Film Aandhi :સેલ્યુલોઇડ પર કંડારાયેલ કવિતા-1
Film Aandhi-૧૯૭૫નું વર્ષ ગુલઝાર માટે ખૂબ મહત્ત્વપૂર્ણ રહ્યું. તેઓએ દિગ્દર્શિત કરેલી 'આંધી', 'મૌસમ' અને 'ખુશ્બૂ' - જેવી ત્રણ ત્રણ માતબર ફિલ્મો એ વર્ષે રજૂ થઈ.
'આંધી'માં, સર્વવિદિત છે એમ, પુરુષપ્રધાન, એવા રાજનીતિના ક્ષેત્રમાં રણે ચડેલી, પોતાનું અલાયદું અસ્તિત્ત્વ સિદ્ધ કરવા કૃતનિશ્ચયી, એવી મહિલા રાજકારણીની કેન્દ્રીય ભૂમિકા છે. આ ભૂમિકા માટે સૌપ્રથમ વૈજયંતી માલાનો વિચાર કરવામાં આવ્યો હતો. પરંતુ પાત્રનું તે સમયના વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધી સાથેનું સામ્ય જોખમી લાગતાં, તેઓએ ફિલ્મ ન સ્વીકારી. છેક ૨૦૧૧માં તેઓએ જાહેરમાં કબૂલ્યું હતું કે, "ત્રણ ફિલ્મો ન સ્વીકાર્યાનો વસવસો મને આજીવન રહેશે - ગુરુદત્તની 'મિસ્ટર ઍન્ડ મિસિસ 55' (૧૯૫૫), બિમલ રૉયની 'બંદિની' (૧૯૬૩) અને ગુલઝારની 'આંધી' (૧૯૭૫)!"
૧૯૬૦માં સોહનલાલ કંવર સાથેની એક ફિલ્મના સંદર્ભે ગુલઝાર સુચિત્રા સેનને કલકત્તામાં મળ્યા હતા. સુચિત્રા તે સમયે બંગાળની ખ્યાતનામ અભિનેત્રીઓ પૈકી એક હતાં. તેઓ બંગાળનાં 'મહાનાયિકા' કહેવાતાં. તેઓએ ગુલઝારને કથામાં થોડા પરિવર્તનો સૂચવ્યાં, જે ગુલઝારને માન્ય ન હતાં. તેથી તે ફિલ્મ પડતી મુકાઈ.
મહિલા રાજકારણીની કેન્દ્રીય ભૂમિકા
૧૯૭૨-૭૩ના અરસામાં Film Aandhi 'આંધી'ના નિર્માતા જે. ઓમપ્રકાશે આ ફિલ્મની નાયિકાની ભૂમિકા માટે સુચિત્રા સેનનું નામ આગ્રહપૂર્વક સૂચવ્યું. આથી નવી પટકથા સાથે સુચિત્રા સેનને મળવા ગુલઝાર ફરી એકવાર કલકત્તે પહોંચ્યા. સુચિત્રા સેનને પટકથા એટલી પસંદ પડી કે તેઓએ ફિલ્મ તુરંત સ્વીકારી લીધી. એટલું જ નહીં, પોતે પટકથામાં ફેરફાર કરવા વિષે આ વખતે કોઈ સૂચન નહીં કરે, એવું વચન પણ આપ્યું, જે તેમણે શબ્દશઃ પાળ્યું. સંજીવકુમાર સુચિત્રા સેન જેવાં ઉત્કૃષ્ટ અભિનેત્રી સાથે કામ કરવા એક પગે તૈયાર હતા. તેઓની વરણી તો પહેલાં જ થઈ ચુકી હતી.
૧૯૭૫માં જ્યારે ફિલ્મ પ્રદર્શિત થઈ, ત્યારે ભારે ઉહાપોહ જાગ્યો હતો. નાયિકા આરતીદેવી (સુચિત્રા સેન)નું પાત્ર વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત છે, એવો ગુલઝાર પર આક્ષેપ મુકવામાં આવ્યો હતો. ચૂંટણી કમિશને આચારસંહિતાના ભંગ તથા કોંગ્રેસ પાર્ટીની છબી જાહેરમાં ખરડાવાના ભયને પગલે ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ જાહેર કર્યો. થોડા જ સમયમાં રાષ્ટ્રવ્યાપી કટોકટી લદાતાં ફિલ્મનું પ્રદર્શન ખરાબે ચડ્યું. ૧૯૭૭માં જનતા પક્ષ સત્તા પર આવતાં ફિલ્મના પ્રદર્શન માટેનો માર્ગ મોકળો થયો. આમ, 'મૌસમ' અને 'આંધી' - બંને ફિલ્મો સાથે સાથે બની હોવાં છતાં 'મૌસમ' સન ૧૯૭૫માં, જ્યારે 'આંધી' (થોડાં પ્રયોગોને બાદ કરતાં) ૧૯૭૭માં પ્રદર્શિત થઈ.
કથામાં એક આધુનિક, સશક્ત મહિલા રાજનીતિજ્ઞ
ગુલઝારના શબ્દો ટાંકીએ તો, "ફિલ્મમાં આરતીદેવીનું પાત્ર ફક્ત દેખાવમાં ઇન્દિરા ગાંધી સાથે સામ્ય ધરાવતું હતું ; તેઓના જીવન કે વ્યક્તિત્ત્વ પર આધારિત ન હતું. કથામાં એક આધુનિક, સશક્ત મહિલા રાજનીતિજ્ઞના પાત્રની આવશ્યકતા હતી. આ માટે સ્વ. ઇન્દિરા ગાંધીની છબિ કરતાં વધુ પ્રભાવકારક કોની છબિ હોઈ શકે ? તેથી નાયિકાની ભૂમિકાને તેઓના બાહ્ય વ્યક્તિત્ત્વમાં ઢાળવામાં આવ્યું." આ પાત્ર ઉપર વત્તેઓછે અંશે બિહારના સંસદ સભ્ય સુશ્રી તારકેશ્વરીદેવીની અસર પણ વરતાય છે.
'આંધી'ની મૂળ પટકથા લખવાનો આરંભ ગુલઝારે લેખક સચિન ભૌમિક સાથે કર્યો હતો. પરંતુ કંઈ મેળ પડતો ન હતો. સંજોગવશાત્ વેગળા થઈ ગયેલાં પતિ-પત્ની વર્ષો બાદ, આકસ્મિક રીતે, ફરી પાછાં મળે છે, એવી એક કથા કલ્પના ગુલઝારના મનમાં ઘણા સમયથી આકાર લઈ રહી હતી. તેને વિકસાવી તેઓએ કથા લખવા માંડી.
હિન્દીના સિદ્ધહસ્ત લેખક શ્રી કમલેશ્વર તેમની સાથે અવારનવાર ચર્ચા કરતા. (કમલેશ્વરે પાછળથી 'કાલી આંધી' નામની નવલકથા પણ લખી. જોકે, બંનેની કથાઓમાં કોઈ સામ્ય નથી.)
'આંધી'ની પટકથાના સહલેખક ગુલઝારના ખૂબ નજીકના મિત્ર - ભૂષણ બનમાલી હતા. 'આંધી'ની કથા જ્યારે વિકસાવવામાં આવી રહી હતી, ત્યારનો એક રોચક પ્રસંગ માણવા જેવો છે. નિર્માતા જે. ઓમપ્રકાશે ગુલઝારને સચિન ભૌમિકે લખેલી એક કથા સંભળાવવા બોલાવ્યા, જે પરથી, તેઓની ઈચ્છા હતી કે, ગુલઝાર ફિલ્મ દિગ્દર્શિત કરે. તેઓની ઈચ્છા હતી કે સુચિત્રા સેન અને સંજીવકુમારને લઈને આ ફિલ્મ બનાવવી.
ગુલઝારને કથા પસંદ ન પડી
સચિન ભૌમિકે Film Aandhi ની કથા સંભળાવી. ગુલઝારને કથા પસંદ ન પડી. અત્યંત સામાન્ય કક્ષાની 'બમ્બૈયા' પ્રકારની તે ફિલ્મ હતી. ગુલઝારે કહ્યું, "આવી ફિલ્મ માટે સુચિત્રા સેનની કક્ષાનાં અભિનેત્રીને મુંબઈ બોલાવવા ઉચિત નથી. તેઓ આવી ફિલ્મ શા માટે કરશે?"
ગુલઝારના આશ્ચર્ય વચ્ચે, સહુ પ્રથમ પ્રતિક્રિયા આપનાર બીજું કોઈ નહીં, પણ સચિન ભૌમિક પોતે હતા. તેમણે તરત જ કહ્યું, "તારી વાત એકદમ સાચી છે. હું સંપૂર્ણપણે સહમત છું. આપણે મુંબઈમાં રહીએ છીએ. આ પ્રકારની ફિલ્મો માટે મુંબઈની કોઈ પણ અભિનેત્રીને બોલાવી શકાય. પરંતુ જો સુચિત્રા સેનને બોલાવવાનાં હોય, તો વિશેષ કક્ષાનું કંઈ લખવું પડે!" આવી શરૂઆત સાથે 'આંધી' બનવા માંડી.
Film Aandhi વિષે એક ભાગમાં વાત કરવી શક્ય નથી. આજે આપણે ફિલ્મ બનતાં પહેલાંની ઘટનાઓ અને પ્રક્રિયાની ચર્ચા કરી. હવે પછી જોઈશું તેનાં દિગ્દર્શન, પટકથા, અભિનય, સંગીત, ચિત્રાંકન - જેવાં કળાકીય પાસાંઓ વિષે!
આ પણ વાંચો- ફિલ્મ રિવ્યૂના નામે YouTubers ફેલાવે છે અંગત નકારાત્મકતા : TNPC