’ મેહબૂબજીએ જવાબ આપ્યો.

નૌશાદે કેમેરાના વ્યુફાઇન્ડરમાં જોઇને કહ્યું, ‘મને લાગે છે કે તમારે પેલું પેંટિંગ ડાબી બાજુથી કાઢીને જમણી બાજુ મૂકવું જોઈએ અને એ બાજુની લાઈટ બંધ કરીને આ બાજુની લાઈટ ચાલુ કરવી જોઈએ.’

સેટ પર બધા લોકો ચોંકી ગયા, કારણ કે સૌ મેહબૂબજીના ગુસ્સાથી વાકેફ હતા. પછી મેહબૂબ ખાને નૌશાદને ગરદનથી પકડીને બાજુ પર ખેંચી લીધા ને કહ્યું, ‘તું તારી પેટી વગાડ. આ તારું કામ નથી.’ જવાબમાં નૌશાદે કહ્યું, ‘હું જાણું છું કે આ મારું કામ નથી. પણ સંગીત મારું કામ છે, તમારું નહીં.’ મેહબૂબ ખાને કહ્યું, ‘મને આ શોટ પૂરો કરવા દો, પછી હું તમને જવાબ આપીશ.’

આવી હતી ત્યારનાં મોટા લોકોની ખેલદિલી

હવે નૌશાદ ટેન્શનમાં આવી ગયા. શોટ પૂરો કરીને મેહબૂબજી(Mehboob Khan)એ નૌશાદ પાસે આવીને કહ્યું, ‘તમે અહીં બીજા ગીત વિશે વાત કરવા આવ્યા છોને? તમે એને ફાઇનલ કરી નાખ્યું તો એ ફાઇનલ છે. એ તમારું કામ છે, મારું નહીં.’ આવી હતી ત્યારનાં મોટા લોકોની ખેલદિલી.

27મે 1964ના રોજ ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત નહેરુનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. કહેવાય છે કે નહેરુના મૃત્યુના સમાચાર સાંભળીને મેહબૂબ ખાનને એવો તે આઘાત લાગ્યો કે મેહબૂબ સ્ટુડિયોના આંગણામાં કલ્પાંત એમણે કરેલો અને એમને પણ ત્યાં જ હાર્ટ એટેક આવ્યો. મેહબૂબજીને હોસ્પિટલમાં દાખલ કર્યા પણ 28મે 1964ના રોજ અવસાન થયું હતું, ( તો વળી કોઇ કહે છે કે એ જ દિવસે અવસાન થયેલું) .

આજે પણ બાન્દ્રાનો મેહબૂબ સ્ટુડિયો ધમધમે છે 

પોતાના મોત બાદ સંતાનો મેહબૂબ સ્ટુડિયો વેંચી ના નાખે માટે મેહબૂબજીએ ટ્રસ્ટ બનાવીને ત્યારનાં મુંબઇના મુખ્ય મંત્રી મોરારજી દેસાઇ જેવા પ્રમાણિક અને અડગ વ્યક્તિને ટ્રસ્ટી નીમીને એવી સજજડ વ્યવસ્થા કરેલી કે કોઇ હાથ ન લગાડી શકે. આજે પણ બાન્દ્રાનો મેહબૂબ સ્ટુડિયો, 3 સલમાન આમીર-શાહરુખ અને બોલિવૂડના બીજા સ્ટાર્સનો પણ ખૂબ મનગમતો છે.

ભારતની એકમાત્ર ફિલ્મ ‘અંદાઝ’ છે, જેમાં રાજ કપૂર અને દિલીપ કુમારે સાથે એક જ વાર કામ કરેલું, જે મેહબૂબ ખાનની હતી. ત્યાર બાદ ‘અમર’ ફિલ્મ દિલીપ કુમાર-મધુબાલા સાથેની ફિલ્મ હતી અને એ પણ સુપરહિટ હતી.

‘મધર ઇંડિયા’માં જ આગનાં દૃશ્યમાં સુનીલ દત્ત જે રીતે નરગિસને બચાવેલા પછી બંને વચ્ચે પ્રેમ અને પછી લગ્ન થયેલાં. ‘મધર ઇંડિયા’ બાદ મેહબૂબજીએ ‘સન ઓફ ઇંડિયા’ જેવી સામાજિક ફિલ્મ પણ બનાવેલી, પણ એ બહુ સફળ નહોતી પણ ચોકકસ અલગ તો હતી જ.

અફસોસ કે 1961માં મોસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યૂરી રહી ચૂકેલા અને ‘પદ્મશ્રી’થી સન્માનિત એવા આ ગરવા ગુજરાતી મેહબૂબજીને ગુજરાતે કદી પોતાના ગણ્યા જ નથી!

હમણાં જ જેમની પુણ્યતિથી ગઇ એવા આપણા ફિલ્મઉદ્યોગના મહારથી મેહબૂબ સાહેબને સલામ!

આ પણ વાંચો : Cannes film festival 2025 : સતત નવ મિનિટ સુધી તાળીઓથી  standing ovation મેળવનાર  ભારતીય ફિલ્મ

Tags :
Advertisement

.

×