Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Raj Kapoor : સ્ટુડિયોનો એ મજૂર, જેણે આખી સદીને સિનેમા શિખવાડ્યું!

જાણો બોલીવુડના 'શો-મેન' રાજકપૂરની મજૂરીથી સુપરસ્ટાર બનવા સુધીની પ્રેરણાદાયી સફર. દિલીપકુમાર સાથેની મિત્રતા, કેદાર શર્માનો લાફો અને માલા સિન્હાનો એ અવિસ્મરણીય કિસ્સો.
raj kapoor   સ્ટુડિયોનો એ મજૂર  જેણે આખી સદીને સિનેમા શિખવાડ્યું
Advertisement
  • Raj Kapoor : જાણો બોલીવુડના 'શો-મેન' રાજકપૂરની મજૂરીથી સુપરસ્ટાર બનવા સુધીની પ્રેરણાદાયી સફર. દિલીપકુમાર સાથેની મિત્રતા, કેદાર શર્માનો લાફો અને માલા સિન્હાનો એ અવિસ્મરણીય કિસ્સો.

Raj Kapoor : ભારતીય સિનેમાના ઇતિહાસમાં 'શો-મેન' તરીકે અમર થઈ ગયેલા રાજકપૂરની સફર કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પણ સિનેમાના મંચ પર જ્યારે પણ નિઃસ્વાર્થ કલા અને સમર્પણની વાત નીકળશે, ત્યારે રાજકપૂર હંમેશા યાદ રહેશે. ચાલો જાણીએ તેમના જીવનના એ અજાણ્યા પાસાં, જે તેમને પડદા પાછળ પણ એક મહાન ઇન્સાન બનાવતા હતા.

રાજકપૂર જ્યારે યુવાન હતા ત્યારે અભ્યાસમાં તેમનો જીવ નહોતો લાગતો. પિતા પૃથ્વીરાજ કપૂર(Prithviraj Kapoor)નું બોલીવુડમાં બહુ મોટું નામ હતું. મૂળે એ નાટકનો જીવ એટલે દીકરો રાજ સીધો હીરો બને એવું તો એ ન જ ઈચ્છે. પૃથ્વીરાજજી માનતા કે સ્ટારડમ વારસામાં નહીં, પણ લોહી અને પરસેવો વહાવીને કમાવવું પડે.

Advertisement

એટલે એમણે 'બોમ્બે ટોકીઝ'(Bombay Talkies)ના સર્વેસર્વા દેવિકારાણી સાથે વાત કરી રાજને સ્ટુડિયોમાં ગોઠવ્યો, પણ હીરો તરીકે નહીં... એક સામાન્ય મજૂર તરીકે!

Advertisement

Raj Kapoor : પેદા જ સિનેમા માટે થયા હતા

રાજકપૂરને તો સ્ટુડિયોનું વાતાવરણ ગમ્યું, કારણ કે તેઓ પેદા જ સિનેમા માટે થયા હતા. ભારેખમ લાઈટ્સ ઉઠાવવી, સેટ બનાવવામાં મદદ કરવી અને શૉટ વખતે 'ક્લેપ' મારવી—આ બધું કામ એ હોંશે હોંશે કરતા. બપોરે જમવાનો સમય થાય ત્યારે તેઓ અન્ય મજૂરો સાથે જ લાઈનમાં બેસીને જમતા. બોલીવુડમાં આજે પણ શૂટિંગ દરમિયાન લંચ કેટેગરી પ્રમાણે (સ્ટાર્સ, ટેકનિશિયન્સ અને લેબર માટે અલગ) હોય છે, અને રાજકપૂર માત્ર એક મજૂરની કેટેગરીમાં હતા.

સ્ટુડિયોમાં રાજને પૃથ્વીરાજ કપૂરના દીકરા તરીકે બધા ઓળખતા, પણ પાપાજીની કડક સૂચના હતી: "એને એના કામ પ્રમાણે જ ટ્રીટ કરવો, કોઈ ખાસ સવલત આપવી નહીં."

Raj Kapoor : જ્યારે મિત્ર યુસુફ (દિલીપકુમાર) હીરો બન્યા અને રાજના અહમને ઠેસ વાગી

બધું સરખું ચાલતું હતું ત્યાં જ નિયતિએ એક વળાંક લીધો. દિલીપકુમાર(Dilip Kumar)ની ડેબ્યુ ફિલ્મ 'જ્વારભાટા' (1944) નું શૂટિંગ બોમ્બે ટોકીઝમાં શરૂ થયું. દિલીપકુમાર (યુસુફ ખાન) અને રાજ કપૂર પાક્કા ભાઈબંધ, મૂળે પેશાવરમાં બંને પાડોશી હતા. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ કે જે સ્ટુડિયોમાં પોતે મજૂર તરીકે કામ કરતા હતા, ત્યાં જ તેમનો ખાસ મિત્ર હીરો તરીકે શૂટિંગ કરી રહ્યો હતો!

આ જોઈને રાજકપૂર ભારે હતાશા (Frustration) માં આવી ગયા. મિત્ર સામે મજૂરી કામ કરવામાં સંકોચ થવા માંડ્યો. મનમાં પ્રશ્નો ઊઠ્યા કે, "પોતે પૃથ્વીરાજ જેવા લીજેન્ડનો નબીરો હોવા છતાં મજૂર, અને કોઈ પણ ફિલ્મી બેકગ્રાઉન્ડ વિનાનો યુસુફ હીરો?!"

આ આક્રોશ અને હતાશામાં એક દિવસ એમણે ગુસ્સામાં સેટ પર જોરદાર હથોડો મારી દીધો, જેનાથી સેટને નુકસાન થયું. બીજા કોઈ સામાન્ય મજૂરે આવું કર્યું હોત તો તેને તરત નોકરીમાંથી હાંકી કઢાયો હોત, પણ આ મજૂર તો પૃથ્વીરાજનો કુંવર હતો. રાજ તે દિવસે રડતા રડતા ઘેર ગયા અને પાપાજીના ખોળામાં માથું મૂકી દીધું.

তখন પૃથ્વીરાજજીએ એમને જગતનો મોટો પાઠ ભણાવ્યો: "ઝીરોમાંથી જ હીરો બનવાનું છે, જે તડકો નથી વેઠતો એ ક્યારેય છાંયડો આપી શકતો નથી."

કેદાર શર્માનો એ લાફો અને શિસ્તના પાઠ

ત્યારબાદ એમની મહેનત જોઈને એમને પ્રખ્યાત ડિરેક્ટર કેદાર શર્માના આસિસ્ટન્ટ (સહાયક) તરીકે મૂકવામાં આવ્યા. અહીં એક રસપ્રદ કિસ્સો એવો પણ છે કે એકવાર શૂટિંગમાં ક્લેપ મારવામાં મોડું થતાં કેદાર શર્માએ રાજકપૂરને લાફો મારી દીધો હતો! પરંતુ, રાજે ગુસ્સે થવાને બદલે હસીને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. બસ, આ જ શિસ્ત અને સમર્પણથી તેઓ આગળ વધતા રહ્યા.

અહમ વિનાનો કલાકાર: માલા સિન્હાનો એ અવિસ્મરણીય દિવસ

વર્ષો વીત્યા અને રાજકપૂર ભારતીય સિનેમાના 'શો-મેન' બની ગયા. અભિનેત્રી માલા સિન્હા(Mala Sinha) રાજકપૂરની ગજબની ફેન હતી. એવામાં વર્ષ 1958માં એમને રાજકપૂર સાથે ફિલ્મ 'પરવરિશ' માં કામ કરવાની તક મળી. માલા સિન્હા માટે આ સપનું સાચું થવા જેવું હતું.

શૂટિંગનો પહેલો જ દિવસ હતો અને પહેલો સીન ઘણો લાંબો હતો. આ સીનના કેન્દ્રસ્થાને માલા સિન્હાનું પાત્ર હતું. શૉટ ગોઠવાયા પછી રાજજીની તીક્ષ્ણ નજરે જોયું કે કેમેરાનું ફોકસ એમના પોતાના ચહેરા પર સેટ હતું, જ્યારે માલા સિન્હાની પીઠ કેમેરા તરફ હતી અને ડાયલોગ માલાના હતા! સામાન્ય રીતે મોટા સુપરસ્ટાર્સ કેમેરાની ફ્રેમ પોતાના પર જ રાખવાનો આગ્રહ રાખતા હોય છે.

પરંતુ, રાજકપૂર સાચા અર્થમાં સિનેમાના કસબી હતા. તેઓ તરત જ દિગ્દર્શક એસ. મુખર્જી પાસે ગયા અને ધીમેથી સમજાવ્યા:

"મુખર્જી બાબુ, આ સીનમાં માલાના પાત્રના ઇમોશન્સ અને ડાયલોગ્સ મહત્વના છે. એટલે કેમેરો એના ચહેરા પર ફોકસ હોવો જોઈએ, હું તો આ સીનમાં સબડ્યૂડ (Subdued - ગૌણ) રહું તો જ સીન ઉઠાવ આપશે."

ડિરેક્ટર મુખર્જી એમની વાત માની ગયા અને શૉટ બદલવામાં આવ્યો. માલા સિન્હા આ બધું જ લાઈવ જોઈ રહી હતી અને અવાચક બની ગઈ! આવડો મોટો કલાકાર, ફિલ્મનો મેઈન હીરો હોવા છતાં સ્ક્રિપ્ટની ડિમાન્ડ સમજીને હિરોઈનને આગળ કરે? આ ઘટના પછી માલા સિન્હાની નજરમાં રાજકપૂરનું કદ એટલું ઊંચું થઈ ગયું કે તેઓ આજીવન માલા સિન્હા માટે માત્ર 'આદરણીય' નહીં, પણ 'પૂજનીય' બની રહ્યા.

'ધ શો મસ્ટ ગો ઓન' – કલા જ સર્વોપરી

ખરેખર, રાજકપૂરનો જીવ જ કલાનો હતો. તેઓ રંગમંચ અને સિનેમાને પોતાનાથી પણ ઉપર માનતા હતા. તેમની આ જ ફિલોસોફી તેમની સદાબહાર ફિલ્મ 'મેરા નામ જોકર' ના એ અમર ગીતમાં પણ છલકાય છે:

"કલ ખેલ મેં હમ હો ન હો..."

રાજજી સારી રીતે જાણતા હતા કે કલાકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, આખરે તો એ નટરાજનું સંતાન છે. કલાકારો તો રંગમંચ પર આવશે અને જશે, પણ આ કલાનો મંચ ક્યારેય સૂનો પડવાનો નથી. આ અનંત આકાશમાંથી જો એકાદ તારો ખરી પણ પડે, તોય આ સૃષ્ટિના ખેલમાં કોઈ ફરક પડવાનો નથી. શો (ખેલ) તો હંમેશા ચાલતો જ રહેશે—'ધ શો મસ્ટ ગો ઓન!'

આ પણ વાંચો: Sushant Singh Rajput નો એક એવો રેકોર્ડ, જે ખાન એક્ટર્સ પણ આજ સુધી તોડી શક્યા નથી!

Tags :
Advertisement

.

×