Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rihae Film : ગુજરાતના એક એવા ગામની વાત જ્યાં પુરુષો નથી

ચાર દાયકા જૂની, છતાં આજના એલિટ ફેમિનિઝમ પર ભારે પડતી ગુજરાતના એક ગામની સુંદર અને સ્ત્રીઓની જાતીય જરૂરિયાતો પર એક પ્રામાણિક ચિત્રણ અને એક બોલ્ડ ફિલ્મ-રિહાઈ !જે લોકો હમણાં જ "ફોર મોર શોટ્સ" જેવી 'એલિટ ફેમિનિઝમ'ની બોટલો ગટગટાવીને "હાય હાય" કરતા હતા, તેમને એકવાર આ જૂની માસ્ટરપીસ જોવાની ભારપૂર્વક ભલામણ છે. અરુણા રાજે નામના દિગ્ગજ વુમન ડિરેક્ટરની 'રિહાઈ ' ફિલ્મ છે
rihae film   ગુજરાતના એક એવા ગામની વાત જ્યાં પુરુષો નથી
Advertisement

Rihae Film - ચાર દાયકા જૂની, છતાં આજના એલિટ ફેમિનિઝમ પર ભારે પડતી ગુજરાતના એક ગામની સુંદર અને સ્ત્રીઓની જાતીય જરૂરિયાતો પર એક પ્રામાણિક ચિત્રણ અને એક બોલ્ડ ફિલ્મ-રિહાઈ !

દરેકનું  વોચ લિસ્ટ હંમેશા લંબાયેલું જ હોય છે. એક તરફ 'સ્ટ્રેન્જર થિંગ્સ ફાઇનલ' અને 'મહારાણી પાર્ટ ૪' જેવા મેગા પ્રોજેક્ટ્સ તો , બીજી તરફ 'ફેમિલી મેન સિઝન ૩' હાથમાં ખેંચાખેંચી કરતું હતું. આ બધાને પડતા મૂકીને, યુટ્યુબના મફત ભંડારમાંથી, અને વોચ લિસ્ટમાં ભગવાન જાણે કેટલા વર્ષોથી સંગ્રહાયેલી 'રીહાઈ' નામની ફિલ્મ જોઈ નાખી. ચાર દાયકા પહેલાંની વડનગર પાસે ઊમતા ગામમાં શૂટ થયેલી એક ગુજરાતી વાર્તા!

Advertisement

જે લોકો હમણાં જ "ફોર મોર શોટ્સ" જેવી 'એલિટ ફેમિનિઝમ'ની બોટલો ગટગટાવીને "હાય હાય" કરતા હતા, તેમને એકવાર આ જૂની માસ્ટરપીસ જોવાની ભારપૂર્વક ભલામણ છે. અરુણા રાજે નામના દિગ્ગજ વુમન ડિરેક્ટરની આ ફિલ્મ છે. સામાજિક વિષયોમાં રસ ધરાવનારાઓએ તો આ કદાચ જોઈ જ હશે, પણ જો ન જોઈ હોય, તો તમે ખરેખર કંઈક ચૂકી રહ્યા છો.

Advertisement

Rihae Film : સ્ત્રીત્વના સૌથી જટિલ અને સંવેદનશીલ પાસાઓને નિર્ભયતાથી રજૂ કરતી ફિલ્મ 

"શું સ્ત્રીની જાતીય જરૂરિયાતો અને તેની પસંદગીની વાત કરવા માટે માત્ર મોર્ડન વેબ-સિરીઝ કે 'એલિટ ફેમિનિઝમ'ના લેબલ જરૂરી છે? કદાચ નહીં. જ્યારે આજના જમાનામાં આપણે 'ફોર મોર શોટ્સ' જેવી સિરીઝ જોઈને પ્રગતિશીલ હોવાનો દાવો કરીએ છીએ, ત્યારે ૪૦ વર્ષ પહેલાંની એક એવી ફિલ્મ આપણી સામે આવે છે જે સ્ત્રીત્વના સૌથી જટિલ અને સંવેદનશીલ પાસાઓને નિર્ભયતાથી રજૂ કરે છે.

ગુજરાતના એક એવા ગામની વાર્તા જ્યાં પુરુષોની ગેરહાજરીમાં સ્ત્રીઓનું 'એકલવાયું આકાશ' અને તેમની કુદરતી જરૂરિયાતો વચ્ચેની ખેંચતાણ છતી થાય છે. આ રિવ્યૂ માત્ર એક ફિલ્મની ચર્ચા નથી, પણ આપણી સામાજિક માનસિકતાના બેવડા ધોરણો અને હેમા માલિની-નસીરુદ્દીન શાહની એ કલાત્મક કેમિસ્ટ્રીની સફર છે, જેમાં 'ધર્મેન્દ્રના ડર'નો એક રમુજી વળાંક પણ છુપાયેલો છે. જો તમે તમારા વોચ લિસ્ટમાં કશુંક અર્થસભર શોધતા હોવ, તો આ લેખ તમારા માટે જ છે."

Rihae Film-વાર્તા ગુજરાતના એક અનોખા ગામની

'રીહાઈ'ની વાર્તા ગુજરાતના એક એવા ગામડાની છે જ્યાં સમય થંભી ગયો હોય એવું લાગે છે. ગામમાં ફક્ત સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો જ રહે છે. યુવાન અને કમાઉ પુરુષો તો વર્ષોથી મુંબઈ હિજરત કરી ગયા છે. તેઓ માંડ વર્ષમાં એકાદ વાર ઘરે આવે છે, ગામમાં કોઈનું મરણ થાય તો પણ હાજર રહી શકતા નથી. આ પરિસ્થિતિમાં ગામની યુવાન સ્ત્રીઓ – પરિણીત, અપરિણીત કે લગ્નયોગ્ય – એકલાપણા અને જાતીય જરૂરિયાતોના વમળમાં ફસાયેલી છે.

એકલવાયાપણાનું  મજબૂર સમાધાન

પતિઓને મુંબઈ પત્ર લખવાના હોય કે ત્યાંથી આવેલા પત્રો વંચાવવાના હોય, ગામની મહિલાઓ ટપાલી જેવા સ્થાનિક પુરુષો સાથે 'સુંવાળા સંબંધો' બાંધવા મજબૂર બને છે. આ એકલાપણાનો ફાયદો ઉઠાવીને, એક દિવસ દુબઈથી એક છેલછબીલો વિધુર યુવક, નસીરુદ્દીન શાહ (તાટમાટ થઈને, કેસેટવાળું ટેપ લઈને!) ગામમાં પાછો આવે છે. મોટાભાગની એકલી સ્ત્રીઓ તેના ચાર્મથી ઇમ્પ્રેસ થઈ જાય છે અને તેની સાથે સંબંધો બાંધે છે.

પરંતુ, એક સ્ત્રી (હેમા માલિની) શરૂઆતમાં તેને બિલકુલ ભાવ આપતી નથી. હેમાને ત્રણ દીકરીઓ છે અને દીકરો નથી, અને જ્યોતિષે તેને કહ્યું છે કે તેના નસીબમાં ચાર જ સંતાન છે, જેમાં ચોથો દીકરો જ આવશે. તેનો પતિ (વિનોદ ખન્ના) પણ અન્ય પુરુષો સાથે શહેરમાં રહે છે અને કમાણીનો મોટો હિસ્સો પ્રોસ્ટીટ્યુટ્સ પાછળ ખર્ચતો હોય છે. અન્ય પુરુષોની પણ આવી જ હાલત છે.

પરિસ્થિતિ વણસે છે...

અંતે, હેમા પણ નસીરુદ્દીનના મોહમાં ફસાય છે. ફિલ્મમાં અન્ય કેટલીક ડિસ્ટર્બિંગ સમાંતર વાર્તાઓ પણ ચાલે છે. પછી એક ઘટના બને છે અને બધા પુરુષો એક સાથે ગામમાં પરત આવે છે. ત્યાં સુધીમાં તો પેલો દુબઈવાળો યુવક જતો રહ્યો હોય છે. પરંતુ હવે વારાફરતી ગામની ઘણી સ્ત્રીઓ ગર્ભવતી હોવાનું ખબર પડે છે. દરેક પતિ પોતાની રીતે આ પરિસ્થિતિનો સામનો કરે છે.

આમાં હેમા માલિની પણ સામેલ છે, જે ફક્ત દીકરો જન્મવાની અંધશ્રદ્ધાના કારણે ગર્ભપાત કરાવવાની મનાઈ કરી દે છે. આ પછી શું થાય છે, તે જાણવા માટે તો તમારે આ ફિલ્મ જોવી જ પડશે!

ધર્મેન્દ્રનો ડર અને એક બોલ્ડ નિર્ણય

આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક રસપ્રદ કિસ્સો બન્યો હતો. અન્ય બધી અભિનેત્રીઓ સાથે ઇન્ટિમેટ દ્રશ્યો આપનાર નસીરુદ્દીન શાહે હેમા માલિની સાથે આવા દ્રશ્યો ફિલ્માવવાની મનાઈ કરી દીધી હતી, કારણ કે તેને ધર્મેન્દ્રનો ડર લાગતો હતો!

ચાર દાયકા પહેલાં, તદ્દન ગ્રામ્ય કક્ષાની અભણ ભારતીય મહિલાઓની જાતીય સ્વતંત્રતા અને જરૂરિયાતો જેવા સંવેદનશીલ વિષય પર ફિલ્મ બનાવવી, તે ખરેખર બિરદાવવા લાયક છે. આજના કહેવાતા આધુનિક સમાજમાં પણ આવા વિષયો પર ખુલ્લી ચર્ચા કરવી મુશ્કેલ છે, ત્યારે આ ફિલ્મ ખરેખર સમયથી ઘણી આગળ હતી.

જો ન જોઈ હોય, તો જોઈ લેજો! આ ફિલ્મ તમને સ્તબ્ધ કરી દેશે અને વિચારવા મજબૂર કરશે.

દરેક ગુજરાતી વિચારતો થઈ જશે કે ગુજરાતની પૃષ્ટભૂમિ પર આધારિત કથાનક અને સુંદર લોકેશનસને પરિણય,સરસ્વતીચંદ્ર,રિહાઈ,મંથન અને રિહાઈ જેવી એવોર્ડ વિનર ફિલ્મોનું નિર્માણ હિન્દીમાં થઈ શકતું હોય તો ગુજરાતની દમદાર વાર્તાઓ,લોકેશન્સ અને કલાકારો હોવા છતાં ગુજ્જુ નિર્માતાઓને થયું છે શું? કેમ એ બધા ગુજરાતી કથાનકોના સ્ટોરી ટેલિંગમાં કાચા પડે છે?

આ પણ વાંચો :ED Action on Online Betting: EDએ યુવરાજ સિંહ અને સોનુ સૂદ સહિતની સેલિબ્રિટીની કરોડોની મિલકત કરી જપ્ત

Advertisement

.

×