Stree-3ની સ્ક્રિપ્ટ થઈ ગઈ લીક , શ્રદ્ધા કપૂરના પાત્રનું નામ થયું જાહેર.....
- સ્ત્રી-2ની સફળતાએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા
- સ્ત્રી-3ની સ્ક્રિપ્ટ લીક થઈ જતા ચકચાર મચી ગઈ છે
- શ્રદ્ધા કપૂરના પાત્રનું નામ શું છે તે જ છે મહત્વનો સવાલ
અમદાવાદઃ ફિલ્મ 'સ્ત્રી' 7 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. તેમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મનો સેકન્ડ પાર્ટ સ્ત્રી-2 ગયા વર્ષે રિલીઝ થયો હતો. બંને પાર્ટ્સને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો અને બોક્ષ ઓફિસ પર ટંકશાળ પાડી દીધી હતી. હવે સ્ત્રી-3ને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ત્રીજા ભાગની સ્ક્રિપ્ટ લીક થઈ ગઈ છે અને શ્રદ્ધા કપૂરના પાત્રનું નામ પણ જાહેર થઈ ગયું છે.
કટપ્પાને બાહુબલી કો ક્યું મારા ? લેવલનો સવાલ...
સ્ત્રી અને સ્ત્રી-2 બંને ફિલ્મો બાદ દર્શકોને એક સવાલ થતો હતો કે, શ્રદ્ધા કપૂરના પાત્રનું નામ શું હતું ? આ સવાલનું બઝિંગ ખૂબ થયું હતું. કહેવાય છે કે બાહુબલી પાર્ટ-1 બાદ જે રીતે કટપ્પાને બાહુબલી કો ક્યું મારા ? સવાલ છવાઈ ગયો હતો. તે જ રીતે આ શ્રદ્ધા કપૂરના પાત્રનું નામ શું હતું ? સવાલ પણ ચોમેર ચર્ચાઈ રહ્યો હતો.
Shraddha Kapoor's character's name revealed Gujarat First---
મેકર્સ સ્ત્રી-3માં શ્રદ્ધાના પાત્રનું નામ જાહેર કરવા માંગતા હતા
સ્ત્રી અને તેની સિકવલ સ્ત્રી-2ના મેકર્સે શ્રદ્ધા કપૂરના પાત્રના નામ અંગે સસ્પેન્સ જાળવી રાખવા બહુ પ્રયત્નો કર્યા છે. જોકે, હવે ફિલ્મની સ્ક્રિપ્ટ સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ છે અને તેમાં શ્રદ્ધાના પાત્રનું નામ પણ ગાયત્રી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ શ્રદ્ધા કપૂરે પણ સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં ચાહકને જવાબ આપ્યો હતો કે 'સ્ત્રી 3'માં પ્રેક્ષકોને તેનું નામ જાણવા મળશે.
આ પણ વાંચોઃ ભરૂચના હર્ષ ઉપાધ્યાયે બોલિવૂડની મ્યુઝિક દુનિયામાં બનાવી નવી ઓળખ
શું છે સ્ત્રી ફ્રેન્ચાઈઝનું કંટેટ ?
અમર કૌશિકે 2018 માં કોમેડી-હોરર ફિલ્મ 'સ્ત્રી'નું દિગ્દર્શન કર્યું હતું. દિગ્દર્શક તરીકે આ તેમની પહેલી ફિલ્મ હતી. તેનું નિર્માણ દિનેશ વિજન અને રાજ અને ડીકે દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં રાજકુમાર અને શ્રદ્ધા ઉપરાંત પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી પણ જોવા મળ્યા હતા. ફિલ્મની વાર્તા અનુસાર ચંદેરી શહેરના દરેક ઘરની દિવાલ પર લખ્યું છે - ઓ સ્ત્રી, કલ આના. કારણ કે જો આ રીતે ન લખાય તો 'સ્ત્રી' તે ઘરના પુરુષને છીનવી લે છે. વિક્કીનું પાત્ર ભજવનાર રાજકુમાર રાવ એક દરજી છે. તેમને એક રહસ્યમય છોકરી મળે છે. તેની મદદથી તે ચંદેરીના લોકોને 'સ્ત્રી' થી મુક્ત કરાવે છે પણ તે 'સ્ત્રી' એટલે કે શ્રદ્ધા કપૂરને તેનું નામ પૂછી શકતો નથી.
સ્ત્રી-2માં પણ શ્રદ્ધાના પાત્રના નામને રખાય છે ગુપ્ત
'સ્ત્રી'ની સિક્વલ સ્ત્રી 2: સરકટે કા આતંક વર્ષ 2024 માં રિલીઝ થઈ હતી. દિગ્દર્શન અમર કૌશિકનું હતું. વાર્તા ફરી જૂના કલાકારો સાથે શરૂ થઈ. આ વખતે ચંદેરીમાં 'સરકટાનો આતંક' ફેલાયો છે. ફિલ્મના આ ભાગમાં પુરુષોની જગ્યાએ સ્ત્રીઓ ગાયબ થઈ રહી છે. શ્રદ્ધા જણાવે છે કે તે એક ડાકણ છે અને તેની માતાને મદદ કરવા માટે ચંદેરી આવી હતી. આ પછી, જતી વખતે, તે વિક્કીના કાનમાં પોતાનું નામ ફફડાવે છે અને ફરીથી મળવાનું વચન આપે છે.
સ્ત્રી-3ની સ્ક્રિપ્ટ થઈ ગઈ લીક
હવે સ્ત્રી ફ્રેન્ચાઈઝના ત્રીજા પાર્ટની સ્ક્રિપ્ટ લીક થઈ ગઈ છે. જેમાં શ્રદ્ધાના પાત્રનું નામ ગાયત્રી હોવાનું જણાઈ આવે છે. જોકે, યુઝર્સ આના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ફિલ્મને હાઇપ આપવા માટે તેને જાણી જોઈને સ્ક્રિપ્ટ વાયરલ કરવામાં આવી છે. બીજા યુઝરે લખ્યું કે, હવે નિર્માતાઓ શ્રદ્ધા કપૂરના પાત્રનું નામ બદલી કાઢશે.
આ પણ વાંચોઃ મેલબોર્ન કોન્સર્ટમાં Neha Kakkar ને ચાહકોની માફી માંગવી પડી, જુઓ Video