Self Esteem of Geetkar Anjan : 'આપ કે હસીન રુખ પે' ગીત સર્જનની રસપ્રદ ઘટના
Self Esteem of Geetkar Anjan : મોહમ્મદ રફીએ ગાયેલ અમર ગીત 'આપ કે હસીન રુખ પે' પાછળ એક કથા છુપાયેલી છે ગીતકાર અંજાનના જીવનની એક હૃદયસ્પર્શી ઘટના.
आप के हसीन रुख़ पे आज नया नूर है
मेरा दिल मचल गया तो मेरा क्या कुसूर है
आप के निगाह ने कहा तो कुछ ज़रूर है
मेरा दिल मचल गया तो मेरा क्या कुसूर है
खुली लटों की छाँव में खिला खिला ये रूप है
घटा से जैसे छन रही, सुबह सुबह की धूप है
जिधर नज़र मुड़ी, उधर सुरूर ही सुरूर हैं
મોહમ્મદ રફી (Mohammad Rafi)ના મખમલી અવાજમાં ગવાયેલું અને ફિલ્મ 'બહારેં ફિર ભી આયેગી' (૧૯૬૬) નું આ ગીત આજે પણ જ્યારે રેડિયો કે સ્પોટિફાય પર વાગે છે, ત્યારે સાંભળનારનું દિલ સાચે જ આનંદી ઊઠે છે. સંગીતકાર ઓ.પી. નય્યરની સિગ્નેચર ધૂન અને રફી સાહેબની ગાયકીએ આ ગીતને અમર બનાવી દીધું. પરંતુ, બહુ ઓછા લોકો જાણે છે કે આ રોમેન્ટિક ગીતની પાછળ ગીતકાર અંજાનના જીવનનો એક એવો કિસ્સો છુપાયેલો છે, જે ફિલ્મી પડદા કરતાં પણ વધુ નાટ્યાત્મક અને હૃદયસ્પર્શી છે.
Self Esteem of Geetkar Anjan : સંઘર્ષ, સ્વાભિમાન અને પિતાનો પત્ર
હિન્દી સિનેમાના ઈતિહાસમાં ગીતકારો અને લેખકોનું જીવન હંમેશા ભારે સંઘર્ષથી ભરેલું રહ્યું છે. પડદા પાછળ રહીને શબ્દોના જાદુથી કરોડોના દિલ જીતનારા આ કલાકારોને ઘણીવાર પોતાનું ઘર ચલાવવા માટે પણ ઝઝૂમવું પડતું. ગીતકાર અંજાન (જેમણે પાછળથી 'ખઈકે પાન બનારસવાલા' જેવા સુપરહિટ ગીતો આપ્યા) પણ એ દિવસોમાં મુંબઈમાં પોતાનો પગ જમાવવા મથતા હતા.
એવામાં એક દિવસ ગામડેથી તેમના પિતાનો પત્ર આવ્યો. પત્રમાં ખુશીના સમાચાર સાથે એક લાચારી પણ હતી. અંજાનની બહેનના 'ગૌના' (આપણે જેને ગુજરાતીમાં 'આણું' કહીએ છીએ) નો પ્રસંગ નક્કી થયો હતો. પિતાએ દીકરીના પ્રસંગ માટે અંજાન પાસે દોઢેક હજાર રૂપિયા મંગાવ્યા હતા. પિતાએ જીવનમાં પહેલીવાર દીકરા પાસે આશા સાથે હાથ ફેલાવ્યો હતો.
અંજાન હજી ફિલ્મોમાં એટલા સફળ નહોતા થયા કે ઘરમાં પૈસાની રેલમછેલ હોય. ઉપરથી તેમનો સ્વભાવ અત્યંત સ્વાભિમાની! કોઈની પાસે વગર કારણે હાથ લાંબો કરવો તેમના લોહીમાં નહોતું. ભારે મૂંઝવણમાં અચાનક તેમને યાદ આવ્યું કે તેમણે ધૂનોના રાજા ઓ.પી. નય્યર(O.P. Nayyar) માટે એક ગીત લખ્યું છે. હિંમત કરીને તેઓ નય્યર સાહેબ પાસે પહોંચ્યા અને પિતાના પત્રની વાત કરી.
નય્યર સાહેબે રોકડો જવાબ આપ્યો: "તેં ગીત તો આપ્યું છે અને એ સારું પણ છે, પણ એ કઈ ફિલ્મમાં લેવું એ હજી નક્કી નથી..." અંજાન વિલા મોંએ, નિરાશ થઈને પાછા ફર્યા. પિતાને પૈસા કેવી રીતે મોકલવા, એ ચિંતા તેમના મનને કોરી ખાતી હતી.
બાંદ્રાનો એ પાનનો ગલ્લો અને 'તાજ' હોટલની સફર
એ જ સાંજે અંજાન બાંદ્રાના લિંકિંગ રોડ પર આવેલા એક પાનના ગલા પાસે ઊભા હતા. એ જમાનામાં એ પાનનો ગલ્લો લેખકો, શાયરો અને ગીતકારોનો મુખ્ય અડ્ડો ગણાતો. ત્યાં અચાનક એક શાનદાર 'એમ્પાલા' કાર આવીને ઊભી રહી. કારમાંથી ડ્રાઈવર ઉતર્યો અને સીધો અંજાન પાસે આવ્યો: "તમને નય્યર સાહેબ બોલાવે છે."
અંજાન ગાડી પાસે ગયા તો જોયું કે અંદર ઓ.પી. નય્યર અને પાર્શ્વગાયિકા આશા ભોંસલે બેઠેલાં હતાં. નય્યર સાહેબે પ્રેમથી અંજાનને પણ ગાડીમાં બેસાડી દીધા અને ગાડી સીધી મુંબઈની પ્રખ્યાત તાજ હોટલ તરફ દોડવા લાગી.
હોટલમાં પહોંચીને નય્યર સાહેબે પોતાની બેગ ખોલી અને નોટોના બંડલ કાઢીને અંજાનના હાથમાં મૂકવા માંડ્યા. અંજાનના સ્વાભિમાને ફરી માથું ઊંચક્યું. તેમણે નમ્રતાથી ના પાડી: "સરજી, આ પૈસા હું અત્યારે ન લઈ શકું. ગીત રેકોર્ડ થાય અને વપરાય, ત્યાર પછી જ મારાથી આ પૈસા લેવાય."
અંજાનની આ વાત સાંભળીને ઓ.પી. નય્યર ગદગદ થઈ ગયા. તેમણે અંજાનની પીઠ થાબડતા કીધું: "સાલા, તારી આ ખુદ્દારીના કારણે જ તો તું મારો વ્હાલો છે! અત્યારે ચૂપચાપ આ પૈસા રાખી લે અને કાલે બપોરે બે વાગ્યે ફેમસ સ્ટુડિયો પહોંચી જજે."
સ્ટુડિયોમાં સર્જાયો ઈતિહાસ
બીજા દિવસે અંજાન સમયસર ફેમસ સ્ટુડિયો પહોંચી ગયા. સ્ટુડિયોમાં મોહમ્મદ રફી સાહેબ માઈક સામે ઊભા હતા અને ગીતનું રેકોર્ડિંગ શરૂ થયું. અંજાનના શબ્દો અને નય્યરના સંગીતે સ્ટુડિયોમાં જાદુઈ માહોલ સર્જી દીધો. ગીત સુપરહિટ રીતે રેકોર્ડ થઈ ગયું.
રેકોર્ડિંગ પૂરું થતાં જ ઓ.પી. નય્યરે હસતાં હસતાં અંજાનને કીધું: "ચલ, અબ યે પૈસે રખ. અબ તો લેગા ના? ગીત રેકોર્ડ હો ગયા." અંજાન હજી પણ આશ્ચર્યમાં હતા. તેમણે પૂછ્યું: "લેકિન સર, કૌન સી ફિલ્મ કે લિયે?" ત્યારે નય્યર સાહેબે દિલદારીથી જવાબ આપ્યો: "અરે પગલે, ગાના તૈયાર હૈ. આને વાલી કોઈ ભી ફિલ્મ મેં રખ દુંગા!"
પાછળથી આ ગીત ગુરુદત્ત પ્રોડક્શન્સની ફિલ્મ 'બહારેં ફિર ભી આયેગી' માં લેવાયું અને ઈતિહાસ બની ગયું.
આ કિસ્સો માત્ર એક ગીત બનવાની વાર્તા નથી, પણ એ જમાનાના કલાકારોની ખુદ્દારી Self Esteem of Geetkar Anjan અને પરસ્પરના સંબંધોની ગરિમાની જીવતી-જાગતી મિસાલ છે. ગીતકાર અંજાન (જેમનું અસલી નામ લાલજી પાંડે હતું) એ પાછળથી હિન્દી સિનેમાને 'ડોન' (DON), 'મુકદ્દર કા સિકંદર' અને 'નમક હલાલ' જેવી અગણિત ફિલ્મોના યાદગાર ગીતો આપ્યા. તેમના પુત્ર સમીર અંજાન પણ આજે બોલિવૂડ(Bollywood)ના દિગ્ગજ ગીતકાર છે.
પરંતુ, સંઘર્ષના દિવસોમાં જન્મેલું 'આપ કે હસીન રુખ પે...' ગીત હંમેશા અંજાનની એ ખુદ્દારી અને ઓ.પી. નય્યરની દરિયાદિલીની યાદ અપાવતું રહેશે, જેણે એક બહેનનું આણું પણ સાચવ્યું અને હિન્દી સિનેમાને એક ક્યારેય ન ભુલાય એવું નજરાણું પણ આપ્યું.
આ પણ વાંચો : Amitabh Bachchan: નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મનું શૂટિંગ: તાવમાં તપતા અમિતાભ બચ્ચને નહોતો લીધો 1 દિવસનો પણ બ્રેક

