પાકિસ્તાન ગયો હતો તો શું ખોટું કર્યું? મીકાનો સવાલ
ઇન્ટરવ્યૂમાં મીકાને પૂછવામાં આવ્યું કે તેઓ દિલજીત વિશે આવી વાત કરે છે, પરંતુ પોતે પણ પાકિસ્તાન જઈ ચૂક્યા છે. તેના જવાબમાં મીકાએ કહ્યું કે જ્યારે તેઓ પાકિસ્તાન ગયા હતા, ત્યારબાદ ઉરીની ઘટના બની હતી. તેમણે એવો સવાલ પણ કર્યો કે શું સરકાર ભારતીય નાગરિકોને પાકિસ્તાન જવા માટે મનાઈ કરે છે?
મીકાના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન જવા માટે નિયમસર વિઝા લેવામાં આવે છે અને કોઈ વ્યક્તિ છુપાઈને ત્યાં જતો નથી. તેઓ ફ્લાઇટ મારફતે જાહેરમાં પાકિસ્તાન ગયા હતા અને એ વાત સૌને ખબર હતી. તેમના મતે પાકિસ્તાન જવું અને કોઈ બાબતને જાહેર રીતે પ્રમોટ કરવી, આ બંને વચ્ચે તફાવત છે.
‘પ્રાઇવેટ ફંક્શનમાં પરફોર્મ કરવું અલગ બાબત’
મીકા સિંહે વધુમાં કહ્યું કે જો કોઈ કલાકાર પાકિસ્તાનમાં ખાનગી કાર્યક્રમમાં પરફોર્મ કરીને કમાણી કરે અને ત્યારબાદ ભારતમાં આવીને તે આવક પર ટેક્સ ચૂકવે તો તેને એક અલગ બાબત તરીકે જોવી જોઈએ. તેમણે સવાલ કર્યો કે જ્યારે પાકિસ્તાની કલાકારો ભારતમાં આવે છે ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક લોકો તેમનું સ્વાગત કરે છે અને સન્માન આપે છે.
મીકાએ સ્પષ્ટ કર્યું કે તેમને પાકિસ્તાની સિંગર્સ સામે વ્યક્તિગત રીતે કોઈ વાંધો નથી. તેમના કહેવા પ્રમાણે IIFA જેવા કાર્યક્રમોમાં પણ પાકિસ્તાની કલાકારોને ખૂબ સન્માન આપવામાં આવે છે. તેથી જો પાકિસ્તાનમાં કોઈ ભારતીય કલાકારને સન્માન મળે તો તેને લઈને ખુશ થવું જોઈએ તેવી તેમની દલીલ હતી.
પાકિસ્તાન સાથેના લગાવ પાછળ ધાર્મિક કારણ
પાકિસ્તાન પ્રત્યે પોતાને લાગણી કેમ છે તે અંગે મીકાએ એક ભાવનાત્મક કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં શીખ ધર્મ સાથે જોડાયેલા અનેક ઐતિહાસિક અને પવિત્ર સ્થળો આવેલા છે. તેમાં નનકાણા સાહિબ અને પંજા સાહિબ જેવા મહત્વપૂર્ણ ગુરુદ્વારાઓનો સમાવેશ થાય છે. મીકાના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ તેમને પાકિસ્તાન જવાનો મોકો મળે છે ત્યારે તેઓ તેને ધાર્મિક બોલાવા જેવી લાગણી સાથે જોવે છે.
જેમ તેઓ જમ્મુમાં કોઈ શો માટે જાય ત્યારે માતા વૈષ્ણો દેવી તરફથી બોલાવું આવ્યું હોય તેવી લાગણી અનુભવે છે, તેમ પાકિસ્તાન જવાનું આમંત્રણ મળે ત્યારે તેમને ગુરુદ્વારામાં માથું ટેકવા માટે બોલાવાયું હોય એવું લાગે છે.
પાકિસ્તાનના લોકો અંગે શું કહ્યું?
મીકાએ પોતાના પાકિસ્તાન પ્રવાસના અનુભવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ત્યાંના ગુરુદ્વારાઓમાં ઘણા મુસ્લિમ લોકો સેવા અને સફાઈના કામમાં જોડાયેલા જોવા મળે છે. તેમણે એ પણ કહ્યું કે સિંધ સમુદાયના ઘણા લોકો ગુરુ નાનક દેવજી પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે. ગુરુ નાનક દેવજીને વિવિધ સમુદાયો દ્વારા અલગ અલગ રીતે માન આપવામાં આવે છે તે અંગે પણ તેમણે વાત કરી.
મીકાના કહેવા પ્રમાણે મુસ્લિમો તેમને પીર તરીકે સન્માન આપે છે, જ્યારે હિન્દુ અને શીખ સમુદાયો પણ તેમને પોતાની આસ્થા સાથે જોડે છે. આ ધાર્મિક અને ભાવનાત્મક જોડાણને કારણે તેમને પાકિસ્તાન પ્રત્યે ખાસ લાગણી હોવાનું તેમણે જણાવ્યું. અંતમાં મીકા સિંહે કહ્યું કે તેમના અનુભવ મુજબ પાકિસ્તાનના સામાન્ય લોકોને ખરાબ કહી શકાય નહીં. તેમણે સવાલ ઉઠાવ્યો કે લોકો પાકિસ્તાનના મુસ્લિમોને અલગ દૃષ્ટિથી કેમ જુવે છે, જ્યારે દુબઈ સહિત અન્ય દેશોના મુસ્લિમો પ્રત્યે એવો જ અભિગમ જોવા મળતો નથી. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ છે.
આ પણ વાંચો : Sanjay Dutt Viral Video : સંજય દત્તે હાથ જોડીને માંગી માફી, છતાં વીડિયો જોઈ લોકો કેમ બોલ્યા ‘Fake છે’?
આ પણ વાંચો : Air Canada Mumbai Flight : Air Canadaની પ્રથમ Mumbai Flight કેવી હતી? વિનીપેગના હેમંત શાહે ખોલ્યો 40 વર્ષ જૂનો યાદોનો ખજાનો