ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી-Television Industry માં કલાકારોના બાકી પેમેન્ટ અને શોમાંથી અચાનક કાઢી મૂકવાના કિસ્સાઓ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં અભિનેતા શહેઝાદા ધામી અને નિર્માતા રાજન શાહી વચ્ચેનો પેમેન્ટ વિવાદ ફરી એકવાર ગરમાયો છે. આ મામલે હવે અભિનેત્રી શિલ્પા શિંદેએ એન્ટ્રી કરી છે અને ઈન્ડસ્ટ્રીના કથિત 'શોષણ' સામે મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.
Shilpa Shinde controversy : ત્રણ વર્ષ બાદ પણ લગભગ 30 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી રાખ્યું
વર્ષ 2023માં 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?' ફેમ અભિનેતા શહેઝાદા ધામીને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. પ્રોડક્શન હાઉસ તરફથી તેમના પર ''Unprofessional' વર્તનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, શહેઝાદાનો દાવો છે કે પ્રોડ્યુસરે તેમનું અપમાન કર્યું હતું અને શો છોડ્યાના ત્રણ વર્ષ બાદ પણ તેમનું લગભગ 30 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી રાખવામાં આવ્યું છે. આ મામલે તેમણે આર્ટિસ્ટ એસોસિએશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સોશિયલ મીડિયા પર ફરી અવાજ ઉઠાવ્યો છે.
"પ્રોડ્યુસર્સ વ્હાઈટ-કોલર માફિયા છે" - શિલ્પા શિંદે
શહેઝાદાના સમર્થનમાં ઉતરેલી શિલ્પા શિંદેએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી ઈન્ડસ્ટ્રીના કાળા ચહેરાને ખુલ્લો પાડ્યો છે. તેમણે કહ્યું:
આર્ટિસ્ટ એસોસિએશનની નિષ્ક્રિયતા: શિલ્પાએ આરોપ લગાવ્યો કે આર્ટિસ્ટ એસોસિએશનના સભ્યો જ પ્રોડ્યુસર્સના પક્ષમાં રહે છે, કારણ કે તેમને કામની જરૂર હોય છે. તેઓ કલાકારોનું રક્ષણ કરવાને બદલે પ્રોડ્યુસર્સના ઈશારે નાચે છે.
ધમકાવવાની નીતિ: શિલ્પાના મતે, ઈન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર્સ 'વ્હાઈટ-કોલર માફિયા' છે. જે કલાકાર અવાજ ઉઠાવે છે, તેને કામ ન આપવાની ધમકી આપવામાં આવે છે.
સબ-સ્ટાન્ડર્ડ વ્યવસ્થા: અભિનેત્રીએ તીખા શબ્દોમાં કહ્યું, "મારે આ ઘટિયા ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું જ નથી. રસ્તા પર શાકભાજી વેચી લઈશ, પણ આવા લોકોની સામે ઝૂકીશ નહીં કે તેમની ખુશામત નહીં કરું."
આત્મહત્યાના કિસ્સાઓ પર પણ ઉઠાવ્યા સવાલ
શિલ્પાએ ઈન્ડસ્ટ્રીમાં બનતી આત્મહત્યાની ઘટનાઓ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે કોઈ કલાકાર દુનિયા છોડી દે છે, ત્યારે આ જ લોકો કેન્ડલ માર્ચ કાઢે છે અને પ્રસિદ્ધિ મેળવે છે. જીવતા હોય ત્યારે કોઈ સાથ આપતું નથી અને મર્યા પછી સહાનુભૂતિનું નાટક કરવામાં આવે છે.
ટીવી ઈન્ડસ્ટ્રીમાં કલાકારોના શોષણનો આ મુદ્દો હવે એક મોટી ચર્ચા બની ગયો છે. એક તરફ જ્યાં પ્રોડ્યુસર્સ કલાકારોના પ્રોફેશનલિઝમ પર સવાલ ઉઠાવે છે, ત્યાં બીજી તરફ શિલ્પા શિંદે જેવા કલાકારો વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને દાદાગીરી સામે ખુલ્લીને મેદાનમાં આવ્યા છે. શું આ મામલે કલાકારોને ન્યાય મળશે કે પછી આ વિવાદ પણ અન્ય વિવાદોની જેમ સમય સાથે દબાઈ જશે? તે જોવું રહ્યું.
આ પણ વાંચો : Movie Aastha : ચીસો વિનાનો સન્નાટો અને તૂટતા વિશ્વાસની વાત