Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Sanjeev Kumar-The Legend : સંજીવ કુમારના જીવનની એ પરમ વક્રોક્તિ!

"વક્ત સે ડર કર રહે..." વાંચો કે કેવી રીતે સિનેમા જગતના મહાન કલાકાર સંજીવ કુમારે એક દર્દનાક અપમાનને અજોડ અભિનયના વારસામાં બદલી નાખ્યું. જાણો તેમના જીવનની પરમ વક્રોક્તિ (સૌથી મોટી ક્રૂર મજાક) વિશે.
sanjeev kumar the legend   સંજીવ કુમારના જીવનની એ પરમ વક્રોક્તિ
Advertisement
  • Sanjeev Kumar-The Legend : "વક્ત સે ડર કર રહે..." વાંચો કે કેવી રીતે સિનેમા જગતના મહાન કલાકાર સંજીવ કુમારે એક દર્દનાક અપમાનને અજોડ અભિનયના વારસામાં બદલી નાખ્યું. જાણો તેમના જીવનની પરમ વક્રોક્તિ વિશે.
  • સમય કી બલિહારી: ન ભૂતો ન ભવિષ્યતિ... સંજીવ કુમાર!
  • "આદમી કો ચાહિયે વક્ત સે ડર કર રહે... ન જાને કૌન ઘડી વક્ત કા બદલે મિજાજ."

Sanjeev Kumar-The Legend :  વાત છે 1964ની. સુરતના આપણા ગુજ્જુભાઈ હરિભાઈ જરીવાલા(Haribhai Jariwala) એટલે કે 'સંજીવ કુમાર'ની કારકિર્દીની હજુ શરૂઆત જ હતી. નિર્માતા ઉસ્માન અલીની ફિલ્મ 'પતિ પત્ની'માં તેમને કામ મળેલું અને સામે હિરોઈન તરીકે એ સમયની ટોચની અભિનેત્રી નંદા હતી.

એક દિવસ સંજીવ કુમાર(SanjeevKumar) મેટ્રો સિનેમામાં 'લોઅર સ્ટોલ' (નીચેની સસ્તી સીટ)ની ટિકિટ લઈને ફિલ્મ જોવા ગયા. યોગાનુયોગ નંદા પણ ત્યાં ફિલ્મ જોવા આવેલાં. ઇન્ટરવલમાં બંને સામસામે મળ્યા, પણ નંદાએ જાણે સંજીવ કુમારને ઓળખતા જ ન હોય એવું વર્તન કર્યું.

Advertisement

વાત અહીં જ ન અટકી! બીજા દિવસે નંદાએ સેટ પર જઈને ડાયરેક્ટરને કહી દીધું: "આવા મુફલીસ (ગરીબ) માણસ સાથે હું કામ નહીં કરું. ગઈકાલે લોઅર સ્ટોલમાં ફિલ્મ જોવા બેઠેલો. એના કપડાં તો જુઓ... મારા સ્ટેટસનો સવાલ છે!"

Advertisement

એ સમયે ત્યાં હાજર એક આસિસ્ટન્ટે બળતામાં ઘી હોમતા સંજીવ કુમારની ઘડિયાળના પટ્ટા નીચે દબાવેલી બસની ટિકિટ જોઈ લીધી અને મહેણું માર્યું: "અરે! હીરો બનવા આવ્યા છો તો જરા એટીકેટમાં રહો. કાર ન હોય તો કમ સે કમ ટેક્સીમાં તો અવાય ને?"

સંજીવ કુમાર તે દિવસે બધું જ સાંભળીને ચૂપ રહ્યા... કારણ કે સમય તેમનો નહોતો!

Sanjeev Kumar-The Legend :  વિધાતાનો ખેલ અને સમયનો પલટો

સમય હંમેશાં એક સરખો નથી રહેતો. વિધાતાએ એવો પલટો માર્યો કે જે કલાકારને ક્યારેક બસની ટિકિટ માટે અપમાનિત થવું પડ્યું હતું, એ જ સંજીવ કુમાર અભિનયના એ શિખર પર પહોંચ્યા જ્યાં બોલિવૂડના દિગ્ગજો પણ તેમનો સામનો કરતા ખચકાતા!

ફિલ્મ 'વિધાતા' (1982) વખતે સુપરસ્ટાર દિલીપ કુમારને પણ ડર હતો કે સંજીવ કુમાર પોતાની પાવરફુલ એક્ટિંગથી આખી ફિલ્મ પોતાના નામે કરી લેશે, અને એટલે જ ફિલ્મમાંથી સંજીવ કુમારના કેટલાક સીન કાપવામાં આવ્યા હોવાની ચર્ચા આજેય સિનેમા ગલીઓમાં થાય છે. છતાં, પડદા પર જ્યારે પણ બંને સામસામે આવ્યા, સંજીવ કુમાર પોતાની આંખો અને સંવાદોથી છવાઈ ગયા!

Sanjeev Kumar-The Legend : શા માટે સંજીવ કુમાર જેવો કલાકાર "ન ભૂતો ન ભવિષ્યતિ"?

  • રોલની વિવિધતા (રેન્જ): યુવાનીની ઉંમરે, જ્યારે કોઈ હીરો પિતા કે દાદાનો રોલ કરવાની સાહસ ન કરતો, ત્યારે તેમણે 'શોલે'-Sholay માં બંને હાથ વિનાના ખમીરવંતા 'ઠાકુર' બનીને ઈતિહાસ રચ્યો. 'કોશિશ'માં એક પણ શબ્દ બોલ્યા વિના માત્ર આંખો અને ચહેરાના હાવભાવથી આખી દુનિયાને રડાવી દીધી. 'નયા દિન નઈ રાત'માં ૯ અલગ-અલગ પાત્રો ભજવવાનો એવો કીર્તિમાન સ્થાપ્યો જે આજેય અણનમ છે, તો વળી 'અંગૂર'માં તેમની ટાઈમિંગથી અદ્ભુત કોમેડી પીરસી.

  • નવલખી હાર અને નમ્રતાનો કિસ્સો: સમય બદલાયા પછી એક રસપ્રદ કિસ્સો એવો પણ બન્યો કે વર્ષો પછી એ જ અભિનેત્રી નંદા(Nanda)એ સંજીવ કુમાર સાથે ફિલ્મ 'નયા દિન નઈ રાત'માં કામ કરવું પડ્યું. એટલું જ નહીં, જે હરિભાઈ પાસે ક્યારેક બસના ભાડાના પૈસા નહોતા, તેમણે એક ફિલ્મ સાઈન કરતી વખતે આખી રકમ એડવાન્સમાં રોકડી માંગી હતી. જ્યારે પ્રોડ્યુસરે પૈસા આપ્યા, ત્યારે સંજીવ કુમારે એ જ પૈસાથી ઝવેરી બજારમાંથી સાચો નવલખી હાર ખરીદ્યો અને પોતાની માતાના ચરણોમાં મૂકી દીધો હતો. આ હરિભાઈની ખુદ્દારી હતી, અહંકાર નહીં!

  • ડાઉન ટુ અર્થ સ્વભાવ: જિંદગીમાં આટલું મોટું નામ, રાષ્ટ્રીય પુરસ્કારો અને અઢળક સંપત્તિ કમાયા પછી પણ, આપણા આ ગુજ્જુભાઈએ ક્યારેય કોઈ સ્ટ્રગલર, નાના માણસ કે સ્પોટબોય સાથે તોછડું વર્તન નહોતું કર્યું. શૂટિંગના સેટ પર તેઓ ઘણીવાર સ્પોટબોય સાથે બેસીને ચા પી લેતા. તેઓ ક્યારેય પોતાનો ભૂતકાળ અને મુંબઈની ચાલીના દિવસો ભૂલ્યા નહોતા.

વિધાતાની વક્રોક્તિ

જે માણસે પડદા પર અસંખ્ય વાર ઘરડા, પાકટ અને ઉંમરલાયક પાત્રો ભજવીને વાહવાહ લૂંટી, એ હરિભાઈ અસલ જિંદગીમાં ક્યારેય ઘરડા ન થઈ શક્યા. એક કડવું સત્ય એ પણ હતું કે તેમના પરિવારના પુરુષોમાં કોઈ 50 વર્ષથી વધુ જીવી શકતું નહોતું (એક માનસિક ભય તેમના મનમાં સદાય રહેતો). અંતે એ જ થયું, માત્ર 47 વર્ષની નાની ઉંમરે (6 નવેમ્બર, 1985) હાર્ટ અટેકથી તેઓ આ નશ્વર દુનિયાને અલવિદા કહી ગયા.

તેમણે લગ્ન ન કર્યા અને જિંદગીભર પ્રેમ અને એકલતા વચ્ચે ઝૂલતા રહ્યા, પણ જ્યારે ગયા ત્યારે આખા દેશની આંખો ભીની કરી ગયા.

આજે નંદાના એ કથિત અહંકારને કે પેલા આસિસ્ટન્ટના મહેણાંને કોઈ યાદ નથી કરતું, પણ સાદા ઝભ્ભા-લેંઘામાં બસની મુસાફરી કરનારો, હાથમાં સસ્તી સિગારેટ પકડીને સેટ પર ફરનારો એ 'સુરતી લાલો' અને હરિભાઈ આજે પણ વૈશ્વિક સિનેમા જગતનો અમર સિતારો છે! "સમયથી બળવાન કોઈ નથી... વક્ત કી કદર કરો, વક્ત આપકી કદર કરેગા. માટે જ સદાય નમ્ર રહો."

આ પણ વાંચો : Raj Kapoor : સ્ટુડિયોનો એ મજૂર, જેણે આખી સદીને સિનેમા શિખવાડ્યું!

Tags :
Advertisement

.

×