બુધવાર, 14 ઓક્ટોબરના રોજ પ્રસારિત થયેલા આ એપિસોડમાં સલમાને બાળકોની ઇચ્છા, એકલતા અને સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું કે એક દિવસ તેમના પણ બાળકો હશે. આ ખાસ એપિસોડમાં કરિશ્મા કપૂર (Karisma Kapoor) પણ ‘કોફી કાઉચ’ પર જોવા મળી હતી.
સલમાન ખાને એકલતાને લઈને શું કહ્યું?
શો દરમિયાન કરણ જોહરે સલમાન ખાનને એક રસપ્રદ સવાલ પૂછ્યો હતો. તેમણે કહ્યું કે સલમાન ખાન બધાના છે, પરંતુ તેમનું પોતાનું કોણ છે? તેના જવાબમાં સલમાને પોતાના પરિવારનું નામ લીધું હતું. આ પછી કરણ જોહરે પોતાના અંગત જીવનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમની પાસે જીવનસાથી નથી, તેથી તેમને એકલતાનો અનુભવ થાય છે.
જોકે, સલમાન ખાને એકલતાને અલગ દૃષ્ટિકોણથી સમજાવી હતી. તેમના મતે, કોઈ વ્યક્તિ ત્યારે એકલી હોય છે જ્યારે તેની સાથે કોઈ રહેવા માગતું ન હોય. તેમણે કરણને કહ્યું કે તેમની પાસે માતા અને બાળકો છે, તેથી તેમણે પોતાને એકલા ન માનવા જોઈએ. સલમાનના આ જવાબથી વાતચીતમાં પરિવાર અને સંબંધોનું મહત્ત્વ સામે આવ્યું હતું.
એક દિવસ મારાં પણ બાળકો હશે : સલમાન ખાન
વાતચીત આગળ વધી ત્યારે કરણ જોહરે સલમાન ખાનને પૂછ્યું કે શું તેમને પોતાના જીવનમાં બાળકો ન હોવાનો અફસોસ થાય છે? આ સવાલના જવાબમાં સલમાને ભવિષ્ય અંગે પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ચોક્કસ, કોઈક દિવસે મારાં પણ બાળકો હશે. એક દિવસ.” કરણ જોહરે આ વાત ફરીથી પૂછતાં સલમાને ખાતરીપૂર્વક જણાવ્યું કે તેમના પણ બાળકો હશે. કરણ જોહરે પોતાના પિતા બનવાના અનુભવને જીવનના સૌથી મોટા આશીર્વાદ પૈકીનો એક ગણાવ્યો હતો. સલમાને પણ તેમની વાત સાથે સહમતિ દર્શાવી હતી.
સલમાને કહ્યું કે જ્યારે કરણ જોહર પિતા બન્યા ત્યારે તેમને તેમના માટે ખરેખર ખુશી થઈ હતી. તેમણે કરણનાં બાળકોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ મોટા થશે, તેમના જીવનમાં પ્રેમસંબંધો આવશે, તેઓ લગ્ન કરીને પોતાનું ઘર વસાવશે અને આગળ જતાં તેમનાં પણ બાળકો થશે. સલમાને મજાકિયા અંદાજમાં કરણને કહ્યું કે એક દિવસ તેઓ ‘દાદા કરણ’ બનશે.
પોતાના નિર્ણય માટે બીજાને જવાબદાર નથી માનતા સલમાન
આ વાતચીત દરમિયાન સલમાન ખાને પોતાના અંગત જીવન અને સંબંધો અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે જીવનમાં જીવનસાથી ન હોવા માટે તેઓ કોઈ અન્ય વ્યક્તિને જવાબદાર ગણતા નથી. તેમના મતે, કરણ જોહરે પોતાને રોક્યા હતા અને તેમણે પણ પોતાને રોક્યા હતા. સલમાને વધુમાં જણાવ્યું કે તેઓ એવું કહીને ફરિયાદ કરી શકતા નથી કે તેમને કંઈક જોઈતું હતું, પરંતુ આખી દુનિયા તેમની વિરુદ્ધ થઈ ગઈ.
તેમણે સ્વીકાર્યું કે જીવનમાં જીવનસાથી સાથે ન રહેવાનો નિર્ણય તેમનો પોતાનો હતો અને તેઓ પોતાના નિર્ણયથી ખુશ છે. આમ, ‘કોફી વિથ કરણ’ના આ એપિસોડમાં સલમાન ખાનના અંગત જીવનનો એક અલગ જ પાસો જોવા મળ્યો હતો. બાળકોની ઇચ્છાથી લઈને એકલતા અને પોતાના નિર્ણયો સ્વીકારવા સુધીની તેમની વાતોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
આ પણ વાંચો : બોલિવૂડમાં ઇતિહાસ રચાશે, રાષ્ટ્રપતિ ભવનમાં ગૂંજશે રામધૂન, રાજનેતાઓ માટે યોજાશે ફિલ્મ ‘Ramayan’ની ભવ્ય Screening