TVની સંસ્કારી વહુ અનુપમા પર લાગ્યો માંસાહારનો આરોપ,Rupali Gangulyનો જડબાતોડ જવાબ
- અનુપમા ફેમ રુપાલી ગાંગુલી (Rupali Ganguly ) પર ગંભીર આરોપ
- સુપ્રિમ કોર્ટના સ્ટ્રીટ ડોગ અંગેના નિર્ણયથી નાખુશ રુપાલી ગાંગુલી
- સોશિયલ મીડિયાના યૂઝર્સે કહ્યું, તમે તો માંસાહાર કરો છો, તમે ન બોલો
- રુપાલી ગાંગુલીએ યૂઝર્સને જવાબ આપતા કહ્યું, હું શાકાહારી છું
મુંબઈ: લોકપ્રિય ટીવી સિરિયલ 'અનુપમા'ના મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી (Rupali Ganguly ) જેઓ એક પ્રાણીપ્રેમી છે અને ઘણીવાર સ્ટ્રીટ ડોગ્સ માટે શેલ્ટર હોમ ખોલવાની વાત કરે છે, હાલમાં સુપ્રીમ કોર્ટના એક નિર્ણયને કારણે ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં મોકલવાના તાજેતરના આદેશ પર રૂપાલીએ નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે આ પગલાથી પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા વધી શકે છે તેવી આશંકા વ્યક્ત કરી. જોકે, તેમના આ નિવેદન બાદ કેટલાક યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
રૂપાલીએ જ્યારે સોશિયલ મીડિયા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો, ત્યારે એક યુઝરે તેમને ટ્રોલ કરતા કહ્યું કે, "જ્યારે તમે રોજ ચિકન, મટન, બીફ અને ફિશ ખાઓ છો, તો તમને સ્ટ્રીટ ડોગ્સની સુરક્ષા વિશે બોલવાનો અધિકાર નથી." યુઝરનું કહેવું હતું કે, પ્રાણીઓ પ્રત્યે પ્રેમની વાત બધા પ્રાણીઓ માટે લાગુ થવી જોઈએ.
Rupali Ganguly એ કહ્યું, હું શુદ્ધ શાકાહારી
આ ટ્રોલિંગનો જવાબ આપતા રૂપાલી ગાંગુલીએ (Rupali Ganguly ) ગર્વ સાથે કહ્યું, "મને ગર્વ છે કે હું શાકાહારી છું." તેમણે વધુમાં જણાવ્યું કે, "જે પ્રાણીઓને હું રોજ જમાડું છું, તેમના સ્વાસ્થ્ય અને રસીકરણનું હું પૂરું ધ્યાન રાખું છું. હું પ્રાણીઓ માટે શેલ્ટર અને ગૌશાળા ખોલવાના નિર્ણયને પૂરો સમર્થન આપું છું, અને મારું સમર્થન માત્ર મારા શહેર પૂરતું નહીં, પરંતુ સમગ્ર ભારત માટે છે." રૂપાલીએ ભારપૂર્વક કહ્યું કે, આ પૃથ્વી માત્ર મનુષ્યો માટે જ નહીં, પરંતુ બધા માટે છે.
રાજકારણ અને કારકિર્દી
રૂપાલી ગાંગુલી 'અનુપમા'ના પાત્ર દ્વારા ઘરે ઘરે જાણીતી બની છે અને આ શો ટીઆરપી ચાર્ટમાં ટોચ પર રહે છે. પ્રાણીઓ પ્રત્યેના તેમના પ્રેમ ઉપરાંત, તેઓ રાજકીય રીતે પણ સક્રિય છે. તેમણે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં ઔપચારિક રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં પ્રવેશ કર્યો હતો. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ સીધા રાજકારણમાં નહીં ઉતરે, પરંતુ પાર્ટીના સામાજિક કાર્યોમાં સક્રિય રહેશે. 'અનુપમા' પહેલાં તેઓ 'સંજીવની' અને 'પરવરીશ' જેવી સિરિયલોમાં પણ કામ કરી ચૂક્યા છે અને 'બિગ બોસ સીઝન 1'ના સ્પર્ધક પણ રહી ચૂક્યા છે.