સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે ફરી ગુંજશે કિલકારી? અભિનેત્રી બીજીવાર પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા!
- બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર ફરી એક વખત ગર્ભવતી (Sonam Kapoor Second Pregnancy)
- ટૂંક સમયમાં આ સારા સમાચારની કરી શકે છે જાહેરાત
- બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આ અંગેની ચર્ચાએ પકડ્યૂ જોર
Sonam Kapoor Second Pregnancy : બોલિવૂડની ફેશન આઇકોન અને પ્રતિભાશાળી અભિનેત્રી સોનમ કપૂર અને તેમના પતિ આનંદ આહુજા ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ્સમાંથી એક ગણાય છે. વર્ષ 2022માં સોનમ કપૂરે તેમના પુત્ર વાયુને જન્મ આપ્યો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે સોનમ કપૂર ફરી એકવાર ગર્ભવતી છે અને ટૂંક સમયમાં આ સારા સમાચારની સત્તાવાર જાહેરાત કરી શકે છે.
એક અહેવાલ મુજબ, અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર હાલમાં તેમની બીજી પ્રેગ્નન્સીના બીજા ટ્રાઇમેસ્ટર (second trimester) માં છે. આ અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સમાચાર કપૂર અને આહુજા પરિવાર માટે મોટી ખુશી લઈને આવ્યા છે. જોકે સોનમ કપૂર દ્વારા આ વાતની હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે..
સોનમ-આનંદનો પારિવારિક પ્રવાસ
સોનમ કપૂર અને બિઝનેસમેન આનંદ આહુજાએ લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ મે 2018માં લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ પછી, ઓગસ્ટ 2022માં, તેમના ઘરે પુત્ર વાયુનો જન્મ થયો હતો. ત્યારથી, સોનમ સોશિયલ મીડિયા પર માતા તરીકેની તેમની સફરની ઝલક શેર કરતી રહે છે. તેમણે માતૃત્વના અનુભવની સાથે-સાથે પોતાની ગ્લેમરસ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે પણ સુંદર સંતુલન જાળવ્યું છે.
સોનમ કપૂરે ભાવુક પોસ્ટ કરી હતી (Sonam Kapoor Second Pregnancy)
ઓગસ્ટ 2025માં જ્યારે પુત્ર વાયુ ત્રણ વર્ષનો થયો, ત્યારે સોનમ કપૂરે એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, "હેપ્પી બર્થડે મારા બેબી બોય. તું હંમેશા દયાળુ, જિજ્ઞાસુ અને પ્રેમાળ બની રહે. મારી દુઆ છે કે તારું જીવન હંમેશા પ્રેમ, સંગીત અને ખુશીઓથી ભરેલું રહે. મમ્મા તને ચાંદ-તારાઓ કરતાં પણ વધુ પ્રેમ કરે છે."
સોનમ કપૂરના આગામી પ્રોજેક્ટ્સ
સોનમ કપૂરે વર્ષ 2007માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાવરિયા'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને 'રાંઝણા' તેમજ 'નીરજા' જેવી ફિલ્મોથી પોતાની અભિનય પ્રતિભા સાબિત કરી હતી. લાંબા સમય પછી, 2023માં તે ક્રાઇમ-થ્રિલર ફિલ્મ 'બ્લાઇન્ડ'માં જોવા મળી હતી, જે કોરિયન ફિલ્મની હિન્દી રિમેક હતી. હાલમાં સોનમ કપૂર અનુજા ચૌહાણની નોવેલ પર આધારિત ફિલ્મ 'બેટલ ફોર બિટ્ટોરાનું શૂટિંગ કરી રહી છે, જે ટૂંક સમયમાં રિલીઝ થવાની શક્યતા છે.
આ પણ વાંચો : મારા પિતા ડોનાલ્ડ ટ્રમ્પ છે'! રાખી સાવંતનો મોટો ખુલાસો